શું કોઈ જળાશય `સીરિયલ કિલર' હોઈ શકે? શું કોઈ તળાવ એક જ દિવસમાં સંખ્યાબંધ લોકોને મોતને ઘાટ ઉતારી શકે?
મિસ્ટ્રી અને ડ્રામાના ખેરખાં ગણાતા ઓલ ટાઈમ ક્લાસિક ડિરેક્ટર આલ્ફ્રેડ હિચકોકની કોઈ ફિલ્મના પ્લોટ તરીકે ચાલે એવી એક ઘટના વાસ્તવમાં બની ચૂકી છે. માણસજાતના હજારો વર્ષ જૂના ઇતિહાસમાં આવી બીજી પણ કેટલીક ઘટનાઓ હશે જ, પણ એ ઇતિહાસમાં નોંધાઈ નથી. વળી, એ સમયે વિજ્ઞાનની અદ્યતન સમજ વિકસી ન હોવાથી ઘટનાનો ભોગ બનનાર માનવસમાજે એને અગોચર ઘટના ગણી લીધી હશે!
15 ઓગસ્ટ, 1984. લેક મનોન નામના તળાવે એ દિવસે હથિયાર લઈને નીકળી પડેલા કોઈ સીરિયલ કિલરની પેઠે કાળો કેર વર્તાવી દીધો. મધ્ય આફ્રિકામાં આવેલ નાનકડા દેશ કેમેરુનના પશ્ચિમી પ્રદેશમાં લેક મનોન (Lake Monoun) નામનું એક તળાવ આવેલું છે. ઓકુ નામના એક જ્વાળામુખીના વિસ્તારમાં આ તળાવ આવેલું છે. એ દિવસે રાત્રે સાડા દસની આસપાસ તળાવ નજીક રહેતા લોકોને એક ભેદી ધડાકો સંભળાયો. કેટલાક લોકોએ તળાવની નજીકના વિસ્તારોમાં ચોક્કસ પ્રકારનો ધુમાડો ફેલાતો જોયો. એ વખતે તો કોઈને કંઈ ખબર પડી નહિ, પણ બીજા દિવસે જાહેર માર્ગ પરનું એક દૃશ્ય જોઈને લોકો રીતસરના હેબતાઈ ગયા!
એ દિવસે મળસ્કે કોઈ ટ્રકમાં સવાર થઈને અમુક શ્રમજીવીઓ લેક મનોનના વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા. અચાનક ટ્રકનું એન્જિન બંધ પડી ગયું. જિજ્ઞાસાવશ મુસાફરો ટ્રકમાંથી નીચે ઊતર્યા. જમીન પર પગ મૂકતાંની સાથે જ બધાને ભયંકર ગૂંગળામણ થવા માંડી. કોઈ કશું વિચારે એ પહેલાં જ તમામ મુસાફરો ટપોટપ મૃત્યુ પામ્યા! આ આખી ઘટનાની વાત લોકો સુધી પહોંચાડવા માટે માત્ર બે જ મુસાફરો બચવા પામ્યા! સવાર પડી અને આ દુર્ઘટનાના સમાચાર આગની જેમ ફેલાયા. તપાસ કરતાં ખબર પડી કે આ રસ્તે પસાર થનાર બીજા પણ કેટલાક લોકો વિચિત્ર સંજોગોમાં મોતને ભેટ્યા છે. બધાનું મૃત્યુ અચાનક ગૂંગળામણ થવાથી નીપજેલું. બધા મુસાફરોનાં વાહનો પણ કોઈ યાંત્રિક ખામી વિના બંધ પડી ગયેલાં! વળી, ઘણા મૃતકોને ચામડી પર ચાઠાં ઊપસી આવેલાં. ઘટનાને નજરે જોનારા કેટલાક સાક્ષીઓ જીવિત રહ્યા. એમણે કહ્યું કે મોડી રાત્રે તળાવની સપાટી પરથી વિચિત્ર પ્રકારનો ધુમાડો ઊઠ્યો અને બધે ફેલાઈ ગયો. આ ધુમાડો ઘઉંવર્ણા રંગનો અને બદબૂદાર હતો. કુલ 37 હતભાગીઓએ આ અગમ્ય દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો.
ઘટનાથી ચોમેર હાહાકાર મચી ગયો. ઓચિંતા આટલા બધા લોકો એકસરખી રીતે ગુજરી જાય એવું કઈ રીતે બને? શું કોઈએ રાસાયણિક શસ્ત્રોનો પ્રયોગ કર્યો હશે? કે પછી સરકાર કશુંક છુપાવી રહી છે? મૃતકોના શરીર પર ચાઠાં ઊપસી આવવાનું કારણ શું? શું લેક મનોનમાં કોઈ પ્રેતાત્માનો વાસ છે? વળી, પેલી ટ્રકમાં સવાર તમામ લોકો મૃત્યુ પામ્યા, તેમ છતાં માત્ર બે જ મુસાફરો કઈ રીતે બચી ગયા? શું એમના પર કોઈ દૈવી શક્તિ મહેરબાન હતી?
વૈજ્ઞાનિકોએ આખા ઘટનાક્રમની ઊંડી તપાસ આદરી. એમાં ખબર પડી કે આખી ઘટનામાં ખરો `સીરિયલ કિલર' હતો તળાવના પેટાળમાં છુપાયેલો કાર્બન ડાયોક્સાઈડ વાયુ!
વાત એમ છે કે જ્વાળામુખીની પ્રવૃત્તિ, ભૂગર્ભીય ગેસના ઉત્સર્જન અથવા કાર્બનિક પદાર્થોના વિઘટન દ્વારા CO2 જેવા ગેસ તળાવના ઊંડા ભાગોમાં એકઠા થાય છે. આ ગેસ પાણીમાં ઓગળેલી સ્થિતિમાં હોય છે. ઊંડા પાણીના ઊંચા દબાણને કારણે ગેસ સપાટી પર આવી શકતો નથી, જેથી તળિયે જમા થતો રહે છે. ભૂકંપ, ભૂસ્ખલન, તળાવના પાણીમાં થતું મિશ્રણ (lake turnover) અથવા તો લેક ઈકોસિસ્ટમમાં પડેલી અન્ય કોઈ પણ પ્રકારની ખલેલને કારણે આ ગેસ અચાનક મુક્ત થાય છે. જેમ જેમ ગેસના પરપોટા ઉપર આવે છે, તેમ તે ઝડપથી વિસ્તરે છે અને વધુ ગેસને બહાર લાવે છે. અ આખી ઘટના ચેઇન રિએક્શનની જેમ કામ કરે છે. એકસામટો ગેસ બહાર આવી જાય ત્યારે મોટો ધડાકો થવાનીય સંભાવના ખરી. વૈજ્ઞાનિક ભાષામાં આ આખી ઘટનાને લિમનિક ઈરપ્શન (Limnic Eruption) તરીકે ઓળખવામાં આવે છે.
લિમનિક ઈરપ્શન એ એક દુર્લભ અને ઘાતક કુદરતી ઘટના છે, જેમાં ઊંડાં તળાવોમાં દબાણ હેઠળ એકઠા થયેલા ગેસ (મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ, CO2) અચાનક મોટા પ્રમાણમાં બહાર નીકળે છે. આ ગેસનું ઝેરી વાદળ ઓક્સિજનનું સ્થાન લઈ લે છે, જેના કારણે શ્વાસ રૂંધાવાથી જીવોનાં મોત નીપજે છે. આ ઘટના મુખ્યત્વે જ્વાળામુખી ક્ષેત્રોમાં આવેલાં ક્રેટર તળાવોમાં જોવા મળે છે. હવે શરૂઆતમાં લખેલી એ વાત યાદ કરો. લેક મનોન પણ ઓકુ નામના એક જ્વાળામુખીના વિસ્તારમાં આવેલું છે. 15 ઓગસ્ટ, 1984ની રાત્રે જે ધડાકો થયેલો, એ લિમનિક ઈરપ્શનને જ આભારી હતો. ધડાકા પછી કાર્બન ડાયોક્સાઈડ આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ ગયો. જે લોકો આ વિસ્તારમાં હાજર હતા, એમને ઓક્સિજનના અભાવે ગૂંગળામણ થવા માંડેલી અને અંતે હવામાં CO2ની વધુ પડતી માત્રાએ આ લોકોનો જીવ લીધો.
પણ પેલી ટ્રકના મુસાફરો પૈકી બે વ્યક્તિ કઈ રીતે બચી ગયા? કેમ કે એ લોકો ટ્રકની ઉપર સવાર હતા. કાર્બન ડાયોક્સાઈડ હવા કરતાં ભારે હોવાને કારણે જમીનની પાસે જ રહે છે. જે લોકો પ્રમાણમાં ઊંચા સ્થાને હતા, એ લિમનિક ઈરપ્શનના સાક્ષી બનવા છતાં જીવતા બચી ગયા. જોકે, કેટલાક મૃતકોની ચામડી પર ચકામાં કેમ ઊપસી આવ્યાં, એ માટે કોઈ ચોક્કસ કારણ જડતું નથી.
બે વર્ષ બાદ કેમેરુનના જ બીજા એક તળાવ લેક ન્યોસ ખાતે આવી જ ઘટના બની. લેક ન્યોસમાં થયેલા લિમનિક ઈરેપ્શને તો 1,746 માણસો અને સાડા ત્રણ હજાર પશુઓનો ભોગ લીધેલો! કુદરતની તાકાત સામે આપણે કેટલા લાચાર છીએ!
