લગ્નની સીઝન ચાલી રહી છે. વરરાજા જાન જોડીને લગ્નસ્થળે પહોંચીને કન્યા સાથે સાત ફેરા ફરીને પોતાના ઘરે વહુ લઈ પાછો ફરતો હોય છે, પરંતુ આપણા દેશમાં એક જાતિમાં એવો રિવાજ છે કે લગ્ન થયાં બાદ વહુ સાસરે ન આવે, પણ વરે સાસરે રહેવા જવું પડે છે!
જી, આપણી પરંપરા મુજબ અચંબો પમાડે એવી વાત છે. લગ્ન એ વ્યક્તિનું મિલન જ નહીં, પણ બે પરિવારો, પરંપરા અને લાગણીઓનો સંગમ કહી શકાય છે. હિન્દુ ધર્મમાં વિવાહ 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર કહેવાય છે. આપણા રિવાજ મુજબ લગ્નના દિવસે પુરુષ રંગેચંગે જાન જોડીને લગ્ન માટે જતો હોય છે. જાનૈયાઓ જાનમાં ઘેલા થઈને ડી.જે.ના તાલે ડાન્સ કરતા હોય છે. અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરીને વર તેની વધૂને પરણતો હોય છે. લગ્ન થાય એટલે વધૂ સાસરે વિદાય થતી હોય છે અને આખું જીવન તે પતિ સાથે સાસરે રહેતી હોય છે, પરંતુ તેનાથી સાવ ઊલટો રિવાજ પણ આપણે ત્યાં જોવા મળે છે. એ રિવાજ મેઘાલયમાં જોવા મળે છે.
મેઘાલય એટલે વરસાદનું કે વાદળોનું ઘર એવો અર્થ નીકળે. પૂર્વોત્તરનું આ ખૂબસૂરત રાજ્ય કુદરતી સૌંદર્યથી સૌને આકર્ષે છે. વનરાજી વચ્ચે પક્ષીઓનો કલરવ મન મોહી લે એવું સૌંદર્ય સર્જતો હોય છે. મેઘાલયમાં અનેક જાતિના લોકો રહે છે. તેમના રિવાજો પણ અનોખા હોય છે. મેઘાલયમાં વસેલી અનેક જાતિઓમાંથી એક ખાસી પણ છે. ખાસી જનજાતિના લોકો મૂળ તો મ્યાનમારમાં રહેતા હતા, પરંતુ ત્યાંથી વિચરણ કરતાં કરતાં તે પૂર્વ આસામમાં રહેવા લાગ્યા હતા. એ બાદ ધીરે ધીરે તેમની વસ્તી મેઘાલયમાં વસી છે. આજે પણ આસામ, મણિપુર અને પશ્ચિમ બંગાળના કેટલાક હિસ્સામાં ખાસી જનજાતિના લોકો રહે છે. આ સમાજ આપણી આસપાસના સમાજ કરતાં સાવ અનોખો છો. સામાન્ય રીતે આપણા દેશમાં પુરુષપ્રધાન સમાજ છે, પરંતુ ખાસી જનજાતિ એ માતૃપ્રધાન સમાજ છે. મતલબ કે ખાસી લોકોમાં મહિલાઓનો પ્રભાવ છે. એ કારણે જ માતા-પિતાની સંપત્તિ પરનો અધિકાર દીકરાનો નહીં, પણ દીકરીનો હોય છે. એ જ રીતે બીજા રિવાજોમાં પણ મહિલાઓ જ અધિકાર ધરાવતી હોય છે.
ખાસીના આ માતૃપ્રધાન સમાજમાં લગ્નમાં પણ મહિલાઓનું જ આધિપત્ય હોય છે. યુવતી કોઈ પણ વયે પોતાનો વર પસંદ કરવાનો અધિકાર ધરાવે છે. એટલું જ નહીં લગ્ન પછી કોઈ પણ સમયે તે છૂટાછેડા પણ લઈ શકે છે. લગભગ 9 લાખની વસ્તી ધરાવતો આ સમાજ ઝૂમ ખેતી થકી પોતાની આજીવિકા રળી લેતો હોય છે. આદિવાસી પ્રજાનો સંગીત સાથે લગાવ હોય છે, એમ ખાસી સમુદાયના લોકો પણ ગિટાર, વાંસળી અને ડ્રમ જેવાં સાધનોથી સંગીતને જીવનમાં વણી લેતા હોય છે. ખાસી ભાષા બોલતી આ જનજાતિના લોકોમાં આજે પણ લગ્નમાં પણ મહિલાઓનું જ પ્રભુત્વ જોવા મળે છે.
મહિલા કેન્દ્રિત સમાજવ્યવસ્થા હોવાને કારણે જ ખાસી જનજાતિમાં પરણવા યોગ્ય થાય એટલે મહિલા પોતાની પસંદગીનો વર શોધી લેતી હોય છે. એ બાદ તેની સાથે રીતરિવાજ મુજબ લગ્ન કરીને પોતાના ઘરે વરને લઈ આવતી હોય છે. મતલબ કે પુરુષ તેનું ઘર છોડીને સાસરે રહેવા આવી જતો હોય છે અને આખી જિંદગી તે પત્ની સાથે સાસરે જ રહેતો હોય છે! હા, આપણે ત્યાં પત્ની ક્યારેક પિયર જતી હોય છે, એમ ખાસી સમુદાયનો પુરુષ પણ લગ્ન કર્યાં બાદ ક્યારેક પિયર જતો હોય છે, પરંતુ પિયરની સંપત્તિ પર તેનો હક હોતો નથી. તેની બહેન તેના ઘરની સંપત્તિની માલિક બનતી હોય છે. જે ઘરમાં એક કરતાં વધુ દીકરીઓ હોય તો ઘરની જવાબદારી નાની દીકરી પર હોય છે, તેથી એ જ દીકરી સંપત્તિની પણ માલિક બનતી હોય છે. આપણે ત્યાં સાસરે રહેતા પુરુષને ઘરજમાઈ કહેવાનો રિવાજ છે. ખાસી જાતિમાં તો બધા જ પુરુષો સાસરે જ રહેતા હોય છે, ત્યારે તેને ઘરજમાઈ ન કહેવાય. જોકે, આપણે ત્યાં સાસરે કેટલીક વહુને ત્રાસ પણ વેઠવો પડતો હોય છે, એવો ત્રાસ આ ખાસી જાતિના વરને સાસરે વેઠવો પડતો હશે?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો