નિર્દેશક વિજય આનંદનું હુલામણું નામ ગોલ્ડી હતું. ગુરુદાસપુર, પંજાબમાં તે જન્મ્યા ત્યારે તેમના વાંકડિયા વાળ સોનેરી હતા, એટલે તેમના વકીલ પિતા પીશોરીલાલ આનંદ વિજયને `ગોલ્ડીલોક્સ' કહેતા (ગોલ્ડી એટલે ગોલ્ડન અને લોક્સ એટલે વાળની લટો).
સમય જતાં `લોક્સ' ખરી ગઈ અને `ગોલ્ડ' રહી ગયું! બીજા ફિલ્મ કલાકારોને તો તેમની ફિલ્મી કારકિર્દીમાં પ્રેસ તરફથી હુલામણા નામો મળ્યાં હતાં (જેમ કે, શોમેન, ટ્રેજેડી કિંગ, સુપરસ્ટાર, શહેનશાહ, કિંગ ખાન, ડ્રીમગર્લ વગેરે), પણ વિજય આનંદ તો ઘરમાંથી જ `ગોલ્ડ' લઈને આવેલા અને તેમણે જે ફિલ્મો બનાવી, તે સોનાથી ઓછી બેશકીમતી ન હતી.
વિજય આનંદ જ્યારે સિનેમામાં આવ્યા, ત્યારે તેમના બે જ્યેષ્ઠ બંધુઓ ચેતન અને દેવ સિક્કો જમાવીને બેઠેલા હતા. એટલે નાના ભાઈને તેનું `સોનું' મોટાભાઈઓના પડછાયામાં ઝાંખું ન પડી જાય તેના માટે વિશેષ મહેનત કરવી પડી હતી અને `હમ દોનોં', `તેરે ઘર કે સામને', `જ્વેલ થીફ', `ગાઇડ', `જોની મેરા નામ', `તેરે મેરે સપને' અને `બ્લેકમેલ'માં તે સોનું કેવું ચમક્યું!
તેમણે કુલ 17 ફિલ્મો નિર્દેશિત કરી અને 19 ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકા પણ કરી હતી. તેમાં અભિનેતા-નિર્દેશક તરીકે વિજય આનંદની સૌથી ફેવરિટ ફિલ્મ એટલે 1971માં આવેલી `તેરે મેરે સપને.' આ ફિલ્મને તેના અત્યંત સામાજિક વિષય, તેના શાનદાર સંગીત અને ઉત્તમ અભિનયને લઈને `પ્યોર ગોલ્ડ' કહી શકાય. નિર્માતા તરીકે પણ વિજય આનંદની આ પહેલી ફિલ્મ. તેમના નિર્દેશનમાં `જોની મેરા નામ'ની તોતિંગ સફળતાના એક જ વર્ષમાં `તેરે મેરે સપને આવી, એટલે દર્શકોમાં તેની ઉત્કંઠા બહુ હતી અને સરખામણી થવી પણ સ્વાભાવિક હતી.
`જોની મેરા નામ' એક્શન ફિલ્મ હતી, જ્યારે `તેરે મેરે સપને' સામાજિક હતી, એટલે દર્શકોની અપેક્ષામાં તે બોક્સઓફિસ પર ઊણી ઊતરી, પરંતુ 50 વર્ષ પહેલાં તે જેટલી પ્રાસંગિક હતી, તેટલી જ આજે પણ છે. આજે આપણે મેડિકલના વ્યવસાયમાં નૈતિકતાના ધોવાણને રડીએ છીએ, ત્યારે ગોલ્ડી આનંદે તે વર્ષોમાં એક સિદ્ધાંતવાદી ડોક્ટર (ડો. આનંદની ભૂમિકામાં દેવ આનંદ)ના નૈતિક પતનની ફિલ્મ બનાવી હતી.
ડો. આનંદ કુમાર અઢીસો રૂપિયાના પગારે ગામડામાં સેવા કરવા જાય છે. ત્યાં એને સ્થાનિક ડોક્ટર જગન્નાથ કોઠારી (વિજય આનંદ)નું બધું કામ કરવું પડે છે, કારણ કે ડો. કોઠારી શરાબમાં ચકચૂર રહે છે. ડો. આનંદ સ્થાનિક સ્કૂલ ટીચર નિશા પટેલ(મુમતાઝ)ની મદદથી બેવડા કામને વેઢારે છે. એમાં એક દિવસ એક સફળ પ્રસૂતિ બદલ ડો. આનંદને ગામના શેઠ તરફથી `બક્ષિશ' મળે છે, એટલે શેઠાણી આનંદને કાઢી મૂકે છે.
આનંદ નિશા સાથે મુંબઈ આવીને ધીખતી પ્રેક્ટિસ શરૂ કરે છે અને બોલિવૂડની સુપરસ્ટાર માલતી માલા (હેમા માલિની)નો પર્સનલ ડોક્ટર બની જાય છે. આનંદ નામ અને દામ કમાવામાં એટલો વ્યસ્ત થઇ જાય છે કે તેની પત્ની નિશા તેનાથી દૂર થતી જાય છે અને છેવટે પેટમાં બાળક લઈને તે ગામડે પાછી જતી રહે છે. આનંદ પાસે હવે નિશાને છોડીને ફિલ્મસ્ટારને પરણી જવાનો રસ્તો ખુલ્લો થાય છે, પણ અંતે તેને પોતાની ભૂલ સમજાય છે અને તે પાછો નિશા પાસે જાય છે. ટૂંકમાં, ખાધું-પીધું અને રાજ કર્યું.
વિજય આનંદે 1937માં લંડનમાં પ્રકાશિત થયેલી સ્કોટિશ ડોક્ટર અને લેખક એ. જે. ક્રોનિનની નવલકથા `ધ સિટાડેલ' પરથી આ ફિલ્મ બનાવી હતી. એમાં સ્કોટલેન્ડનો એક નવોદિત સિદ્ધાંતવાદી ડોક્ટર વેલ્સના ખાણિયા કામદારોના ગામમાં સેવા કરવા જાય છે અને ત્યાં જઈને ભ્રષ્ટ થઇ જાય છે. આ નવલકથા પરથી એક અંગ્રેજી ફિલ્મ પણ બની હતી.
એક ઇન્ટરવ્યૂમાં ક્રોનિને કહ્યું હતું કે, `મેં મેડિકલ વ્યવસાયની ગંદકી જાતે જોઈ હતી. આ કોઈ એકલદોકલ વ્યક્તિની નહીં, પૂરી વ્યવસ્થાની ટીકા હતી.' આ નવલકથામાં ઊભા કરવામાં આવેલા નૈતિકતાના મુદ્દાઓ પર જ એક દાયકા પછી બ્રિટનમાં નેશનલ હેલ્થ સર્વિસની રચના કરવામાં આવી હતી.
વિજય આનંદે મેડિકલ વ્યવસાયની નીતિ-અનીતિના `પિત્તળ' જેવા વિષયને `તેરે મેરે સપને'માં બહેતરીન સંગીત સાથે પેશ કર્યો, તેમાં તે `ગોલ્ડ' બની ગયો. ફિલ્મનું ટાઇટલ `ગાઈડ' (1965)ના ગીત `તેરે મેરે સપને અબ એક રંગ હૈ' પરથી આવ્યું હતું. ફિલ્મમાં 8 ગીતો હતાં, પણ `જૈસે રાધાને માલા જપી શ્યામ કી, મૈંને ઓઢી ચુનરિયા તેરે નામ કી', `યે મૈંને કસમ લી, યે તૂને કસમ લી, નહીં હોંગે જુદા હમ' અને `જીવન કી બગીયા મહકેગી, ચહકેગી' આજે પણ સદાબહાર છે. તે સમયે ભાગ્યે જ કોઈ યુગલ હશે, જે આ ગીતો ના ગણગણતા હોય. એસ. ડી. બર્મને ગોપાલદાસ `નીરજ' સાથે મળીને જે અમુક ચમત્કારો કર્યા હતા, તેમાં આ `તેરે મેરે સપને' એક.
`યે મૈંને કસમ લી' આમ તો વિજય આનંદનું સર્જન. તેમના મનમાં બે લાઈન હતી; સાંસ તેરી મંદિર મંદિર જૈસે રજનીગંધા, પ્યાર તેરા મધુર મધુર ચાંદની કી ગંગા. ગોલ્ડીએ દાદા બર્મનને કહ્યું કે આના પરથી ગીત બનાવવું છે. બર્મને ગીતકાર નીરજને આ લાઈન આપીને કહ્યું કે આની આગળ લાઈનો લખો અને એ રીતે સદાબહાર `યે મૈંને કસમ લી, યે તૂને કસમ લી, નહીં હોંગે જુદા હમ' બન્યું.
દેવ આનંદ ત્યારે બહુ મોટો સ્ટાર હતો અને ભાઈ વિજયે તેના માટે જ આ ફિલ્મ બનાવી હતી, પણ એમાં સરપ્રાઈઝ હતી મુમતાઝ. એક્સ્ટ્રા કલાકારોના ટોળામાં ઊભી રહેતી મુમતાઝ ત્યારે એક્ટ્રેસ તરીકે સ્થાપિત થઇ ગઈ હતી, પણ દેવ સાથેની આ તેની પહેલી ફિલ્મ હતી. રાજેશ ખન્ના સાથે તે `દો રાસ્તે' અને `સચ્ચા-ઝૂઠા' કરી ચૂકી હતી, પણ કાકા સાથેનો તેનો ધમાકેદાર દૌર આવવાને હજુ વાર હતી. એવામાં તેણે `તેરે મેરે સપને'માં દમદાર અભિનય કરીને એ સાબિત કરી દીધું કે એનામાં જેટલું ગ્લેમર છે, તેટલી જ એક્ટિંગ પણ છે. વિજય આનંદે કોટન સાડીમાં પણ મુમતાઝને બેહદ ખૂબસૂરત રીતે પેશ કરી હતી.
હેમા માલિનીની ભૂમિકા ફિલ્મસ્ટારની હતી અને `અંદાજ' ફિલ્મમાં જેમ એક ગીત માટે દેખાતા રાજેશ ખન્નાએ ફિલ્મના હીરો શમ્મી કપૂરને ઝાંખો પાડી દીધો હતો, તેમ `તેરે મેરે સપને'માં મહેમાન કલાકાર હેમા માલિની મુમતાઝ પર પડછાયો બની ગઈ હતી, પણ સ્વાર્થી અને લાલચી ડોક્ટરની પત્નીની ભૂમિકામાં સંવેદનશીલ અભિનય કરીને મુમતાઝ ટક્કર ઝીલી ગઈ.
ફિલ્મમાં દેવ અને મુમતાઝનું હનીમૂનનું એક દૃશ્ય છે. તે એટલું શૃંગારિક હતું કે વિજય આનંદને ઉંમરમાં તેનાથી મોટા ભાઈ દેવને સમજાવતાં શરમ આવતી હતી. ગોલ્ડીએ એટલે મુમતાઝને આખું દૃશ્ય સમજાવ્યું. દૃશ્ય આમ શૃંગારિક હતું, પણ તેને એવી રીતે ફિલ્માવાયું હતું કે તે અાધ્યાત્મિક ઊંચાઈ પર પહોંચી ગયું હતું. બેકગ્રાઉન્ડમાં લતાના અવાજમાં
`મેરે અંતર ઇક મંદિર હૈ તેરા' વાગે છે, જે આમ રોમેન્ટિક છે, પણ ફિલ્માંકન એવું થયું હતું જાણે ભક્તિગીત હોય.
મૂળ અંગ્રેજી નવલકથામાં ફિલ્મસ્ટારવાળી વાત ન હતી. વિજય આનંદે માલતી માલાનું પાત્ર જાતે ઉમેર્યું હતું. ફિલ્મમાં ડો. આનંદ માલતી માલાના માઇગ્રેઇનનો ઉપચાર કરે છે અને એ રીતે તેના પરિચયમાં આવે છે. તે વખતે એક્ટ્રેસ વૈજયંતિમાલા અને ડો. બાલી આવી જ રીતે ભેગા થયા હતા. ફિલ્મ `સંગમ'ના શૂટિંગ વખતે ડો. બાલી સેટ પર આવતા અને વૈજયંતિમાલાના માઇગ્રેઇનની દવા કરતા હતા. એમાંથી બંને વચ્ચે પ્રેમ થયો અને છેવટે પરણી ગયાં. વિજય આનંદે ડોક્ટર અને તેની પત્ની વચ્ચે ખટરાગ ઊભો કરવા માટે વૈજયંતિમાલા - ડો. બાલીની કહાની ફિલ્મમાં ઘુસાડી દીધી હતી.
તે વખતે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં 7 ફિલ્મોનો કાયદો હતો. આઠમી ફિલ્મ ત્યારે જ કરાય, જ્યારે હીરો કે હિરોઈને સાતમી ફિલ્મ પૂરી કરી હોય. `તેરે મેરે સપને' વખતે મુમતાઝની સીલિંગ પૂરી થઇ ગઈ હતી, તેમ છતાં દેવ આનંદે કાયદાની ઐસી તૈસી કરીને મુમતાઝ સાથે `હરે રામા હરે ક્રિશ્ના'નું શૂટિંગ શરૂ કર્યું હતું. એ ફિલ્મમાં તો પહેલીવારની એક્ટ્રેસ બનેલી ઝિનત અમાન એટલી છવાઈ ગઈ કે મુમતાઝ ફિલ્મની હિરોઈન હતી (ઝિનત દેવ આનંદની બહેનની ભૂમિકામાં હતી) તોય સાવ જ હાંસિયામાં ધકેલાઈ ગઈ.
દેવ આનંદનો જાદુ ઓસરવાનો શરૂ થયો `તેરે મેરે સપને'થી. એક્ટર તરીકે તો એ અદ્વિતીય હતો જ અને એટલે ફિલ્મ નિર્માણમાં પણ દરમિયાનગીરી શરૂ કરી હતી. દેવને જાતે જ ફિલ્મ નિર્દેશન કરવાનો કીડો આ ફિલ્મથી શરૂ થયો. વિજય આનંદે ઓન રેકોર્ડ કહ્યું છે કે, `તેરે મેરે સપને બનાવતી વખતે મારે દેવ સાથે ગંભીર મતભેદ ઊભા થયા હતા અને અમે એ પછી છૂટા પડી ગયા.' દેવ આનંદે કહ્યું હતું કે તેને પ્રાસંગિક વિષયો પર ફિલ્મો બનાવવી હતી એટલે નિર્દેશનની કમાન હાથમાં લીધી હતી.
એ પછી તેની `હરે રામા હરે ક્રિશ્ના' અને `દેશ-પરદેશ' હિટ રહી, પણ સાથે ફ્લોપ ફિલ્મોની પણ વણઝાર હતી; પ્રેમપૂજારી, હીરા પન્ના, બનારસી બાબુ, સ્વામી દાદા, ઈશ્ક ઈશ્ક ઈશ્ક, લૂટમાર, આનંદ ઔર આનંદ, હમ નૌ જવાન, સૌ કરોડ, લવ ઇન ટાઈમ સ્ક્વેર, મિ. પ્રાઈમ મિનિસ્ટર અને ચાર્જશીટ. દેવ અને વિજય આનંદનું અંતિમ સહિયારું સફળ સાહસ `તેરે મેરે સપને' આજે પણ યાદોમાં એવી જ જીવંત છે, જેવું જીવંત તેનું ગીત `જીવન કી બગિયા મહકેગી' છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
