સંબંધ એટલે જ્યાં બધું સમાન છે, જવાબદારી છે, હક, તક અને સ્વતંત્રતાની લાગણી બંને વ્યક્તિ માટે એકસરખી છે. તેમ છતાં બે વ્યક્તિની રસ-રુચિ, ક્ષમતા અને સ્વભાવ અલગ-અલગ હોવાથી બહુ ઓછા સંબંધો સમાનતાના સમાંતર પાટા પર ચાલે છે. જ્યાં અસમાનતાના પાટા વધારે પહોળા થતા જાય ત્યાં સંબંધો અધિક સમસ્યાગ્રસ્ત બને છે. ખાસ કરીને જ્યારે જવાબદારીનો ભાર એક પાર્ટનર પર વધારે આવે ત્યારે વ્યક્તિનાં સ્વભાવ, વર્તન અને વ્યવહારમાં ધીરે-ધીરે ન સમજાય અને ન ગમે એવું પરિવર્તન આવે છે. જવાબદારીના અતિ બોજ માટે અંગ્રેજીમાં ઓવર ફંક્શનિંગ શબ્દ વપરાય છે. આ શબ્દ એવી સ્થિતિ માટે વપરાય છે જ્યાં એક જ પાર્ટનર દૈનિક જવાબદારીનો સઘળો બોજ ઉઠાવે છે. કઠિન વાતચીતની શરૂઆત પણ એ જ કરે છે અને સંબંધોમાં આવતી સમસ્યાઓને પણ એ જ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે બીજો પાર્ટનર પ્રશ્નો-ગૂંચવણોને નજરઅંદાજ કરી પોતાનામાં મસ્ત રહે છે. એને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે મારો પાર્ટનર એની શક્તિ કરતાં વધારે જવાબદારી નિભાવે છે.

જે લોકો કામનું, જવાબદારીનું ઓવર બર્ડન લે છે તેઓ એવું માને છે કે અગર તેઓ બ્રેક લેશે તો ઘર-પરિવારમાં બધું વિખેરાઈ જશે. આવનારી સમસ્યાઓ માટે પહેલેથી પ્લાનિંગ કરશે. પોતાનાં પર્સનલ કામો અને જરૂરિયાતોને ઇગ્નોર કરશે અને પોતાની માનસિક અને ભાવનાત્મક શક્તિ કામ પાછળ ખર્ચશે. દાખલા તરીકે ઘરે મહેમાન જમવા આવવાના હોય તો પત્ની જ બધી જવાબદારી લેશે, ભલે એ પણ વર્કિંગ વુમન હોય. પત્ની ગમે તેવી કેપેબલ હોય તો પણ વધારાના બોજથી એ સ્ટ્રેસમાં આવશે. એને થાક લાગશે. સમયની અછત વર્તાશે વગેરે વગેરે, પરંતુ બીજી બાજુ એને બીજાના કામ પર ભરોસો નથી એટલે એ સ્વીટ્સ લાવવા જેવું કામ પણ અન્યને સોંપતી નથી અને થાક, તણાવ અને નિરાશામાં ઘેરાય છે. બધી જ જવાબદારી લેવાથી ઘણીવાર કામ બગડે છે અને અન્યનું સાંભળવું પણ પડે છે. એનો મતલબ એ થયો કે જવાબદારી લેવી જેટલી મહત્ત્વની છે એથી વધુ જવાબદારી વહેંચવાની કળા છે.   

બીજું, જ્યારે કોઈ પણ વ્યક્તિ સંબંધમાં વધારે જવાબદારી ઉઠાવે છે ત્યારે એમાં કડવાશ જમા થતી રહે છે અને પાર્ટનર પ્રત્યે જાણ્યે-અજાણ્યે, કારણ-અકારણ નારાજગી જન્મે છે. વ્યક્તિને એ ખબર જ નથી પડતી કે એકહથ્થુ જવાબદારી અને કદરનો અભાવ પાર્ટનર પ્રત્યે નારાજગી જન્માવે છે. કોઈકવાર સમજમાં આવે પણ છે કે હું જવાબદારી લઉં છું એનો બધા ગેરલાભ ઉઠાવે છે. હું કામમાં વ્યસ્ત રહું છું અને તેઓ ચીલ કરે છે, પણ ઝઘડો ટાળવા કે શાંતિ જાળવવા માટે મનની વાત દબાવી રખાય છે. અગર તમે સક્ષમ છો, જવાબદારી તમને થકવતી નથી અને હું બધું કરી શકું છું એવો ઈગો અંદરથી એનર્જી પણ આપી શકે તેમ છતાં એકવાર જવાબદારી લીધા પછી એને આસાનીથી ખંખેરી શકાતી નથી અને સંજોગવશાત્ તમે ક્યારેક પાછીપાની કરો તો તમે બેજવાબદાર ઠરશો. અગાઉની મહેનત પર પાણી ફરી જશે અને દિલ દુઃખશે.

અગર તમે પાર્ટનર પર વારંવાર ગુસ્સો કરો છો, અકળામણ અનુભવો છો, તો એનું કારણ કામનો ભાર પણ હોઈ શકે, કારણ કે સઘળી જવાબદારી પર્સનલ સ્પેસ, હોબીઝ અને અન્ય સંબંધોમાં પણ કાપ મૂકો છો અને એનો અફસોસ અજાગૃત મનમાં દબાયેલો હોય છે, જે તક મળતાં ગુસ્સા કે નારાજગીરૂપે ઊભરી આવે છે. દબાયેલી ભાવના અચાનક વ્યક્ત થાય ત્યારે સામી વ્યક્તિ પણ અસમંજસમાં મુકાય છે.

અને જે લોકો ઓવર ફંક્શનિંગને કારણે પોતાની જરૂરિયાતો સાઈડ ટ્રેક કરે છે તેની શારીરિક, માનસિક અસર ન દેખાય તો જ નવાઈ. વારંવાર બીમાર પડવું, ભૂલી જવું, વિચારમાં પડી જવું કે ઉદાસ થઇ જવું, પણ સ્થિતિ બગડે નહીં એ માટે પાર્ટનરને કશું કહેતા નથી. આ ભાવનાઓ સાથે તમે મહિનાઓથી હર ક્ષણ જીવો છો, પણ પાર્ટનરને કશું કહેતા નથી. મતલબ કે તમે તમારી અંદર એક મોટી દીવાલ ઊભી કરી દો છો જ્યાં કોઈનો પ્રવેશ નથી, જે ભાવનાત્મક દૂરીનું પ્રતીક છે. આ સ્વભાવ આવા લોકોની સેક્સ લાઈફને પણ અસર કરે છે. ઓવર એક્ટિવ લોકો હર સમય પોતાના કામ અંગે જ વિચાર્યા કરે છે. અંગત ક્ષણોમાં પણ પાર્ટનરને બદલે કામ પર વિચાર કરે છે, તેથી પૂરેપૂરું ઈન્વોલ્વમેન્ટ થતું નથી અને બંને પાત્ર અસંતોષ અનુભવે છે.

આવા લોકોનું મન સ્થિર નથી હોતું, તેથી વર્તમાન ક્ષણનો પણ આનંદ નથી લઈ શકતા, કારણ કે એમનું મન માનસિક બોજથી ભરેલું હોય છે. જ્યારે સંબંધોમાં જવાબદારી જ મુખ્ય રહી જાય ત્યારે હસી-મજાક, હળવાશ અને બેફિકરાઈપણું બિલકુલ નથી રહેતું, તેથી જિંદગી નીરસ બને છે.

આવા લોકો પોતાની ખુશી માટે ભાગ્યે જ કોઈ કામ કરે છે, તેથી પોતાની જાતથી કપાઈ જાય છે. એ કપાવાની વેદના ન તેઓ સમજી શકે છે કે ન વ્યક્ત કરી શકે છે. અગર આપ પણ કામના ઓવરલોડને લઈને ચાલો છો તો જરા થોભો અને એના નુકસાનને પણ સમજો. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો