અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરુવારે યોજાનારા એક ખાસ સમારોહમાં ટેસ્લા અને સ્પેસએક્સના વડા એલોન મસ્ક તેમજ અન્ય ટોચના ટેક ઉદ્યોગપતિઓને અમેરિકાના સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માનથી નવાજશે. વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર `સાયન્સ : અ ન્યૂ ગોલ્ડન એજ' સમિટ અંતર્ગત એલોન મસ્કની સાથે ગૂગલના સહસ્થાપક સર્જેઈ બ્રિન, એનવીડિયાના સીઈઓ જેનસેન હુઆંગ અને એએમડીના વડા લિસા સુને `નેશનલ મેડલ ઓફ સાયન્સ' એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત કમ્પ્યૂટર જગતના દિગ્ગજ માઈકલ ડેલ અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાને ટેક્નોલોજી ક્ષેત્રના સર્વોચ્ચ પુરસ્કાર `નેશનલ મેડલ ઓફ ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન'થી સન્માનિત કરવામાં આવશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા લિઝ હ્યુસ્ટને જણાવ્યું હતું કે આ અગ્રણીઓ અમેરિકાને વૈશ્વિક સ્તરે ઇનોવેશનમાં મોખરે રાખવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ખર્ચ ઘટાડવા માટેના વિભાગની કામગીરી મુદ્દે થયેલા મતભેદો બાદ મસ્ક ફરી ટ્રમ્પના નજીકના વર્તુળમાં સ્થાન પામ્યા છે. તેઓ 2024ની ચૂંટણીમાં ટ્રમ્પના સૌથી મોટા ફંડદાતા પણ રહ્યા હતા. ટ્રમ્પે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સામેની વૈશ્વિક ચેતવણીઓને નકારી કાઢી તેને અમેરિકી અર્થતંત્રના નવા સુવર્ણ યુગ માટે અનિવાર્ય ગણાવી છે. આ દરમિયાન ટેક લીડર્સે સંભવિત જોખમો સામે સ્વનિયમન રાખવાની ખાતરી આપી છે. બીજી તરફ યુદ્ધ અને મોંઘવારી જેવા મુદ્દાઓ વચ્ચે આગામી ચૂંટણીના પડકારો વચ્ચે આ સન્માન સમારોહ વૈશ્વિક ટેક જગતમાં ભારે ચર્ચામાં રહ્યો છે.
સ્ટ્રાસબર્ગમાં ટ્રમ્પનું ગોલ્ડ પ્લેટેડ વિવાદાસ્પદ શિલ્પ પ્રદર્શિત થતાં ચારેકોર એની ચર્ચા!
ડેનિશ કલાકાર જેન્સ ગાલ્શિઓટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું 23 કેરેટ સોનાથી મઢેલું, 8 ફૂટ લાંબું નિર્વસ્ત્ર શિલ્પ સ્ટ્રાસબર્ગ ખાતે યુરોપિયન સંસદ બહાર પ્રદર્શિત કર્યું છે, જેને `ધ ઓરેન્જ પ્લેગ' નામ અપાયું છે. આ મૂર્તિમાં ટ્રમ્પ એક હાથમાં ગોલ્ફ ક્લબ અને બીજા હાથમાં ન્યાયનું ત્રાજવું પકડી એક થાકેલા, સામાન્ય માણસની પીઠ પર સવાર દેખાય છે, જ્યારે નીચે પૃથ્વીનો ગોળો છે. તેના પાયા પર `ધ કિંગ ઓફ ઇન્જસ્ટિસ' હેઠળ લખાણ અંકિત છે: `હું એક માણસની પીઠ પર સવાર છું, તે મારા ભાર નીચે દબાઈ રહ્યો છે. તેની પીઠ પરથી નીચે ઊતરવા સિવાય હું તેને મદદ કરવા બધું જ કરીશ.' આ શિલ્પ અમેરિકાની વિદેશ અને પર્યાવરણ નીતિઓ સામે તીખો રાજકીય કટાક્ષ છે. અગાઉ 1989ના તિઆનમેન સ્ક્વેર વિરોધ માટે `પિલર ઓફ શેમ' અને વૈશ્વિક અસમાનતા દર્શાવતું `સર્વાઇવલ ઓફ ધ ફેટેસ્ટ' સર્જનાર જેન્સ આ કૃતિને નવેમ્બરમાં તુર્કી ખાતે યોજાનારી યુએન COP31 ક્લાઈમેટ કોન્ફરન્સમાં પણ રજૂ કરશે. ડેનિશ સાંસદોએ આ કલાકૃતિને આંતરરાષ્ટ્રીય મંચ માટે જરૂરી ખુલ્લા વિચારોની કસોટી ગણાવી છે.
બોક્સઓફિસ પર અજય દેવગનની કમાલ `દૃશ્યમ-3' 5 દિવસમાં 210 કરોડને પાર
અજય દેવગન અભિનીત સસ્પેન્સ-થ્રિલર `દૃશ્યમ : ધ કન્ક્લુઝન' બોક્સઓફિસ પર જબરદસ્ત સફળતા નોંધાવી રહી છે. ફિલ્મે મંગળવારે 18.25 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન મેળવીને રિલીઝના માત્ર પાંચ જ દિવસમાં 210 કરોડ રૂપિયાનો આંકડો વટાવી લીધો છે. સોમવારની સરખામણીએ મંગળવારે માત્ર 5 ટકાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો, જે સામાન્ય દિવસોમાં દર્શકોની મજબૂત પકડ દર્શાવે છે. પહેલા અઠવાડિયાના અંત સુધીમાં ફિલ્મનું કુલ સ્થાનિક નેટ કલેક્શન આશરે 235 કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ ટ્રેડ એનાલિસ્ટો લગાવી રહ્યા છે. સિનેમાઘરોમાં સામાન્ય રીતે મંગળવારે મળતી ટિકિટ ડિસ્કાઉન્ટ સ્કીમ વિના પણ દર્શકોની ભીડ ઊમટી રહી છે, જેનાથી ફિલ્મની કમાણી સીધી ઊંચકાઈ છે. પ્રથમ સપ્તાહમાં આટલો મોટો વકરો દર્શાવે છે કે દર્શકો `વિજય સાલગાવકર'ની આ સસ્પેન્સ સિક્વલને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે અને આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર્સમાં સામેલ થવા આગળ વધી રહી છે.
તહેવારો અને નવી પસંદગીથી તેજી : ભારતમાં પેસેન્જર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ બમણું થયું
ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) તરફ ગ્રાહકોનો ઝુકાવ અભૂતપૂર્વ ઝડપે વધી રહ્યો છે. `ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ'(FADA)ના તાજા આંકડા અનુસાર સપ્ટેમ્બર 2026માં ભારતમાં પેસેન્જર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે લગભગ બમણું થઈને 36,108 યુનિટ્સ પર પહોંચ્યું છે, જે સપ્ટેમ્બર 2025માં 18,559 યુનિટ્સ હતું. ઓટો સેક્ટરમાં EVની માર્કેટ ભાગીદારી વધીને 8.5% થઈ ગઈ છે. ટાટા મોટર્સ 14,791 યુનિટ્સના વેચાણ સાથે સેગ્મેન્ટમાં મોખરે રહી છે, જ્યારે મહિન્દ્રા 7,780 યુનિટ્સ સાથે બીજા અને JSW એમજી મોટર 5,242 યુનિટ્સ સાથે ત્રીજા સ્થાને છે. નવી પ્રવેશેલી વિનફાસ્ટે 2,964 યુનિટ્સ વેચીને ઝડપી પ્રગતિ કરી છે. લક્ઝરી સેગ્મેન્ટમાં BMWએ 502, ટેસ્લાએ 291 અને મર્સિડીઝે 125 યુનિટ્સ વેચ્યા છે. કંપનીઓ દ્વારા વધારવામાં આવેલાં મોડલ્સ અને તહેવારોની ખરીદીના માહોલને કારણે પેસેન્જર EV બજાર ટૂંક સમયમાં બે આંકડાની પેનિટ્રેશન હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યું છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો