તમે મૃત સમુદ્ર - એટલે કે ડેડ સીનું નામ તો સાંભળ્યું જ હશે. આ દરિયો ઇઝરાયેલ, વેસ્ટ બેન્ક અને જોર્ડનની સરહદ પર આવેલો છે. આ એક લેન્ડલોક્ડ સી, એટલે કે ચારે બાજુએથી જમીન વડે ઘેરાયેલો નાનો એવો દરિયો છે. આમ જુઓ તો ડેડ સી એક મોટા કદનું તળાવ જ ગણાય. એની ખાસિયત એ છે કે સમુદ્રના સ્તર (mean sea level) કરતાં આ લેક 430 મીટર નીચું છે. જોકે, આ લેક પોતાની અન્ય એક ખાસિયત માટે વિશ્વવિખ્યાત છે અને તે એ કે ડેડ સીમાં પડેલો માણસ ક્યારેય ડૂબતો નથી!
જી હા, તમને તરતા ન આવડતું હોય તેમ છતાં જો તમે ડેડ સીમાં આંખ મીંચીને કૂદી પડો તોય ડૂબવાને બદલે સપાટી પર જ તરતા રહો અને મજાની વાત તો એ છે કે તમારે હાથ-પગ હલાવવાનીય જરૂર નથી પડતી. ખુદ દરિયાનું પાણી જ તમને એ રીતે તરતા રાખે છે, જાણે તમે કોઈ જીવિત વ્યક્તિ નહિ, પણ મૃતદેહ હોવ! જોકે, એટલા કારણથી એનું નામ ડેડ સી નથી પડ્યું. આ લેકમાં કોઈ માછલી કે વનસ્પતિ ટકી શકતાં નથી. જળચરોને બહારથી લાવીને ડેડ સીમાં રાખવામાં આવે તોય તેઓ મૃત્યુ પામે છે.
ડેડ સીની આ બધી લાક્ષણિકતાઓ માટે જવાબદાર છે અહીના પાણીમાં રહેલ મીઠાની ઊંચી સાંદ્રતા - salinity. આમ તો સમુદ્રના પાણીમાં મીઠાનું વધુ પ્રમાણ હોવાનું જ. એટલે જ તો સમુદ્રનું પાણી ખારું લાગે છે. સામાન્ય રીતે સમુદ્રના પાણીમાં મીઠાનું પ્રમાણ સાડા ત્રણ ટકાની આસપાસ હોય છે, પણ ડેડ સીમાં તે 34 ટકા જેટલું ઊંચું પ્રમાણ ધરાવે છે. આટલી ખારાશ કોઈ સજીવને જીવવા નથી દેતી. વળી, મીઠાનું વધુ પ્રમાણ પાણીની ઘનતા વધારે છે. ડેડ સીમાં તરવા પડેલા માણસના વજનની સરખામણીએ આ ઘનતા ઘણી વધુ હોય છે, જેના પરિણામે પાણીનું તારકબળ વધી જાય છે, જે માણસને ડૂબવા દેતું નથી. જો આંકડાઓમાં રસ હોય તો જાણી લો કે માણસના શરીરની ઘનતા 0.97-1.07 g/cm³ હોય છે, જ્યારે ડેડ સીના પાણીની ઘનતા 1.24 g/cm³ (એટલે કે સામાન્ય પાણી કરતાં 24% વધુ) હોય છે. આટલી ઊંચી ઘનતા ધરાવતા પાણીમાં ડૂબવાનું તો ઠીક, તરવાનું પણ શક્ય નથી! બસ, બાથટબમાં પડ્યા હોવ એમ પાણીની સપાટી પર પડી રહેવું પડે!
હવે પ્રશ્ન એ છે કે ડેડ સીમાં ખારાશનું આટલું ઊંચું પ્રમાણ કેમ છે? મુખ્ય કારણ તેના ભૂગોળ અને વાતાવરણીય પરિસ્થિતિ છે. આ વિસ્તારને એન્ડોર્હીક બેસિન (endorheic basin) કહેવામાં આવે છે, એટલે કે તેમાં પાણી આવે છે, પણ બહાર નીકળતું નથી, કારણ કે આ એક લેન્ડલોક્ડ લેક છે. અહીં પાણીની આવકનો એકમાત્ર મોટો સ્રોત એટલે જોર્ડન નદી. હવે આ આખો વિસ્તાર રણપ્રદેશ હોવાને કારણે તાપમાન ખૂબ ઊંચું રહે છે. પરિણામે પાણીનું બાષ્પીભવન વધુ પ્રમાણમાં થાય છે. પાણીની આવક કરતાં બાષ્પીભવન વધુ થવાથી ડેડ સીના પાણીના જથ્થામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી તરફ પાણીમાં રહેલ મીઠા સહિતના બીજા ક્ષારોનું બાષ્પીભવન થતું નથી. એટલે એ જેમના તેમ રહી જાય છે. પરિણામે આજે સદીઓથી ડેડ સીમાં મીઠાનું પ્રમાણ વધતું રહ્યું અને પાણીનું પ્રમાણ ઘટતું રહ્યું છે. આ પ્રોસેસ બહુ ધીમી છે, પણ લાખો વર્ષોથી સતત ચાલતી હોવાને કારણે છેલ્લી કેટલીક સદીઓ દરમિયાન એની અસર દેખાઈ રહી છે. કહેવાય છે કે લાખો વર્ષ પહેલાં ડેડ સી બીજા સમુદ્ર વિસ્તાર સાથે જોડાયેલો હતો, પણ સમયની સાથે તે સુકાતો ગયો એમાં આજે જમીનથી ઘેરાયેલા મોટા તળાવ જેવડો રહી ગયો છે. ગરમ આબોહવા ધરાવતા પ્રદેશોમાં આવાં અન્ય જળાશયો પણ મોજૂદ છે. દાખલા તરીકે જિબુટીમાં આવેલ લેક આસલ (35%) અને ઈથિયોપિયાનું લેક ગેટે'લ પોન્ડ (43.3%) ડેડ સી કરતાં પણ વધુ ખારાશ ધરાવે છે.
અત્યંત ગરમ પ્રદેશોમાં બાષ્પીભવનને કારણે આવાં જળાશયો જોવા મળે એ સ્વાભાવિક છે, પણ કુદરતનો કમાલ એવો છે કે વિશ્વનાં સૌથી ખારાં જળાશયો બરફાચ્છાદિત એન્ટાર્કટિકામાં મોજૂદ છે! લેક વાન્ડા (35%) રાઈટ વેલીમાં છે, જ્યારે 44% ખારાશ ધરાવતું વિશ્વનું સૌથી ખારું સરોવર `ડોન જુઆન પોન્ડ' એન્ટાર્કટિકાની એઝગાર્ડ પર્વતમાળા વચ્ચે આવેલું છે. માઈનસ 50 ડિગ્રી તાપમાન હોય તો પણ `ડોન જુઆન પોન્ડ'નું પાણી જામીને બરફ થઇ જતું નથી. કેવી ગજબની વાત છેને!
સૃષ્ટિમાં અમુક આશ્ચર્યજનક ઘટનાઓ આકાર લે છે, એની પાછળેય ઘણી વાર સાવ સાદા વૈજ્ઞાનિક સત્યો જવાબદાર હોય છે. બીજી તરફ અમુક કિસ્સામાં એવુંય બને કે વિજ્ઞાનના મોટાં મોટાં થોથાં ઉથલાવી નાખો તોય નાનું સરખું રહસ્ય ઉકેલવામાં નિષ્ફળતા મળે! દાખલા તરીખે નમકનો ટેસ્ટ ખારો હોવા છતાં આપણે એને `મીઠું' શા માટે કહીએ છીએ?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો