હા,બાળપણમાં વૃક્ષ નીચે રાત્રે સૂવું નહીં એવું શીખવાડવામાં આવ્યું હતું. જોકે, વનસ્પતિ હવામાં ઓક્સિજનનું ઉત્સર્જન કરતી હોવાને કારણે માનવજાત માટે આશીર્વાદરૂપ છે. કેટલાંક વૃક્ષ જીવલેણ નીવડે એવા અભિશાપરૂપ પણ હોય છે. એવું જ એક વૃક્ષ એટલે ટ્રી ઓફ ડેથ.નામ પ્રમાણે જ માનવી માટે જીવલેણ નીવડી શકતું એ વૃક્ષનું નામ છે - મૈનશિનીલ.એ કારણે જ ગિનીસ બુક ઓફ રેકોર્ડ્સમાં મૈનશિનીલનું નામ વિશ્વના સૌથી ઝેરી વૃક્ષ તરીકે નોંધાયેલું છે

હિપોમેને મેનસિનેલ્લા જેવા જીભનું પણ ગૂંચડું વળી જાય એવું વૈજ્ઞાનિક નામ ધરાવતું મૈનશિનીલ વૃક્ષ મુખ્યત્વે કેરેબિયન ટાપુઓ, ફ્લોરિડાના દક્ષિણ ભાગ, બહામાસ, મેક્સિકો, મધ્ય અમેરિકા અને ઉત્તર દક્ષિણ અમેરિકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. આ વૃક્ષ દરિયાકિનારાની રેતીને ધોવાણથી બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ વૃક્ષની સૌથી ભ્રામક બાબત એ છે કે તે સામાન્ય ફળના વૃક્ષ જેવું જ દેખાય છે. તેનાં લીલાં ચમકદાર પાંદડાં અને નાના લીલા-પીળા રંગનાં ફળ સફરજન જેવાં લાગે છે. આ કારણે ઘણા પ્રવાસીઓ અને અજાણ્યા લોકો તેને સામાન્ય ફળ સમજી લે છે, પરંતુ આ ફળને `લિટલ એપલ ઓફ ડેથ' તરીકે પણ ઓળખવામાં આવે છે.   

 આ વૃક્ષ સાથે મૃત્યુ શબ્દ જોડી દેવાયો છે એ આશ્ચર્યજનક જરૂર લાગે, પરંતુ ચોમાસા દરમિયાન આ વૃક્ષ જીવલેણ સાબિત થતું હોય છે. ના, એ વૃક્ષ પર વીજળી પડતી હોવાને કારણે એ જીવલેણ બની જાય એવી માન્યતા ખંખેરી નાંખવાની જરૂર છે. વરસાદ પડે ત્યારે સ્વાભાવિક રીતે જ વૃક્ષોનાં પાંદડાં કે ડાળી પરથી પાણી સરીને નીચે પડતું હોય છે, પરંતુ આ વૃક્ષનાં પાંદડાં પરથી નીચે પડતું પાણી સામાન્ય હોતું નથી. આ વૃક્ષ એવું ઝેરી હોય છે કે તેનાં પાંદડાં પર પડવા સાથે પાણી પાંદડાં અને ડાળીઓ પરથી પસાર થઈને ઝેરી રસ સાથે નીચે ટપકે છે. જો કોઈ વ્યક્તિ આવા વરસાદથી બચવા માટે આ વૃક્ષની નીચે ઊભી રહે, તો તેના શરીર પર પડતા પાણીથી પણ ચામડી દાઝી શકે છે. એટલે જ આ વૃક્ષની નજીક વરસાદમાં આશરો લેવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.  

 આ વૃક્ષ એટલું ઝેરી છે કે તેનાં ફળ ખાવાથી મૃત્યુ થઈ શકે છે, તેની છાલને સ્પર્શવાથી ચામડી દાઝી જવાય છે. ફળનો માત્ર એક ટુકડો ખાવાથી મોં, ગળું અને અન્નનળીમાં અસહ્ય બળતરા થાય છે. ગળું એટલું સૂજી જાય છે કે ગળી શકવું મુશ્કેલ બની જાય છે અને ગંભીર સ્થિતિમાં જીવ પણ જઈ શકે છે. મૈનશિનીલનું સૌથી જોખમી પાસું તેનો દૂધ જેવો સફેદ રસ છે. આ રસમાં અત્યંત શક્તિશાળી ઝેરી રસાયણો હોય છે. જો આ રસ ચામડી પર પડે તો થોડી જ વારમાં લાલાશ, ફોલ્લા અને ગંભીર બળતરા શરૂ થઈ જાય છે. આંખમાં જતો રહે તો દૃષ્ટિને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે આ વૃક્ષને કાપનારાઓ પણ સંપૂર્ણ સુરક્ષા સાધનો પહેરીને જ કામ કરે છે. મૈનશિનીલનું લાકડું પણ જોખમથી ભરેલું છે. તેને કાપતી વખતે નીકળતો ધુમાડો આંખ અને શ્વસનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. જો તેનું લાકડું સીધું સળગાવવામાં આવે તો ધુમાડામાં રહેલાં ઝેરી તત્ત્વોથી આંખમાં તીવ્ર બળતરા થઈ શકે છે. 

જોકે, વિશેષ પ્રક્રિયા બાદ અને સંપૂર્ણપણે સૂકવીને કેટલાક વિસ્તારોમાં તેનાં લાકડાંનો ઉપયોગ ફર્નિચર બનાવવા માટે કરવામાં આવે છે. આ વૃક્ષની ભયાનક ઝેરી અસરને કારણે ઘણા દેશોમાં જ્યાં તે ઊગે છે ત્યાં તેની આસપાસ ચેતવણીનાં બોર્ડ લગાવવામાં આવે છે. કેટલાંક સ્થળે તેના થડ પર લાલ રંગનો પટ્ટો દોરવામાં આવે છે, જેથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકો દૂર રહી શકે. ખાસ કરીને દરિયાકિનારે ફરવા જતા પ્રવાસીઓને આ વૃક્ષને અડવાની કે તેનાં ફળ તોડવાની મનાઈ કરવામાં આવે છે.  

 મૈનશિનીલ વૃક્ષની ઝેરી પ્રકૃતિ હોવા છતાં પર્યાવરણ માટે તેનું પોતાનું મહત્ત્વ છે. પ્રકૃતિના સંતુલનમાં તેની મહત્ત્વની ભૂમિકા છે. દરિયાકિનારાની જમીનનું ધોવાણ અટકાવવામાં, રેતીને ઊડતી અટકાવવામાં અને કેટલાક સ્થાનિક જીવોને આશ્રય આપવામાં તે ઉપયોગી સાબિત થાય છે, તેથી તેને સંપૂર્ણપણે નષ્ટ કરવાને બદલે તેની આસપાસ યોગ્ય ચેતવણી અને સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે.   

    

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો