ઘોર અંધારી રાતે માઢમેડીના ઝરૂખે એક દીવડો પ્રગટી રહ્યો હતો. આ વેળા નારસંગના માથેથી એક ચીબરી કાન ચીરી નાખે એવો ચહકારો કરીને ઊડી હતી. વાતાવરણ ડહોળાઈ ગયું હતું. છાતીમાં બંદૂકની ગોળી ધરબી દે તો પણ થડકે નહીં એવો નરબંકો નારસંગ થથરી ગયો હતો. અપશુકન થયાનું સમજી, આણાંતના ઓરડે જાવું કે પછી આવ્યો તે મારગે પાછા વળી જાવું તેની અવઢવ અનુભવવા લાગ્યો હતો.

નારસંગને જીવતો કે મરેલો ઝબ્બે કરવા ગામની ચારેકોર દેશી રાજવાડા સાથે એજન્સીનો ઝપતો લાગી ગયો હતો. આવી નાકાબંધી વીંધી નારસંગને નવેલી આણાંતના ઓરડે પહોંચવું જીવસટોસટની બાજી ખેલવા જેવું હતું. છતાંય ગામ પછવાડેના અવાવરું વાડામાં છીંડું પાડી, ઘરની લગોલગ પહોંચી ગયો હતો, પણ ત્યાં ચીબરીની કારમી ચીસે ભડભાદર જેવો નારસંગ ડરી ગયો હતો. ઢાલ સમી છાતી ફફડી ઊઠી હતી.

દેશની આઝાદી માટે નારસંગ માથે રાજ અને એજન્સી વિરુદ્ધ કાવતરું રચી, ઊથલાવી પાડવાનો આરોપ હતો. તેને જીવતો કે મૂઓ પકડી પાડવા મોં માગ્યું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

સમાજની રસમ મુજબ નારસંગની વહુને આણું વાળીને લાવવામાં આવી હતી. નારસંગ કોઈ પણ સંજોગોમાં તેની નવેલી નારને મળવા આવશે, એવું સમજી ખોબા જેવડા ગામની ચારેકોર સિપાઈઓનો ભરી બંદૂકે ચોકી-પહેરો લાગી ગયો હતો, પણ નારસંગ તો પછવાડે છીંડું પાડી, વંડી ઠેકીને ઓરડા અંદર આવી પૂગ્યો હતો, પણ તેને કોઈ અમંગળ ઘટનાનાં એંધાણ વર્તાઈ રહ્યાં હતાં. પકડાઈ જાશે તો નક્કી ફાંસીએ ચઢાવશે!

આ બાજુ આણું વળીને આવેલી રાણી ઊંચા ને પહોળા ઓરડામાં ઢાળેલા ઢોલિયાની પંગતના પાયે માથું ટેકવીને બેઠી હતી. તેનો ભરત ભરેલો ઘેરદાર ઘાઘરો પથરાઇને પડ્યો હતો. ભાતીગળ કાપડાના કમખે આળેખેલા મોર જાણે ટહુકા કરી રહ્યા હતા. ચૂંદડીએ ટાંકેલાં આભલાં, ટમટમતા દીવડા સાથે આંખ મીંચામણાં કરી રહ્યા હતા. નવોઢાના હૈયામાં વરસાદનાં ફોરાં જેવા સ્પંદન પ્રગટી રહ્યાં હતાં. કાળજે ત્રણ તસુ પાણી હતું, ડુંગર જેવો ભરોસો હતો. આભ ફાડીને પણ નારસંગ ઓરડે આવશે! રાણી બારી સામે મીટ માંડીને બેઠી હતી. જરીક પણ સંચાર થાય તો સ્થિતિને પહોંચી વળવાની તેની તૈયારી હતી. પોતાના સરવા કાને સાંભળ્યા પછી ઝટ દઈ નીચે જોઈ દોરડું નાખ્યું હતું ને નારસંગ પળના પલકારામાં ઉપર આવી ગયો.

`મુને ગળા લગી ભરોસો હતો, આભ ફાડીનેય તમે આવશો.' રાણીના કહેવા સામે નારસંગ પાસે કોઈ શબ્દો નહોતા. એક તો હણહણતા અશ્વ જેવા યૌવનનો ઉન્માદ ને બીજી બાજુ રજવાડા સામે બાથ ભીડ્યાનો બળાપો પીડતો હતો. પળપળની ગણતરી થાતી હતી. વળી મળ્યાં ને હવે મળવું મુશ્કેલ હતું, તેથી આછો ઉજાસ પાથરતા દીવડાને રાણો કર્યો ને વિયોગી ધરા માથે અષાઢી આભ અનરાધાર વરસી પડ્યો હતો.

ઓરડાની ચારેય દીવાલો ભેગી થઇ રંગીન ઢોલિયા માથે ઢળી પડી હતી. કાળી રાત પણ ઝોકે ચઢી ગઈ હતી. નદીનાં જળ પણ જંપી ગયાં હતાં. તન, મન ને ભવની ભૂખ ભાંગ્યાનો નરવો ઓડકાર છેક નાભિએ પ્રગટ્યો હતો, પણ વળતી પળે, બરછી જેવી ફડક રાણીના કૂણા કાળજા પર કરવત ફેરવી ગઈ હતી.

`નાથ! ઉઠો ને અળગા થાવ.' રાણીએ કોચવાતાં મને કહ્યું હતું: `મારું હાલે તો એક પળ પણ આઘા કે અળગા ન કરું. પાંપણના પડદે રાખી, હૈયાના હિંડોળે હીંચકાવું, પણ...' તેની કાજળમઢી આંખોમાં આંસુ ઊભરાવા લાગ્યાં હતાં. નારસંગથી બોલાયું હતું: `મોત આવે તોય મંજૂર છે, પણ તને મૂકી હવે જાવું નથી!'

`ના.' રાણી સફાળી બેઠી થઇ ગઈ હતી: `મારા કંથનું આવું મોત મને મંજૂર નથી!' ઠરી ગયેલા ઓરડાના આછા ઉજાસમાં નારસંગ રાણીના મનોભાવને ફંફોસવા લાગ્યો હતો. ત્યાં રાણી બોલી હતી: `રાજ સામે બાથ ભીડનાર ભડવીર, આણાંતના ઓરડે રંગત માણતો પકડાય એ તો નામોશી ગણાય.' આગળ બોલી નહોતી, પણ નારસંગ તાત્પર્ય પામી સબળ બેઠો થઇ ગયો હતો. કેડે કટારી ખોશી ને હાથમાં દેશી તમંચો લીધો હતો. પછી રાણી સામે જોયું હતું, પણ મનમાં એક વાત વીજળીની જેમ ઝબકારો કરી ગઈ હતી ને ઘર પછવાડેથી ભાગી છૂટવાનો નિર્ણય ફેરવી નાખ્યો હતો: `મારે ગામમાંથી સામી છાતીએ નીકળવું પડશે.' રાણી કંઈ સમજી નહોતી. `હું સંતાઇને નીકળી જાઉં, તો કોને ખબર પડે આ ઓરડે રાત રોકાયો હતો તેની!' આગળ કહે: `પણ આભ ને ગાભ ઝાલ્યાં ન રહે, સૂરજ ઢાંક્યો ન ઢંકાય તો તારું સાચું કોણ માનશે?'

નારસંગનું કહેવું રાણીને ઘટોઘટ સમજાઈ ગયું હતું: `ઉપરવાળો તો જાણે છેને.'

`મારું જે થાવું હોય ઈ થાય.' રાણીએ કળપતા સાદે કહ્યું હતું: `પણ તમારે ઈ રાજનું એંઠું ખાનારા સિપાઈઓના હાથે પકડાવું નથી.' પણ રાણી ના પાડતી રહી છતાંય તેનું કહેવું ગણકાર્યા વગર નારસંગ બારણું ઉઘાડીને સડસડાટ કરતો બહાર નીકળી ગયો હતો.

નારસંગના ગયા પછી ઘર આખું જાગી ગયું હતું. ગામમાં ગોકીરો થયો હતો. ઉગમણી દિશામાં ઉઘાડ થયો હતો. સામેથી પકડાયેલા નારસંગને સિપાઈઓ લઇ જાતા હતા. બારીએ ઊભી રાણી પોતાના પંડ્યમાં બીજ વાવી જનાર નરવીરને ભાવભીની નજરે જોઈ રહી હતી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો