અનેક ભારતીયો અમેરિકામાં કાયમ રહેવાની ઈચ્છા ધરાવે છે, ત્યાંનું ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવા ચાહે છે. ગ્રીન કાર્ડ મળ્યા બાદ અમેરિકન સિટીઝન પણ બનવા માંગે છે.

આમાંના ઘણા લોકો પાસે ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે જે લાયકાતોની જરૂરિયાત હોય છે એ નથી હોતી. જેમની પાસે લાયકાતો હોય છે તેઓ ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે જે વર્ષોની વાટ જોવી પડે છે એ વાટ જોવા તૈયાર નથી હોતા. આથી તેઓ અમેરિકાના `ઈ-2' વિઝા મેળવવાના પ્રયત્નો કરે છે.

અમેરિકાની સરકારે યુરોપના અમુક પછાત દેશો જોડે કરારો કર્યા છે. એ કરારો હેઠળ યુરોપના એ દેશના નાગરિકો જેઓ અમેરિકામાં બિઝનેસ કરવા ઈચ્છતા હોય તેઓ `ઈ-2' વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશીને ત્યાં બિઝનેસ કરે છે. આપણા ભારતીય બિઝનેસમેનો જેઓ અમેરિકામાં કાયમ રહેવા ઈચ્છે છે કે પછી ત્યાં બિઝનેસ કરવા ઈચ્છે છે તેઓ આ `ઈ-2' વિઝા મેળવવાના પ્રયત્નો કરે છે.

`ઈ-2' વિઝા મેળવવા માટે સૌ પ્રથમ જે દેશ જોડે અમેરિકાએ કરાર કર્યા હોય અને જે દેશના નાગરિકો `ઈ-2' વિઝા મેળવવા લાયક હોય એ દેશની નાગરિકતા મેળવવાની રહે છે. આ બધા નાના-નાના દેશો અમુક પૈસા લઈને અને એમના દેશમાં અમુક સમય માટે અમુક પૈસાનું રોકાણ કરનાર પરદેશીઓને એમના દેશની નાગરિકતા આપે છે. હું ભારતીય છું, મારે પોર્ટુગલમાં જઈને ત્યાંથી `ઈ-2' વિઝા મેળવવા હોય તો મારે પોર્ટુગલમાં અમુક વર્ષ માટે અમુક રકમનું રોકાણ કરવાનું રહે છે. ઈન્વેસ્ટ ત્યાંની કોઈ પ્રોપર્ટીમાં કરવાનું. પછી ત્યાંની સરકારને અમુક રકમ આપવાની અને એટલે મને એ દેશ એનું નાગરિકત્વ આપે. ત્યારબાદ હું એ દેશના નાગરિક તરીકે અમેરિકામાં બિઝનેસ કરવા માટે `ઈ-2' વિઝાની અરજી કરું.

હમણાં હમણાંથી આવું ઘણા લોકો કરવા લાગ્યા છે. એમણે જે દેશમાં ઈન્વેસ્ટમેન્ટ્સ કર્યું હોય અને જે ઈન્વેસ્ટમેન્ટ અમુક વર્ષો સુધી રાખી મૂકવાનું હોય એ ઈન્વેસ્ટમેન્ટ ત્યાંની પ્રોપર્ટીમાં કરવાનું હોય. ત્યાં પ્રોપર્ટીના ભાવ વધતા નથી. બે-પાંચ વર્ષ પછી જ્યારે ઈન્વેસ્ટમેન્ટ પાછું મેળવવા જે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હોય એ પ્રોપર્ટી વેચીને પાછું મેળવવા ચાહે ત્યારે ઈન્વેસ્ટ કરેલી રકમ નથી મળતી. જે ભાવે ઈન્વેસ્ટમેન્ટ કર્યું હોય એનાથી ઓછો ભાવ મળે છે. એટલે એમને નુકસાની જાય છે.

ઈન્વેસ્ટમેન્ટ કરો પછી તમારે એ દેશની સરકારને એ દેશનું નાગરિકત્વ મેળવવા માટે પણ અમુક રકમ આપવાની રહે છે. ત્યાંના એટર્નીઓને આ બધું કામ કરવા માટે એમની ફી આપવાની રહે છે. ત્યારબાદ અમેરિકામાં કંપની ખોલવાની રહે છે. અમેરિકામાં એ દેશના નાગરિક તરીકે બિઝનેસ કરવાનો રહે છે. એ માટે પણ એટર્નીની ફી અને બીજો ખર્ચો કરવાનો રહે છે. આમ, પુષ્કળ ખર્ચા કરવાના રહે છે. અને `ઈ-2' વિઝા અમેરિકામાં કાયમ રહેવાની પરવાનગી નથી આપતા. અમુક સમય સુધી જ `ઈ-2' વિઝા ઉપર અમેરિકામાં બિઝનેસ કરી શકાય છે. આ `ઈ-2' વિઝા જે તે દેશના નાગરિકો માટે ઘડવામાં આવ્યા છે. તમે તો એ દેશમાં જન્મ નથી લીધો, ત્યાં રહ્યા નથી. તમે ફક્ત ઈન્વેસ્ટમેન્ટ કરીને એ દેશનું નાગરિકત્વ મેળવ્યું છે. એટલે તમે જ્યારે એ દેશના નાગરિક તરીકે અમેરિકામાં `ઈ-2' વિઝા મેળવવાની માંગણી કરો છો, ત્યારે કદાચ તમે એ દેશનું નાગરિકત્વ ફક્ત અમેરિકામાં બિઝનેસ કરી શકાય એ માટે મેળવ્યું છે. એ દેશ જોડે અમેરિકાએ કરાર કર્યો છે એનો ગેરલાભ ઉઠાવવા માંગો છો. આવું કહીને કદાચ તમારી `ઈ-2' વિઝાની અરજી નકારવામાં પણ આવી શકે. જો `ઈ-2' વિઝા મળે તોપણ એ માટે ઘણો ખર્ચો કરવાનો રહે છે. ભારતીયો માટે અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં `એલ-1' વિઝા છે. નોન ઈમિગ્રન્ટ શ્રેણીના આંતર કંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટે અમેરિકાએ એમના ઈમિગ્રેશનના કાયદામાં આ ખાસ નોન ઈમિગ્રન્ટ શ્રેણીના `એલ-1' વિઝા દાખલ કર્યા છે. જેની હેઠળ ભારતીય કંપનીમાં છેલ્લાં ત્રણ વર્ષમાં જેમણે ઓછામાં ઓછું એક વર્ષ મેનેજર, એક્ઝિક્યુટિવ કે ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે કામ કર્યું હોય, એ કંપની જો અમેરિકામાં એની શાખા ખોલે, સંપૂર્ણ માલિકીની સબસિડી કરે કે કોઈ અમેરિકન કંપની જોડે પાર્ટનરશિપ કરે જેમાં એમનો હિસ્સો 51 ટકાથી વધારે હોય, તો એ કંપની પેલા ભારતીય મેનેજર, એક્ઝિક્યુટિવ કે ખાસ જાણકારીવાળી વ્યક્તિને `એલ-1' વિઝા ઉપર અમેરિકામાં આમંત્રી શકે છે.

મેનેજરો અને એક્ઝિક્યુટિવો `એલ-1' વિઝા ઉપર અમેરિકામાં સાત વર્ષ રહીને કામ કરી શકે છે. એમની પત્ની યા પતિ અને 21 વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને ડિપેન્ડન્ડ `એલ-2' વિઝા આપવામાં આવે છે. તેઓ ઈચ્છે તો પરવાનગી મેળવીને અમેરિકામાં નોકરી કે પછી ભણી શકે છે. એ અમેરિકન કંપની એ વ્યક્તિ માટે `એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ' કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડનું પિટિશન પણ દાખલ કરી શકે છે. જે લોકો મેનેજર કે એક્ઝિક્યુટિવ તરીકે જતા હોય છે એમને અમેરિકામાં 7 વર્ષ રહેવાની છૂટ મળે છે. શરૂઆતમાં એક વર્ષના `એલ-1એ' વિઝા આપવામાં આવે છે. પછી અરજી કરતાં એમને બબ્બે વર્ષ એ મુદત ત્રણ વખત લંબાવી આપવામાં આવે છે. ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે જેઓ અમેરિકામાં `એલ-1' વિઝા ઉપર જાય છે એમને `એલ-1બી' વિઝા આપવામાં આવે છે. એમને અમેરિકામાં પાંચ વર્ષ રહેવાની છૂટ હોય છે. ભારતીયોએ જો અમેરિકામાં બિઝનેસ કરવો હોય, ત્યાં જઈને રહેવું હોય, ત્યાં જઈને કામ કરવું હોય અને ત્યાંનું ગ્રીન કાર્ડ પણ મેળવવું હોય તો એમણે `ઈ-2' વિઝા મેળવવાની જરૂર નથી. યુરોપના કોઈ દેશની નાગરિકતા મેળવવાની જરૂર નથી. એ દેશના નાગરિક તરીકે અમેરિકાના `ઈ-2' વિઝાની અરજી કરવાની જરૂર નથી. તેઓ ભારતીયો માટે ઘડવામાં આવેલ `એલ-1' વિઝાનો લાભ લઈ શકે છે.

અનેકોને આની જાણ નથી હોતી. જે તે દેશના લોકો, જેઓ ત્યાં પ્રોપર્ટીઓ બાંધી રહ્યા હોય છે, તેઓ એમની પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટમેન્ટ થાય એ માટે ભારતીયોને એ દેશના નાગરિક બની શકશો એવું કહીને લલચાવે છે. તમે અહીંના નાગરિક બનશો એટલે અમેરિકામાં બિઝનેસ કરવા માટે તમને `ઈ-2' વિઝા મળશે, પણ એમાં રહેલી જે મુશ્કેલીઓ છે, જે ભયસ્થાનો છે, જે ખર્ચો છે એ આ લોકો જણાવતા નથી.

તમે એક ભારતીય તરીકે જો અમેરિકામાં બિઝનેસ કરવા ઈચ્છતા હો, મેનેજર તરીકે એક્ઝિક્યુટિવ તરીકે કે ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે ત્યાં જવા ઈચ્છતા હો તો તમે `એલ-1' વિઝા મેળવી શકે છો. આ માટે તમારે કોઈ એવું રોકાણ કરવાની જરૂર નથી હોતી, કોઈ દેશના નાગરિક બનવાની જરૂર નથી હોતી.