ભાદરવો મહિનો હવે ઢૂંકડો છે. આપણે એક તરફ ગણેશોત્સવમાં ગળાડૂબ થઈશું, ત્યારે છત્તીસગઢના આદિવાસીઓ ભાદરવાના મેળામાં મહાલશે. મેળાનો આનંદ તો સમજ્યા, પણ આદિવાસીઓ કામ નહીં કરનારા દેવતાને સજા ફટકારવા માટે એક અનોખી અદાલત ભરીને કામ ન કરનારા દેવતાને એક મંદિર બહાર મૂકી દઈને બીજા દેવતાની પસંદગી કરી તેના પૂજાપાઠ શરૂ કરશે. જાણે આદિવાસીઓનો રાઈટ ઓફ રિકોલ! રાઈટ ઓફ રિકોલની ચર્ચા અવારનવાર થતી રહે છે. વચન આપીને કામ ન કરનારા રાજકારણીઓને પાછા બોલાવી લેવાનો હક લોકતંત્રમાં હોવો જોઈએ એવો સૂર સમયાંતરે સંભળાતો રહે છે. એ કાયદો ઘડાય કે ન ઘડાય, પણ છત્તીસગઢના આદિવાસીઓ એ અધિકાર દેવો સામે અજમાવતા રહે છે.
બસ્તરનાં 240 ગામોના આદિવાસી ગામડાંઓ ખૂબ જ વૈવિધ્યસભર છે અને એક જ દેવતાની પૂજા કરતા નથી. તેઓ પોતાના દેવતાઓ બનાવે છે. આપણે પણ કોઈ ને કોઈ દેવી દેવતામાં અખૂટ શ્રદ્ધા રાખીએ છીએ. આદિવાસીઓ કુદરતની ઘણા નજીક એટલે તેમના દેવી-દેવતા પણ કુદરત સાથે જ સંકળાયેલાં હોય એ સ્વાભાવિક છે. આદિવાસીઓની આસ્થા પણ ઊંડી. તેઓ પણ દર વર્ષે મન્નત માનતા હોય. આપણે પણ બાધા રાખીને આપણી સમસ્યાનો ઉકેલ શોધતા હોઈએ છીએ. આદિવાસીઓને પણ તેમના જેવા પ્રશ્નો છે, તો તેના ઉકેલ માટે તેઓ માનતા રાખતા હોય છે. બાધા પૂર્ણ થાય એટલે આપણે મંદિરમાં જઈને બાધા ચઢાવી દેતા હોઈએ છીએ. એમ આદિવાસીઓ પણ બાધા પૂર્ણ કરવા સાથે દેવી-દેવતાઓને વિવિધ સામગ્રી ચઢાવતા હોય છે. ખેતીની મોસમ દરમિયાન પાકને જંતુઓ અને કુદરતી આફતોથી બચાવવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. ગ્રામજનો તેમના ગામની દુષ્ટતાઓ અને અનૈતિક પ્રવૃત્તિઓ દેવીનાં ચરણોમાં તેલ અને હળદરના રૂપમાં અર્પણ કરે છે. આમ, ગામમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, પરંતુ જો તેમની સમસ્યા નહીં ઉકેલાય તો?
આપણે પણ ભગવાન ઉપર ખિજાઈએ છીએ. ક્યાંક ભગવાન સામે ફરિયાદ પણ કરીએ કે રિસાઈ પણ જઈએ, પરંતુ બસ્તરનાં ગામોના આદિવાસીઓ તો રીતસર પોતાનું કામ ન કરવા બદલ દેવતાઓ સામે કામ ચલાવતા હોય છે. એ કામ ભાદરવાના મેળા સમયે ભાંગારામ દેવીના મંદિરે અદાલત ભરે છે. કેશકલ ખીણમાં ભાંગારામ દેવીનું મંદિર આવેલું છે. આ પ્રાચીન મંદિર 1700-1800માં રાજા ભૈરમદેવના શાસન દરમિયાન સ્થાપિત થયું હતું. બસ્તર જિલ્લામાં દર વર્ષે ભાદ્રપદ મહિનામાં કાંકેર જિલ્લાના અમાબેડા ખાતે સ્થિત ઐતિહાસિક ભાંગારામ દેવી મંદિરમાં ભાદો યાત્રા યોજાય છે. આ ભાદો યાત્રા મેળો આદિવાસીઓની અતૂટ શ્રદ્ધા અને ન્યાયવ્યવસ્થાનો એક અનોખો અને વિશ્વપ્રખ્યાત તહેવાર છે. આ યાત્રા અને મેળો તેની ખૂબ જ અનોખી પરંપરા માટે વિશ્વભરમાં જાણીતો છે, જેને `દેવતાઓનો દરબાર' કહેવામાં આવે છે. બે દિવસીય આ મેળાના પહેલા દિવસે દેવતાઓનું સ્વાગત કરવામાં આવે છે અને પ્રારંભિક પૂજા કરવામાં આવે છે. બીજા દિવસે મુખ્ય દરબાર યોજાય છે, જ્યાં આદિવાસીઓ મોહરી અને દેવ બાજા જેવા પરંપરાગત સંગીત વાદ્યોની ધૂન પર નૃત્ય કરે છે અને દિવસભર ભારે ભીડ વચ્ચે ધાર્મિક વિધિઓ કરે છે. આદિવાસી માન્યતાઓ અનુસાર, ભાંગારામ દેવીને બસ્તર પ્રદેશના નવ પરગણાના દેવતાઓના `ન્યાયાધીશ' માનવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન, જો કોઈ ગામમાં રોગ, રોગચાળો, પાક નિષ્ફળતા અથવા ઇચ્છાઓ પૂર્ણ થઈ ન હોય એવો અનુભવ થાય છે, તો ગ્રામજનો તેમના સ્થાનિક દેવતાઓને જવાબદાર માને છે. ભાદો યાત્રા દરમિયાન ગ્રામજનો તેમના ગ્રામ દેવતાઓના અંગા, ડાંગ, ડોલી, લાઠ જેવાં પ્રતીકો લઈને ભાંગારામ દેવી મંદિરમાં પહોંચે છે. ત્યાં સિરહા (પૂજારી) દ્વારા ભાંગારામ દેવી સમક્ષ દેવતાઓનો કેસ ચલાવવામાં આવે છે. જો દેવતાઓ દોષિત ઠરે છે, તો ભાંગારામ દેવીના આદેશ પર તેમને મંદિરની પાછળ `ઓઝહલ ખાડા' અથવા `જેલમાં' નાખવામાં આવે છે. જોકે, ભાંગારામ દેવી મંદિરમાં ફક્ત સજા જ આપવામાં આવતી નથી, પરંતુ દેવી સુધારણાની તક પણ પૂરી પાડે છે. એ પણ આશ્ચર્યજનક છે કે દેવતાઓને પણ તેમની ભૂલો સુધારવાની તક આપવામાં આવે છે અને જો ગામમાં સુખ-સમૃદ્ધિ આવે તો તેમને મંદિરમાં પુનઃ સ્થાપિત કરવામાં આવે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો