ઘડિયાળના કાંટા આગળ જ વધતા રહે છે, એમ માનવી પણ વિકાસના પથ પર આગળ જ ભાગી રહ્યો છે.
ઘડિયાળના કાંટા ભલે ઊંઘા ફરતા ન હોય, પણ માનવીએ તો થોભીને પાછળ નજર કરવી પડે છે. એ કારણે જ આજની આધુનિક દુનિયામાં કેટલાંય કૌશલ્ય નામશેષ થવાને આરે પહોંચી ગયા છે.
આધુનિક ટેક્નોલોજીને કારણે અનેક સુવિધાએ આપણા જીવનને આરામદાયક બનાવ્યું છે, પરંતુ તેને કારણે અનેક કૌશલ્ય લુપ્ત થઈ રહ્યાં છે. જુઓ વાત મોબાઈલથી શરૂ કરીએ. મોબાઈલ ફોને સંદેશાવ્યવહારની દુનિયામાં ક્રાંતિ આણી દીધી છે. ફક્ત વાતચીત જ નહીં અનેક કામો મોબાઈલ ફોન થકી થઈ જતા હોય છે. ફોનનંબર સેવ ન હોય તો બોલો એટલે પણ મોબાઈલ ફોન જોડી આપે. એટલે ફોનનંબર યાદ રાખવાની જરૂર જ પડતી નથી. એક સમય હતો જ્યારે લોકો તેમના સંબંધીઓ, મિત્રો અને મહત્ત્વપૂર્ણ સ્થળોના ફોનનંબર યાદ રાખતા હતા. કોઈને પણ આઠથી દસ નંબર મોઢે હોય એ બહુ સામાન્ય હતું, પરંતુ આજે મોબાઈલ પર ફોનનંબર સેવ જ હોય, તેથી તે યાદ રાખવાની જરૂર જ રહી નથી. એ જ રીતે બીજી વિગતો પણ મોબાઈલ પર મળી રહે છે, તેથી લોકો તેમના ઘરનો લેન્ડલાઇન નંબર પણ ભૂલી જાય છે. જો ફોન ખોવાઈ જાય છે, તો તેમના અડધા સંબંધો સંપર્ક સૂચિમાંથી ખોવાઈ જાય છે.
ટેક્નોલોજીએ આપણું આખું જીવન બદલી નાંખ્યું છે. ટેક્નોલોજીને કારણે કમ્પ્યૂટર કે મોબાઈલ પર ટાઈપ જ કરવાની ફાવટ લોકોને આવી ગઈ છે અને તેને કારણે મોતીના દાણાની જેમ લખવું તો સાવ ભુલાઈ જ રહ્યું છે. ગરબડિયા અક્ષરો હવે વધુ જોવા મળી રહ્યા છે. સાદા લખાણની વાત પણ એ હદે ભુલાઈ ગઈ છે, ત્યારે કર્સિવ રાઈટિંગ તો જાણે એલિયન કળા હોય એમ લાગ્યા વિના નહીં રહે. એક સમય હતો કે શાળામાં કર્સિવ રાઈટિંગ શીખવું એ એક ગૌરવ ગણાતું હતું. શિક્ષકો પણ સારા અક્ષરમાં લખનારા વિદ્યાર્થીને બિરદાવતા હતા, પરંતુ હવે મોબાઈલ, ટેબ્લેટ અને કમ્પ્યૂટરનો ઉપયોગ વધ્યો છે, ત્યારે ડિજિટલ ટાઈપિંગે લખવાનું જ ભુલાવવા માંડ્યું છે, ત્યારે કર્સિવ હેન્ડરાઈટિંગનું કૌશલ્ય તો દુર્લભ થઈ ગયું છે.
ડિજિટલ ટાઈપિંગની જેમ સ્માર્ટવૉચના જમાનામાં નવી પેઢીનાં ઘણાં બાળકોને કાંટા જોઈને સમય કહેવાની મુશ્કેલી પડી રહી છે! હવે તો મોબાઈલ જ સમય દેખાડતો થઈ ગયો છે. મોબાઈલ ફોનમાં આંકડામાં સમય દેખાડવામાં આવે છે, ત્યારે લોકોએ ઘડિયાળ પહેરવાનું પણ ઓછું કરી નાંખ્યું છે. વળી, નવી પેઢી તો ઘડિયાળ પણ સ્માર્ટ વોચ વધુ પસંદ કરે છે, ત્યારે આંકડા જોઈને જ સમય કહેવાનું નવી પેઢીને ફાવે છે. આ સંજોગોમાં કાંટાવાળી એનાલોગ ઘડિયાળ જોઈ સમય જણાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. શાળાઓમાં તો ઘડિયાળ જોવાનું શીખવવામાં પણ આવતું નથી, તેથી ડિજિટલ ઘડિયાળ જ સરળ બની રહે છે. સમયની વાત આવે એટલે ભૂગોળ પણ સમાંતરે આવે જ છે. જુદાં જુદાં ભૌગોલિક ક્ષેત્રોમાં સમય જુદો જુદો હોય છે. સમય કહેવામાં મુશ્કેલી પડી રહી છે, એમ નકશો સમજવો પણ નવી પેઢી માટે મુશ્કેલ થઈ રહ્યું છે. ગૂગલ મેપ્સે દુનિયામાં નેવિગેટ કરવાનું અતિ સરળ બનાવી દીધું છે. એક જ ક્લિકથી દિશાઓ, અંતર અને ટ્રાફિક બધું જ મોબાઈલના સ્ક્રીન પર ઉપલબ્ધ છે. છપાયેલો નકશો વાંચવો અને દિશાઓ સમજવી એ `જૂની કુશળતા' બની ગઈ છે. પહેલાં લોકો દિશા, થાંભલાના નંબરો, વળાંકો અને સીમાચિહ્નોનો ઉપયોગ કરીને રસ્તો શોધતા, એ આજે સાવ ભુલાઈ ગયું છે અને તેથી મોબાઈલ નેટવર્ક બંધ થઈ જાય તો લોકોને ગંતવ્ય સ્થળ શોધવું પણ મુશ્કેલ થઈ જાય છે.
આજના યુગમાં અવનવી ફેશનવાળાં કપડાં તો લોકો પહેરીને મહાલે છે, પરંતુ મહદંશે એ કપડાં તૈયાર એટલે કે રેડીમેઈડ હોય છે. કપડાં સીવડાવવાનું ચલણ ઓછું થયું છે, એમ સિલાઈ મારવી, હાથ સિલાઈ કરવી, કપડાં સાંધવાં કે બટન ટાંકવાં જેવાં કામો પહેલાંના જમાનામાં ઘરમાં સામાન્ય હતું, પરંતુ હવે ફાટેલાં કપડાં સાંધવાને બદલે ફેંકી દેવાનું ચલણ સામાન્ય થઈ ગયું છે.
નવાં કપડાં હવે સાવ સરળતાથી ઉપલબ્ધ છે. એ ઉપરાંત ફેશન ઝડપથી બદલાઈ જતી હોય છે. તેને કારણે પણ કપડાં દેશી ભાષામાં કહીએ તો ઘસી ઘસીને પહેરાતાં પણ નથી. એ કારણે હાથ સિલાઈનું કૌશલ્ય નાબૂદ થઈ ગયું છે. નવી પેઢીને તો બટન ટાંકતા પણ આવડતું નથી.
ટેક્નોલોજીએ આપણાં ઘણાં કાર્યો સરળ બનાવ્યાં છે, પરંતુ કેટલીક કુશળતા એવી છે જે ફક્ત ઉપયોગી જ નથી, પણ આપણને વધુ આત્મનિર્ભર, બુદ્ધિશાળી અને સક્ષમ પણ બનાવે છે. કેટલીકવાર જૂની કુશળતાને ફરીથી શીખીને તેને જીવનમાં પાછી લાવવાથી જીવનમાં નવો રોમાંચ ફરી જાગી ઊઠે છે. કદાચ આ નાની કુશળતાને આપણી રોજિંદી દિનચર્યામાં પાછી સામેલ કરવાનો સમય આવી ગયો છે.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
