2026માં મધ્ય-પૂર્વનાં રાજકીય સમીકરણો અને ખાસ કરીને અમેરિકા-ઈરાન વચ્ચે વધેલા સૈન્ય તણાવને કારણે વૈશ્વિક તેલ બજારમાં મોટો ભડકો થયો છે. કાચા તેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ બેરલ 100 ડોલરની સપાટી વટાવી ગયા હોઇ અમેરિકી પ્રશાસને એક અત્યંત મોટો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. અમેરિકાએ તેના ઇતિહાસમાં સૌથી મોટું કદમ ઉઠાવતાં `સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ' (SPR) એટલે કે કટોકટીના સમય માટે સાચવી રાખેલા વ્યૂહાત્મક તેલના ભંડારમાંથી કરોડો બેરલ તેલ બજારમાં મુક્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. અમેરિકા પોતે વિશ્વમાં સૌથી વધુ તેલનું ઉત્પાદન કરતો દેશ હોવા છતાં, વૈશ્વિક સપ્લાય ચેઈન તૂટવાથી બજારમાં જે ગભરાટ ફેલાયો હતો તેને શાંત કરવો અનિવાર્ય હતો.
ઇટાલી : વસાહતો પર કડક વલણ અને માનવ અધિકાર આધારિત આર્થિક કૂટનીતિ
વેસ્ટ બેંક વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી હિંસા, તણાવ અને ત્યાં આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ થઈ રહેલા નવી વસાહતોના નિર્માણ સામે ઇટાલીએ આક્રમક વલણ અપનાવતા રોમસ્થિત વિદેશ મંત્રાલય દ્વારા સંકેતો મુજબ માનવ અધિકારોના ભંગ અને પ્રાદેશિક શાંતિ પ્રક્રિયાને નુકસાન પહોંચાડવા બદલ ઇટાલી હવે વિવાદિત વસાહતોમાંથી આવતા માલસામાન અને ઉત્પાદનોની આયાત પર આંશિક અથવા સંપૂર્ણ પ્રતિબંધો લાદવા જઈ રહ્યું છે. તેમજ આ પ્રદેશ સાથે સંકળાયેલી ચોક્કસ વ્યાપારી પ્રવૃત્તિઓ પર કડક ટેક્સ અને નાણાકીય નિયંત્રણો પણ લાદવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
ફિફા વર્લ્ડકપ 2026 : નેમારનું કમબેક થશે?
જૂન, 2026માં અમેરિકા, કેનેડા અને મેક્સિકોના સંયુક્ત યજમાનપદે યોજાનાર `ફિફા મેન્સ વર્લ્ડકપ 2026' માટે બ્રાઝિલના મુખ્ય ઇટાલિયન કોચ કાર્લો એન્સેલોટીએ સત્તાવાર રીતે 26 સભ્યોની બ્રાઝિલિયન સ્ક્વોડની જાહેરાત કરી છે. આ ટીમની જાહેરાતમાં સૌથી મોટું અને આશ્ચર્યજનક આકર્ષણ 34 વર્ષીય દિગ્ગજ ફોરવર્ડ ખેલાડી નેમારની પસંદગી છે. ઓક્ટોબર, 2023માં આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ઘૂંટણની ગંભીર ઈજાનો ભોગ બન્યા બાદ નેમાર લાંબા સમય સુધી ટોપ-લેવલ ફૂટબોલથી સંપૂર્ણપણે દૂર રહ્યો હતો. તેની ઉંમર અને ફિટનેસના સ્તરને જોતાં ઘણા રમત વિશ્લેષકો માની રહ્યા હતા કે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી હવે અંત તરફ છે, પરંતુ નેમારે તાજેતરમાં સાન્તોસ એફસી તરફથી રમતા ડોમેસ્ટિક લીગમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની લય પાછી મેળવી છે. બ્રાઝિલના ફૂટબોલ ઇતિહાસમાં મહાન પેલેનો રેકોર્ડ તોડીને સૌથી વધુ 79 આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર નેમાર માટે આ તેનો ચોથો અને સંભવતઃ અંતિમ વર્લ્ડકપ હશે.
ચેર્નોબિલ બન્યું વન્યજીવો માટેનું સુરક્ષિત આશ્રયસ્થાન
`ચેર્નોબિલ એક્સક્લુઝન ઝોન'માંથી પ્રકૃતિપ્રેમીઓ માટે, મે, 2026માં આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની એક ટીમે ડ્રોન, સેટેલાઇટ અને મોશન-સેન્સર કેમેરાની મદદથી હાથ ધરેલા વ્યાપક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે આશરે 2,600 ચોરસ કિલોમીટરનો આ પ્રતિબંધિત અને રેડિયોએક્ટિવ વિસ્તાર હવે મનુષ્યોની સંપૂર્ણ ગેરહાજરીને કારણે વિશ્વના સૌથી દુર્લભ વન્યજીવો માટે એક અત્યંત સુરક્ષિત અને સમૃદ્ધ આશ્રયસ્થાન બની ગયો છે. જ્યાં એક સમયે માનવ વસ્તી લુપ્ત થઈ ગઈ હતી, ત્યાં હવે કુદરતે પોતાનું સામ્રાજ્ય ફરી બેઠું કર્યું છે. વિશ્વભરમાં વિલુપ્ત થવાના આરે ઊભેલા અત્યંત દુર્લભ પ્રઝેવાલ્સ્કી ઘોડા, યુરેશિયન વરુ, યુરોપિયન બાઇસન, બ્રાઉન બેઅર અને લિન્ક્સની વસ્તી અહીં સામાન્ય નેશનલ પાર્ક કરતાં પણ ઘણી વધારે નોંધાઈ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે પરમાણુ કિરણોત્સર્ગની હાજરી હોવા છતાં, પ્રાણીઓએ તે વાતાવરણમાં જીવવાનું અનુકૂલન સાધી લીધું છે અને તેમની પ્રજનન ક્ષમતામાં મોટો વધારો થયો છે. શિકારીઓ, વાહનોની અવરજવર અને કોમર્શિયલ ડેવલપમેન્ટ જેવી માનવીય દખલગીરીનો સંપૂર્ણ અભાવ જ આ પ્રાણીઓના વિકાસનું મુખ્ય કારણ છે.
બેલુગા વ્હેલ માછલીઓમાં `મિરર ટેસ્ટ' સફળ
દરિયાઈ જીવવિજ્ઞાન ક્ષેત્રે 20 મે, 2026ના રોજ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ `PLOS ONE' અંતર્ગત ન્યૂયોર્કની હન્ટર કોલેજ અને ક્યુની ગ્રેજ્યુએટ સેન્ટરના જાણીતા જ્ઞાનાત્મક મનોવૈજ્ઞાનિક પ્રોફેસર ડાયના રીસ એન્ડ ટીમના એક ગહન અભ્યાસમાં પ્રથમ વખત એવા નક્કર વૈજ્ઞાનિક પુરાવા મળ્યા છે કે સમુદ્રની બુદ્ધિશાળી `બેલુગા વ્હેલ' માછલીઓ અરીસામાં પોતાનું પ્રતિબિંબ ઓળખી શકે છે. જેને વિજ્ઞાનની ભાષામાં `મિરર સેલ્ફ-રેકગ્નિશન' કહેવાય છે, આ પ્રયોગ અંતર્ગત ચાર માદા બેલુગા વ્હેલને ટૂ-વે પ્લેક્સિગ્લાસ અરીસાની સામે રાખવામાં આવી હતી. વૈજ્ઞાનિકોએ જ્યારે તેમના શરીર પર એક ખાસ નિશાની લગાવી, જે તેઓ અરીસા વગર જોઈ શકતી નહોતી, ત્યારે વ્હેલ માછલીઓએ અરીસાનો ઉપયોગ કરીને પોતાના શરીરના તે ભાગને વારંવાર ટ્વિસ્ટ કરીને, ગળાને ખેંચીને અને બેરલ રોલ્સ મારીને કાળજીપૂર્વક નિહાળ્યો હતો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો