જૂનનો આખો મહિનો લગભગ કોરોધાકોર ગયો છે. છેક અખાત્રીજથી ખેતર ખેડી આંખોનું નેજવું કરી મેહુલિયાની રાહ જોતો જગતનો તાત ચિંતામાં છે. આકાશી ખેતી પર નભતા કે સિંચાઈ પર જીવતા કિસાનનું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. એટલે તે ગમે તેટલી મહેનત કરે તો પણ તેને વળતરમાં ઘણીવાર ઘણી બધી નિરાશાઓ સાંપડે છે. વાવેતર થઈ ગયું છે. ખાતર અપાઈ ગયું છે, પણ પાણી ક્યાં? ખાતર-પાણી ભલે સાથે બોલાય, પણ સાથે મળે જ તેવું ન પણ બને. આ વરસનું ચોમાસું સામાન્ય રહેશે અને દર વરસ કરતાં થોડો ઓછો વરસાદ વરસશે એવી આગાહીઓ વચ્ચે ખેડૂત જીવે છે.   

બિયારણ, ધરુ, છોડ, રોપો, ખાતર, પાણી, દવા એ ખેતી માટેના કિસાનનાં કેટલાંક સાધનો છે. આમ તો ખેતીમાં બધાનું સરખું મહત્ત્વ છે, પરંતુ ખાતરનું મહત્ત્વ સવિશેષ છે. સાર્થ ગૂજરાતી જોડણીકોશ મુજબ ખાતર એટલે ખેતર સુધારવા સારુ તેમાં નખાતાં છાણ, કાંપ, લીંડી વગેરે પદાર્થો, તેવો બીજો રસાયણી પદાર્થ. બીજા અર્થમાં ખેતરની જમીન કે માટીમાં પાકના બિયારણ, ધરુ કે છોડને પોષકતત્ત્વોનો પુરવઠો પૂરો પાડતો કુદરતી કે કૃતિમ મૂળનો કોઈ પદાર્થ. જોડણીકોશના અર્થ મુજબ અગાઉ પાકને માત્ર છાણિયું ખાતર જ આપવામાં આવતું હતું, પરંતુ અનાજની અછતમાંથી બહાર આવવા સર્જાયેલી હરિયાળી ક્રાંતિ દરમિયાન વધુ ઊપજ મેળવવા રાસાયણિક ખાતરનો ઉપયોગ થવા માંડ્યો. તેના કારણે અનાજના ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર જ ન બન્યો નિકાસ કરતો પણ થયો. જોકે, આજે તો રાસાયણિક ખાતરોનો અસંતુલિત અને અતિરેકી ઉપયોગ થઈ રહ્યો છે, જે નુકસાનકારક છે.   

સરકારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 હેઠળ ખાતરને આવશ્યક વસ્તુ જાહેર કરી છે. 1973 અને 1985ના બે આદેશોથી ખાતરનું વેચાણ સુનિશ્ચિત કરવાના રાજ્ય સરકારોને અધિકારો આપેલા છે. ભારત સરકાર ખેડૂતોને ખેતી પરવડે તે હેતુસર ખાતર પર સબસિડી આપે છે. યુરિયા ખાતરની 45 કિલોની થેલી જે ખેડૂતોને આશરે રૂ. 260 થી 280માં પડે છે તેની વાસ્તવિક કિંમત લગભગ રૂ. 2500થી 2800 હોય છે. એટલે એક થેલીએ સરકાર આશરે રૂ. 2500ની સબસિડી આપે છે. આ વરસના ખરીફ કે ચોમાસુ પાક માટે જ ખાતરની સબસિડી રૂ. 41,534 કરોડ નક્કી કરી છે. દર વરસે સરકાર ખાતરની સબસિડી પેટે જ ખેડૂતોને રૂ. 2 લાખ કરોડ આપે છે.   

2010ના હુકમથી સરકારે પોટેશિયમ અને ફોસ્ફરસ ખાતરના ઉપયોગ પર નિયંત્રણો લાદ્યાં છે, પરંતુ તેમાંથી યુરિયાને બાકાત રાખ્યું છે એટલે ખેડૂતો યુરિયાનો અસંતુલિત, આડેધડ અને અત્યાધિક ઉપયોગ કરે છે. કૃષિ નિષ્ણાતોના મતે ખેડૂતના ખેતરમાં જે છોડ કે બિયારણ વાવ્યું હોય તેના માટે જરૂરી ત્રણ પોષકતત્ત્વો નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનો 4: 2: 1ના પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ, પરંતુ ખેડૂતો સામાન્યત: 11:4:1ના પ્રમાણમાં આ તત્ત્વોનો ઉપયોગ કરે છે. ખાતરનો 1/3 હિસ્સો જ છોડ અવશોષિત કરે છે. બાકીનો વેડફાય છે. એટલે ખાતરના પ્રમાણમાં સંતુલન જરૂરી છે.   

ખાતરનો મોટો જથ્થો સરકારે બીજા દેશોમાંથી આયાત કરવો પડે છે. તેમાં કીમતી વિદેશી હૂંડિયામણ વપરાય છે. વળી, ખાતર પર સબસિડી મળે છે એટલે સરકારને મોટો ખર્ચ વેઠવો પડે છે. બીજી તરફ કિસાનો સસ્તું મળેલું ગણીને જરૂર કરતાં વધુ ખાતર વાપરે છે. ખાતરના અસંતુલિત ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. પ્રદૂષણ વધે છે. ખાતર બનાવતાં યંત્રોમાંથી નીકળતો ઝેરી કચરો પાણી અને હવાની ગુણવત્તા બગાડે છે. માનવ આરોગ્ય પર પણ તેની અસર પડે છે. એમોનિયાના સંપર્કથી દમ અને શ્વસન સંબંધી બીમારી થઈ શકે છે. યુરિયાનો વધુ ઉપયોગ પાકને ફાયદાના બદલે નુકસાન કરે છે. ખાતરના વધારે ઉપયોગથી પોષકતત્ત્વોમાં અસંતુલન થાય છે. માટીની ગુણવત્તામાં ઘટાડો થાય છે. તેના લીધે પાકની વૃદ્ધિ અને પેદાશ પર પ્રતિકૂળ અસરો જન્મી છે. 2013-14માં 30.6 મિલિયન ટન યુરિયાનો વપરાશ થયો હતો. દસ વર્ષ પછી 2023-24માં 35.8 મિલિયન મેટ્રિક ટન યુરિયાનો વપરાશ થયો છે. આ વૃદ્ધિ ખાતરના વધુ ઉપયોગને કારણે છે.   

વડાપ્રધાને ખેડૂતોને રાસાયણિક ખાતરોનો વપરાશ અડધો કરવા અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી છે. અગાઉ મન કી બાતમાં પણ તેમણે આ વાત કરી હતી. સરકાર તરફથી આ દિશામાં કેટલાંક પગલાં લેવાઈ રહ્યાં છે, 

પરંતુ તેની ધારી અસર જોવા મળતી નથી. ખાતરોના અસંતુલિત ઉપયોગને અટકાવવા સરકારે ખેડૂતોને ખાતરના ઉપયોગના પ્રમાણ અંગે અને તેના કરતાં વધુ ઉપયોગથી થનારા નુકસાન અંગે જાગ્રત કરવા માટે તથા તેમની સમજ વિકસે તે માટેના કાર્યક્રમો હાથ ધરવા જોઈએ.  

ખાતર પરની સબસિડી તેના ઉપયોગમાં જોવા મળતા અસંતુલનનું પ્રમુખ કારણ છે, પરંતુ કોઈ સરકાર ખાતરની સબસિડી બંધ તો શું ઘટાડવા માટે પણ વિચારી શકે તેમ નથી. એટલે તેના વિકલ્પો માટે વિચારવું જોઈએ. એક ઉપાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ છે. એટલે ખેડૂતના બેન્ક ખાતામાં સબસિડીની રકમ સીધી જમા કરવી. ખેતરનો આકાર, જમીનની ગુણવત્તા અને સોઈલ હેલ્થ કાર્ડના આધારે આ સંભવ હોવાનું મનાય છે, પરંતુ સરકારે દેશના 27 જિલ્લામાં પ્રાયોગિક ધોરણે આ સ્કીમ દાખલ કરી હતી. તેનો ફાયદો ખેડૂતોને ઓછો અને ખાતર ઉત્પાદક કંપનીઓને વધુ થતો જોવા મળ્યો છે.   

સબસિડીવાળા યુરિયા ખાતરના કાળાબજાર થતા હોવાનું પણ સરકારના ધ્યાને આવ્યું છે. યુરિયાના ભાવો એટલા ઓછા છે કે ખેડૂતોના નામે કાળાબજારિયા તેની ખરીદી કરી લે છે અને તેનો ઉપયોગ ઔદ્યોગિક રસાયણમાં કરવા દેશમાં અને વિદેશોમાં વેચે છે. તેનો ઉપાય લાભાર્થી ખેડૂતોની ઓળખ વધુ ગંભીર રીતે કરવાની આવશ્યકતા છે. સરકાર પારંપરિક દાણાદાર યુરિયાને સબસિડી માટે યોગ્ય ગણે છે, પરંતુ છોડનાં પત્તાં પર છાંટવાના પ્રવાહી કે તરલ યુરિયાને સબસિડી માટે યોગ્ય માન્યું નથી. ખરેખર દાણાદાર યુરિયા કરતાં તરલ યુરિયા છોડ માટે વધુ ઉપયોગી છે અને તેનો બગાડ ઓછો થાય છે એટલે સરાકારે નૈનો યુરિયા અને તરલ યુરિયા માટે વિચારવું જોઈએ.   

ખેતીમાં ખાતરની ભૂમિકા શું અને કેવી છે, તે આરોગ્ય માટે કેટલું આવશ્યક છે તેની સ્પષ્ટ અને પાકી સમજ ખેડૂતોમાં અને લોકોમાં ઊભી કરવાની જરૂર છે. જૈવિક ખાતરો અને પ્રાકૃતિક ખેતી લાંબા ગાળે કેટલી ફાયદાકારક નીવડે છે તે અંગે પણ જાગૃતિની જરૂર છે. ટકાઉ ખેતી અને વધુ ખેત ઊપજ માટે ખાતરના ઉપયોગમાં સંતુલન જરૂરી છે. નહીં તો ક્યાંક તે ખાતર ઉપર દિવેલ પણ સાબિત થઈ શકે છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો