આયુર્વેદીય ઉપચાર દ્વારા મોટાભાગના સ્ત્રી રોગોમાં ધાર્યું અને સફળ પરિણામ મેળવી શકાય છે. આવા રોગોમાં ગર્ભાશયના મુખ પર અને યોનિપ્રદેશમાં થતી ચાંદીનો પણ સમાવેશ કરી શકાય.

લાંબા સમયથી પરેશાન કરતી-જીર્ણ એટલે કે ક્રોનિક થઇ ગયેલી ચાંદીને આધુનિક ચિકિત્સાના નિષ્ણાતો બાળી નાખવાની (કોટરાઈઝેશન કરાવવાની) સલાહ આપતા હોય છે. ત્રણ-ત્રણ કે ચાર-ચાર વખત આવી ચાંદી બળાવી નાંખી હોય અને છતાં પણ ન મટી હોય એવા ઘણા કેસો આવ્યા છે અને તેમને જે ઉપચારક્રમથી ચાંદી મટે છે એ વિશે આ વખતે નિરૂપણ કરું છું.

મૂળ કારણ

આ વિકૃતિના મૂળમાં સામાન્ય રીતે પિત્ત દોષનો પ્રકોપ તો હોય જ છે. સાથે અન્ય દોષો પણ હોઈ શકે છે. પિત્ત દોષનાં બે મુખ્ય ગુણો-લક્ષણો છે, ઉષ્ણતા અને તીક્ષ્ણતા. કોઈ પણ કારણને લીધે જ્યારે પિત્ત પ્રકોપ થાય ત્યારે પિત્તના આ બે મુખ્ય ગુણો ખૂબ વધી જાય. પિત્તમાં રહેલી ઉષ્ણતા અને તીક્ષ્ણતાને લીધે શરીરમાં કોઈ પણ જગ્યાએ ચાંદી પડી શકે છે. એટલે કે શરીરમાં મોઢાની અંદર, જીભ પર, હોજરીમાં, આંતરડાંમાં વગેરે જુદાં જુદાં અંગોમાં ચાંદાં પડવાનું મુખ્ય કારણ છે પિત્ત પ્રકોપ. આમ, પિત્તને લીધે જ ગર્ભાશયના મુખ પર, યોનિમાં કે યોનિમુખ પર ચાંદાં પડે છે અને તેને લીધે જ દાહ, પાક અને સોજો ઉત્પન્ન થાય છે.

જે સ્ત્રીઓને ગર્ભાશયના મુખ પર કે યોનિમાં લાંબા સમયથી ચાંદી હોય તેમને શ્વેતસ્રાવ, બળતરા, કમરનો દુખાવો અને પગમાં કળતર થાય છે. આ કારણને લીધે અને પિત્ત પ્રકોપના કારણે તેમનો સ્વભાવ પણ ચીડિયો થઇ જાય છે.

ઉપચાર

આ દર્દથી પીડાતી સ્ત્રીઓએ પોતાના આહારમાંથી ખારી, ખાટી અને તીખી ચીજો જેવી કે અથાણાં, પાપડ, મરી, મરચાં, નમક, આમલી, રીંગણ, ગોળ, ટામેટાં, બાજરી જેવી ગરમ અને પિત્તવર્ધક ચીજોનો ત્યાગ કરવો જોઈએ. માનસિક ચિંતા, ગુસ્સો, તડકામાં અધિક ફરવું, ઉજાગરો, ગરમ સ્થાને લાંબો સમય બેસવું વગેરેથી પણ પિત્તપ્રકોપ થતો હોવાથી તેનાથી પણ બચવું જોઈએ. ચા-કોફીથી પિત્ત વધે છે માટે તે છોડી દેવાં. દૂધ અને સાકર એ પરમ પિત્તશામક છે એટલે દિવસમાં ત્રણ-ચાર વખત સાકર નાખેલું ઠંડું દૂધ પીવું. આહારમાં ભાત, ખીર, શીરો, ખીચડી, રોટલી, મગની મોળી દાળ, દૂધી, ગલકાં, તૂરિયાં, પરવળનું શાક તથા ખાતાં ન હોય તેવાં ફળોનો ઉપયોગ કરવો.

ઔષધોમાં શતાવરી + આમળાં + અશ્વગંધા + સાકર આ ચારેનું સમભાગે ચૂર્ણ બનાવી એક-એક ચમચી જેટલું સવારે, બપોરે અને રાત્રે દૂધ સાથે લેવું. આ ચારેય દ્રવ્યો પરમ પિત્તશામક હોવાથી ચાંદાં ધીરે ધીરે મટે છે. બાહ્યોપચારમાં આવી સ્ત્રીઓને ત્રિફળા સાધિત લીંબોળીનું તેલ અથવા ત્રિફળાઘૃતનું પોતું-રૂ રોજ રાત્રે સૂતી વખતે યોનિમાં મૂકવાની સલાહ આપી શકાય. ત્રિફળાઘૃત, લીંબોળીનું તેલ આ બધાં જ દ્રવ્યો- ઔષધો વ્રણ રોપણનું ઉત્તમ કાર્ય કરે છે. એટલે ચાંદાં રુઝાય છે, મટે છે.