આયુર્વેદીય મતે શિયાળાના શક્તિપ્રદ ઔષધોમાં `સુવર્ણ વસંતમાલતી'નું નામ ખૂબ જ પ્રસિદ્ધ છે. દર્દી જ્યારે દર્દમુક્ત બને અને એમ કહે કે, `વૈદ્યરાજ, કોઈ શક્તિની દવા લખી આપોને.' ત્યારે અમારા ચિત્તપ્રદેશમાં `વસંતમાલતી' ચમકે. શિયાળાનાં શક્તિપ્રદ ઔષધોમાં આ વસંતમાલતીની હરીફાઈમાં ભાગ્યે જ બીજું કોઈ ઔષધ ટકી શકે. હા, એ ઉત્તમ અને વિશ્વાસુ ફાર્મસીનું હોવું જોઈએ.

ગત શિયાળામાં સી.એ.માં અભ્યાસ કરતો એક યુવક આવ્યો. એને વજન વધારવાની તીવ્ર ઈચ્છા હતી. દેખાવડા, ગૌર, ઊંચા અને તીક્ષ્ણ આંખોવાળા આ યુવાનનું વજન હોવું જોઈએ એના કરતાં આઠ કિલોગ્રામ ઓછું હતું. એની ઈચ્છા હતી કે જો સાત-આઠ કિલોગ્રામ વજન વધારી શકાય તો સારી પર્સનાલિટી પડે અને પાસ થયા પછી કોઈ પણ ઇન્ટરવ્યૂમાં રુઆબથી જઈ શકાય. આ માટે અમે તેને ગાયના દૂધ સાથે સવાર-સાંજ એક એક ટેબ્લેટ વસંતમાલતી લેવાની સૂચના આપીને જરૂરી પથ્યક્રમ લખી આપ્યો અને શિયાળાના બે મહિનાના ઉપચારક્રમમાં તે છ કિલોગ્રામ વજન વધારી શક્યો.

શરીરની `મેટાબોલિઝમ' પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અમારા એક મુરબ્બી ડોક્ટરમિત્ર એમના દર્દીઓને વર્ષોથી શિયાળામાં વસંતમાલતી લેવાની ભલામણ કરે છે. તેઓ કહે છે કે, રોગ મટી ગયા પછી વજન વધારવા માટે મેટાબોલિઝમની ઝડપ વધારી અને તેને તેની સ્વાભાવિક સ્થિતિમાં લાવવા માટે વસંતમાલતી ઉત્તમ છે.

આવા આ શક્તિપ્રદ ઔષધમાં સુવર્ણ ભસ્મ, મોતી ભસ્મ, રસસિંદૂર, સફેદ મરી, જસત ભસ્મ જેવાં ઔષધો પડે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થવાથી આહારના સૂક્ષ્મ કણોનું ઝડપથી પાચન થાય છે, જેથી વધારે આહારની જરૂર પડે છે. આહારનું યોગ્ય પાચન થવાથી ધીમે ધીમે વજન વધે છે, બળ વધે છે.

શરદીના દર્દીઓ માટે પણ આ ઔષધ ખૂબ જ હિતકારી છે. કેટલાક દર્દીઓને શીત ઋતુમાં શરદી થતી હોય છે, જ્યારે કેટલાક દર્દીઓને શરદી બારે મહિના છોડતી નથી. આવા દર્દીઓ શિયાળાના બે મહિના જો યોગ્ય પરેજી સાથે વસંતમાલતીનો ઉપયોગ કરે તો, નઠારી શરદી પણ બિસ્તરાં-પોટલા બાંધે છે.

આ વસંતમાલતી માત્ર શક્તિપ્રદ ઔષધ જ નથી, તે કેટલાક રોગો પણ મટાડે છે. જેવા કે, જીર્ણ જ્વર (તાવ), ધાતુગત જ્વર, ઝાડા, લોહીવિકાર, પિત્તવિકાર, પ્રદર, મસાથી થતો રક્તસ્રાવ, વિષમજ્વર અને નેત્રરોગ વગેરેમાં તે વિભિન્ન અનુપાન સાથે પ્રયોજાય છે.

ઘરગથ્થુ ઉપચાર

મીંઢી આવળ, આમળાં અને હરડે - આ ત્રણે ઔષધો સો-સો ગ્રામ લાવી, ખૂબ ખાંડી, બારીક ચૂર્ણ બનાવી લેવું. અમે વૈદ્યો આ ચૂર્ણને `મળશુદ્ધિ ચૂર્ણ' કહીએ છીએ, પણ એનું શાસ્ત્રીય નામ છે `શુદ્ધિચૂર્ણ'. આજકાલ કબજિયાતની ફરિયાદ લઈને ઘણા દર્દીઓ આવતા હોય છે. મંદાગ્નિ, અરુચિ, આફરો, મસા વગેરે વિકૃતિઓ કબજિયાતની જ પેદાશ છે. આવા રોગોમાં તથા જેમનાં આંતરડાં શિથિલ થઈ ગયાં હોય તેમણે શુદ્ધિચૂર્ણ પોતાની પ્રકૃતિને અનુકૂળ પડે એ માત્રામાં, એકથી બે ચમચી જેટલું રાત્રે સૂતી વખતે પાણી સાથે લેવું.

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો