સંબંધ પહેલી નજરનાં આકર્ષણ, પ્રેમથી કે પરિચયને કારણે પાંગરતી લાગણીઓને કારણે બંધાઇ જાય. મિત્રો સાથેના સંબંધોમાં કેમેસ્ટ્રી મેચ થાય ને પારિવારિક સંબંધોમાં સ્નેહ-સ્વભાવ કારણભૂત હોય, પરંતુ પ્રથમદર્શી કારણો સુખદ પરિણામ આપે જ એ જરૂરી નથી. ગમતા લોકો સાથેના સંબંધો પણ ત્રણ L યાને Love, Loyality અને Liberty (પ્રેમ, વફાદારી અને સ્વતંત્રતા)ના અભાવે મૂરઝાઈ જાય. આ ત્રણ વિનાનો સંબંધ પ્લાસ્ટિકનાં ફૂલો જેવો છે, જેમાં સુખ-આનંદ અને સન્માનની સુગંધ ક્યારેય ન પ્રગટે. એક સુખી, પરિપક્વ અને દીર્ઘકાલીન સંબંધોનો આધાર આ ત્રણ પરિબળો છે.

પહેલા ક્રમે આવે છે લવ. જેમાં બાહ્ય અને આંતરિક બંને પ્રકારનું આકર્ષણ હોય, પણ એમાં પ્રેમ, જોડાણ, આત્મીયતા, પરસ્પરને પામવાની તથા સાથે રહેવાની ઉત્કટતા હોય, કાળજી હોય, સંવેદનશીલતા હોય. પ્રેમ એટલે સામી વ્યક્તિને સમજવાની અને સાંભળવાની ધીરજ સાથેની મનઃસ્થિતિ અને ભાવનાઓને સમજવા માટે એમની લાગણીઓને શાંતિથી સાંભળવી. એમને એ અહેસાસ કરાવવો કે તેઓ તમારા માટે કેટલા મહત્ત્વપૂર્ણ છે. પ્રેમમાં સમજવા માટે સાંભળવા ઉપરાંત પ્રેમની ભાષા પણ જાણવી પડે. દરેક વ્યક્તિની પ્રેમને મહેસૂસ કરવાની રીત અલગ હોય છે. કોઇના માટે પ્રશંસાના શબ્દો તો કોઇના માટે ક્વોલિટી ટાઇમ. કોઇના માટે દરકાર પ્રેમનું પ્રતીક હોય, તો કોઇના માટે ગિફ્ટ. પ્રેમની ભાષાને સમજીને પ્રેમ વ્યક્ત થાય તો બંને પક્ષ એને આત્મસાત્ કરી ખુશી પામી શકે. જ્યાં પ્રેમ હોય ત્યાં ક્રોધ કે સજા નથી હોતી. બે વ્યક્તિ સાથે રહે એટલે ભૂલો, દલીલો, ઝઘડા, આક્ષેપો બધું જ થવાનું. જે હંમેશાં ગમવાનું નથી અને સ્વીકારવાનું પણ નથી. પરિણામે સાથી કોઇ ન બોલવાના શબ્દ બોલે કે ન કરવા જેવો વ્યવહાર કરે તો એને માફ કરવાની ઉદારતા હોય તો જ એ પ્રેમ સાચો. માફ કરીને આગળ વધવાની વૃત્તિ જ પ્રેમની સીડી છે. એકાદ દિવસનો કોઇ મોટો પ્રયાસ પ્રેમને મજબૂત બનાવે છે, પરંતુ પ્રેમને સદાય, હરપળ જીવંત અને અહેસાસ યોગ્ય બનાવવા માટે રોજરોજ પ્રયાસો કરવા પડે. સાથે ટાઇમ સ્પેન્ડ કરવો, એકબીજાને હેલ્પ કરવી, સ્વમાનની રક્ષા કરવી અને સાથે સપનાના તાણાવાણા ગૂંથવા એ પ્રેમના નાના-નાના પ્રયાસો છે.   

સંબંધોમાં બીજા ક્રમે આવે છે લોયાલિટી યાને વફાદારી. વફાદારી એટલે વિશ્વાસ, પ્રતિબદ્ધતા અને સુરક્ષાનો સરવાળો. વફાદારીનો અર્થ એકબીજા પ્રત્યે શારીરિક રીતે વફાદર રહેવું એ નથી, પરંતુ માનસિક અને ભાવનાત્મક રીતે પણ હંમેશાં જોડાયેલા રહેવું એ છે વફાદારી. એટલે અન્ય તરફ આકર્ષાવું નહીં એ નથી, પરંતુ જીવનમાં જ્યારે નિષ્ફળતા, આર્થિક સંકટ કે શારીરિક તકલીફ આવે ત્યારે કોઇ પણ જાતની શરત વિના સાથે રહેવું એ વફાદારી છે, નિષ્ઠા છે. આજના સમયમાં સોશિયલ મીડિયા દ્વારા માઇક્રોચીટિંગ થાય છે, જે સંબંધોની પારદર્શિતા અને વફાદારી સામે મોટો ખતરો છે. જે લોકો એને આધુનિકતા અને જસ્ટ ચેઇન્જ ગણે છે તેઓ જીવનસાથી સાથે વિશ્વાસઘાત જ નથી કરતા, પરંતુ એમનાં આત્મસન્માન, આત્મવિશ્વાસ અને લાગણી પર પણ હુમલો કરે છે.

આધુનિક ડિજિટલ યુગમાં ફોન કે સોશિયલ મીડિયામાં નિખાલસતા અને નિષ્ઠા હોવી એ પારદર્શિતાનો એક હિસ્સો છે. વાઇફ સ્વેપિંગ, સિચ્યુએશનશિપ કે મંકી બ્રાન્ચિંગ જેવા શબ્દો નવી જનરેશનમાં કોમન અને સ્વીકાર્ય બની રહ્યા છે. તેમ છતાં સંબંધોમાં એક ક્ષણ એવી આવે છે કે આ બધું ખટકે છે. પરસ્પર સંમતિથી થયેલાં આવાં સાહસો ઇમોશનલી તોડી નાંખે છે. થ્રીલિંગનો નશો ઊતરતાં જ વફાદારીનો અભાવ એવો પીડે છે કે એક ઘરમાં રહેવા છતાં અજનબીની જેમ જીવવું પડે છે.

કેટલાક લોકો સંબંધોમાં થોડી સમસ્યા આવતાં જ મોં ફેરવી લે છે. એને ઉકેલવાને બદલે સાયલન્ટ ટ્રીટમેન્ટ આપે છે. અન્ય કોઇ સાથે જોડાયા ન હોવા છતાં ખુદના સાથીથી ભાગવું એ પણ વફાદારી સામે પ્રશ્ન છે. આ ઉપરાંત સંબંધોમાં આજકાલ ફાઇનાન્સિયલ ચીટિંગ પણ થાય છે. પૈસાની બાબતમાં એકબીજાને છેતરવા પડે એવી સ્થિતિ આપણી પારિવારિક અને સામાજિક સિસ્ટમને કારણે આવે છે. જેને ઘણીવાર મોટો ઇશ્યૂ બનાવી ઝઘડા થાય છે, તેથી આ મુદ્દે કેટલીક સ્પષ્ટતાઓ પહેલેથી જ કરી લેવી જોઇએ.

અને સંબંધનો ત્રીજો L છે લિબર્ટી યાને સ્વતંત્રતા. કોઇ પણ સંબંધોમાં અતિ નિર્ભરતા અને લગાતાર નિયંત્રણ સંબંધોનો શ્વાસ રૂંધી નાંખે છે. સ્વસ્થ સંબંધો માટે બંનેનું સ્વતંત્ર અસ્તિત્વ બની રહે એ જરૂરી છે. સ્વતંત્રતા માટે સૌ પ્રથમ તો અનાવશ્યક રોકટોકથી મુક્તિ મેળવવી પડે. કેટલાક સંબંધોમાં પાણી પણ એકબીજાને પૂછીને પીવું પડે એવી સ્થિતિ હોય છે. ક્યાંય જવું હોય તો પૂછવું કે કહેવું પડે. શું પહેરવું એના પર પણ જીવનસાથીની પસંદગીનો પહેરો હોય છે. પોતાને ગમતી બાબતો કે હોબીઝ જીવનસાથીની રોકટોક કે અણગમાને કારણે છોડી દેવી પડે એવી સ્થિતિ ભારતીય પરિવારોમાં સહજ છે. દરેક વ્યક્તિના પોતાના ગમાં-અણગમા હોય છે. એના પર નિયંત્રણ મૂકવું એટલે એમની ઓળખ છીનવવી. એમના અસ્તિત્વ પર પ્રહાર કરવા. પાર્ટનરનાં રસ-રુચિ અને ઇચ્છાઓનું સન્માન કરવું એ સ્વતંત્રતાનું પ્રથમ પગલું છે. કેટલાક લોકોને ક્યાં ગયા? અને કોની સાથે બોલ્યા? એ બધી પંચાત હોય છે. આજે જ્યારે સામાજિક અને ધંધાકીય સંબંધો વધુ ને વધુ વિસ્તૃત બનતા જાય છે ત્યારે આવા સવાલો વાહિયાત જ નહીં, પ્રગતિમાં બંધનરૂપ પુરવાર થાય છે. સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતા નથી, પરંતુ પૂરી નિષ્ઠા સાથે એકબીજાના વ્યક્તિત્વ અને ઓળખની રક્ષા કરવી અને વિકાસમાં સહાયક બનવું એ છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો