વર્ષ 2007ની એ કાળઝાળ ગરમીમાં હરિયાણાના કરનાલ જિલ્લાના કૈથલ પંથકમાં પવન પણ જાણે થંભી ગયો હતો. મનોજ અને બબલી માટે આ માત્ર મોસમની ગરમી નહોતી, પણ તેમના અસ્તિત્વ પર તોળાતું એક ભયાનક તોફાન હતું.
મનોજ 23 વર્ષનો એક સાધારણ યુવાન હતો, જે કરનાલમાં કરિયાણાની નાની દુકાન ચલાવતો હતો, જ્યારે બબલી હજુ માંડ 19 વર્ષની કન્યા હતી. બંને એક જ ગામ કરોરાના વતની હતા અને એક જ જાટ સમુદાયના હતા, પણ તેમની ભૂલ માત્ર એટલી જ હતી કે તેઓ એકબીજાને પ્રેમ કરી બેઠાં હતાં. હરિયાણાની ખાપ પંચાયતોના લોખંડી નિયમો મુજબ, એક જ ગામમાં રહેતા છોકરો-છોકરી ભાઈ-બહેન ગણાય અને મનોજ-બબલીએ આ મર્યાદા ઓળંગીને લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે આખા ગામની આંખોમાં લોહી ઊતરી આવ્યું હતું.
આ કરુણ ગાથાના મૂળમાં `બનવાલા ગોત્ર'નો વિવાદ હતો. ખાપ પંચાયતની દલીલ હતી કે એક જ ગોત્રના હોવાને કારણે મનોજ અને બબલી ભાઈ-બહેન કહેવાય અને તેમનું જોડાણ અપ્રાકૃતિક અને વ્યભિચારી છે. 2005થી જ જ્યારે મનોજ અને બબલી વચ્ચે આકર્ષણ વધ્યું, ત્યારે મનોજની માતા ચંદ્રપતિએ અનિષ્ટની આશંકાએ બબલીની માતા ઓમપતિને ચેતવણી આપી હતી. મનોજ તેના પરિવારમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ હતો, તેણે અનેક સંઘર્ષો વેઠીને એક નાની દુકાન કરી હતી. ચંદ્રપતિએ બબલીના ઘરે જઈને પણ વિનંતી કરી હતી કે તમારી દીકરીને સમજાવો, નહીંતર ગામના લોકો જીવવા નહીં દે.
5 એપ્રિલ, 2007ના રોજ મનોજ પોતાની પરીક્ષા આપવાને બહાને ઘરેથી નીકળ્યો અને બબલી સાથે ચંદીગઢ તરફ નાસી છૂટ્યો. 7 એપ્રિલના રોજ ચંદીગઢના એક દુર્ગા મંદિરમાં મનોજે બબલીના સેંથામાં સિંદૂર ભરીને લગ્ન કર્યાં. આ લગ્નથી રોષે ભરાયેલી ખાપ પંચાયતે મનોજ અને બબલીનાં લગ્નને રદબાતલ જાહેર કર્યાં અને મનોજના પરિવાર પર 25,000 રૂપિયાનો દંડ અને સામાજિક બહિષ્કાર લાદી દીધો. રાજ્ય સરકાર અને તંત્રએ આ આદેશો સામે કોઈ વાંધો ઉઠાવ્યો નહીં, જાણે આ સમાંતર ન્યાયવ્યવસ્થાને તેમની છૂપી મંજૂરી હોય.
15 જૂન, 2007ના રોજ મનોજ અને બબલીએ કૈથલ કોર્ટમાં હાજર થઈને નિવેદન આપ્યું કે તેઓ પુખ્ત વયનાં છે. કોર્ટે તેમને રક્ષણ આપવા માટે પાંચ પોલીસકર્મીઓની ટીમ આપી, પરંતુ પીપલી પહોંચતાં જ પોલીસે તેમની જવાબદારી ફગાવી દીધી અને તેમને અધવચ્ચે છોડી દીધા. મનોજે છેલ્લો ફોન તેની માતાને પીપલીના પીસીઓ પરથી કર્યો, જેમાં તેણે કહ્યું કે બબલીના પરિવારના લોકો સ્કોર્પિયોમાં તેમનો પીછો કરી રહ્યા છે.
રાયપુર જાટાન ગામ પાસે બસને આંતરીને મનોજ અને બબલીને નિર્દયતાથી ખેંચી લેવામાં આવ્યાં. બબલીના ભાઈ સુરેશે તેને પરાણે કીટનાશક પીવડાવ્યું, જ્યારે કાકા રાજેન્દ્રએ મનોજના ગળામાં નાયલોનનો ફાંસો નાખીને બબલીની નજર સામે જ તેને ગૂંગળાવી નાખ્યો. હત્યા બાદ તેમના મૃતદેહોને કોથળામાં ભરીને બરવાલા લિંક કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા.
આ એક પૂર્વ આયોજિત `ઓનર કિલિંગ' હતું. 10 દિવસ પછી 25 જૂન, 2007ના રોજ નહેરમાંથી કોહવાયેલી હાલતમાં બે મૃતદેહો મળી આવ્યા. મનોજની માતા ચંદ્રોપતિએ જ્યારે પોતાના દીકરાની ઓળખ કરી, ત્યારે તેના આક્રંદે આખા હરિયાણાને હચમચાવી દીધું, પરંતુ ન્યાયની લડાઈ અત્યંત કપરી હતી. કરૌરાની ખાપ પંચાયતે મનોજની માતા અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો. ગામમાં કોઈ તેમની સાથે વાત નહોતું કરતું, કોઈ તેમને રાશન નહોતું આપતું. પંચાયતે ફતવો બહાર પાડ્યો હતો કે જે કોઈ આ પરિવારની મદદ કરશે તેને દંડ ફટકારવામાં આવશે. આ સંજોગોમાં એક માતાએ ન્યાયતંત્રના દરવાજા ખટખટાવ્યા.
આ કેસમાં કાયદાકીય લડત લડવી પણ એક પડકાર હતો. જ્યારે કરનાલના કોઈ વકીલે બબલીના દાદા ગંગારાજના ડરથી કેસ લેવાની તૈયારી ન બતાવી, ત્યારે હિસારના એડવોકેટ લાલ બહાદુર ખોવાલ, કર્નલ ઓમપ્રકાશ અને રાકેશ માંઝુ આગળ આવ્યા. ખોવાલે કોર્ટમાં એ વાત પર આઘાત વ્યક્ત કર્યો હતો કે પોલીસ અધિકારીઓએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે ગંગારાજની ધરપકડ કરવાથી `કાયદો અને વ્યવસ્થા'ની સ્થિતિ બગડી શકે છે. ખોવાલે દલીલ કરી કે હળવી સજા એ ન્યાયની મજાક સમાન હશે.
પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા. બબલીના દાદા ગંગારાજ, જે ખાપ પંચાયતના પ્રમુખ જેવા હતા, તેમણે જ આ આખી યોજના ઘડી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પોલીસના કેટલાક જવાનો પણ આ ગુનામાં સામેલ હતા અથવા તેમણે મદદ કરી હતી. કેસ કર્નાલની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલ્યો. સરકારી વકીલોએ દલીલ કરી કે આ માત્ર બે વ્યક્તિઓની હત્યા નથી, પરંતુ લોકશાહી અને વ્યક્તિગત સ્વતંત્રતા પરનો હુમલો છે. બબલીના પરિવારના સભ્યો કોર્ટમાં બિલકુલ પસ્તાવા વગર ઊભા હતા. તેમને લાગતું હતું કે તેમણે પોતાના કુળની મર્યાદા જાળવી છે, પરંતુ ન્યાયાધીશ આદર્શ કુમાર ગોયલનો ચુકાદો ઐતિહાસિક આવવાનો હતો.
આ કાનૂની સંઘર્ષની સૌથી ભયાનક બાજુ એ હતી કે જે પોલીસકર્મીઓ મનોજ અને બબલીને સુરક્ષા પૂરી પાડવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા, તેમણે જ આ નૃશંસ હત્યામાં મૌન સહમતિ આપી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પોલીસની પીસીઆર વાને મધ્ય રસ્તે જ સ્કોર્પિયોને જવા દીધી હતી અને હત્યારાઓને છૂટો દોર આપ્યો હતો. આ હકીકતે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા. મનોજની બહેન સીમા અને માતા ચંદ્રોપતિ માટે આ લડાઈ માત્ર હત્યારાઓ સામે નહોતી, પણ આખી સિસ્ટમ અને ગામના એવા લોકો સામે હતી જેઓ હત્યારાઓને હીરો માનતા હતા. ગામના ચોકમાં બેસતી ખાપ પંચાયતે જાહેર સભાઓ ભરીને હત્યારાઓને કાયદેસરની મદદ કરવાની જાહેરાત કરી રહી હતી, જેના કારણે સાક્ષીઓ ડરના માર્યા ફરી ગયા હતા.
ન્યાયની શોધમાં ચંદ્રોપતિએ જે રીતે હિંમત બતાવી, તે ખરેખર અકલ્પનીય હતી. તેણે ગામમાં થતા અપમાન, સામાજિક બહિષ્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓને હસતા મોઢે સહન કરી હતી. કરૌરા ગામના લોકો મનોજના પરિવારના કૂવા પરથી પાણી ભરવા પણ દેતા નહોતા, તેમ છતાં આ વૃદ્ધ માતાએ ન્યાયની આશા છોડી નહીં. દિલ્હીથી લઈને ચંદીગઢ સુધીના ન્યાયિક ગલિયારાઓમાં તેની જીદ ગુંજી રહી હતી. આ કેસમાં પ્રથમ વખત એ સાબિત થયું કે જ્યારે કોઈ સ્ત્રી મક્કમ બને છે, ત્યારે તે સદીઓ જૂની અનિષ્ટ પ્રથાઓના પાયા હચમચાવી શકે છે. ન્યાયાધીશ આદર્શ કુમાર ગોયલ સમક્ષ જ્યારે આ દલીલો રજૂ થઈ, ત્યારે તેમણે પણ સ્વીકાર્યું કે આ કોઈ સામાન્ય ગુનો નથી.
અદાલતી સુનાવણી દરમિયાન બબલીના દાદા ગંગારાજની ભૂમિકા સૌથી વધુ વિવાદાસ્પદ રહી હતી. તે ગામમાં એક વગદાર વ્યક્તિ હતો અને ખાપ પંચાયતનો તે અવાજ ગણાતો હતો.
તેણે કોર્ટમાં એકવાર પણ સ્વીકાર્યું નહીં કે તેણે કંઈ ખોટું કર્યું છે. તેના બદલે તેણે પરંપરા અને કુળના `ગૌરવ'ની દુહાઈ આપી હતી. તેના સાગરીતોએ જે રીતે મનોજ અને બબલીને નહેરમાં ફેંકી દીધા હતા, તે દર્શાવતું હતું કે મનુષ્યની અંદરની સંવેદનાઓ જ્યારે જ્ઞાતિવાદ અને ગોત્રના નશામાં અંધ બને છે, ત્યારે તે કેટલું ક્રૂર સ્વરૂપ ધારણ કરી શકે છે. હત્યા માટે વપરાયેલી સ્કોર્પિયો ગાડીના માલિક અને તેના ડ્રાઈવરની જુબાની આ કેસમાં મુખ્ય પુરાવો બની રહી હતી.
જ્યારે માર્ચ 2010માં પાંચેય આરોપીઓને ફાંસીની સજા અને ગંગારાજને આજીવન કેદની સજા ફટકારવામાં આવી, ત્યારે આખા હરિયાણામાં ખળભળાટ મચી ગયો. ખાપ પંચાયતોએ આ ચુકાદાના વિરોધમાં આંદોલનની ચીમકી આપી હતી. કૈથલ અને કર્નાલ જેવા જિલ્લાઓમાં તણાવ એટલો વધી ગયો હતો કે લશ્કરી સુરક્ષા વધારવી પડી હતી. આ ચુકાદાએ સ્પષ્ટ કરી દીધું હતું કે કાયદો કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના રીતરિવાજોથી ઉપર છે. ભારતના ન્યાયિક ઇતિહાસમાં આ એક એવો વળાંક હતો જ્યાં `ઓનર કિલિંગ' જેવા શબ્દને કાનૂની પરિભાષામાં અતિ ગંભીર ગુના તરીકે સ્થાપિત કરવામાં આવ્યો.
જોકે, આ લડાઈ હજી પૂરી થઈ નહોતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જ્યારે આ કેસ અપીલમાં ગયો, ત્યારે 2011માં હાઈકોર્ટે પાંચમાંથી ચાર આરોપીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી અને ગંગારાજ સહિતના કેટલાક આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા. આ સમાચાર મનોજના પરિવાર માટે વજ્રઘાત સમાન હતા. ન્યાયનાં પલડાં ફરી એકવાર ડગમગવા લાગ્યાં હતાં, પરંતુ ચંદ્રોપતિએ હિંમત હારી નહીં અને આ કેસને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાનો સંકલ્પ કર્યો. આ કેસની અસર એટલી વ્યાપક હતી કે તત્કાલીન ગૃહમંત્રી પી. ચિદમ્બરમે પણ સંસદમાં `ઓનર કિલિંગ' વિરુદ્ધ અલગ અને કડક કાયદો લાવવાની વાત કરવી પડી હતી.
આ કેસ માત્ર હરિયાણા પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો. યુરોપિયન અને અમેરિકન મીડિયામાં ભારતની આ પછાત પ્રથાઓની આકરી ટીકા થઈ. ભારત સરકાર પર સામાજિક સુધારા માટે દબાણ વધ્યું. મનોજ-બબલીની જોડી પ્રતિકારનું ચિહ્ન બની ગઈ. યુવાનોમાં એક નવી જાગૃતિ આવી અને ઘણા લોકોએ પોતાની જ્ઞાતિનાં બંધનો તોડીને લગ્ન કરવાની હિંમત બતાવી.
મનોજની માતા ચંદ્રોપતિનું અવસાન 2013માં થયું, પરંતુ તેમના છેલ્લા શ્વાસ સુધી તેમણે પોતાના પુત્ર માટે ન્યાયની જ્યોત પ્રજ્વલિત રાખી હતી. ચુકાદાના દાયકાઓ પછી પણ હરિયાણાના ઘણા અંતરિયાળ વિસ્તારોમાં ખાપ પંચાયતો હજી પણ સક્રિય છે, પરંતુ મનોજ-બબલી કેસની કાનુની સખ્તાઈને લીધે હવે તેઓ ખુલ્લેઆમ ફરમાન બહાર પાડતા ડરે છે. કાયદાના લાંબા હાથે એવા લોકોના ગળા સુધી પહોંચવામાં સફળતા મેળવી છે, જેઓ પોતાને ઈશ્વરથી પણ ઉપર માનતા હતા.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
