નાનો પણ રાઈનો દાણો એવી ઉક્તિ બહુ જાણીતી છે. એ જ ઉક્તિને યથાર્થ ઠેરવતું હોય એમ પક્ષી જગતનું એક નાનકડું પક્ષી - વેમ્પાયર ફિન્ચ પણ તેના નામ પ્રમાણે બીજા પક્ષીનું લોહી પીને જ જીવે છે.

એટલે જ તેને પક્ષી જગતના વેમ્પાયરનું નામ અપાયું છે. સામાન્ય રીતે પક્ષીઓ શિકારી હોય કે કણભક્ષી હોય, પરંતુ એ લોહી પીતા હોય એવું ભાગ્યે જ જોવા મળે, તેથી જ વેમ્પાયર ફિન્ચ નામનું પક્ષી લોહી પીતું હોય એ આશ્ચર્યજનક ઘટના લેખાય છે.

એમ તો ધરતી પરનું આખું જીવનચક્ર જ એકબીજા પર નિર્ભર છે. એમાં કેટલાય જીવો શાકાહારી છે, તો કેટલાય જીવો માંસાહારી છે. કુદરતે એવી કરામત કરી છે કે બીજાનો ખોરાક બનતી વનસ્પતિમાં કેટલાક છોડ પણ માંસાહારી છે, તો પક્ષી જગતમાં કેટલાંક પંખીઓ કણ ખાઈને જીવે છે, તો શિકારી પક્ષીઓની સંખ્યા પણ નાનીસૂની નથી. અનેક પક્ષીઓ બીજા નાનાં જીવડાં કે માછલીનું ભક્ષણ કરીને જીવન ગુજારે છે, પણ એ જગતમાં એક પક્ષી એવું છે કે જે ડ્રેક્યુલા કે વેમ્પાયરની જેમ લોહી પીએ છે! પક્ષી જગતમાં શિકારી પક્ષીઓ ઓછાં નથી. ગરુડ, ગીધ કે ઘૂવડ જેવાં પક્ષીઓ નાના જીવોનો શિકાર કરીને ગુજરાન ચલાવે છે. જોકે, એ શિકારી પક્ષીઓ દેખાવમાં જ વિકરાળ અને ભયાનક લાગે છે. તેને જોતાં જ શિકારી પક્ષી કેવાં ખૂંખાર હશે એનો ખ્યાલ આવી જાય છે. તેમના નખ પણ વાઘના નખ જેવા હોય છે, જે કોઈ પણ શિકારને ફાડીને તેમાંથી માંસ ખાઈ શકે છે. એ બધાં શિકારી પક્ષીઓ માંસ વધુ આરોગતાં હોય છે. ખાસ કરીને ગીધ તો જ્યાફત ઉડાવે છે. એ બધાં પક્ષીઓમાં સાવ નાનું અને સરળ દેખાય એવું પક્ષી દેખાવે તો જરાય ખૂંખાર ન લાગે, પરંતુ એ પક્ષી તો આ શિકારી પક્ષીઓ કરતાં પણ વધુ ખૂંખાર હોય એમ શિકારનું લોહી જ પીવે છે.

વેમ્પાયર ફિન્ચ તરીકે જણીતા આ જીઓસ્પીઝા ડિફિસિલીસ સ્પેન્ટેટ્રીઓનેલીસ જેવું લાંબુંલચક નામ ધરાવતું આ પક્ષી દેખાવે તો સાવ નિર્દોષ લાગે છે, પરંતુ તેને પક્ષી જગતનું વેમ્પાયર કહેવામાં આવે છે. આ પક્ષી દુનિયામાં ફક્ત બે જ ટાપુ પર જોવા મળે છે. ગાલાપાગોસ ટાપુસમૂહમાં આવેલા ડાર્વિન અને વુલ્ફ નામના નાના ટાપુઓ પર જ જોવા મળે છે. સામાન્ય રીતે આ પક્ષી ફળ અને નટ્સ ખાય છે, પરંતુ તેને શેર કભી ઘાસ નહીં ખાતા જેવો રોફ નથી. જો ખોરાકની અછત વર્તાય ત્યારે એ નાનકડું પક્ષી તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ સ્ટ્રો તરીકે કરતું હોય એમ અન્ય પક્ષીની ચામડી ચીરીને તેમાંથી લોહી પી જતું હોય છે.

સામાન્ય રીતે વેમ્પાયર પક્ષી દરિયાઈ પક્ષી બ્લૂ ફૂટેડ બોબુ નામના પક્ષીનું લોહી ચૂસે છે. જોકે બ્લૂ ફૂટેડ બોબુ નામનું આ પક્ષી વેમ્પાયર ફિન્ચ કરતાં તો કદમાં મોટું છે. એ જોતાં વેમ્પાયર ફિન્ચ તેનું લોહી પી શકે એવી કલ્પના પણ કરી શકાય એમ નથી, પરંતુ કુદરતનો કરિશ્મા સાવ અલગ છે. તે સમજાય ત્યારે અચંબો થઈ જાય.

બ્લૂ ફૂટેડ બોબુ પક્ષીના શરીર પર જંતુઓ ઘર કરી જતા હોય છે. એ જંતુઓ બ્લૂ ફૂટેડ બોબુને પરેશાન કરતા હોય છે. એ જંતુનો આહાર વેમ્પાયર ફિન્ચ કરે છે. જોકે, એ જંતુ તો તેને માટે `સલાડ' ગણાય. એટલે તે બ્લૂ ફૂટેડ બોબુના શરીર પર બેસીને એ જંતુઓનો આહાર તો કરી જ લે છે, પરંતુ એ સમય દરમિયાન બ્લૂ ફૂટેડ બોબુની ચામડી પણ ચિરાતી જાય અને તેમાં ચાંચ નાંખીને લોહી ચૂસવા માંડે છે. મતલબ કે બંને માટે વીન વીન સિચ્યુએશન છે. વેમ્પાયર ફિન્ચને લોહી પીવાનું મળે અને બ્લૂ ફૂટેડ બોબુને એ લોહીના બદલામાં જીવાતોથી છુટકારો મળી જાય.

જોકે, અહીં સવાલ એ થાય કે ફળ કે બી પર નભતું ફિન્ચ પક્ષી વેમ્પાયર કેમ બની ગયું હશે?

પક્ષીશાસ્ત્રીઓ માને છે કે આ લોહી ચાખેલ પક્ષી બનવાનું કામ તો ઉત્ક્રાંતિ દરમિયાન થયું હશે. છતાં ચોક્કસપણે કહી શકાય નહીં કે વેમ્પાયર ફિન્ચ લોહી ચાખેલ ક્યારથી બની ગયું હશે? પરંતુ કાળક્રમે વેમ્પાયર ફિન્ચને લોહીનો સ્વાદ ગમવા માંડ્યો હશે અને તેને કારણે તેને બ્લૂ ફૂટેડ બોબુનું લોહી પીવાની ટેવ પડવા માંડી હશે. પક્ષીઓમાં લોહી ચૂસવું ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે. વેમ્પાયર ફિન્ચ પક્ષીના કિસ્સામાં પણ તે ત્યારે જ લોહી ચૂસીને પેટ ભરે છે, જ્યારે તેને બીજો આહાર મળતો નથી.