હમણાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મુંબઈ-વિક્રોલી ખાતે 17 મેના રોજ ભારતનું અત્યાર સુધીનું સૌથી વિશાળ 350 ટન વજન અને 13.6 મીટર વ્યાસ ધરાવતું ટનલ બોરિંગ મશીન(TBM)નું કટરહેડ સફળતાપૂર્વક શાફ્ટમાં ઉતારવામાં આવ્યું છે. આ મશીન ભારતની પ્રથમ અંડરસી (દરિયાની નીચે) રેલવે ટનલ માટે ઉપયોગમાં લેવાશે. TBM એક યાંત્રિક ડ્રિલિંગ મશીન જે ભૂગર્ભમાં કે પહાડોમાં સુરંગ ખોદી શકે છે. વિશિષ્ટ, ઉચ્ચ-કાર્યક્ષમતાવાળાં મશીનો જેનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં ટનલ બનાવવા માટે થાય છે, જે સખત ખડક ચીરી શકે છે, નરમ માટીમાં સેંધ મારી શકે છે, બોર ટનલ નદીઓ અથવા દરિયાકાંઠાના ઝોનની નીચે ઊંડા, લાંબા અંતરના પ્રોજેક્ટ્સ માટે આદર્શ છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અથવા તેની નજીક માટી અને ખડકોને ચોકસાઈથી કાપે છે. કટર હેડની પાછળ સીધા પ્રી-કાસ્ટ ટનલ સેગ્મેન્ટ્સ સ્થાપિત કરે છે.
જેની ભારતમાં કિંમતો કદ, પ્રકાર અને ઉપયોગના આધારે નોંધપાત્ર રીતે બદલાય છે. નાના/માઈક્રો ટનલિંગ મશીન (600mm+), નવાં મશીનોની કિંમત અંદાજે ₹ 75 લાખથી ₹ 1.5 કરોડ સુધી હોય છે. મધ્યમ/મોટા પ્રોજેક્ટ TBM (EPB/ સ્લરી) માટે કિંમત હોય છે; ₹ 150 કરોડથી ₹ 1000 કરોડ, જમીનની સ્થિતિ (હાર્ડ રોક, સ્લરી અથવા પૃથ્વી દબાણ સંતુલન) પર આધાર રાખીને. વધારાના ખર્ચ (5 મિલિયન યુરો સુધી)માં કન્વેયર બેલ્ટ, સેપરેશન ટેન્ક અને વેન્ટિલેશન સિસ્ટમનો સમાવેશ થાય છે. લગભગ તમામ મુખ્ય TBM કસ્ટમાઇઝ્ડ છે, જે ચોક્કસ, જટિલ પ્રોજેક્ટ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે મોટાભાગના કિસ્સામાં આવાં મોંઘાં મશીનો ફક્ત એક જ વાર વાપરવામાં આવે છે અને તેનું કામ પૂર્ણ થયે, એટલે કે ટનલ ખોદવાનું કામ પૂર્ણ થાય ત્યારે તેને બહાર કાઢવાને બદલે ક્યારેક ત્યજી દેવામાં આવે છે અથવા `દફનાવી' દેવામાં આવે છે. ફરી ઉપયોગમાં લેવાને બદલે ટનલની દીવાલોમાં કાયમ માટે સીલ કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં દફનાવવામાં આવેલ મશીન ખરેખર આસપાસના વિસ્તારને મજબૂત બનાવે છે અથવા કાયમી માળખાના ભાગ રૂપે જમીનની નીચે દફનાવવામાં આવે છે.
દફનાવવા અથવા તો જ્યાં હોય ત્યાં, જે તે સ્થિતિમાં, સારી અવસ્થામાં હોવા છતાં ત્યજી દેવા પાછળ મુખ્યત્વે કારણ આર્થિક અને લોજિસ્ટિક છે. પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી તેને કાઢવા ખૂબ મુશ્કેલ, ખર્ચાળ અથવા અવ્યવહારુ હોય છે. ક્યારેક તેને તોડી પાડવાનો અને કાઢવાનો ખર્ચ મશીનરીના મૂલ્ય કરતાં વધી જાય છે. પાછા બીજી કોઈ જગ્યાએ ઉપયોગમાં લેવા કરતાં, છોડી દેવાં વધુ ફાયદાકારક હોય છે. આ મશીનો ખૂબ જ વિશાળ હોય છે, સેંકડો ટન વજન ધરાવે છે અને ડઝનેક મીટર લાંબા હોય છે. આ મશીનોએ જ બનાવેલી સાંકડી ટનલ દ્વારા પાછા લાવવા અત્યંત મુશ્કેલ અથવા લગભગ અશક્ય છે. ઘણીવાર ભૂગર્ભમાં સાંકડી, અંધારી ટનલમાં તોડી પાડવા માટે નોંધપાત્ર માનવશક્તિ અને સંસાધનોની જરૂર પડે છે, જેના કારણે પુનઃ પ્રાપ્તિની કામગીરી મશીનરી કરતાં વધુ ખર્ચાળ બને છે. વળી, TBM એક ચોક્કસ વ્યાસ અને ચોક્કસ પ્રકારની જમીન માટે કસ્ટમ-મેડ હોય છે. પ્રોજેક્ટના અંત સુધીમાં, કટર હેડ અને મેટલ શેલ અત્યંત ઘસાઈ જાય છે, જેના કારણે નવીનીકરણ નવું મશીન બનાવવા કરતાં વધુ ખર્ચાળ બને છે. ટનલ બનાવવી એ એકમાર્ગી પ્રક્રિયા છે, જ્યાં તે ફેરવી શકાતાં નથી અથવા સરળતાથી દૂર કરી શકાતાં નથી. સોના કરતાં ઘડામણ મોંઘું જેવો ઘાટ થાય છે.
જોકે, `દફનાવવામાં આવે છે'નો અર્થ એ નથી કે આખું મશીન અકબંધ દફનાવવામાં આવે છે. ધાતુના શેલને કોંક્રીટથી ભરીને તેને સીલ કરતાં પહેલાં મૂલ્યવાન અથવા ફરીથી વાપરી શકાય તેવા ઘટકો, મોટર્સ, ઇલેક્ટ્રોનિક્સ અને મૂલ્યવાન હાઇડ્રોલિક્સ કાઢી લેવામાં આવે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો