જંકફૂડમાં ટામેટાંના સોસનું વધુ મહત્ત્વ છે, કારણ કે જે તે જંકફૂડને વધુ સ્વાદિષ્ટ બનાવવા ટામેટાંના સોસનો ઉપયોગ વધુ માત્રામાં થતો હોય છે.
પરંતુ શું તમને ખબર છે આ જ ટામેટાંમાંથી બાયોલેધર પણ બને છે અને તે વોટરપ્રૂફ પણ હોય છે. એટલું જ નહીં, પરંતુ આ બાયોલેધર પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ હોય છે. બાયોલેધર બનાવવા માટે ટામેટાંની છાલ, પલ્પ તેમજ તેના બીજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ તમામ વસ્તુઓને પહેલાં તો સૂકવવામાં આવે છે પછી તેનો કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ તેને પાઉડરમાં ફેરવવામાં આવે છે અને તેને ખાસ પ્રવાહી સાથે ભેળવીને જેલ બનાવવામાં આવે છે. હવે જેલને પાતળા સ્તરમાં પાથરીને ફરીથી સૂકવવામાં આવે છે. અલબત્ત, આ જેલ સુકાયા બાદ તે ચામડાની જેમ જ એકદમ મજબૂત અને લવચીક બની જાય છે. એક રીતે આ બાયોલેધર ગ્રીનહાઉસના ઉત્સર્જનને ઘટાડે છે અને પ્રાણીઓ પર થતી હિંસામાં ઘટાડો પણ કરે છે. ટામેટાંમાંથી બનાવવામાં આવતા બાયોલેધરથી શૂઝ, કપડાં અને અન્ય ફેશનેબલ એક્સેસરીઝ બનાવવામાં આવે છે. હાલમાં ઘણી કંપનીઓ ટામેટાંમાંથી અલગ અલગ રીતે બાયોલેધર બનાવી રહી છે.
વધુ વેગે ઘોડા દોડે તે માટે કરાયું જિન એડિટિંગ
છેલ્લા કેટલાંક વર્ષોથી જે તે પ્રાણીઓના ડીએનએ પર જાતજાતના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલાં અાર્જેન્ટિનાની રાજધાની બ્યૂનસ આયર્સમાં વૈજ્ઞાનિકોએ પહેલીવાર ઘોડાના ડીએનેએને CRISPR-Cad9 ટેક્નિક દ્વારા એડિટ કરવાનો પ્રયોગ હાથ ધર્યો હતો. આ દુનિયાના એવા પહેલા ઘોડા છે જેને CRISPR એડિટેડ ઘોડા તરીકે ઓળખવામાં આવે છે. આ અેડિટિંગથી તેને દુનિયાના સૌથી ઝડપીમાં ઝડપી ઘોડામાં તબદિલ કરવાની કોશિષ કરવામાં આવી છે. CRISPR-Cad9 એક એવું જિન એડિટિંગ છે, જેમાં ડીએનએને ખૂબ જ સટિક રીતે કાપીને તેમાં કોઇ પણ પ્રકારનો બદલાવ લાવી શકાય છે. પહેલાં આ પ્રયોગ માત્ર પ્રયોગશાળામાં રિસર્ચ માટે કરવામાં આવતો હતો, પરંતુ હવે તેનો પ્રયોગ પશુઓમાં પણ કરવામાં આવી રહ્યો છે. અલબત્ત, આ એડિટિંગ ટેક્નિકથી પાંચ CRISPR એડિટેડ ઘોડા પેદા પણ કરવામાં આવ્યા છે. જેમના ડીઅનેએમાં Myostatin નામનું જિન બદલવામાં આવ્યું છે. આ જિન માંસપેશીઓના વિકાસને નિયંત્રિત કરે છે અને એડિટ કરવાથી ઘોડાની દોડવાની ગતિમાં વધારો પણ થાય છે. આ પાંચ ઘોડા ફેમસ પોલો ઘોડો `Polo Pureza'ના ક્લોન છે! જોકે, આ જિન એડિટિંગથી ત્યાં મોટો વિવાદ પણ સર્જાયો છે.
102 વર્ષે પણ પર્વત સર કરી જ શકાય
એક કહેવત છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને તે કહેવત સાર્થક કરી છે જાપાનના જૈફ વય ધરાવતા કોકિચી અકુજાવાએ! કારણ કે તેઓ 102 વર્ષ ધરાવે છે અને તેઓ આ ઉંમરે પણ જાપાનની સૌથી ઊંચી ચોટી ધરાવતા માઉન્ટ ફૂજીને સર કરી ગયા. અલબત્ત, સૌથી વૃદ્ધ વયે આ પર્વત ચડવાનો તેમણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવી દીધો છે. નોંધનીય છે કે, માઉન્ટેન ફૂજીની ઊંચાઇ અંદાજિત 3,776 મીટર (12,389 ફૂટ) છે. આ પર્વત સર કરવા માટે અકુજાવા તનતોડ મહેનત પણ કરતા હતા. જેમાં તેઓએ પર્વતારોહણ માટેની ટ્રેનિંગ પણ લીધી અને આ દરમિયાન તેઓ એક પણ દિવસ સ્કિપ કર્યા વગર વહેલી સવારે પાંચ વાગ્યે વોક પર જતા હતા. વધુમાં એક સપ્તાહમાં એકવાર ફરજિયાત થોડા થોડા અંતર સુધી પહાડ પણ ચઢતા હતા. તેમણે આજના યુવાનોને પણ સંદેશ આપ્યો હતો કે તમે જો કોઇ પણ કામ ડિસિપ્લિન અને મહેનત દ્વારા કરો છો તો તમને ચોક્કસ સફળતા મળે છે. ઉલ્લેખનીય છે કે, અકુજાવાએ 96 વર્ષની વયે પણ વર્ષ 2017માં માઉન્ટ ફૂજી સર કર્યો હતો.