અડગ પ્રતિબદ્ધતા અને દૃઢ સંકલ્પ એ કોઈ પણ સફળ લીડરના વ્યક્તિત્વ અને તેની સફળતાનો પાયો છે. એ આપણે જાણીએ પણ છીએ, પરંતુ આપણાથી અડગ રહી શકાતું નથી, પરંતુ કોઈ પણ લીડર માટે અડગ રહેવું આવશ્યક બાબત છે. તો પછી એ માટે કરવું શું? એ માટે કોઈ પ્રેક્ટિસ હશે ખરી? કે લીડર અડગ રહેતા શીખી શકે? તો એ માટે આપણે મહાભારતનું `શાંતિપર્વ' ચકાસવું જ પડે.

શાંતિપર્વમાં ભીષ્મ દ્વારા આપવામાં આવેલી સમજૂતી મુજબ પ્રતિબદ્ધતા એ કોઈ બાહ્ય દબાણ નથી, પણ તે લીડરના આંતરિક ચારિત્ર્યનું પ્રતિબિંબ છે. જ્યારે કોઈ વ્યક્તિ જવાબદારી સ્વીકારે છે, ત્યારે તેની સામે અનેક પ્રલોભનો અને પડકારો આવતા હોય છે, પરંતુ જે લીડર પોતાના આદર્શો અને લક્ષ્યો પ્રત્યે અડગ રહે છે, તે જ સમાજ કે સંસ્થામાં લાંબાગાળાનું પરિવર્તન લાવી શકે છે. લીડરશિપમાં શક્તિ કરતાં પણ વધુ મહત્ત્વ સત્યનિષ્ઠાનું છે. ભીષ્મ ભારપૂર્વક જણાવે છે કે જો લીડરનાં વચન અને કર્મમાં વિરોધાભાસ હોય, તો તે પોતાની ટીમનો વિશ્વાસ ગુમાવી બેસે છે. વિશ્વાસ એ લીડરશિપનું સૌથી કીમતી ચલણ છે, જે માત્ર અડગ પ્રતિબદ્ધતા દ્વારા જ કમાઈ શકાય છે.

કોઈ પણ લીડર માટે સૌથી મોટો પડકાર અનિશ્ચિતતાના સમયે શાંત રહેવાનો અને પોતાના નિર્ધારિત માર્ગ પર ચાલતા રહેવાનો હોય છે. પ્રતિબદ્ધતાનો અર્થ એ નથી કે વ્યક્તિ જડ બની જાય, પરંતુ એ છે કે તે પોતાનાં મૂલ્યો સાથે ક્યારેય બાંધછોડ ન કરે. એક લીડર જ્યારે સંકલ્પ લે છે, ત્યારે તેની અસર માત્ર તેના પોતાના જીવન પર નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા દરેક વ્યક્તિ પર પડે છે. લીડરના વ્યક્તિત્વમાં રહેલી સ્થિરતા આખી ટીમને સુરક્ષાની ભાવના આપે છે. જ્યારે પવન વિરુદ્ધ દિશામાં ફૂંકાતો હોય, ત્યારે લીડરની અડગતા જ નૌકાને ડૂબતી બચાવે છે. પ્રતિબદ્ધતા એટલે મુશ્કેલીઓ જોઈને રસ્તો બદલવાને બદલે, રસ્તામાં આવતા અવરોધોને પાર કરવાની ક્ષમતા કેળવવી. ભીષ્મના મતે જે લીડર ક્ષણિક સુખ કે સ્વાર્થ માટે પોતાના સિદ્ધાંતો ત્યજી દે છે, તે ક્યારેય પ્રભાવશાળી નેતૃત્વ કરી શકતો નથી. લીડરશિપ એ કુલડીમાં ગોળ ભાંગવા જેવી પ્રક્રિયા નથી, તેમાં લોખંડી પુરુષ જેવી મક્કમતાની જરૂર હોય છે.

લીડરશિપમાં `સેલ્ફ-ડિસિપ્લિન' એટલે કે આત્મ-અનુશાસન એ પ્રતિબદ્ધતાનું અવિભાજ્ય અંગ છે. જે વ્યક્તિ પોતાની જાત પર કાબૂ મેળવી શકતી નથી, તે બીજા પર પ્રભાવ પાડી શકતી નથી. એક સફળ લીડર બનવા માટે મન પર વિજય મેળવવો અનિવાર્ય છે. ભીષ્મ સમજાવે છે કે જ્યારે તમારી પાસે સત્તા હોય, ત્યારે ભ્રષ્ટ થવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે. એ સમયે લીડરની પ્રતિબદ્ધતાની ખરી કસોટી થાય છે. સાચો લીડર એ છે જે સત્તાના નશામાં ચૂર થયા વગર પોતાના કર્તવ્યને જ પરમ ધર્મ માને છે. પ્રતિબદ્ધતા એ માત્ર શબ્દોની માયાજાળ નથી, પરંતુ તે એક એવી ઊર્જા છે જે લીડરને થાકવા દેતી નથી. જ્યારે ટીમ હારી જવાની અણી પર હોય, ત્યારે લીડરની આંખોમાં રહેલી દૃઢતા જ ફરીથી લડવાની પ્રેરણા આપે છે. આ પ્રકારનું નેતૃત્વ ત્યારે જ જન્મે છે જ્યારે લીડર પાસે ઊંડું આત્મચિંતન અને સ્પષ્ટ ઉદ્દેશ્ય હોય.

સામાજિક કે વ્યાવસાયિક ક્ષેત્રે લીડરશિપ કરતી વખતે અનેક વખત નૈતિક દ્વિધા ઊભી થતી હોય છે. આવા સમયે શું કરવું તે માટે ભીષ્મની ટિપ્સ ખૂબ કામ લાગે છે. તેઓ કહે છે કે લીડરે હંમેશાં લોકકલ્યાણને કેન્દ્રમાં રાખવું જોઈએ. પોતાની પ્રતિજ્ઞા કે પ્રતિબદ્ધતા પાછળનો હેતુ જો પવિત્ર હોય, તો તેને પૂરી કરવા માટે દેવતાઓ પણ મદદ કરે છે, પરંતુ જો પ્રતિબદ્ધતા માત્ર અહંકાર સંતોષવા માટે હોય, તો તે વિનાશ નોતરે છે. એટલે કે લીડરશિપમાં પ્રતિબદ્ધતાની સાથે વિવેકબુદ્ધિ હોવી પણ એટલી જ જરૂરી છે. એક લીડર તરીકે જ્યારે તમે કોઈ નિર્ણય લો છો, ત્યારે તેનાં પરિણામોની જવાબદારી સ્વીકારવાની હિંમત હોવી જોઈએ. અધવચ્ચેથી મેદાન છોડી જનાર ક્યારેય ઈતિહાસ રચી શકતા નથી. ઈતિહાસ માત્ર એવા લીડર્સને યાદ રાખે છે જેમણે પોતાના રુધિરના છેલ્લા ટીપા સુધી પોતાની વિચારધારા અને પોતાના લોકો પ્રત્યેની વફાદારી નિભાવી હોય.

લીડરશિપમાં અડગતાનું બીજું પાસું છે ધૈર્ય. કોઈ પણ મોટું કાર્ય એક દિવસમાં સિદ્ધ થતું નથી. પ્રતિબદ્ધતા એ લાંબી રેસના ઘોડા જેવો ગુણ છે. શરૂઆતમાં ઉત્સાહમાં આવીને વચનો આપવા સરળ છે, પણ વર્ષો સુધી તે જ જુસ્સા સાથે કાર્યરત રહેવું મુશ્કેલ છે. ભીષ્મ અનુસાર લીડરે શરદ ઋતુના વાદળ જેવું ન થવું જોઈએ, જે માત્ર ગર્જના કરે છે પણ વરસતાં નથી, પરંતુ તેણે ચોમાસાના વાદળ જેવું બનવું જોઈએ જે ગંભીર રહીને પૃથ્વીને તૃપ્ત કરે છે. લીડરશિપમાં વાણી કરતાં વર્તન વધુ પ્રભાવશાળી હોય છે. જ્યારે નીચેના લોકો જુએ છે કે તેમનો લીડર દરેક વિપત્તિમાં અડગ ઊભો છે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ અનેકગણો વધી જાય છે. પ્રતિબદ્ધતા એ લીડરના ચરિત્રની સુગંધ છે,

જે દૂર-દૂર સુધી ફેલાય છે અને લોકોને આકર્ષે છે.

ઈનશોર્ટ ભીષ્મની આ ટિપ્સનો સાર એ છે કે લીડરશિપ એ ભોગ વિલાસનું સાધન નથી, પણ તે એક તપસ્યા છે. જે રીતે અગ્નિમાં તપીને સોનું શુદ્ધ બને છે, તેમ પડકારો અને ટીકાઓના તાપમાં તપીને લીડરની પ્રતિબદ્ધતા વધુ તેજસ્વી બને છે. જો લીડર પોતાના માર્ગ પર મક્કમ રહે, તો તે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. નેતૃત્વના આ ઉચ્ચતમ સ્તર સુધી પહોંચવા માટે આંતરિક શુદ્ધિ અને લક્ષ્ય પ્રત્યેનું સમર્પણ અનિવાર્ય છે. એક લીડર જ્યારે પોતાની અંગત સુખ-સુવિધાઓનો ત્યાગ કરીને પોતાની ફરજ પ્રત્યે સમર્પિત થાય છે, ત્યારે જ તે ખરા અર્થમાં લીડર કહેવાય છે. આ અડગતા જ લીડરશિપને અમર બનાવે છે અને આવનારી પેઢીઓ માટે માર્ગદર્શક સ્તંભ તરીકે કાર્ય કરે છે. માટે જ દરેક લીડરે પોતાના જીવનમાં ભીષ્મ જેવી અડગતા અને કર્તવ્યનિષ્ઠા ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી તે એક મજબૂત અને પ્રેરણાદાયક નેતૃત્વ પૂરું પાડી શકે.