ઇઝરાયેલ અને અમેરિકાને ઈરાન સાથે ઠેરી ગઈ, એના માટે જવાબદાર મનાય છે ઈરાનનો ન્યૂક્લિયર પ્રોગ્રામ. ઈરાનના ફોર્ડો (Fordow) ખાતે ફ્યુઅલ એનરિચમેન્ટ પ્લાન્ટ આવેલો છે.

આ પ્લાન્ટનું કંટ્રોલિંગ અને ઓપરેટિંગ ઈરાનના એટમિક એનર્જી ઓર્ગેનાઈઝેશન દ્વારા થાય છે. આ પ્લાન્ટ 2006માં બનાવાયો, પણ ઈરાને ત્રણ વર્ષ સુધી એના અંગેની કોઈ પણ પ્રકારની માહિતી ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA)ને આપી જ નહોતી! ઠેઠ 2009માં ઇન્ટરનેશનલ એજન્સીને આ પ્લાન્ટ વિશે ખબર પડી. આમ, ઈરાને પહેલેથી જ આ પ્લાન્ટ બાબતે કુલડીમાં ગોળ ભાંગવા જેવું કામ કર્યું છે.

શું કામ કરે છે આ સો કોલ્ડ `ફ્યુઅલ પ્લાન્ટ?' અહીં ફ્યુઅલ શબ્દ ન્યૂક્લિયર ફ્યુઅલ માટે વપરાયો છે અને પ્લાન્ટનું ઓફિશિયલ કામ ન્યૂક્લિયર એનર્જી મેળવવા માટે યુરેનિયમ પર પ્રોસેસ કરવાનું છે. ઈરાને આ પ્રોસેસ દરમિયાન જ `ગરબડ કરી છે. ન્યૂક્લિયર એનર્જી મેળવવા માટે જે પ્રકારનું યુરેનિયમ જોઈએ, એના કરતાં ઘણું વધારે એનરિચ યુરેનિયમ ઈરાને પ્રોડ્યૂસ કર્યું અને આ રીતે એનરિચ થયેલું યુરેનિયમ એનર્જી પેદા કરવા માટે નહિ પણ ન્યૂક્લિયર વેપન્સ-અણુબોમ્બ બનાવવા માટે વપરાય છે. બીજી કોઈ પોલિટિકલ બાબતોમાં પડ્યા સિવાય આપણે માત્ર યુરેનિયમના એનરિચમેન્ટ પ્રોસેસ અંગેની ચર્ચા કરીશું. ખડકથી માંડીને અણુશસ્ત્ર બનવા સુધીની યુરેનિયમની સફર કેવી છે?

આ રીતે બને છે `યલો કેક'

યુરેનિયમ એ એક કુદરતી ધાતુ છે, જે પૃથ્વીના પોપડામાં ખનિજોના સ્વરૂપે મળી આવે છે. સંશોધકો રેડિયેશન ડિટેક્ટર (જેમ કે, ગાઇગર કાઉન્ટર)નો ઉપયોગ કરીને યુરેનિયમની હાજરી શોધે છે. યુરેનિયમ સામાન્ય રીતે ખડકો, રેતી અથવા અન્ય ખનિજોમાં ઓર સ્વરૂપે મળે છે. (ઓર એટલે ખડક સાથે મિશ્રિત અવસ્થા) ખાણમાંથી કાઢેલા યુરેનિયમ ઓરને નાના ટુકડાઓમાં તોડીને છેવટે પાઉડર સ્વરૂપે લાવવામાં આવે છે. આ પાઉડર સાથે સલ્ફ્યુરિક એસિડ જેવાં રસાયણોની પ્રક્રિયા દ્વારા યુરેનિયમ ધરાવતું દ્રાવણ છૂટું પડે છે. હજી પણ આ પ્યોર યુરેનિયમ નથી. એટલે દ્રાવણમાંથી અશુદ્ધિઓ દૂર કરવા માટે અન્ય કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પીળા રંગનો પાઉડર (યુરેનિયમ ઓક્સાઇડ - U₃O₈) મેળવવામાં આવે છે. આમ તો આ યુરેનિયમ પાઉડર કહેવાય, પણ પીળા રંગનો હોવાને કારણે એને `યેલો કેક' તરીકે ઓળખવામાં આવે છે.

જોકે, આ યલો કેક પણ સંપૂર્ણપણે યુરેનિયમ તો નથી જ. ઉપરના ફકરામાં જણાવેલી તમામ પ્રોસેસ પછી પણ યલો કેકમાં શુદ્ધ યુરેનિયમ બહુ ઓછા પ્રમાણમાં જ હોવાનું. આ માટે યુરેનિયમ ગ્રેડ એટલે શું, તે સમજવું પડે.

યુરેનિયમ ગ્રેડ

યુરેનિયમના ગ્રેડ એટલે યુરેનિયમ ધાતુની શુદ્ધતા અથવા તેની ગુણવત્તાનું માપ છે, જે સામાન્ય રીતે યુરેનિયમ ઓરમાં યુરેનિયમની ટકાવારી અથવા સાંદ્રતાને આધારે નક્કી થાય છે. જો ખનીજ ઓરમાં યુરેનિયમ ઓક્સાઇડ(U3Og)ની ટકાવારી 0.1 % કરતાં ઓછી હોય તો એને લો-ગ્રેડ યુરેનિયમ કહેવાય. જો યુરેનિયમની સાંદ્રતા 1 %થી 20 % કે તેથી વધુ હોય તો એને હાઈ-ગ્રેડ યુરેનિયમ કહેવાય. આ પ્રકારનું યુરેનિયમ ખૂબ મૂલ્યવાન હોય છે, કારણ કે તે ઓછી પ્રોસેસિંગ સાથે ન્યૂક્લિયર ફ્યુઅલ તરીકે ઉપયોગી થઈ શકે છે. સામાન્ય રીતે રિએક્ટર માટે 3-5 % U-235ની જરૂર હોય છે, જ્યારે ન્યૂક્લિયર હથિયારો માટે 90 %થી વધુ U-235 જરૂરી હોય છે. જો તમે જુદી જુદી પ્રોસેસ દ્વારા યુરેનિયમની સાંદ્રતા વધારો, તો એને યુરેનિયમનું એનરિચમેન્ટ કર્યું કહેવાય. ઈરાને પોતાની પાસેના જથ્થાને આ રીતે જ એનરિચ કરીને લગભગ 60 % સાંદ્રતાવાળું યુરેનિયમ મેળવી લીધું હોવાનું કહેવાય છે. સ્વાભાવિક છે કે આટલું પ્યોર યુરેનિયમ એનર્જી પ્રોડક્શન માટે નહિ, પણ ન્યૂક્લિયર વેપન્સના પ્રોડક્શન માટે જ વાપરી શકાય. હવે આ એનરિચમેન્ટ કઈ રીતે થાય છે એ સમજીએ.

યુરેનિયમ એનરિચમેન્ટ

યુરેનિયમના એનરિચમેન્ટ માટે ત્રણ પદ્ધતિઓ ડિફ્યુઝન, ગેસ સેન્ટ્રિફ્યૂગેશન અને લેસર એનરિચમેન્ટ. આ પૈકી ડિફ્યુઝન મેથડ હવે ભાગ્યે જ વપરાય છે. ગેસ સેન્ટ્રિફ્યૂગેશન સૌથી પ્રચલિત પદ્ધતિ છે, જેમાં યુરેનિયમને યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ (UF6) ગેસમાં રૂપાંતરિત કરી, ઝડપથી ફેરવીને U-235 અને U-238ને અલગ કરવામાં આવે છે. એ પછી વારો આવે આ બંને અઈસોટોપ્સના વિભાજનનો. આ માટે બંને આઇસોટોપ્સના વજન વચ્ચેના તફાવતનો લાભ લેવામાં આવે છે (U-235 હળવું અને U-238 થોડું ભારે હોય છે).

યુરેનિયમને ઊંચા તાપમાને યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ (UF6) નામના ગેસમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ UF6 ગેસ સેન્ટ્રિફ્યૂજમાં (ઊભા નળાકાર જેવા ઉપકરણમાં) દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ સેન્ટ્રિફ્યૂજને ખૂબ જ ઝડપથી (લગભગ 50,000-70,000 RPM) ફેરવવાને કારણે કેન્દ્રત્યાગી બળ (centrifugal force) પેદા થાય છે. હવે U-238, જે થોડું ભારે હોવાથી સેન્ટ્રિફ્યૂજની બાહ્ય દીવાલ તરફ જ્યારે હળવું U-235 કેન્દ્ર તરફ ખેંચાશે. આ રીતે અલગ થયેલ U-235 ધરાવતો ગેસ સરળતાથી એકત્ર કરી શકાય છે. જે એનરિચ્ડ યુરેનિયમ તરીકે ઓળખાય છે.

આ આખી જટિલ પ્રક્રિયાને અહીં બને એટલા સરળ શબ્દોમાં સમજાવી છે. યુ ટ્યૂબ પર gas centrifuge લખીને સર્ચ કરવાથી આખી પ્રક્રિયા સમજાવતો સરસ વીડિયો જોવા મળશે. ભારતની વાત કરીએ તો યુરેનિયમનું ખનન મુખ્યત્વે ઝારખંડ, આંધ્રપ્રદેશ અને મેઘાલય જેવાં રાજ્યોમાં થાય છે. ભારતના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ્સ જેમ કે, આપણું કાકરાપાર ન્યૂક્લિયર પાવર સ્ટેશન પણ ઈંધણ તરીકે યુરેનિયમનો ઉપયોગ કરે છે.