સ્ટેશન પર ગાડી ઊભી રહે છે અને બારીમાંથી સામેના પ્લેટફોર્મના કિનારે ઊભેલો વૃદ્ધ દેખાય છે. લાંબી બાંયનું સફેદ ખમીસ અને ઊજળું ધોતિયું. હાથમાં વળાંકવાળા હાથાની લાકડી. ટટ્ટાર દેહ પણ આયુષ્યના સાડા આઠ-નવ દાયકાની ગવાહી પૂરતો કરચલીવાળો ચહેરો. ગુજરાતી હશે, પંજાબી હશે કે પછી મરાઠી સદ્ગૃહસ્થ હશે. કોઈ પણ હોય, રાહ જોતા હશે ટ્રેનની. આ ઉંમરે બીજી શેની રાહ જોવાની હોય?
એમને જોઈને એક વિચાર ઝબકી જાય છે કે અત્યારે એમના મગજમાં સૌથી અગત્યની કઈ બાબત હશે? નેવુંની ઉંમરે માણસની પ્રાયોરિટી સ્વાભાવિકપણે પાંત્રીસ-ચાળીસની ઉંમરે જે હોય તે તો નહીં જ હોય. તેમને મન હવે મોટા ઘર કે મોટી ગાડીની મહેચ્છાઓ જીવતી હશે કે કેમ? તેમનાં તમામ સપનાંઓ પૂરાં થયાં હશે કે કેમ? જિંદગીના છેલ્લા પડાવે તેઓ શું વિચારતા હશે? અલબત્ત, મનમાં પ્રશ્નો તો ચાલતા જ હશેને? ઘણીવાર આપણને બધાને એવું થતું હોય છે, સમય જતાં આપણી બધી જ ઇચ્છાઓ, આપણા ગોલ્સ બદલાય છે, આપણાં સપનાંઓ બદલાય છે, એ પૂરાં કરવા માટેની મહેનત બદલાય છે. બાળકોનાં સપનાંઓ, ઇચ્છાઓ, ગોલ્સ બધું અલગ હોય, થોડા મોટા થઇએ એટલે બાળપણનાં સપનાંઓ અને ગોલ્સ માટે આપણને હસવું આવે કે હું એ ઉંમરે કેવું વિચારતો કે વિચારતી હતી, યુવાનીનાં સપનાંઓ અને ઇચ્છાઓ અલગ હોય, ઘરગૃહસ્થી સંભાળીએ ત્યારે સપનાંઓ અલગ હોય, માતા-પિતા બનીએ ત્યારની ઇચ્છાઓ અને મહેનત અલગ હોય, એ જ રીતે વૃદ્ધાવસ્થાનાં કાર્યો પણ અલગ જ હોય છે. આ ઉંમરમાં જીવનમાં એક ઠહેરાવ આવવાની સાથે બાળકો માટેની ચિંતા પણ વધે છે.
જિંદગીમાં દરેક બાબતની પ્રાયોરિટી તબક્કાવાર બદલાતી જવાની. આજે જે વાત સૌથી મહત્ત્વની લાગે છે તેનું આવતી કાલે, પરમ દિવસે ચિત્તમાં ક્યાં સ્થાન હશે? જીવનના છેલ્લા પ્રહરમાં ક્યાંક અફસોસ તો નહીં થાયને કે કેટકેટલી નકામી વાતોને પ્રાયોરિટી આપીને સમય વેડફ્યો. ઉંમરની દરેક અવસ્થાને ધ્યાનમાં રાખીને પ્રાયોરિટી રિસેટ કરવી હોય, અગ્રતા ક્રમમાં આઘીપાછી કરવી હોય તો શું કરી શકીએ?
રજનીશજીએ એક જગ્યાએ કહ્યું છે : `માણસને બીજામાં વિશ્વાસ ત્યારે જ હોય જ્યારે એને પોતાની જાતમાં શ્રદ્ધા હોય. પોતાનામાં શ્રદ્ધા ત્યારે જ પ્રગટે જ્યારે એ પોતાના અસ્તિત્વને ચાહતા હોય. બીજાને પ્રેમ કરવા માટેની પણ આ અનિવાર્ય શરત છે : પ્રથમ પોતાની જાતને ચાહવી.'
જેને પોતાના માટે આદર નથી, જેને પોતાના વ્યક્તિત્વ પર ભરોસો નથી, જેને પોતાનો ભૂતકાળ ગમતો નથી, જેને પોતાનો વર્તમાન ખાલી ખાલી લાગે છે, જેને પોતાના ભવિષ્યનો ડર લાગે છે એ પોતાની જાતને કેવી રીતે પ્રેમ કરી શકે? અને જે વ્યક્તિ પોતાના ગળાડૂબ પ્રેમમાં ન હોય એ બીજાને છાતી ફાડીને કેવી રીતે ચાહી શકવાની છે? તમે તમારી જાતને પ્રેમ કરતાં હશો તો તમે બીજાને પણ તમારી જાતની માફક જ પ્રેમ કરી શકશો, પણ તમારામાં પ્રેમ કરવાની આવડત જ નહીં હોય તો તમે બીજાંને કેવી રીતે પ્રેમ કરી શકશો? જિંદગીની સૌથી મોટી પ્રાયોરિટી આ જ હોઈ શકે : પોતાની જાતને ચાહવી. એ પ્રાયોરિટી હશે તો જીવન તરી જશે એ વાત સમજવી જ રહી.
અને જાતને ચાહવા માટે શું કરવું છે? ડગલે ને પગલે દિમાગ લડાવવાને બદલે દિલથી ચાલવું પડે. બુદ્ધિ ના પાડે છે પણ લાગણી હા પાડે છે તો આગળ વધવાનું. કોઈએ બહુ સરસ વાત કહી હતી કે : `સતત બુદ્ધિનું જ સાંભળતા રહીશું તો ન તો ક્યારેય પ્રેમ કરી શકીશું, ન મૈત્રી બાંધી શકીશું. ઊંચા પર્વત પરથી કૂદી પડવાનું તો છે જ. નીચે આવતી વખતે માર્ગમાં જ પાંખો ઉગાડી લેવાની છે.'
પાંખોથી આકાશને માપી લીધા પછી પણ પંખીને ધરતી પરના વૃક્ષની ડાળીએ માળો બાંધવાની ઝંખના રહે છે.
ક્યારેક એ ઝંખના સાકાર થાય છે, પણ જતનપૂર્વક ભેગાં કરેલાં તણખલાં સાચવવા માટે ધરતી સાથે જોડાયેલું કોઈ વૃક્ષ મળવું આ વ્યવહાર જગતમાં શક્ય ન હોય ત્યારે? ત્યારે કલ્પનાના આકાશના પોલાણમાં એ તણખલાંને ગોઠવીને માળો બાંધવો પડે. એટલું કર્યા પછી બેહિસાબ ઊડવાનું, પાંખો ફફડાવવાનું નસીબ થાય છે. કલરવ પણ ઉમેરાય છે. શરત માત્ર એટલી કે આકાશનું પોલાણ શોધતાં અને ત્યાં માળો બાંધતાં આવડવું જોઈએ.
ધરતી અને આકાશ બેઉની સાથે સંબંધ રાખતા પંખીને આકાશમાં ઊડતી વખતે શું ક્યારેક પ્રશ્ન થતો હશે કે સંબંધ એટલે શું? અને કોઈ શું એને કાનમાં જવાબ આપતું હશે કે : જેના હોવાની સભાનતા ન હોય એવું કંઈક અને ધરતી પર માળામાં આવીને શું એને પ્રશ્ન થતો હશે કે : બંધન એટલે શું? અને ત્યારે શું ફરી કોઈક એને કાનમાં કહી જતું હશે કે : મુક્તિના ઉંબરા સુધી લઈ જઈ શકે એવું કંઈક.
બંધન અને મુક્તિના બે છેડા વચ્ચે ઝૂલતા સંબંધમાંની સતત તકરારો અને સતત આગળ વધતી સમજણો રહી રહીને એક વાતની પ્રતીતિ કરાવે છે : સંબંધમાં સમાધાન ન હોય, સમજણ હોય. સમાધાનમાં નાછૂટકે કે પરાણે કશુંક છોડી દેવાનો, ત્યાગ કરવાનો ભાવ છે. પણ સમજણ તમને એ ભાવથી પરે રાખે છે.
સમાધાનમાં ક્યાંક ઊંડે ઊંડે પણ ખટકો રહી ગયો હોવાની લાગણી છે. આ લાગણી અંતર વધારી દેનારી પણ નીવડી શકે. સમજણમાં ત્યાગના દેખાડાને બદલે વધુ નિકટ આવીને વધુ પામવાની તૃપ્તિ છે. સ્ટેશન પર ઊભેલા પેલા વૃદ્ધના ચહેરા પર દેખાય છે એવી જ તૃપ્તિ.
સાયલન્સ પ્લીઝ
મૃત્યુથી જીવનનો અંત આવે છે, સંબંધોનો નહીં. સંબંધ તો બાકી રહી ગયેલી વ્યક્તિના મનમાં તરફડ્યા કરે છે અને માગ્યા કરે છે કોઈક જવાબ, જે એને ક્યારેય મળવાનો નથી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો