કાનો ખીર-પૂરીની થાળી લઇ ઘર બહાર આવ્યો. પીઠ પાછળ તેની ઘરવાળી ઊભી રહી. કાનાએ ત્રાંસી નજરે રીતસરની તેને ત્રોફી.
ગુસ્સો આવ્યો. સામે બોલી જવાયું: `હાળું પરગણા બાર્યની બૈરીને આપણા રીતરિવાજની ખબર ન હોય ને વચ્ચે ડફાકિયાં માર્યાં કરે!' પછી સ્વગત બોલી ગયો: `આના મધ્ય પ્રદેશમાં શ્રાદ્ધ નાખવાનું હશે
કે નહીં?'
પણ મૂળ તો કાનાને કાગડાનો ગુસ્સો હતો. ઘણીવાર કાગ કાગ કર્યું, પણ ક્યાંય કાગડો દેખાવો જોઈએને? થયું કે, માણસો જેમ પશુ-પક્ષીઓ પણ ગામ છોડી ગયાં લાગે છે. હા, પણ ગામડામાં ભૂખ સિવાય કંઈ રહ્યું નથી. જ્યાં ખુદને પેટિયું રળવાના પ્રશ્નો હોય ત્યાં પાલતુ પશુઓ ક્યાંથી પરવડે? અને વર્ષના છપ્પરમા દા'ડે કોઈ શ્રાદ્ધ નાખે તેમાં કાગડા કે કોઈ જનાવરનો જન્મારો જાય નહીંને? ખુદના બળાપામાં કાનો કાગ કાગ કરવાનું ભૂલી ગયો. ત્યાં પાછળથી પાતળો અવાજ પ્રગટ્યો: `કાગ કાગ.' કાનો પારોઠ ફરી, મોં વકાસી તેની ઘરવાળી સામે જોઈ રહ્યો: `વાહ! સાથે રહેવામાં વાન નહીં, પણ શાન તો આવે હોં.' પછી બેઉ મરકમરક હસવા લાગ્યાં. જાણે સંસારનું સઘળું સુખ સાગમટે ભેગું થઇ ગયું!
કાનાએ બાપનું શ્રાદ્ધ નાખવામાં કામમાં અગતો પાળ્યો હતો. ગામના પાદરમાં ઊભી કરેલી બાલ-દાઢીની દુકાન ઉર્ફે કેબિન ખોલી નહોતી. વકરો ભલે છટકી ન જાય, પણ અટકી તો જાય, તેથી ઘરવાળીએ એવું ત્રાટક કર્યું કે, કાનો શાનમાં સમજી ગયો: `તમે જઈને કેબિન ઉઘાડો, શ્રાદ્ધ હું નાખી દઈશ.'
દરરોજની રોકડી આવક ગુમાવવી પાલવે એમ નહોતી. ગામલોકની બાલ-દાઢી કરવાનો કાનાનો બાપુકો ધંધો. તેના બાપુ કરસનભાઈ ઓલદોલ મનેખ. વાત ડાહ્યા તે પંચમાં પુછાય. વળી, કામ પડે કાળી રાતે હાજર થાય. જીવરા ને પાછા ચીવટવાળા. લોકોના માનીતા ને નાના છોકરાનાય જાણીતા. દિવસ ઊગે એટલે ખાસ કોથળીમાં જરૂરી સરસમાન લઇ ઘરેથી નીકળી જાય. ઘરેઘરે જઇ બાલ-દાઢી કરે. કોઈના વાડી-ખેતરે જઇને વતું કરવા સાથે નાનાં-મોટાં કામમાં હાથબટાઈ પણ કરે. રોટલાટાણું થયું હોય તો કોઈ જાતની સોખમણ વગર સૌ સાથે શીરાવી પણ લે.
અને વાડીમાં લીલો ઘાસચારો હોય તો બકરી માટે એકાદ પૂળો કાખમાં ઘાલી લે. વળી, વાડીમાં ઊગેલાં શાકભાજી લેવા માટે તો કોઈને પૂછવાનું નહીં. રીંગણાં ને ખાટિયા ખપ પૂરતાં જાતે જ ઉતારી લ્યે.
તે વખતે ઘરઘરાઉ એવા સારા-માઠા પ્રસંગે પણ સેવાચાકરી કરવાની વંશપરંપરા. વળતરરૂપે ખમતીધર અને જીવના જબરા મનેખ એવા ખેડૂતો વરસ દહાડે પોતાના ખળા-ખેતરમાંથી જે ધાન પાક્યું હોય તે સૂંડલા ભરીને અથવા ગાંસડી બાંધીને આપે. ક્યાંક વળી ઘરના પુરુષોની સંખ્યા મુજબ રોકડું નાણું આપે. આ ખાનદાની જેવી કાનાના બાપની આમદાની. જેને આખો પરિવાર અભાવ સાથે સ્વભાવમાં વણી લે. પછી કરકસર સાથે, જીવલેણ જરૂરિયાતો માથે મનેકમને સંતોષની ગાંઠ વાળી જીવતરનું ગાડું ગબડાવે.
આ હતી કાનાના દાદાવારુકી જીવનરીતિ. કાનો મોટો થયો, પણ અપલખણો પૂરો તે નિશાળમાં ભણ્યો નહીં. પછી એવા કોઈ નોકરી-ધંધે લાગ્યો નહીં. ગામના દાહોપા કરવા જરાય ગમતા નહોતા, પણ બાપના ધંધામાં જોતરાયા વગર છૂટકો નહોતો. તે વખતે કરમની કઠણાઇ તે ગામની ખેતી ભાંગવા મંડી, ભાગલા પડવા લાગ્યા. તેમાં વરસાદ ધાર્યો વરસે નહીં. ઊપજ આવે નહીં. ખેતી માથે પડે. કામ-ધંધા માટે ગામ ઉલેચાવા લાગ્યું. લોકો જ રહ્યા નહીં, તેમાં બાલ-દાઢી કોની કરવાની? કરસનભાઈ આખરી અવસ્થામાં બોલ્યા'તા: `દીકરા, સુરત જાતો રે.'
કાનો સગાંસંબંધીના સહારે શહેરમાં ટકી ગયો, પણ મોટો સવાલ બા-બાપુને રાખવાનો હતો. સાથે પોસાય નહીં અને છેલ્લી અવસ્થામાં એકલાં છોડાય નહીં. પછી પાછો આવતો રહ્યો, પણ સાથે કન્યા લઈને આવ્યો હતો. ગામ કહેતું: `કાનો સુરત રહી આવ્યો ને પરદેશી લાડી લઇ આવ્યો.' ગામડે રહ્યે કન્યા મળે એમ નહોતી તે દુબળી કે પાતળી જે મળી તે ઘરમાં બેસાડી દીધી હતી.
કાનો ગામમાં પાછો ફર્યો પણ ધંધા નામે કરે શું? કોઈએ સલાહ આપી હતી: `પાદરમાં બાલ-દાઢીની કેબિન નાખ.' કાનો બોલકો ને પાછો ટીખળી. તે કહી ઊઠ્યો હતો: `એલા ગધેડાને તાવ આવે એવી વાત કરશો?' ઉમેર્યું હતું: `ગામમાં કોઈ માણસ જ નથી તે કેબિને આવે કોણ?' શાણા માણસે કહ્યું હતું: `ગામમાં પાર વગરના માણસો છે.' બહારથી આવેલા મજૂરો અને ગામવાસી કાંટિયાવરણની વસ્તી હતી, જે વાળ કપાવવા માટે શહેરમાં જતા હતા. ત્યાં કોઈ જાત પૂછતું નહોતું.
કાનાએ આ બાબત અંકે કરી લઇ એક ડગલું આગળ વધ્યો હતો. પછી તો કાનાની કેબિન સાર્વજનિક થઇ ગઈ. કોઈ પણ માણસ બાલ-દાઢી કરાવી જાય. વળી રોકડી આવક. તેમાં પાછું કાનાની ઘરવાળીએ ટાંકા-ટેભાનું શરૂ કર્યું. પછી તો પાંખી આવકમાં પણ ભયોભયો થઇ પડ્યું. કાનાએ કેબિન ખોલી, અગરબતી કરી. ત્યાં ઘરવાળીનો ફોન આવ્યો: `એ કાગડા આવ્યા છે હોં.'
કાનાએ કહેવું છે: `બાપુ, મેં આપણી પરંપરા તોડી ને છોડી છે. બદલાતા સંજોગોના લીધે એક ડગલું આગળ પણ ચાલ્યો છું.'
