14 ફેબ્રુઆરી એટલે કે `વેલેન્ટાઇન્સ ડે'ના દિવસે રમેશ સાથે જે દુર્ઘટના ઘટી એનાં મૂળિયાં પંદર દિવસ પહેલાં રોપાયાં. એ દિવસે રમેશને એની પત્ની જયા સાથે જબરજસ્ત ઝઘડો થયેલો.

અઢી કલાક સુધી બંનેની `ફાઇટ' ચાલી હતી અને પછી બંને અલગ અલગ રૂમમાં સૂવા જતાં રહ્યાં હતા. જયા મેઇન બેડરૂમ બંધ કરી સૂઈ ગઈ. રમેશ ડ્રોઈંગ રૂમના સોફા પર પડ્યો હતો. ત્યાં એણે આજકાલ લોકો જે સૌથી વધારે કરે છે એ પ્રવૃત્તિ શરૂ કરી. યસ, એણે મોબાઇલમાં ફેસબુક અને વોટ્સએપ પર ચેટિંગ શરૂ કર્યું.

`ફેસબુક' 52 2મેશે પોતાનું નામ `રોમિયો' રાખ્યું હતું. જેમાં એ અજાણી છોકરીઓ સાથે ચેટિંગ કરી `ખુસ્સ ખુસ્સ થતો હતો. આજે એણે કોઈ અજાણી છોકરીનો મેસેજ જોયો, જેમાં લખ્યું હતું, `હાય રોમિયો, થેંક્યૂ ફોર એક્સેપ્ટિંગ માય ફ્રેન્ડ રિક્વેસ્ટ. આઈ એમ જુલિયટ.' આપણો રમેશ રોમિયો તો જુલિયટનું નામ વાંચી ઉછળ્યો અને પછી તો રોમિયો-જુલિયટ વચ્ચે વાતોનો `દૌર' શરૂ થયો. બંનેએ કલાકો સુધી ચેટિંગ કર્યું. છેવટે બંનેના મોબાઇલની બેટરી ડચકા ખાવા માંડી એટલે માંડ માંડ રોમિયો જુલિયટ એકબીજાથી વિખૂટાં પડ્યાં. `સી યુ સૂન. બાય. ટેક કેર.' એવા એવા શબ્દો સાથે એમણે ભારે હૈયે વિદાય લીધી.

એ પછી તો દરરોજ રોમિયો ને જુલિયટ આખો દિવસ ફેસબુક પર વાતે વળગેલાં જ રહેતાં. `ગુડ મોર્નિંગ'થી શરૂ કરી `ગુડ નાઇટ - સ્વીટ ડ્રીમ્સ સુધી બંનેની વાતોનો દોર આખો દી' ચાલ્યા કરતો. જુલિયટ જ્યારે ઓનલાઇન ન હોય ત્યારે રમેશ રોમિયો `બૈજુ બ્હાવરો' બની સતત મોબાઇલને જોયા કરતો. જુલિયટના મેસેજની રાહમાં એ બેધ્યાન બની જતો, એની આવી હરકતોના કારણે જયાની `ખોપડી' ફરી જતી. બંને વચ્ચે તુમુલ યુદ્ધ ફાટી નીકળતું. પાછાં બંને જુદા જુદા રૂમમાં `રૂસણે' બેસી જતાં અને ત્યાં રમેશ રોમિયો ફરી એની જુલિયટ સાથે `ચેટવા' માંડતો અને `નેટિયા વિશ્વ'માં એકબીજામાં ખોવાઈ જતાં.

આમ, દિવસો પસાર થતા ગયા. બંનેને એકબીજા સાથે વાતો કર્યા વગર ચેન નહોતું પડતું. ત્યાં તો `14મી ફેબ્રુઆરી' યાનિ કિ `વેલેન્ટાઇન્સ ડે' નજીક આવ્યો. આટલા વખતથી ચેટિંગ કરનારાં રોમિયો- જુલિયટે એ પ્રેમના પ્રતીક સમા વેલેન્ટાઇન્સ ડે પર મળવાનું નક્કી કર્યું. બંનેએ એક સરસ મજાની `કોફી શોપ'માં `મીટિંગ' કરવાનું `ડિસાઇડ' કર્યું.

  કાયમ લઘરવઘર રહેતા રમેશ રોમિયોએ કહ્યું, `હું બ્લેક પેન્ટ અને રેડ શર્ટ પહેરીને આવીશ.' જુલિયટે કહ્યું, `હું પણ બ્લડ રેડ કલરનો ડ્રેસ પહેરીને આવીશ.' મીટિંગ ફિક્સ કરી 13મી ફેબ્રુઆરીની રાત્રે `ગુડ નાઇટ' કહીં બંનેએ મોબાઇલ ઓલવ્યો.

વેલેન્ટાઇન્સ ડેની સવારે રમેશે ઘરની બહાર નીકળતાં જયાને મોટેથી કહ્યું, `આજે મારે ખાસ કામ છે એટલે મને ફોન કરી ડિસ્ટર્બ ન કરતી. હું જાઉં છું.' જયાએ કડક થઈને પૂછ્યું, `ક્યારે પાછા આવશો?' તો રમેશે સામે રાડ પાડી, `મોડું થશે, માથાકૂટ ન કરતી.' અને બારણું પછાડી રમેશ નીકળી ગયો.

રમેશ હવે રોમિયો બનવા સીધો રેડીમેઇડ કપડાંની દુકાનમાં ઘૂસી ગયો અને ત્યાં જઈ એણે રેડ શર્ટ અને બ્લેક પેન્ટ ખરીદી લીધાં અને પછી એ પહેરી પણ લીધાં. રમેશ રોમિયોએ લાલ ગુલાબનું બુકે પણ ખરીદી લીધું અને રિક્ષા કરી એ નક્કી કરેલી કોફીશોપ પર જવા નીકળી પડ્યો. રમેશ રોમિયો એણે ક્યારેય નહીં જોયેલી જુલિયટની આંખો બંધ કરી કલ્પના કરી રહ્યો હતો, ત્યાં જ એની રિક્ષા ટ્રાફિકમાં ફસાઈ ગઈ. રમેશ રોમિયો ફરીથી `બૈજુ બ્હાવરો' બન્યો. એની જુલિયટ તો નક્કી કરેલી કોફીશોપ પર પહોંચી ગઈ હતી અને ફેસબુક પર મેસેજો પર મેસેજો કરવા માંડી હતી. રોમિયો પણ સામે `યસ ડિયર, કમિંગ સૂન ડિયર, ઓન ધ વે ડિયર.' એવા મેસેજો સામા ઠોક્યા કરતો હતો.

છેવટે એ કોફીશોપ પર પહોંચ્યો ત્યારે ત્યાં લાઇટો ગયેલી હતી. બધાં ટેબલ પર મીણબત્તીઓ મૂકેલી હતી. રમેશ રોમિયો મેનેજરને પૂછી, `બ્લડ રેડ ડ્રેસ'વાળા મેડમના ટેબલ પર પહોંચ્યો. ત્યાં અંધારામાં બેઠેલી યુવતી સામે લાલ ગુલાબનું બુકે મૂકી એ બોલ્યો, `હેપી વેલેન્ટાઇન્સ ડે જુલિયટ, આઈ એમ રોમિયો' અને અંધારામાં પેલી પણ ઊભી થઈને સામે બોલી, `થેંક્યૂ રોમિયો, આઈ એમ જુલિયટ' અને ત્યાં જ કોફીશોપમાં લાઇટ આવી. રમેશ રોમિયોએ અજવાળામાં જોયું તો સામે બ્લડ રેડ ડ્રેસમાં એની પત્ની જયા યાનિ કિ `જુલિયટ' ઊભી હતી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો