અક્કલકરો આપણે ત્યાં થતો નથી. તેને ઉત્તર આફ્રિકા, મોરક્કો અને અલ્જીરિયાથી આપણે ત્યાં આયાત કરવામાં આવે છે.

આ આયાતી અરબી અક્કલકરાનાં મૂળ આપણે ત્યાં બજારમાં મળી રહે છે. આયુર્વેદીય મતે આ અક્કલકરો જીભની જડતા-તોતડાપણાંનું ઉત્તમ ઔષધ છે. તેમજ બાળકોનાં મુખ-મોઢાના તથા વાયુ અને કફજન્ય બીજા ઘણા રોગોનું પણ તે ઉપયોગી ઔષધ છે.

ગુણકર્મો

અક્કલકરાનાં મૂળ 2થી 3 ઇંચ લાંબા હોય છે, જે બહારથી ભૂખરા રંગના અને તોડીને જોતાં અંદરથી સફેદ હોય છે. મૂળને સહેજ ચાખવા-ચાવવાથી પણ મોઢામાં તમતમાટી-ચમચમાટી થાય છે. તેમજ લાળનો ખૂબ જ સ્રાવ થાય છે. આપણે ત્યાં કેટલાક વેપારીઓ જાણતાં-અજાણતાં આવા જ ગુણોવાળો બનાવટી અક્કલકરો પણ વેચતા હોય છે, જેના ઉપયોગથી ઔષધીય ગુણો પ્રાપ્ત થતા નથી.

આયુર્વેદીય મતે અક્કલકરો સ્વાદમાં તીખો, ગરમ, બળ આપનાર, શુક્ર સ્તંભક અને માસિક લાવનાર છે. તે વાયુ, કફ, સોજો, જીભની જડતા, અડદિયો વા, પક્ષાઘાત, કંપવા, અપસ્માર - વાઈ, મસ્તક અને દાંતની વેદના, મુખ દુર્ગંધ, સંધિવા, આમ વાત વગેરે વાયુ - કફજન્ય વિકારોમાં ઉપયોગી છે. અક્કલકરામાં એક `પાયરેથ્રીન' નામનું તત્ત્વ મળી આવે છે, જે તેને ઉપરોક્ત ઔષધીય ગુણો પ્રદાન કરે છે.

ઉપયોગો

અક્કલકરો જીભની જડતા કે તેમાં રહેલા વાયુને દૂર કરે છે. જે બાળકો સ્પષ્ટ બોલતા કે ઉંમર પ્રમાણે બરાબર બોલતા ન હોય, બોલવામાં અચકાતા હોય કે અન્ય કોઈ બોલવા સંબંધી તકલીફથી પીડાતા હોય તેમને એક ચપટી અક્કલકરાના મૂળનું ચૂર્ણ સવાર-સાંજ મધ સાથે ચટાડવું. થોડા દિવસમાં જીભનો વાયુ શાંત થતાં બાળક ચોખ્ખું બોલવા લાગશે.

અક્કલકરોમાં એક ખાસ કામોદ્દીપન ગુણ રહેલો છે. એટલે વાજીકરણ ઔષધોમાં બીજાં ઔષધો સાથે તે ખૂબ જ પ્રયોજાય છે. તે શુક્રાણુઓની વૃદ્ધિ કરનાર અને વીર્યની ગુણવત્તાને સુધારનાર છે. એ સિવાય અક્કલકરો માનસિક તાણને પણ દૂર કરનાર હોવાથી કેટલાક યૌનરોગોમાં ઉત્તમ પરિણામ આપનાર છે. ઔષધ તરીકે અક્કલકરો એકલો પણ એટલો જ ઉપયોગી છે. મધ સાથે તેનું પા ચમચી જેટલું ચૂર્ણ સવાર સાંજ ચાટી જવું. કામ શિથિલતા દૂર થશે.

દાઢ દુખતી હોય તેમાં પણ અક્કલકરો સારું પરિણામ આપે છે, કારણ કે તેમાં એક અનોખો `વેદનાસ્થાપન' ગુણ રહેલો છે. ઔષધમાં રહેલા દુખાવો મટાડવાના ગુણને આયુર્વેદમાં વેદનાસ્થાપન કહે છે. સડીને દાઢ પોલી થઇ ગઈ હોય તો અક્કલકરાનું ચૂર્ણ મધમાં મેળવીને દુખતા ભાગ પર લગાવવું. કળતર- દુખાવો શાંત થઇ જશે.

પેઢા-મસૂડાના સોજામાં અક્કલકરો ઉત્તમ પરિણામ આપનાર ઔષધ છે. જેમના અવળા-પેઢા અવારનવાર સૂજી જતા હોય તેમણે અક્કલકરાના મૂળનું ચૂર્ણ ઘરમાં રાખવું. પેઢા-મસૂડામાં સોજો આવે તો આ ચૂર્ણમાં થોડું સિંધવ મેળવીને તેના પર ઘસવું અથવા દાબી રાખવું. આ ઉપચારથી સોજો અને વેદના ઓછાં થઇ જાય છે.અક્કલકરાના મૂળ અથવા ફૂલને મોઢામાં રાખીને ધીમે ધીમે ચૂસવાનો એક પ્રાચીન ઉપચાર છે, જે કંઠ અને સ્વરને સુરીલો બનાવવામાં મદદરૂપ થાય છે. અક્કલકરો કંઠ અને ગળાની માંસપેશીઓને બળ પ્રદાન કરીને શબ્દોને સ્પષ્ટરૂપથી બોલવામાં મદદ કરનાર છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો