જિંદગીમાં તમને અનેક પાઠ શીખવવામાં આવે છે. બે વત્તા બે બરાબર ચાર ગણતાં શીખવાડવામાં આવે છે, પણ મોટા થયા પછી ધંધામાં તમારો પાર્ટનર બે વત્તા બે બરાબર શૂન્યનો હિસાબ બતાવે ત્યારે એ સિચ્યુએશન સાથે તમારે કેવી રીતે ડીલ કરવું એ તો ઠોકર ખાઈને જ શીખી શકાય.

 કૉકપીટમાં બેઠેલા પાઈલટને તાલીમ આપતી વખતે એને શીખવવામાં આવે છે કે ઈમરજન્સી સિચ્યુએશન્સને કેવી રીતે હૅન્ડલ કરવી, પણ પ્લેન હજુ માંડ ત્રણ હજાર ફૂટની ઊંચાઈએ જ પહોંચ્યું હોય ત્યાં જ એનાં બંને એન્જિન પક્ષીઓના અથડાવાથી ટોટલી ફેલ થઈ જાય તો છલોછલ ટાંકી અને 155 મુસાફરોવાળા વિમાનને નદીના પાણીમાં કેવી રીતે ઉતારવું એની કોઈ તાલીમ પાઈલટને સિમ્યુલેટર્સ પર પણ આપવામાં નથી આવતી. સ્વાભાવિક છે. આ કે આવી અનેક અણધારી પરિસ્થિતિઓમાં પાઈલટની કોઠાસૂઝ વત્તા એનો અનુભવ જ કામ લાગતાં હોય છે. પુસ્તકિયું જ્ઞાન કે ઈન્સ્ટ્રક્શન્સના મેન્યુઅલ આવી પરિસ્થિતિમાં પસ્તી બરાબર હોય છે.

 કૅપ્ટન ચેસ્લી સૉલનબર્જર ઍરક્રાફ્ટ સેફ્ટીના ક્ષેત્રમાં એક્સપર્ટ ગણાતા. કારકિર્દી દરમ્યાન અનેક પ્લેન એક્સિડન્ટના ઈન્વેસ્ટિગેશન્સમાં એમની આ નિપુણતાનો લાભ લેવાતો. આવાં અનેક ઈન્વેસ્ટિગેશન્સના ખૂબ જ રોમાંચક બયાન ચેસ્લી સૉલનબર્જરે આત્મકથામાં વર્ણવ્યાં છે, પણ અહીં એના આસ્વાદ માટે ન અટકીએ.

 આગળ ચાલતાં પહેલાં કૅપ્ટન સલીની આત્મકથાનું નામ જાણી લઈએ, જસ્ટ ઈન કેસ: `હાઈએસ્ટ ડ્યૂટી'. પેટા મથાળું છે: `માય સર્ચ ફૉર વૉટ રિયલી મેટર્સ'. જેફ્રી ઝેસ્લો નામના લેખક-પત્રકાર અને `વૉલ સ્ટ્રીટ જર્નલ'ના કૉલમનિસ્ટના સહકારથી આ આત્મકથા લખાઈ. જેફ્રી ઝેસ્લો 2012ની સાલમાં 53 વર્ષની ઉંમરે કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો.

 કૅપ્ટન સલીના કુટુંબમાં પત્ની લૉરી અને બે ટીનેજર દીકરીઓ. 2009ની પંદરમી જાન્યુઆરીવાળી હોનારતનું વર્ણન કરતાં પહેલાં કૅપ્ટન સલી કહે છે કે દુનિયાનાં બે ઍરપોર્ટ ક્યારેય એકબીજાથી ડિટ્ટો ટુ ડિટ્ટો સરખાં મળતાં ન આવે. માણસના હાથની ફિંગરપ્રિન્ટ જેવું ઍરપોર્ટ્સનું પણ હોય છે. દરેક ઍરપોર્ટની જ્યોમેટ્રી, એનો રનવે લેઆઉટ અને એના ટેક્સીવેઝ તથા ટર્મિનલ બિલ્ડિંગ્સનાં લોકેશન્સમાં ફેરફાર હોવાનો. સિટીના મેઈન વિસ્તારથી તેમજ બીજાં લૅન્ડમાર્ક્સથી એમના ડિસ્ટન્સમાં પણ તફાવતો રહેવાના. પાઈલટ જ્યારે રેગ્યુલરલી અમુક ડેસ્ટિનેશન વચ્ચે ફ્લાય કરે છે ત્યારે એ શહેરનાં લૅન્ડમાર્ક્સ એના દિમાગમાં બરાબર ફિટ થઈ જતાં હોય છે. પચ્ચીસ-ત્રીસ હજાર ફૂટની ઊંચાઈએથી પણ એ શહેરના વિશાળ સ્ટેડિયમ, મેજર હાઈવેઝ કે નદી, સરોવરો, દરિયાકિનારા લોકેટ કરી શકાતાં હોય છે. એ શહેરનાં ઍરપોર્ટ્સ પર કેટલા અને કેવા રનવેઝ છે અને કઈ વેધર કન્ડિશનમાં કેવી રીતે એના પર ઊતરાણ કરવું એની ખબર હોય છે અને લૅન્ડિંગ કર્યા પછી ઍરપોર્ટના ટર્મિનલમાં કઈ રેસ્ટોરાંમાં હેલ્ધી લંચ મળશે એની પણ એમને ખબર હોય છે, એવું સલી ઉમેરે છે.

 એ કહે છે કે ડેસ્ટિનેશન જાણીતાં હોય ત્યારે તમે ઘરના પાર્કિંગમાંથી ગાડી કાઢીને આજુબાજુના તમારા પરિચિત વિસ્તારમાં ડ્રાઈવિંગ કરતા હો એટલું આસાન લાગે વિમાન ઉડાડવાનું કામ. `ઘણી બધી ફ્લાઈટ્સ દરમ્યાન મને એક જ વિચાર આવતો હોય છે: આ પૃથ્વી કેટલી ખૂબસૂરત છે. કુદરતે સર્જેલી અને માનવસર્જિત - બેઉ દુનિયાઓ નયનરમ્ય છે અને આપણે કેટલા નસીબદાર છીએ કે આ પૃથ્વીને આપણું ઘર કહી શકીએ છીએ.'

 ન્યૂ યૉર્કનું લાગ્વાર્ડિયા ઍરપોર્ટ જરા કૉમ્પ્લિકેટેડ છે, ચેલેન્જિંગ છે. ન્યૂ યૉર્કમાં ઍર ટ્રાફિક એટલો બધો છે કે ત્રણ ત્રણ ઍરપોર્ટ હોવા છતાં હવામાં ટ્રાફિક જામ થઈ જતો હોય છે. બીજાં બે ઍરપોર્ટમાં એક તો જે.એફ.કે. જ્હોન એફ. કૅનેડી અને બીજું નેવાર્કનું ઍરપોર્ટ. આ ઉપરાંત નજીકમાં વ્હાઈટ પ્લેન્સનું વેસ્ટચેસ્ટર કાઉન્ટી ઍરપોર્ટ અને ન્યૂ જર્સીનું ટેટરબોરો પણ ખરાં. આટલાં બધાં ઍરપોર્ટને લીધે અમેરિકાની બીજી કોઈ પણ જગ્યા કરતાં અહીંની રેડિયો ફ્રીક્વન્સી પણ ખાસ્સી બિઝી રહેવાની. હેડફોન દ્વારા તમારા કાનમાં તમારા કામ ઉપરાંતની બીજી અસંખ્ય વાતચીતો રેડાતી રહેવાની.

 લાગ્વાર્ડિયાની બીજી એક ખાસિયત એ કે ત્યાંના રન-વે શોર્ટ છે અને પાણીથી ઘેરાયેલી હવાઈ પટ્ટીઓ છે. વિન્ટરમાં ખરાબ વેધરને કારણે ઔર સમસ્યાઓ જોડાય. આમ છતાં સલી કહે છે, `મને લાગ્વાર્ડિયાથી ટૅક ઑફ કરવાનું ચેલેન્જિંગ કામ ખૂબ ગમે. હવામાં અધ્ધર થઈને તમને ન્યૂ યૉર્કનાં સેન્ટ્રલ પાર્ક એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, લૉન્ગ આયલૅન્ડના ભવ્ય બંગલોઝ અને બોટ્સ વગેરે દેખાય તે જોવાની મજા આવે.'

 એ ગુરુવાર બપોરની ફ્લાઈટ વનફાઈવફોરનાઈન લાગ્વાર્ડિયાથી શાર્લોટ જવાની હતી. જાન્યુઆરીનો મહિનો હતો એટલે સ્નો પડતો હતો, પણ સવારથી હિમવર્ષા રોકાઈ ગઈ હતી. ફ્રાન્સની ઍરબસ ઈન્ડસ્ટ્રીએ બાંધેલી ઍરબસ - થ્રી ટ્વેન્ટીનું ટુવનફોર મૉડલ હતું. `યુએસ ઍરવેઝ' કંપનીએ 1999માં ખરીદ્યું હતું. છેલ્લાં દસ વર્ષમાં કુલ 16,298 ફ્લાઈટ્સ આ ઍરક્રાફ્ટે કરી હતી. કુલ 25,241 કલાક સુધી હવામાં અધ્ધર રહ્યું હતું. લેફ્ટ એન્જિન 19,298 કલાક ચાલ્યું હતું, રાઈટ એન્જિન 25,241 કલાક ચાલ્યું હતું. દર 550 કલાકના ઉડ્ડયન બાદ મેન્ટેનન્સ માટે થતું `એ ચેક' 40 દિવસ પહેલાં થયું હતું અને વાર્ષિક `સી ચેક' નવ મહિના પહેલાં થયું હતું.

 કૅપ્ટન સલીના કો-પાઈલટ હતા ફર્સ્ટ ઑફિસર જેફ સ્કાઈલ્સ. બપોરે 3 વાગ્યાને 26 મિનિટમાં ચાર સેકન્ડ બાકી હતી ત્યારે પ્લેન રનવે પરથી ટેક ઑફ થયું. કૉકપીટમાં આ બે ઉપરાંત ફ્લાઈટમાં 150 પેસેન્જર્સ હતા અને ત્રણ ક્રૂ મેમ્બર્સ હતા - ડોના, ડોરીન

અને શીલા.

 ટેક ઑફ કરતાંની સાથે જ કૅપ્ટન સલીએ ઍર ટ્રાફિક કંટ્રોલના ડિપાર્ચર કંટ્રોલર પેટ્રિક હાર્ટનને વાયરલેસ પર કહ્યું: `કૅક્ટસ ફિફ્ટીન ફોર્ટીનાઈન, સેવન હન્ડ્રેડ, ક્લાઈમ્બિંગ ફાઈવ થાઉઝન્ડ' જેનો અર્થ એ થાય કે વિમાનને પાંચ હજાર ફૂટ ઊંચે લઈ જવામાં આવી રહ્યું છે અને અત્યારે એ સાતસો ફૂટ પર છે. કૅપ્ટનને મળેલી સૂચના મુજબ વિમાનને ડાબી તરફ થ્રી સિક્સ્ટી ડિગ્રીએ વાળીને ઉત્તર દિશામાં લઈ જવામાં આવે છે.

 કંટ્રોલ ટાવર સૂચના આપે છે: `કૅક્ટસ ફિફ્ટીન ફોર્ટી-નાઈન, ન્યૂ યૉર્ક ડિપાર્ચર રડાર કૉન્ટેક્ટ. ક્લાઈમ્બ ઍન્ડ મેઈન્ટેઈન વન ફાઈવ થાઉઝન્ડ.' વિમાનને 15,000 ફૂટની ઊંચાઈએ લઈ જવાનું કહેવામાં આવ્યું.

 આ સંદેશો સ્વીકારીને હજાર ફૂટની ઊંચાઈએ ગયા પછી ફ્લૅપ્સ રિટ્રેક્ટ કરવામાં આવ્યાં. ટેક ઑફ પછીના ચેક લિસ્ટની તમામ આઈટમો ટિક થઈ ગયા બાદ કૅપ્ટન સલીએ કહ્યું: `આફ્ટર ટેક ઑફ ચેકલિસ્ટ કમ્પ્લીટ.'

 વિમાનની સ્પીડ અઢીસો નૉટ્સ સુધી લઈ જવાની બધી જ તૈયારી થઈ ચૂકી હતી. એક નૉટિકલ માઈલ એટલે 1.852 કિમી. અઢીસો નૉટ્સ એટલે લગભગ સાડા ચારસોથી પોણા પાંચસો કિમી.ની સ્પીડ પ્રતિ અવર થઈ.

 અત્યાર સુધી બધું ધાર્યા મુજબ સમુંસૂતરું પાર પડી રહ્યું હતું. હવામાં અધ્ધર થયાની 95મી સેકન્ડે ત્રણ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યા ત્યાં જ કૅપ્ટન સલીએ એમના કો-પાઇલટને કહ્યું: `બર્ડ્સ!'

 સામેથી `વી' આકારમાં પંખીઓનું એક મોટું ટોળું આવી રહ્યું હતું.

વિમાન સેકન્ડ દીઠ 316 ફૂટની રફ્તાર પકડી ચૂક્યું હતું અને પંખીઓ માત્ર એક ફૂટબૉલ ફિલ્ડ જેટલાં જ દૂર હતાં. રિએક્ટ કરવાનો કોઈ ટાઈમ જ નહોતો. આંખનો પલકારો થયો ને ન બનવાનું બની ગયું.

 તે વખતે તો ખબર પડવી અશક્ય હતી, પણ પાછળથી તપાસ કરતાં બહાર આવ્યું કે આ `કૅનેડા ગીઝ' તરીકે ઓળખાતાં મોટાં કદનાં હંસ હતાં જેનું વજન ત્રણ કિલોથી લઈને 15 કિલો સુધીનું હોય અને એમની બે પાંખ ફેલાયેલી હોય ત્યારે છ ફૂટ સુધીની પહોળાઈ માપી શકાય. વિમાનની સ્પીડની ઈમ્પેક્ટમાં સામેથી આવી રહેલાં આ પંખીઓની કલાકના લગભગ પચાસ માઈલની સ્પીડનો ગુણાકાર કરો. ડિઝાસ્ટર ન થાય તો જ નવાઈ. કૅપ્ટન સલીએ આ અણધારી પરિસ્થિતિમાં શું કર્યું? એક સપ્તાહ રાહ જોવી પડશે.

સાયલન્સ પ્લીઝ!

ઇમર્જન્સીની પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે એવું કોઈએ વિચાર્યું નથી હોતું. એટલે જ તો એને ઇમર્જન્સી કહેવાય છે!