દરેક પેરેન્ટ્સ પોતાનાં સંતાનોનાં ઉજ્જ્વળ ભવિષ્ય માટે પોતાની શક્તિ કરતાં વધુ ખર્ચ કરે છે. આમ જુઓ તો એજ્યુકેશન પાછળનો ખર્ચ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. સારું ટ્યુશન, સારી કોલેજ, યુનિવર્સિટી આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં યુવાનો માટે કરિયરનો જંગ જીતવાનું એક સબળ શસ્ત્ર છે, પણ પેરેન્ટ્સની કેટલીક સાહજિક અને અજાણી ભૂલો સંતાનોની માનસિકતાને એવી રીતે બદલી નાંખે છે કે એમની પાછળ કરેલો ખર્ચ ઉપયોગી નહીં સાબિત થાય.

આજે બાળકો ટ્યુશન વગર ભણતાં નથી, તેથી પેરેન્ટ્સ બાળકને ટ્યુશન મોકલે એ સ્વાભાવિક છે, પણ પેરેન્ટ્સ બાળકને વધારે પૈસા ખર્ચીને કે લાંબા અંતરે સ્કૂલના ટીચર્સ પાસે એટલા માટે ટ્યુશન મોકલે છે કે સ્કૂલના ટીચર્સ બાળકને પ્રોજેક્ટ, એસાઇન્મેન્ટ અને ઇન્ટરનલ એક્ઝામમાં વધારે માર્ક્સ આપે. પ્રાઇમરી-સેકન્ડરી સ્કૂલમાં ઓછી મહેનતે વધારે માર્ક્સ મેળવવાની આદત પડી જાય તો આગળ જતાં આ વૃત્તિ એને બેજવાબદાર બનાવશે એટલું જ નહીં બાળકનાં નૈતિકતાનાં ધોરણો બાળપણથી જ નબળાં બનશે. બાળકનું સ્કૂલનું ખોટી રીતે આવેલું સારું પરિણામ જોઇને પેરેન્ટ્સ આગળ જતાં એજ્યુકેશન પર વધુ ખર્ચ કરશે અને વધુ અપેક્ષાઓ રાખશે, પણ બાળકની મનોવૃત્તિ સુધરશે નહીં તો ગમે તેવી સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા બાદ પણ પરિણામ સારું નહીં આવે ત્યારે પેરેન્ટ્સને પોતે ખર્ચેલા પૈસા માટે અફસોસ થશે.

બીજું, ભારતીય સમાજમાં ધર્મ અને આધ્યાત્મિકતાનો ખૂબ પ્રભાવ છે. પૂજાપાઠ, બાધા, માનતા દ્વારા ઇચ્છિત પરિણામો મેળવી શકાય એવી માન્યતા શિક્ષિત વર્ગમાં પણ છે. પેરેન્ટ્સ મહેનત કરતાં પૂજા-પાઠ પર વધારે ધ્યાન આપે, બાળકને દરેક બાબતે આ તો પૂર્વજન્મનાં કર્મનું પરિણામ છે. એવું સમજાવતાં રહે, ભગવાનનું નામ લેવાથી બધાં કામો થઇ જ જાય એવો આશાવાદ આરોપિત કરે એવાં બાળકો મહેનતને બદલે ભગવાનના નામને વધારે મહત્ત્વ આપે છે. ઘણા સંજોગોમાં આસ્થા સારી બાબત હોઈ શકે, પૂર્વ જન્મનાં કર્મો જેવું હોતું પણ હશે, પરંતુ વર્તમાનમાં મહેનત એ જ કર્મ છે. માત્ર ભાગ્ય કે પુણ્યની આશાએ આરામ ફરમાવનાર કશું મેળવી શકતા નથી. હવે જે બાળકો નસીબ, પૂર્વકર્મ કે ભગવાનના નામથી થતા ચમત્કારમાં શ્રદ્ધા રાખીને પોતાની શક્તિનો ઉપયોગ નથી કરતાં એવાં સંતાનો પાછળ કરેલું ઇન્વેસ્ટમેન્ટ ફળતું નથી.

વળી, પેરેન્ટ્સ બાળકને સ્પોર્ટ્સ, ટ્રેકિંગ કે નવી નવી વસ્તુઓ જાણવા મળે એવા પ્રયાસોને બદલે માત્ર યાત્રા જ કરાવે છે એમનાં સંતાનો સાહસિક નથી બનતાં. એમની વિચારવાની-જોખમ ખેડવાની વૃત્તિ મર્યાદિત બને છે. ધર્મ અને આધ્યાત્મિકતા માનસિક શાંતિ અને ઉચ્ચ જીવન સાથે જોડે એ સમજી શકાય, પરંતુ જો એ એમને ભાગ્યવાદી કે પલાયનવાજી બનાવે તો નહીં ચાલે. ભાગ્ય કે પૂર્વનાં કર્મને તોડવા માટે પણ કર્મ જ કરવાં પડે એવું સમજાવવાને બદલે બાળકના મનમાં નસીબના ખેલનું મહત્ત્વ ઠસાવી દે તો એવાં સંતાનો પાછળ ગમે તેટલો ખર્ચ કરશો એ ભગવાનના ચમત્કારની જ રાહ જોયા કરશે.  

દરેક બાળકની ક્ષમતા અલગ-અલગ હોય છે એ વાસ્તવિકતા સમજ્યા વિના જે પેરેન્ટ્સ પોતાનાં ઓછી ક્ષમતાવાળાં બાળકો પાસે વધુ અપેક્ષા રાખે છે, પોતાના ઇગો કે પ્રતિષ્ઠા માટે ભણાવવા પાછળ આંખ-મીંચીને ખર્ચ કરે છે. એમનો ખર્ચ ઊગી નીકળતો નથી. જેમની બી.એસ.સી. થવાની ક્ષમતા ન હોય અને મેડિકલમાં પેમેન્ટ સીટ પર એડમિશન અપાવી દે તો એ સારો અને સફળ ડોક્ટર નહીં બની શકે. દેખાદેખીથી કે ખુદના સંતોષ માટે સક્ષમ ન હોય એવાં બાળકો પાછળ ઇન્વેસ્ટમેન્ટ ન થાય.

જે પેરેન્ટ્સ પોતાના પૈસાનો સતત રોફ જમાવતાં હોય, બાળકો દ્વારા તેઓ પોતાની સંપત્તિનું પ્રદર્શન કરતાં હોય અને બાળકોનાં ખરાં-ખોટાં કામને પૈસા દ્વારા જસ્ટિફાય કરતાં હોય એવાં બાળકો પાછળ કરેલું ઇન્વેસ્ટમેન્ટ સેફ નથી હોતું. તેઓ જીવનનાં ઘણાં વાસ્તવિક કૌશલ્યથી અજાણ રહે છે, સંઘર્ષ સામે ટકવાની તેઓને તાલીમ નથી મળતી, તેથી પિતાના સૂર્યોદય સુધી જ એમનો ઝગમગાટ રહે છે. પોતાની જાતે કશું સિદ્ધ કરવામાં તેઓ લગભગ ઊણાં ઊતરે છે.

આ ઉપરાંત જે પેરેન્ટ્સ વચ્ચે સતત લડાઇ, ઝઘડા, વિખવાદ ચાલતાં હોય અને બાળકોને પૈસા દ્વારા અપાતી સગવડોથી જ સંતોષ મનાતો હોય ત્યાં 80 ટકા બાળકો પોતાની કેડી કંડારી શકતાં નથી. પૈસા અને સગવડ ઉપર એમના ઝઘડા ભારે પડે છે. તેઓ સ્માર્ટ અને હોશિયાર હોવા છતાં માનસિક પરિતાપને કારણે પર્ફોર્મન્સ આપી શકતાં નથી.

અને છેલ્લે જે પેરેન્ટ્સ બાળકોને મોંઘીદાટ સ્કૂલોમાં મૂકે છે, પરંતુ પોતે 24 કલાક પોતાનાં કામ અને મોબાઇલમાં વ્યસ્ત રહે છે, બાળકો પર ધ્યાન આપતાં નથી અને સયમને બદલે સગવડ આપતાં રહે છે એવાં બાળકોમાંથી દસ-વીસ ટકા જ સફળ બની શકે છે.

મોટાભાગનાં પેરેન્ટ્સ પોતાની હૈયાવરાળ ઠાલવતાં હોય છે કે, `આટલું બધું કરવા છતાં બાળકોએ કંઇ ઉકાળ્યું નહીં'. બાળકો કંઇ કરી ન શક્યાં એની પાછળનાં ઉક્ત કારણો પેરેન્ટ્સે સમજવાં પડશે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો