ધારવાડ શહેરની એ સવાર રોજની જેમ જ શાંત અને આહ્લાદક હતી. કર્ણાટકનું આ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર પોતાનામાં વર્ષોનો ઇતિહાસ સમેટીને બેઠું હતું. કલ્યાણનગર વિસ્તારમાં આવેલા `સૌજન્ય' નામના મકાનની આસપાસ સવારના કૂણા તડકામાં પક્ષીઓનો કલરવ ગુંજી રહ્યો હતો. એ તારીખ હતી 30 ઓગસ્ટ, 2015. કન્નડ સાહિત્યજગતના માંધાતા, હમ્પી કન્નડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર અને નિર્ભીક સંશોધક ડૉ. મલ્લેશપ્પા મડીવાળપ્પા કલબુર્ગી પોતાના રોજિંદા ક્રમ મુજબ સવારની ગતિવિધિઓમાં વ્યસ્ત હતા. છન્નુ વર્ષના આ વૃદ્ધ વિદ્વાનની કલમ અને વિચારોની તાકાત એટલી પ્રચંડ હતી કે પરંપરાવાદીઓ અને કટ્ટરપંથીઓ તેમના નામ માત્રથી ધ્રૂજી ઊઠતા હતા.


કલબુર્ગી વર્ષોથી ધાર્મિક અંધશ્રદ્ધા, મૂર્તિપૂજા અને રૂઢિચુસ્ત પરંપરાઓ સામે ખુલ્લો મોરચો માંડીને બેઠા હતા. તેમના પ્રખર વિચારો અને વચન સાહિત્યના ઊંડા વિશ્લેષણે સમાજના એક ચોક્કસ વર્ગને ભારે નારાજ કર્યો હતો. છેક 1989માં જ્યારે તેમનો સંશોધન ગ્રંથ `માર્ગ-1' પ્રકાશિત થયો હતો, ત્યારથી જ તેમના પર જોખમનાં વાદળો ઘેરાવા લાગ્યાં હતાં. આ પુસ્તકમાં તેમણે વીરશૈવ પંથ અને ભગવાન બસવેશ્વર વિશે કેટલાંક એવાં તથ્યો રજૂ કર્યાં હતાં જે પ્રસ્થાપિત માન્યતાઓથી વિપરીત હતાં. એ સમયે તેમને એટલી હદે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી કે તેમને પોતાનું નિવેદન પાછું ખેંચવા અને દબાણ હેઠળ માફી માંગવા મજબૂર થવું પડ્યું હતું, પરંતુ કલબુર્ગીએ પોતાની કલમ બંધ ન કરી અને સત્યની શોધ ચાલુ જ રાખી.

સમય વહેતો ગયો અને વૈચારિક સંઘર્ષ વધુ તીવ્ર બનતો ગયો. જૂન, 2014માં બેંગલુરુમાં આયોજિત એક સેમિનારમાં કલબુર્ગીએ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા સાહિત્યકાર યુ. આર. અનંતમૂર્તિના એક પુસ્તકનો ઉલ્લેખ કર્યો. જેમાં અનંતમૂર્તિએ બાળપણમાં મૂર્તિઓ પર પેશાબ કરવાના પોતાના અનુભવ વિશે લખ્યું હતું, જે વાસ્તવમાં અંધશ્રદ્ધા અને મૂર્તિપૂજા સામેના પ્રશ્નો પૂછવા માટેનું એક રૂપક હતું, પરંતુ રૂઢિચુસ્ત સંગઠનોએ આ વાતને એ રીતે રજૂ કરી જાણે કલબુર્ગીએ પોતે દેવી-દેવતાઓનું ઘોર અપમાન કર્યું હોય. રાતોરાત આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. કલબુર્ગીના ઘર પર પથ્થરમારો થયો, સોડા બોટલો ફેંકવામાં આવી અને તેમનાં પૂતળાં બાળવામાં આવ્યાં. મામલો એટલો ગંભીર બન્યો કે કલબુર્ગીને કાયદાકીય કનડગતનો સામનો કરવો પડ્યો અને પોલીસે તેમના ઘર બહાર સુરક્ષા ચોકી ગોઠવી દેવી પડી.

ઓગસ્ટ, 2015ના પ્રારંભિક દિવસોમાં તેમણે કર્ણાટક પોલીસને વિનંતી કરીને પોતાના ઘર બહારથી પોલીસ સુરક્ષા પાછી ખેંચાવી લીધી. આ એક એવો નિર્ણય હતો જે ભવિષ્યમાં ભારે ઘાતક સાબિત થવાનો હતો, કારણ કે કાવતરાખોરો તો માત્ર એ જ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા જ્યારે કલબુર્ગી અસુરક્ષિત બને. કાયદો અને વ્યવસ્થાના રક્ષકો પાછા ફર્યા અને કલબુર્ગીના ઘરની આસપાસ એક મોકળાશવાળું મેદાન બની ગયું, જ્યાં હત્યારાઓ સરળતાથી પોતાનો ખેલ રમી શકવાના હતા.

આ તરફ મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરહદો પર પથરાયેલા કેટલાંક કટ્ટરપંથી સંગઠનોના ઈશારે એક ગુપ્ત અને સંગઠિત ક્રાઈમ સિન્ડિકેટ સક્રિય હતી. સનાતન સંસ્થા અને હિન્દુ જનજાગૃતિ સમિતિ સાથે જોડાયેલા કેટલાંક ઉગ્રવાદી તત્ત્વોએ એક અઘોષિત મિશન શરૂ કર્યું હતું. એવા તમામ બુદ્ધિજીવીઓનો ખાતમો કરવો જેઓ ધર્મ અને પરંપરાઓ વિરુદ્ધ બોલતા કે લખતા હતા. આ સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર હતો અમોલ કાલે. અમોલ કાલે ખૂબ જ શાતિર, શાંત અને અત્યંત વ્યવસ્થિત રીતે ગુનાનું આયોજન કરનારો વ્યક્તિ હતો. તેણે વર્ષ 2010-11ની આસપાસ વીરેન્દ્ર તાવડે ઉર્ફે `બડે ભાઈસા'બ'ના નેતૃત્વ હેઠળ એક એવા જૂથની રચના કરી હતી, જે શસ્ત્રો ચલાવવાની તાલીમ મેળવીને ટાર્ગેટ કિલિંગ્સને અંજામ આપી શકે. આ આખી ગેંગ ગુપ્ત કોડવર્ડ અને નકલી નામોથી ઓપરેટ કરતી હતી. તેઓ ટાર્ગેટ નક્કી કર્યા પછી શૂટર્સને બેલગામના ખાનાપુરનાં જંગલોમાં એર પિસ્તોલ અને દેશી બનાવટનાં હથિયારો ચલાવવાની કડક તાલીમ આપતા હતા.

અમોલ કાલેની નજરમાં કલબુર્ગી એ `દુર્જન' હતા, જેમનો નાશ કરવો તેમના ધાર્મિક એજન્ડાનો ભાગ હતો. હત્યાના કાવતરાને અંજામ આપવા માટે બે યુવાનોની પસંદગી કરવામાં આવી - ગણેશ મિસ્કિન અને પ્રવીણ ચતુર. ગણેશ મિસ્કિન હુબલીનો રહેવાસી હતો અને વૈચારિક રીતે અત્યંત ઉગ્ર હતો, જ્યારે પ્રવીણ ચતુર બેલગાવીનો વતની હતો જે બાઇક ચલાવવામાં માહિર હતો. આ સિન્ડિકેટના અન્ય સભ્યો જેવા કે અમિત બદ્દી અને વાસુદેવ સૂર્યવંશીએ બાઇક અને હથિયારોની વ્યવસ્થા કરવાનું કામ સંભાળ્યું હતું. હત્યાના કેટલાય દિવસો પહેલાંથી કલબુર્ગીના ઘર `સૌજન્ય'ની રેકી કરવામાં આવી હતી. કલબુર્ગી ક્યારે બહાર નીકળે છે, ઘરમાં કોણ-કોણ હોય છે, કયા સમયે તેઓ એકલા હોય છે અને ભાગવા માટે કયો રસ્તો સૌથી અનુકૂળ રહેશે, આ તમામ બાબતોનો ઝીણવટભર્યો અભ્યાસ ગણેશ મિસ્કિન અને અમિત બદ્દીએ કર્યો હતો.

છેવટે એ ગોઝારી સવાર આવી પહોંચી. 29 ઓગસ્ટની રાત્રે જ હત્યારાઓએ પોતાની તૈયારીઓ કરી લીધી હતી. 30 ઓગસ્ટની સવારે આશરે સાડા સાત વાગ્યે પ્રવીણ ચતુર અને ગણેશ મિસ્કિન એક કાળા રંગની મોટરસાઇકલ પર સવાર થઈને હુબલીથી ધારવાડ તરફ રવાના થયા. તેમની પાસે કલબુર્ગીના ઘરનો ચોક્કસ નકશો અને મગજમાં એક જ ઝનૂન હતું. કલબુર્ગીના ઘર કલ્યાણનગર તરફ જતી સડકો પર રવિવારની સવારે સામાન્ય દિવસો કરતાં ચહલપહલ ઓછી હતી. બાઇકની પાછળ બેઠેલા ગણેશ મિસ્કિનની કમરમાં દેશી બનાવટની 7.65 એમએમની પિસ્તોલ છુપાવેલી હતી. આ એ જ હથિયાર હતું જેના તાર અગાઉ થયેલી નરેન્દ્ર દાભોલકર અને ગોવિંદ પાનસરેની હત્યાઓ સાથે જોડાયેલા હોવાની આશંકા હતી.

બરાબર સવારે આઠ વાગ્યા ને ચાલીસ મિનિટે તે મોટરસાઇકલ `સૌજન્ય' મકાનની બહાર આવીને ઊભી રહી. પ્રવીણ ચતુરે બાઇકનું એન્જિન ચાલુ જ રાખ્યું અને આસપાસ નજર દોડાવવા લાગ્યો જેથી કોઈ આકસ્મિક આફત આવે તો તરત જ ભાગી શકાય. ગણેશ મિસ્કિન બાઇક પરથી ઊતર્યો. તેણે કાળા રંગનાં કપડાં પહેર્યાં હતાં અને તેના ચહેરા પર કોઈ ભય કે અચકાટ નહોતો. 

તે ધીમા પગલે ચાલતો ઘરના કમ્પાઉન્ડમાં દાખલ થયો અને મુખ્ય દરવાજો ખખડાવ્યો. ઘરમાં એ સમયે કલબુર્ગી અને તેમનાં પત્ની ઉમાદેવી હાજર હતાં. દરવાજો ખખડવાનો અવાજ સાંભળીને ઉમાદેવી રસોડામાંથી બહાર આવ્યાં અને તેમણે દરવાજો ખોલ્યો.

દરવાજો ખૂલતાંની સાથે જ સામે ઊભેલા ગણેશ મિસ્કિને અત્યંત નમ્રતાથી કન્નડ ભાષામાં પૂછ્યું, `સર અંદર છે? હું તેમનો વિદ્યાર્થી છું અને મારે કોઈ ખાસ વિષય પર ચર્ચા કરવી છે.' ઉમાદેવીને આ વાતમાં કોઈ શંકા ન ગઈ, કારણ કે કલબુર્ગી પાસે અવારનવાર અનેક સંશોધકો અને વિદ્યાર્થીઓ માર્ગદર્શન મેળવવા આવતા રહેતા હતા. ઉમાદેવીએ મિસ્કિનને સોફા પર બેસવાનું કહ્યું અને પોતે પતિને બોલાવવા તેમજ મહેમાન માટે કોફી બનાવવા રસોડા તરફ વળ્યાં. કલબુર્ગી પોતાના અભ્યાસખંડમાંથી બહાર આવ્યા અને હોલમાં બેઠેલા અજાણ્યા યુવાન તરફ આગળ વધ્યા. તેમણે હજુ તો પ્રશ્ન પૂછવા માટે મોં ખોલ્યું જ હશે, ત્યાં જ ગણેશ મિસ્કિને પોતાની કમરમાંથી પિસ્તોલ બહાર કાઢી લીધી.

એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ગણેશ મિસ્કિને પોઇન્ટ બ્લેન્ક રેન્જ પરથી કલબુર્ગી પર ફાયરિંગ કર્યું. પહેલી ગોળી સીધી કલબુર્ગીની છાતીમાં વાગી અને બીજી ગોળી આરપાર નીકળી ગઈ. ગોળીઓનો પ્રચંડ અવાજ આખા ઘરમાં ગુંજી ઊઠ્યો. કલબુર્ગી લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા. રસોડામાં કોફી બનાવી રહેલાં ઉમાદેવી ધડાકાનો અવાજ સાંભળીને બહાવરા બનીને દોડતાં હોલમાં આવ્યાં. તેમની આંખો સામે જે દૃશ્ય હતું તેણે તેમના પગ નીચેથી જમીન સરકાવી દીધી. તેમના જીવનસાથી લોહીના ખાબોચિયામાં તરફડી રહ્યા હતા. જ્યારે હત્યારો ગણેશ મિસ્કિન હાથમાં બંદૂક લહેરાવતો બહાર ભાગી રહ્યો હતો.

ગણેશ મિસ્કિન કમ્પાઉન્ડની બહાર દોડ્યો અને પ્રવીણ ચતુરની ચાલુ બાઇક પર પાછળ ગોઠવાઈ ગયો. પ્રવીણે બાઇકને ફૂલ સ્પીડમાં ભગાવી અને જોતજોતામાં બંને ગીચ ગલીઓમાં ગાયબ થઈ ગયા. ઉમાદેવીની ચીસો સાંભળીને પડોશીઓ દોડી આવ્યા. ચારેબાજુ અફરાતફરી મચી ગઈ. તાત્કાલિક લોહીથી લથબથ કલબુર્ગીને જિલ્લા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. ધારવાડથી શરૂ થયેલા આ લોહિયાળ સમાચાર થોડી જ મિનિટોમાં આખા દેશમાં વાયુવેગે ફેલાઈ ગયા. પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ. હુબલી-ધારવાડ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દેવામાં આવી.   

કલ્યાણનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી. આ કેસની ગંભીરતાને જોતાં કર્ણાટક સરકારે તાત્કાલિક સીઆઈડી(CID)ની વિશેષ ટીમને તપાસ સોંપી. સીઆઈડીના અધિકારીઓએ ઘટનાસ્થળેથી કારતૂસના બે ખોખા અને બુલેટના અવશેષો કબજે કર્યા, જે 7.65 એમએમની પિસ્તોલના હતા. ઉમાદેવી અને પડોશના એક સાક્ષીના નિવેદનના આધારે પોલીસે હત્યારાઓનાં સ્કેચ તૈયાર કરાવ્યાં અને મીડિયામાં જાહેર કર્યાં, પરંતુ તપાસની શરૂઆત ભારે મૂંઝવણભરી રહી. હત્યારાઓ એટલી વ્યવસ્થિત રીતે ભાગી ગયા હતા કે ટેક્નિકલ સર્વેલન્સ કે સીસીટીવી કેમેરામાં પણ કોઈ નક્કર કડી હાથ લાગી નહોતી.

આ દરમિયાન દેશભરમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. કલબુર્ગીની હત્યા એ માત્ર એક વ્યક્તિની હત્યા નહોતી, પરંતુ તે મુક્ત વિચારો અને અભિવ્યક્તિની આઝાદી પર સીધો હુમલો હતો. આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગઈ.

સીઆઈડીની તપાસ આગળ ધપી રહી હતી, પરંતુ કોઈ મોટી સફળતા મળતી નહોતી. શંકાની સોય કટ્ટરપંથી જૂથો તરફ જતી હતી, પણ તેમની વિરુદ્ધ કોઈ સચોટ વૈજ્ઞાનિક પુરાવા નહોતા. જ્યારે પણ તપાસકારો કડીઓ જોડવાનો પ્રયાસ કરતા, કાવતરાખોરોની મોડસ ઓપરેન્ડી એટલી પ્રોફેશનલ જણાતી કે પોલીસ દિશાહીન બની જતી. આ હત્યાના તાર મહારાષ્ટ્રમાં વર્ષ 2013માં થયેલી નરેન્દ્ર દાભોલકરની હત્યા અને 2015ના ફેબ્રુઆરીમાં થયેલી ગોવિંદ પાનસરેની હત્યા સાથે સમાન શૈલી ધરાવતા હતા, છતાં ત્રણેય કેસના કાવતરાખોરો કાયદાની પકડથી દૂર હતા. સીઆઈડીએ સેંકડો લોકોની પૂછપરછ કરી, પણ અસલી ગુનેગાર કોણ હતો અને બંદૂક ચલાવનારો ક્યાં છુપાયેલો હતો, તે રહસ્ય હજુ પણ અકબંધ હતું.

વર્ષો વીતતાં ગયાં અને કલબુર્ગીનો પરિવાર ન્યાયની આશામાં સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા મજબૂર બન્યો. તપાસ જાણે થંભી ગઈ હતી અને ફાઈલો ધૂળ ખાતી પડી હતી, પરંતુ કાવતરાખોરો એ ભૂલી ગયા હતા કે સત્ય ક્યારેય કાયમ માટે દબાતું નથી. એક ઘાતકી વળાંક હજુ બાકી હતો, જે આ સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો હતો. બેંગલુરુના એક શાંત રસ્તા પર વધુ એક ગોઝારી હત્યા થવાની હતી, જે કલબુર્ગી હત્યાકાંડના બંધ દરવાજા ખોલવાની ચાવી સાબિત થવાની હતી. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: