આંધ્ર પ્રદેશનું વિશાખાપટ્ટનમ વાઈઝાગ નામે પણ જાણીતું છે. આ એક સુંદર બંદર શહેર છે. તે બંગાળની ખાડીના કિનારે આવેલું હોવાથી તેના દરિયાકિનારા, પર્વતો અને ઐતિહાસિક સ્થળો માટે પ્રખ્યાત છે. અહીંનું સરેરાશ તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને ફરવા માટેનો ઉત્તમ સમયગાળો સપ્ટેમ્બરથી માર્ચ છે.
દરિયાકિનારા અને આકર્ષણો
વાઈઝાગ તેના સ્વચ્છ અને શાંત દરિયાકિનારા માટે ખૂબ જ લોકપ્રિય છે.
રામાકૃષ્ણ બીચ : આ વિશાખાપટ્ટનમનો સૌથી પ્રખ્યાત દરિયાકિનારો છે. અહીં સાંજે હળવાશથી ફરવા અને સૂર્યાસ્તનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. આ બીચની મુખ્ય વિશેષતાઓમાં INS કુરસુરા સબમરીન મ્યુઝિયમ અને વિશાખા મ્યુઝિયમનો સમાવેશ થાય છે.
ઋષિકોંડા બીચ : શહેરથી થોડે દૂર આવેલો આ બીચ તેની સોનેરી રેતી અને નીલમ જેવા સ્વચ્છ પાણી માટે જાણીતો છે. તે વોટર સ્પોર્ટ્સ જેમ કે, સ્વિમિંગ, વોટર સ્કિઇંગ અને સર્ફિંગ માટે આદર્શ સ્થળ છે, જેના કારણે તે સાહસપ્રેમીઓમાં લોકપ્રિય છે.
ભીમલી બીચ : વાઈઝાગથી ભીમલીનો ડ્રાઇવિંગ રોડ ખૂબ જ સુંદર છે. ભીમલી બીચ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે, કારણ કે અહીં ડચ અને બ્રિટિશ યુગના અવશેષો અને લાઇટહાઉસ જોવા મળે છે.
પર્વતીય અને પ્રાકૃતિક સુંદરતા
વિશાખાપટ્ટનમ પૂર્વીય ઘાટ(Eastern Ghats)ની ટેકરીઓથી ઘેરાયેલું છે, જે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે.
કૈલાસગિરિ : આ એક સુંદર ટેકરી પાર્ક છે, જે શહેરના મધ્ય ભાગમાં આવેલો છે. અહીંથી બંગાળની ખાડી અને વિશાખાપટ્ટનમ શહેરનું વિહંગમ દૃશ્યજોવા મળે છે. કૈલાસગિરિની મુખ્ય ઓળખ અહીં સ્થિત ભગવાન શિવ અને પાર્વતીની વિશાળ સફેદ મૂર્તિઓ છે. અહીં કેબલ કારની સુવિધા પણ ઉપલબ્ધ છે.
અરાકુ વેલી : વાઈઝાગથી લગભગ 120 કિલોમીટર દૂર આવેલી અરાકુ વેલી એક જાણીતું હિલસ્ટેશન છે. તે તેના કોફીના બગીચાઓ, મનોહર ધોધ અને આદિવાસી સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. અહીં બોરા ગુફાઓ આવેલી છે, જે હજારો વર્ષ જૂની છે અને તેના સ્ટેલેક્ટાઇટ અને સ્ટેલેગ્માઇટ નિર્માણ માટે પ્રખ્યાત છે.
ડોલ્ફિન નોઝ : આ એક વિશાળ પથ્થર છે, જે સમુદ્રમાં બહાર નીકળેલી ડોલ્ફિનના નાકની જેમ દેખાય છે. તે ભારતીય નૌકાદળ દ્વારા સંચાલિત શક્તિશાળી લાઇટહાઉસ ધરાવે છે, જે જહાજોને માર્ગદર્શન આપે છે.
ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો
INS કુરસુરા સબમરીન મ્યુઝિયમ : આ એશિયાનું પહેલું અને ભારતનું બીજું સબમરીન મ્યુઝિયમ છે, જે RK બીચ પર સ્થિત છે. નિવૃત્ત થઈ ચૂકેલી INS કુરસુરા સબમરીનને અહીં જાળવી રાખવામાં આવી છે અને મુલાકાતીઓ અંદર જઈને સબમરીનનું જીવન નજીકથી જોઈ શકે છે.
વરાહલક્ષ્મી નરસિંહ મંદિર, સિંહાચલમ મંદિર : આ મંદિર ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારને સમર્પિત છે અને તેની અનન્ય સ્થાપત્ય શૈલી અને ઐતિહાસિક મહત્ત્વ માટે જાણીતું છે. તે એક ટેકરી પર આવેલું છે.
