ઇથોલોજિસ્ટ એટલે મનુષ્ય સિવાયનાં પ્રાણીઓની વર્તણૂકનો અભ્યાસ કરનાર વ્યક્તિ. ઇથોલોજી મૂળે તો ઝૂઓલોજીની જ એક બ્રાન્ચ છે. મનુષ્યની વર્તણૂકનો અભ્યાસ કરવા માટે જે શાસ્ત્ર વિકસ્યું, એ બિહેવિયરલ રિસર્ચ તરીકે ઓળખાય છે. બિહેવિયરલ રિસર્ચર એટલે સાદી ગુજરાતીમાં વર્તણૂકશાસ્ત્રી. આવા તજ્જ્ઞો નિયત પરિસ્થિતિ અને સંજોગોમાં મનુષ્ય કઈ રીતનું વર્તન કરશે એનો અભ્યાસ કરતા હોય છે. જ્હોન બી. કેલ્હોન નામનો અમેરિકન સંશોધક ઇથોલોજિસ્ટ પણ હતો અને સાથે જ બિહેવિયરલ રિસર્ચર પણ ખરો. વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને મનુષ્યના ભવિષ્યને સાંકળતી કડી ગણાય, એવો એક ખતરનાક પ્રયોગ એણે કરેલો.
1968થી 1972નાં વર્ષો દરમિયાન જ્હોન બી. કેલ્હોને શરૂ કરેલો આ પ્રયોગ `યુનિવર્સ 25' તરીકે પ્રખ્યાત છે. બીજા અનેક વૈજ્ઞાનિક પ્રયોગોની માફક આ પ્રયોગ પણ ઉંદરો ઉપર કરવામાં આવેલો, પણ એનાં પરિણામો એટલાં ભયાનક હતાં, કે મનુષ્ય ઉપર આ પ્રયોગ ડિઝાસ્ટર સમાન નીવડે. વળી, અમુક વૈજ્ઞાનિકોએ આ પ્રયોગનાં પરિણામો સાથે અસહમતિ દર્શાવતાં કહ્યું કે નિયત સંજોગોમાં ઉંદરોએ જે પ્રતિક્રિયા દાખવી, એવી જ પ્રતિક્રિયા મનુષ્યો પણ દાખવે એ જરૂરી નથી. ખૈર, આપણો મૂળ મુદ્દો યુનિવર્સ 25 પ્રયોગને સમજવાનો અને એ ઉપરથી વસ્તી વિસ્ફોટની સાથે સાથે મનુષ્યનું ભવિષ્ય શું હોઈ શકે એ સમજવાનો છે.
શું હતું યુનિવર્સ 25?
કેલ્હોને 2.7 મીટર x 2.7 મીટરનું મોટું પાંજરું તૈયાર કરાવ્યું. આમ તો આ કહેવા પૂરતું પાંજરું હતું, બાકી એમાં પૂરતી મોકળાશ હતી. આ પાંજરાને `મોર્ટાલિટી-ઇન્હિબિટિંગ એન્વાયર્નમેન્ટ ફોર માઇસ' (Mortality-Inhibiting Environment for Mice) તરીકે ઓળખવામાં આવ્યું. સાદા શબ્દોમાં કહીએ તો આ કેજ ઉંદરો માટેની એક સુવિધાજનક ટાઉનશિપ જેવું હતું. અહીં રહેનાર ઉંદરોને બીજા સામાન્ય ઉંદરોની સરખામણીએ પૂરતો ખોરાક મળવાનો હતો. એટલું જ નહિ, પણ કોઈ શિકારીની ગેરહાજરીને પ્રતાપે એમનો મૃત્યુદર પણ ઘટી જવાનો હતો. આ બધું વાંચતી વખતે તમે મનોમન નોંધ કરતા રહેજો, મનુષ્ય તરીકે આપણે પણ સતત જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો મળી રહે અને મૃત્યુદર ઓછો થતો જાય એ રીતનો વિકાસ કરી રહ્યા છીએ.
કેલ્હોને બનાવડાવેલા પાંજરામાં ઉંદરો માટે 256 જેટલાં રહેઠાણો (ફ્લેટ્સ), અમર્યાદિત ખોરાક અને પાણી ઉપલબ્ધ હતાં. વળી, અહીંનું તાપમાન પણ ઉંદરોને અનુકૂળ આવે એ રીતે નિયંત્રિત કરવામાં આવતું. ઉંદરને પજવતા રોગો અને શિકારીઓ સામે આ પાંજરું સંપૂર્ણ સુરક્ષા આપતું હતું. માનવ સમાજ પણ સતત આવા જ વાતાવરણની ખોજમાં હોય છેને? આવી આદર્શ જીવનવ્યવસ્થા માટે `યુટોપિયા' શબ્દ વાપરવામાં આવે છે. કેલ્હોનના માઉસ યુટોપિયામાં ચારથી પાંચ હજાર જેટલા ઉંદરોની વસ્તી આરામથી રહી શકે એટલી સગવડ હતી. એની સામે માત્ર ચાર નર અને ચાર માદા એમ કુલ આઠ જ ઉંદરો અહીં રહેવાના હતા. હવે આવા સ્વર્ગસમા વાતાવરણમાં રહેવાનું હોય, તો આ ઉંદરડાઓને તો જલસા જ પડી જાય! મનુષ્ય સમાજમાં પણ શ્રીમંત ગણાતી પ્રજાતિ આવું જ સુખ ભોગવે છેને!
આઠ ઉંદરોને પૂરતું ખાવા-પીવા મળતું અને બીજી કોઈ ઝંઝટ હતી નહિ, એટલે એમણે પોતાનું સમગ્ર ધ્યાન પ્રજનન પર કેન્દ્રિત કર્યું. સતત ચાલતા પ્રજનનને કારણે માત્ર 104 દિવસમાં ઉંદરડાઓની વસ્તી 8થી વધીને સીધી 620 થઇ ગઈ અને 315 દિવસમાં તો 1,000ના આંકડે પહોંચી! માનવ સમાજમાં વસ્તી વધતાં કેટલીક સમસ્યાઓ સર્જાય, એવું અહીંય થયું. પાંજરાના અમુક વિસ્તારોમાં વસ્તીગીચતા વધી. 560 દિવસ બાદ વસ્તી સર્વોચ્ચ શિખરે પહોંચી. આ સમયે પાંજરામાં ઉંદરોની કુલ સંખ્યા હતી 2,200! સ્વર્ગ જેવા વાતાવરણમાં રહેતા આઠેક ઉંદરડાઓએ દોઢેક વર્ષ ખાઈ-પીને બરાબર જલસા કર્યા અને વસ્તી બે હજારને પાર પહોંચાડી. જરા યાદ કરો, પાંજરાની કુલ ક્ષમતા ચારથી પાંચ હજાર ઉંદરોને આરામથી સમાવી શકાય એવડી હતી. એટલે વસ્તીવધારાથી કોઈ વાંધો આવવો ન જોઈએ, પણ અહીં કહાની મેં જોરદાર ટ્વિસ્ટ આવે છે.
વસ્તીમાં થયેલા વધારાને કારણે ઉંદરો ટેન્શનમાં આવી ગયા. ઉંદર સમાજમાં ઝઘડાઓ વધી પડ્યા. મોટા ભાગના નર ઉંદરો `જમીન' અને `જોરુ' બાબતે પૂરા ઝનૂન સાથે બીજા નરો સામે લડતા થયા. બધા પ્રકારની વ્યવસ્થા ધરાવતા સ્વર્ગ જેવા પાંજરાને ઉંદર સમાજે નર્ક બનાવી મૂક્યું! નકારાત્મક વાતાવરણમાં માદાઓ પ્રજનન માટે તૈયાર નહોતી. હોમોસેક્સ્યુઅલિટીથી માંડીને કેનિબલીઝમ (પોતાની જ જાતિના જીવોને મારીને ખાઈ જવાની વૃત્તિ) વધવાં માંડ્યાં.
મોટાભાગના ઉંદરો નવાં બાળકો પેદા કરવામાં અસમર્થ થયા અને ભોજન અને આરામને જ પ્રાધાન્ય આપતા થયા. બાળકોનો જન્મદર ઘટીને શૂન્ય સુધી પહોંચી ગયો. 600 દિવસ પૂરા થતા સુધીમાં આ `યુટોપિયા'ના તમામ ઉંદરો એક યા બીજા કારણોસર નાશ પામ્યા.
વિચારવાલાયક બાબત એ છે કે ચાર હજાર ઉંદરો આરામથી રહી શકે એવી વ્યવસ્થા હોવા છતાં માત્ર 2,200 ઉંદરો સામાજિક તણાવનો ભોગ બનીને આત્મઘાતી બની બેઠા! વૈજ્ઞાનિકો આ પ્રકારની પરિસ્થિતિને `બિહેવિયરલ સિંક' તરીકે ઓળખાવે છે. વૈજ્ઞાનિકો માને છે કે આ પ્રયોગને સીધો માનવ સમાજના વસ્તી વિસ્ફોટ સાથે જોડી શકાય નહિ, કેમ કે એમાં બીજાં ઘણાં પરિબળો કામ કરતાં હોય છે. તેમ છતાં માનવની સામાજિક વર્તણૂક સમજવા માટે યુનિવર્સ 25નો પ્રયોગ બહુ પાયાની બાબત સાબિત થાય એમ છે. તમારું શું માનવું છે?