કંટાળો આવે છે, મૂડ નથી, તો નોકરીએ ન આવતાં, જો બોસ સામેથી રજા આપી દે તો કેટલી મજા આવી જાય! પરંતુ આપણે ત્યાં તો કંટાળો આવતો હોય તો પણ પાપી પેટનો સવાલ હોય એટલે નોકરી તો કરવી જ પડે. જોકે, હવે જમાના બદલ રહા હૈ. ધીરે ધીરે દુનિયામાં કામ અને જીવનના સમતોલનને મહત્ત્વ અપાતું થયું છે અને તે કારણે હવે મૂડ જામતો ન હોય તો `અનહેપી લીવ' આપવાનો એક નવો જ શિરસ્તો શરૂ થયો છે.
નોકરી તો કરવાની જ હોય છે. પગાર મળે તો જ બધા ખર્ચા નીકળે એટલે બધા નોકરી કરતા હોય છે. હા, ક્યારેક માંદા હોઈએ કે કોઈ કામ હોય તો રજા લેવા માટે બધી કંપનીઓ કર્મચારીઓને સિક લીવ અને બીજી લીવ આપતી હોય છે. તમામ કંપનીઓ એ રજાનો લાભ આપતી હોય છે, પરંતુ કામ ન હોય અને માંદા પણ ન હોઈએ ત્યારે પણ નોકરી જવાનો મૂડ જામતો ન હોય, ઉદાસી છવાઈ ગઈ હોય કે તણાવ વધી ગયો હોય, તો પણ મહિને મળતી એક કે બે સાદી રજા બચાવવાની લાયમાં કર્મચારીઓ નોકરીએ જતા હોય છે.
એ દિવસો ખરેખર કંટાળાજનક બની રહેતા હોય છે. ઉદાસીનતાને કારણે કશું કામ કરવાનું ગમતું ન હોય, આરામ જ કરવો હોય. અરે! ક્યારેક તો ભોજન લેવાની પણ આળસ ચઢી જતી હોય, એમ છતાં નોકરીએ જવું પડે. એ વખતે તો એમ લાગે કે બળી નોકરી, પણ પેટનો ખાડો પૂરવા માટે પૈસા જોઈએ અને એ માટે નોકરી તો કરવી જ પડે. બોસને કહીએ કે મૂડ નથી, તો તેનો મૂડ પણ બગડી જાય એવી સ્થિતિ હોય છે. હવે એમાંથી માર્ગ નીકળે એમ લાગે છે. સ્વાભાવિક રીતે જ હવે દુનિયામાં વર્ક લાઈફ બેલેન્સ ઉપર લોકો વધુ ધ્યાન આપતા થયા છે. યુરાપમાં એ સમતોલન સારી રીતે જળવાતું હોય છે. હવે એ વાયરો ધીરે ધીરે ભારતની પડોશમાં પણ આવી ગયો છે. કંપનીનું મેનેજમેન્ટ સમજતું હોય છે કે કર્મચારી સારી રીતે કામ ન કરી શકે તો તેનું નુકસાન કંપનીને જ જશે.
આજના ઝડપી અને સ્પર્ધાત્મક કાર્યક્ષેત્રમાં ઓફિસનું કામ, લક્ષ્યાંકો અને સતત વધતું દબાણ કર્મચારીઓમાં તણાવનું કારણ બની રહ્યા છે. ઘણી વખત કર્મચારી ઓફિસમાં હાજર હોવા છતાં તેનું મન કામમાં લાગતું નથી. પરિણામે એકાગ્રતા ઘટે છે, કાર્યક્ષમતા પર અસર પડે છે અને વ્યક્તિ માનસિક રીતે થાક અનુભવે છે. આવી સ્થિતિમાં એક દિવસનો વિરામ કર્મચારીને ફરી ઊર્જાવાન બનવામાં મદદ કરી શકે છે. આ વિચાર હવે કાર્ય-જીવન સંતુલનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની રહ્યો છે.
કર્મચારીઓની સુખાકારી માટે ચીનની એક જાણીતી રિટેલ કંપનીએ આ દિશામાં અનોખી પહેલ કરતાં `અનહેપી લીવ' શરૂ કરી છે. આ રજા હેઠળ કર્મચારી માનસિક રીતે પરેશાન હોય, ખરાબ મૂડમાં હોય, અસ્વસ્થતા અનુભવતો હોય અથવા અંગત કારણસર ભાવનાત્મક રીતે મુશ્કેલીમાં હોય તો રજા લઈ શકે છે. ખાસ વાત એ છે કે આ માટે બીમારીનું પ્રમાણપત્ર કે લાંબી સમજાવટ આપવાની જરૂર પડતી નથી. આ નીતિનું સૌથી નોંધપાત્ર પાસું એ છે કે કર્મચારીને રજા મેળવવા માટે બીમાર હોવું જરૂરી નથી. જો તે માનસિક રીતે કામ માટે તૈયાર ન હોય તો પણ વિરામ લઈ શકે છે. કંપનીના ચેરમેનના મતે દરેક વ્યક્તિના જીવનમાં એવા દિવસો આવે છે જ્યારે તે માનસિક રીતે સારું અનુભવતી નથી. આવા સમયે થોડો સમય પોતાના માટે કાઢવો જરૂરી છે. એ રજા ઉપરી અધિકારી નકારી પણ શકતો નથી.
આ પહેલ માત્ર રજાની નવી પદ્ધતિ નથી, પરંતુ કાર્યસ્થળે માનસિક સુખાકારીને મહત્ત્વ આપતી બદલાતી વિચારસરણીનું ઉદાહરણ છે. કર્મચારીને સમજવા અને તેની લાગણીઓનો આદર કરવો સકારાત્મક કાર્યસંસ્કૃતિ માટે એટલું જ જરૂરી બની રહ્યું છે, જેટલું તેનું કામ અને પરિણામ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો