વર્ષ 2000ના ઓક્ટોમ્બર મહિનામાં અમેરિકાની સરકારે એક નવો કાયદો `ધ વિક્ટિમ્સ ઓફ ટ્રાફિંકિંગ એન્ડ વાયોલન્સ પ્રોટેક્શન એક્ટ' પસાર કર્યો છે. એની હેઠળ `યુ' વિઝા દાખલ કર્યા છે.

આ કાયદા હેઠળ જે કોઈ પણ પરદેશીઓ કોઈ ક્રિમિનલ એક્ટિવિટીના ભોગ બન્યા હોય, એમને ખૂબ જ ફિઝિકલ અથવા મેન્ટલ ત્રાસ પડ્યો હોય અને એમની આગળ એ જે ક્રિમિનલ એક્ટિવિટી કરતા લોકો હોય, એને લગતી માહિતી હોય અને તેઓ એ માહિતી અમેરિકાની સરકારને આપવા તૈયાર હોય એવા પરદેશીઓ જેઓ અમેરિકામાં હોય એમને `યુ' વિઝા આપવામાં આવે છે. તેઓ એ વિઝા મેળવીને તેઓ અમેરિકામાં રહી શકે છે. એમના કુટુંબીજનો `ડિપેન્ડન્ડ યુ' વિઝા મેળવી શકે છે.

`યુ' વિઝા મેળવવા માટે ફોર્મ આઈ-918 ભરવાનું રહે છે. સાથે જે વ્યક્તિ આ યુ વિઝાની માંગણી કરી રહ્યું હોય એણે આખા બનાવનું વર્ણન કરતું સ્ટેટમેન્ટ સોગંદ ઉપર આપવાનું રહે છે. ફોર્મ આઈ-918 સપ્લિમેન્ટ-B પણ આપવાની રહે છે. આ સપ્લિમેન્ટ અમેરિકન પોલીસ ઓફિસરોએ આપવાની રહે છે. જેમાં એમણે એવું જણાવવાનું રહે છે કે જે વ્યક્તિ `યુ' વિઝાની માંગણી કરી રહી છે એ વ્યક્તિએ ખરેખર ખૂબ જ ત્રાસ ભોગવ્યો છે.

ચંદ્રકાંત પટેલ નામના એક ભાઈ ગુજરાતના લ્યુઝિયાનિયામાં રહેતા, જેઓ બબ્બે સ્ટોરના માલિક હતા અને એક ફાસ્ટફૂડની હોટલ પણ ચલાવતા હતા. તેમણે એવું કહ્યું કે બંદૂકો, છરા, ભાલા લઈને આવેલા લોકોએ જે લૂંટફાટ કરી હું એનો ભોગ બન્યો છું. પોલીસ ઓફિસરોએ `બી' સર્ટિફિકેટ પણ આપ્યું. એમણે `યુ' વિઝાની અરજી કરી અને વર્ષ 2023માં એમને `યુ' વિઝા આપવામાં આવ્યા.

અમેરિકાની સરકારને પછીથી એવું લાગ્યું કે આ ચંદ્રકાંતે સરકારને જે બાતમી આપી છે એ શંકાજનક છે. એટલે 15મી જુલાઈ, 2025ના દિવસે એમની બે કલાક ઊલટ તપાસ લેવામાં આવી. એમણે કબૂલ્યું કે હા, મેં 300 વ્યક્તિઓને વર્ષ 2015થી 2025 સુધીમાં `યુ' વિઝા મેળવવામાં સહાય કરી છે. એમણે એમ પણ કહ્યું કે મારી જોડે બીજા ચાર પોલીસ ઓફિસરો પણ હતા જેમણે આમાં ભાગ લીધો છે.

23 જુલાઈ, 2025ના દિવસે એમને કોર્ટમાં ઊભા કરવામાં આવ્યા. ત્યારે એમણે જજ સાહેબને કહ્યું કે, `સાહેબ, મને ખોટી રીતે પકડવામાં આવ્યો છે. હું ગુનેગાર નથી. મેં 300 કે કોઈ પણ વ્યક્તિઓને `યુ' વિઝા મેળવવામાં મદદ નથી કરી. મને પોતાને `યુ' વિઝા મળ્યા છે, કારણ કે હું હથિયારધારક લૂંટારાઓનો ભોગ બનેલો હતો.' આમ, ચંદ્રકાંત પટેલે ગુલાંટ મારી.

નામદાર જજે ચંદ્રકાંત પટેલને કેસ ચાલે ત્યાં સુધી જેલમાં રાખવાનો ઓર્ડર કર્યો. એમણે જામીન ઉપર છૂટવાની માંગણી કરી, પણ તમે તો `ફ્લાઈટ રિસ્ક' છો, તમે ઈન્ડિયા ભાગી જશો. આવું જણાવીને જજે ચંદ્રકાંત પટેલને બેલ ન આપ્યા, પણ એમની જોડે બીજા જે ચાર પોલીસ ઓફિસરો હતા જેમણે પણ આવા ખોટી રીતે `યુ' વિઝા મેળવવા 300 લોકોને મદદ કરી હતી, એમને બેલ ઉપર છોડ્યા.

જજસાહેબનું એવું માનવું હતું કે ચંદ્રકાંત પટેલ મૂળ ઈન્ડિયાના છે. ભારતમાં એમનું રહેઠાણ હતું. આથી એમને બેલ ઉપર છોડવામાં આવે તો તેઓ ભાગી જાય. પેલા જે ચાર અમેરિકન પોલીસ ઓફિસર હતા તેઓ તો અમેરિકામાં જ રહેતા હતા એટલે એ લોકો ભાગી જાય એવી શક્યતા નથી.

આમાં સાચું શું? એ તો જજસાહેબ નક્કી કરશે, પણ આ `યુ' વિઝાનો અનેકો ગેરલાભ ઉઠાવે છે.

આ એક `વિઝા ફ્રોડ' છે. ખૂબ જ ગંભીર ગુનો છે. યુ વિઝા ખાસ એવા પરદેશીઓ માટે ઘડવામાં આવ્યા છે કે જે લોકો ગુનાઓનો ભોગ બન્યા હોય. આવા લોકો માટે ત્યાંની સરકાર ખાસ આ પ્રકારના વિઝા જનરેટ કરે છે જેથી તેઓ એક રીતે ત્યાની ગવર્મેન્ટ અને પોલિસની રડારમાં રહી શકે, જેથી ફરીથી એમના ઉપર કોઇ આરોપ લાગે તો પકડવામાં સરળતા રહે.

આ `યુ' વિઝા અમેરિકામાં પ્રવેશવાનો, કુટુંબીજનો સાથે કાયમ રહેવાનો એક પ્રકારનો રસ્તો બની ગયો છે. અનેકો એનો ગેરલાભ લેવા ઈચ્છે છે. ચંદ્રકાંત પટેલે 300 જણાને ખોટા `યુ' વિઝા અપાવ્યા એવો આક્ષેપ છે. જો એ પુરવાર થશે તો એમને ખૂબ મોટી સજા થશે અને આપણા ગુજરાતીઓનું નામ, જે અમેરિકામાં ગેરકાયદેસર રહેવા માટે, ગેરકાયદેસર ધૂસવા માટે ખરડાયેલું છે, એ વધુ ખરાબ થશે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જે લોકો ગેરકાયદેસર અમેરિકામાં રહે છે એમના પ્રત્યે એક મોટી ઝુંબેશ ઉપાડી છે. એમને પકડીને, જેલમાં નાખીને, વિમાનમાં બેસાડીને અમેરિકા બહાર તગેડી મૂકવામાં આવે છે. તમારે જો આવા વર્તાવનો ભોગ બનવું ન હોય તો અમેરિકામાં ગેરકાયદેસર રહેવાનો વિચાર ન કરતા. ખોટી રીતે `યુ' વિઝા મેળવવાનો પ્રયત્ન ન કરતા. નહીં તો જે વિશ્વનો સૌથી આગળ પડતો દેશ છે, જે દેશમાં અસંખ્ય તકો છે એ તમને પ્રાપ્ત નહીં થાય.