આયુર્વેદ સાથે સંબંધ ધરાવતા વનસ્પતિશાસ્ત્રના ગ્રંથોમાં અનેક કાષ્ઠૌષધીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઔષધિઓમાંથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને સરળતાથી પ્રાપ્ત થતી એક ઔષધિનું નામ છે, `કુટજ'. (આપણે ગુજરાતીમાં તેને કડો કહીએ છીએ.) તો અમારા વૈદ્યોના પ્રિય અને મોટા આંતરડાના રોગોમાં ખાસ ઉપયોગી એવા આ આયુર્વેદીય ઔષધ વિશે આજે થોડું નિરૂપણ કરું છું.
ગુણધર્મો
કડાના આશરે 4થી 10 ફૂટ ઊંચા છોડ ભારતના પર્વતીય પ્રદેશોમાં ખાસ જોવા મળતા હોવાથી જ તેને સંસ્કૃતમાં તથા આયુર્વેદમાં `કુટજ' નામ આપવામાં આવ્યું છે. ઔષધ તરીકે આ કુટજના વૃક્ષની છાલ (કડાછાલ) અને તેનાં બીજ (ઇન્દ્રજવ) વધારે ઉપયોગી છે.
આયુર્વેદ પ્રમાણે કડાછાલ સ્વાદમાં કડવી અને તૂરી, પચવામાં હલકી અને શીતળ છે. તે પિત્તશામક, ભૂખ લગાડનાર, રક્તની શુદ્ધિ અને સ્તંભન કરનાર, ઘા રુઝવનાર તથા મસા-પાઈલ્સ, રક્તસ્રાવ, તાવ, કૃમિ, મંદાગ્નિ, મરડો અને પેટનાં દર્દો મટાડે છે. જ્યારે ઇન્દ્રજવ સ્વાદે કડવા અને તીખા, ગરમ, ભૂખ લગાડનાર, મરડો, તાવ, કૃમિ, સંગ્રહણી, વાયુ, શૂળ, મસા, કોઢ, રક્ત બગાડના રોગો મટાડનાર છે.
ઉપયોગ
આયુર્વેદ પ્રમાણે પિત્ત દોષના બે મુખ્ય ગુણો છે, `ઉષ્ણતા' તથા `તીક્ષ્ણતા' અને પિત્તના આ બે ગુણોથી થતા એક રોગનું નામ છે, `રક્તાતિસાર'. અમુક કારણોથી જ્યારે પિત્તના આ બંને ગુણોમાં અધિકતા આવે છે, ત્યારે તેને કારણે મોટા આંતરડામાં નાનાં-મોટાં અનેક ચાંદાંઓ પડે છે. અવારનવાર લોહીયુક્ત ચીકણા ઝાડા થાય છે, જેને રક્તાતિસાર કહે છે. (Ulcerative Colitis- Crohn’s Disease સાથે તેને સરખાવી શકાય.) કડાછાલ તેનું ઉત્તમ અને નિર્દોષ ઔષધ છે. કડાછાલ એક તો પિત્તશામક છે. વળી તે શીતળ અને તૂરા રસયુક્ત હોવાથી આંતરડાનાં ચાંદાંને ઝડપથી મટાડે છે. ઉપચાર માટે એક ચમચી જેટલું કડાછાલનું ચૂર્ણ બે ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવું. ઉકળતા એક કપ જેટલું દ્રવ બાકી રહે ત્યારે ગાળીને ઠંડું પાડીને આ દ્રવ પી જવું. સવાર-સાંજ આ રીતે તાજો ઉકાળો બનાવીને નિયમિત પીવાથી તીવ્ર અને ઉગ્ર રક્તાતીસારમાં પણ ફાયદો જાણવા લાગે છે.
આયુર્વેદ પ્રમાણે કડો ઉત્તમ ગ્રાહી અને રક્ત સંગ્રાહક છે. લોહીવાળા મરડામાં આના બરાબર બીજી ઔષધી નથી. તાજા મૂળને અને તાજી છાલને છાશમાં ઘસીને બે-બે ચમચી આપવાથી તાવ દૂર થાય છે, વારંવાર થતા ઝાડા ઓછા થઇ જાય છે અને મળમાં લોહી જતું હોય તે પણ ઓછું થઇ જાય છે.
જેમને પચ્યા વગરના કે કફયુક્ત ચીકાશવાળા ઝાડા વારંવાર થતા હોય, તેમના માટે કડાછાલમાંથી બનતું `કુટજારિષ્ટ' એક ઉત્તમ દ્રવ ઔષધ છે. સવાર-સાંજ જમ્યા પછી આ દ્રવ એકથી બે ચમચીની માત્રામાં એટલા જ પાણીમાં મેળવીને પીવાથી પચ્યા વગરના ઝાડા, ચીકાશયુક્ત ઝાડા, જૂનો મરડો વગેરે પાચન સંબંધી રોગો મટે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો