ગુજરાત સરકારની વિકસતી જાતિ કલ્યાણ નિયામકની કચેરીએ તા. 12-08-2026ના પરિપત્રથી જિલ્લા કચેરીઓને 31મી ઓગસ્ટે વિમુક્ત દિવસની ઉજવણી કરવા જણાવ્યું હતું. ભારત 15મી ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો ત્યારે તો વિચરતા સમુદાયો પણ આઝાદ થયા હતા, પરંતુ તેમને ખરી આઝાદી તો પછીનાં પાંચ વર્ષ અને સોળ દિવસે મળી હતી. અંગ્રેજોએ તેમના શિરે જે ગુનેગાર જાતિ(ક્રિમિનલ ટ્રાઈબ્સ)નું લેબલ માર્યું હતું, તેને સ્વતંત્ર ભારતની સરકારે 31મી ઓગસ્ટ, 1952ના રોજ નાબૂદ કર્યું. જે સમુદાયો ગુનેગાર ટ્રાઈબ્સ તરીકે નોટિફાઈડ હતા તે ડિનોટિફાઈડ થયા. એટલે 31મી ઓગસ્ટનો દિવસ આ સમુદાયો વિમુક્ત દિવસ કે આઝાદી દિવસ તરીકે મનાવે છે. આ વર્ષે તો તેમનો વિમુક્ત દિવસ પોણી સદીએ પહોંચી ચૂક્યો છે અને હવે સરકારી ઉજવણીનો પણ લાભાર્થી બન્યો છે.   

ભારતમાં બ્રિટિશ રાજનો અતિ કઠોર, ક્રૂર, અમાનવીય અને ભારે નિંદાપાત્ર કાયદો જો કોઈ હોય તો તે 1871નો ક્રિમિનલ ટ્રાઈબ્સ એક્ટ હતો. 1857ના પહેલા સ્વતંત્રતા સંગ્રામ વખતે જે કેટલાક સમુદાયો વિદેશી સરકાર સામે લડ્યા હતા અને પછી બ્રિટિશ સત્તાના કાબૂ બહાર હતા તેમને તેણે ગુનેગાર, અપરાધી, ચોર, લૂંટારા ઘોષિત કરી દીધા હતા. વણઝારા, છારા, કાલબેલિયા, મદારી, નટ, બાફણ, ડફેર, ગાડરિયા અને એવી બીજી 193 જાતિઓને 1952માં મુક્તિ મળી હતી. અંગ્રેજ સરકારે આ સમુદાયોને ગુલામીનો કઠોર અહેસાસ કરાવ્યો હતો. આરંભે તો તેમના માથે ગુનેગારનો ધાતુને ગરમ કરીને સિક્કો મારવામાં આવતો હતો. તેમનું જુદું રજિસ્ટર રખાતું અને રોજેરોજ પોલીસ થાણે હાજરી પુરાવવી પડતી હતી. ચોક્કસ વિસ્તારોની બહાર તેમના હરવાફરવા પર પાબંદી હતી. તેમની ગમે ત્યારે ધરપકડો થતી હતી. તેમની તમામ પ્રકારની સ્વતંત્રતા છીનવી લેવાઈ હતી. તેમને ગુનો પુરવાર કર્યા વિના કે કોર્ટમાં કેસ ચલાવ્યા વિના અપરાધી માની સજા કરવામાં આવતી હતી. અંગ્રેજ પોલીસ જ નહીં પછી તો લોકો પણ તેમને શંકાની દૃષ્ટિએ જોતા હતા.   

વિચરતા સમુદાયો મોટાભાગે પશુપાલક અને કલાને વરેલા હતા. તેમનો કોઈ સ્થાયી વસવાટ નહોતો. તેઓ સતતા વિચરણ કરતા રહેતા હતા. અંગ્રેજોએ તેમના કપાળે કાયમી બહિષ્કરણ અને ગુના કે હિંસાનું કલંક થોપી દીધું હતું. સંસ્કૃતિ અને ઈતિહાસનો તો તેઓ ગૌરવશાળી હિસ્સો હતા જ, ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પણ તેમનું મોટું યોગદાન હતું. પરંપરા, સંઘર્ષ અને જીવનશૈલી આ ગુનેગાર ગણાતા સમુદાયોની ભારતીય સમાજની વિશેષ ઓળખ હતી. જોકે, તેમને સંશય નજર હેઠળ અને ગામ કે મુખ્ય વસ્તી બહાર રહેવું પડતું હતું. અંગ્રેજ સરકારની ક્રૂર નજર તેમને સ્વમાન અને ગરિમાવિહીન જીવન જીવવા પરવશ કરતા હતા.   

માન કે ઈજ્જતને બદલે શંકાની નજર કાયમ તેમનો પીછો કરતી હતી. તેમને રંજાડવાની પોલીસને બહુ બધી સત્તાઓ મળી હતી. જો તેઓ નક્કી કરેલી સીમાની બહાર અવરજવર કરતા પકડાય તો ત્રણ વર્ષના કઠોર કારાવાસની સજા મળતી હતી. તેમના માટે દેશભરમાં સ્પેશિયલ રિફોર્મ કેમ્પને નામે અલગ વસાહતો બનાવવામાં આવી હતી. ઉત્તરપ્રદેશના કાનપુર નજીક 159 એકરમાં આવી અલગ વસાહત હતી. વર્ષો સુધી તેમને ઘરોમાં કેદ કરી રાખ્યા હતા. 1911માં અંગ્રેજ સત્તાએ 1871ના અધિનિયમમાં સુધારો કરીને 12 વર્ષ સુધીની ઉંમરનાં બાળકોનો પણ અપરાધીની યાદીમાં સમાવેશ કર્યો હતો. તે રીતે આ સમુદાયો જન્મજાત ગુનેગારની યાદીમાં આવી ગયા હતા.   

આઝાદ ભારતમાં વિચરતા અને વિમુક્ત સમુદાયોના ઉત્થાન માટેના સરકારી પ્રયાસોનો દેખાડો ખૂબ થાય છે. અત્યાર સુધી તેમના વિકાસ વિશે વિચારવા ભારત સરકારે જ નવ કમિશનોની રચના કરી હતી. તેમાં રેણુકે અને રોહિણી આયોગની ભલામણો મહત્ત્વની છે. કાયમી બહિષ્કરણનો વર્ષો સુધી ભોગ બનેલા અને સતત વિચરણ કરતા આ સમુદાયોને કાયમી વસવાટ આપવો અને નવાં કૌશલ્યો સાથે તેમના રોજગારની વ્યવસ્થા કરવી તે સૌથી મોટો પડકાર છે. વિચરતા અને વિમુક્ત સમુદાયો 1947માં 193 હતા, આજે તે વધીને 666 થયા છે. આખા દેશમાં તેમની વસ્તી લગભગ 15 કરોડ હોવાનો અંદાજ છે. 

આટલો મોટો વસ્તી સમૂહ સાવ સ્વમાનહીન જીવન જીવતો હોય તે મોટો પડકાર છે.   

ગુનેગારના લેબલમાંથી મુક્ત થઈને દેશના બીજા સામાન્ય નાગરિકોની જેમ સમાન નાગરિક તરીકે તેમનું સ્થાન હજુ દોહ્યલું છે. એટલે ઓળખનું સંકટ ભારે છે. તેમના પ્રત્યેના સામાજિક પૂર્વગ્રહો અને માનસિકતા આઝાદીનાં આટલાં વર્ષો પછી ખાસ બદલાયા નથી. DNTs, Nomadics અને Semi Nomedics ટ્રાઈબ્સ કથિત મુખ્યધારાના સમાજથી કપાયેલા કે બહિષ્કારનો ભોગ બનેલા હોઈ તેમને શિક્ષણ અને આરોગ્યની પાયાની સગવડો મળતી નથી. શિક્ષણનું પ્રમાણ બહુ ઓછું છે અને વૈજ્ઞાનિક સમજનો અભાવ છે. રોજગારનું સંકટ તેમના લમણે કાયમી લખાયેલું છે. વર્તમાનમાં તેમને સામાજિક સન્માનને બદલે પૂર્વગ્રહો આધારિત માનસિકતા સહેવી પડે છે. આપણી આસપાસનો સમાજ આ જાતિઓ કે સમુદાયો માટે કેવી હીણી માનસિકતા ધરાવે છે તે વિચારવા જેવી બાબત છે.   

દર વર્ષે 31મી ઓગસ્ટ આવે છે અને જાય છે. વિમુક્ત સમુદાયો તેને ખરી આઝાદીના દિવસ તરીકે મનાવે છે. તેનું આગવું મહત્ત્વ પણ છે જ, પરંતુ ખરેખર તો તેમનો વિમુક્ત દિવસ ભારતીય બંધુ-ભગિનીઓના પૂર્વગ્રહો અને માનસિકતામાં બદલાવમાંથી મુક્તિનો દિવસ બનવો જોઈએ. વંચિત અને ઉપેક્ષિત એવો વિમુક્ત સમુદાય બરાબરીનો હક અને શિક્ષણ તથા રોજગારની તક માંગે છે. 1952માં તેમને વિમુક્ત કર્યે તો સાડા સાત દાયકા થવા આવ્યા છે છતાં તેમની પીડાનો હજુ અંત આવ્યો નથી. સ્વતંત્રતા, સમાનતા અને ગરિમાપૂર્ણ જીવનની તેમને હજુ પણ પ્રતીક્ષા છે.   

વિચરતા અને વિમુક્ત સમુદાયોના પરંપરાગત ધંધા-રોજગાર માટે અને નવાં આધુનિક કૌશલ્યો માટે તેમને તાલીમ અને આર્થિક સુવિધાઓ આપવાની જરૂર છે. તેમનું વિચરણનું જીવન તેમનાં બાળકોના ભવિષ્ય પર માઠી અસર કરે છે. એટલે તેમનો સ્થાયી વસવાટ પણ વિચારવાનો અને અમલમાં મૂકવાનો મુદ્દો છે. આ સમુદાયો વિવિધ સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવે છે એટલે તે એકરૂપ સમુદાય નથી, તેથી તેમની એકતા અઘરી છે. તેમની આર્થિક કઠણાઈઓ બેન્કો અને બીજી નાણાકીય સંસ્થાઓની સહાયથી ઉકલે, કાયમી વસવાટ અને જીવન યોગ્ય દરમાયો મળે તેવો રોજગાર આપી શકાય અને સ્વમાનથી જીવી શકે ત્યારે જ તેમનું વિમુક્ત થવું સાર્થક ઠરે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો