પંછી, નદિયાં, પવન કે ઝોંકે
કોઈ સરહદ ના ઇન્હેં રોકે.
સરહદ વગરના વિશ્વની કલ્પના કવિતાઓમાં સારી લાગે, બાકી વાસ્તવિક જગતમાં આવા ચોંચલા જરાય ન ચાલે. જોક્સ અપાર્ટ, માનવ સિવાયનો પૃથ્વીનો દરેક જીવ પોતાની સરહદમાં જ રહેવાનું પસંદ કરે છે.
એ વાત તો સાચી, પણ મોટાભાગના સજીવો પોતાની આસપાસના વિસ્તારોની સજીવ સૃષ્ટિમાં ઘૂસણખોરી કરતા રહે છે, એ વાત પણ એટલી જ સાચી. ઘણી વાર મધ્ય પ્રદેશનો વાઘ ગુજરાતમાં આવી જ ચડે છેને! અને એ જ કારણોસર પાસપાસે આવેલા વિસ્તારોમાં એકબીજા સાથે સામ્ય ધરાવતી જીવસૃષ્ટિ જોવા મળશે, પણ એક સ્થળ એવું છે જ્યાં માત્ર પાંત્રીસ કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર પસાર કરો એટલે સમગ્ર જીવસૃષ્ટિ સમૂળગી બદલાઈ જાય છે. એટલું જ નહિ પણ અહીંના (માણસ સિવાયના) એક્કેય સજીવો પોતાની દરિયાઈ સરહદ પાર નથી કરતા. આ સિલસિલો કંઈ આજકાલનો નથી, બલ્કે હજારો વર્ષોથી ચાલ્યો આવે છે! શું કોઈકે દરિયામાં અદૃશ્ય રેખા ખેંચીને આસપાસનાં પશુ-પક્ષીઓને પોતાના વશમાં કરી લીધા છે?
આલ્ફ્રેડ રસેલ વોલેસ નામનો વ્યક્તિ 1823માં જન્મેલો. આગળ જતાં એ 19મી સદીના મહાન પ્રાકૃતિક વિજ્ઞાની, ભૂગોળશાસ્ત્રી, જીવવિજ્ઞાની અને ઉત્ક્રાંતિવાદી તરીકે ખ્યાતિ પામ્યો. ચાર્લ્સ ડાર્વિને `યોગ્યતમની ચિરંજીવિતા'(Survival of the Fittest)વાળી જે થિયરી આપીને આપણો અભ્યાસક્રમ લાંબો કરવાનું કામ કરેલું, એમાં આ આલ્ફ્રેડ વોલેસ પણ ભાગીદાર ખરા. જોકે, આ સિવાય પણ એક અદ્ભુત વૈજ્ઞાનિક સત્ય આ વોલેસભાઈએ ખોળી કાઢેલું.
આલ્ફ્રેડ વોલેસને જંગલોમાં ભટકતા રહેવાની અને જુદી જુદી પ્રજાતિઓ વિશે માહિતીઓ એકઠી કરતા રહેવાની ટેવ હતી. આ રીતે એમણે હજારો કિલોમીટરનો પ્રવાસ કરેલો. આવા જ એક સંશોધન પ્રવાસના ભાગરૂપે તેઓ બાલી ટાપુ પર ગયા. ભારતની અગ્નિ દિશાએ આવેલ આ ટાપુ ઓસ્ટ્રેલિયા ખંડથી દૂર છે, પણ અગ્નિ એશિયાઈ ટાપુઓનાં ઝૂમખાંનો સદસ્ય છે. બાલી અને એના પડોશી ટાપુ લોમ્બોકના (Lombok) કિનારાઓ વચ્ચે માત્ર પાંત્રીસેક કિલોમીટર લાંબો દરિયાઈ વિસ્તાર છે. વોલેસના મનમાં એમ કે લોમ્બોક ટાપુ ઉપર પણ બાલી જેવી જ સજીવસૃષ્ટિ હશે, પણ લોમ્બોક પહોંચ્યા બાદ એને જબરું આશ્ચર્ય વેઠવાનો વારો આવ્યો! બાલીમાં જ્યાં વાઘ, વાનર અને હાથી જેવાં એશિયન પ્રાણીઓ જોવા મળતાં હતાં, ત્યાં માત્ર પાંત્રીસ કિલોમીટરના દરિયાઈ અંતરે આવેલ લોમ્બોકમાં કાંગારું અને કોઆલા જેવા ઓસ્ટ્રેલિયન પ્રજાતિઓના સજીવો જોવા મળ્યા! નવાઈની વાત એ છે કે લોમ્બોક અને ઓસ્ટ્રેલિયા પ્રમાણમાં ખાસ્સા દૂર છે! આવું શી રીતે થયું હશે? બે પડોશી ટાપુઓની જીવસૃષ્ટિઓ વચ્ચે જાણે કોઈએ અદૃશ્ય ભેદરેખા ખેંચી લીધી હતી.
વોલેસ માટે આ તો હજી આશ્ચર્યોની શરૂઆત હતી. વધુ અભ્યાસ કરતાં સમજાયું કે આ બંને પડોશી ટાપુઓની પક્ષીસૃષ્ટિ અને દરિયામાં જોવા મળતી સમુદ્રીસૃષ્ટિ પણ એકબીજા કરતાં સાવ જુદી છે! આવું કઈ રીતે શક્ય બને? આ તો જાણે એવું થયું કે અમદાવાદના લોકો ગુજરાતી બોલતા હોય અને ગાંધીનગરવાળાઓની માતૃભાષા ચાઈનીઝ હોય! બીજો પ્રશ્ન એ હતો કે બંને ટાપુઓ પર વસતાં પ્રાણીઓ પેલી અદૃશ્ય ભેદરેખાને પાર કરવાની કોશિશ નહોતાં કરતાં. દાખલા તરીકે મૂળ ઓસ્ટ્રેલિયાનો જીવ ગણાતું કોઆલા લાંબો પ્રવાસ કરીને લોમ્બોક ટાપુ સુધી પહોંચી ગયું, પણ માત્ર પાંત્રીસ કિલોમીટરનો દરિયો પાર કરીને રમણીય બાલી ટાપુઓ પર સેટ થવાનો વિચાર એ ડોબાને ક્યારેય ન આવ્યો!
કહેવાય છે કે લોમ્બોક પહોંચેલો વોલેસ મેલેરિયામાં પટકાયો. આથી જીવસૃષ્ટિમાં જોવા મળેલી આશ્ચર્યજનક વિવિધતા વિશે વિચારવા માટેનો પુષ્કળ સમય એને મળી ગયો. એને યાદ આવ્યું કે બોસ, આમાં મૂળ ગરબડ તો ટેક્ટોનિક પ્લેટ્સની છે.
જરા યાદ કરો. આપણી પૃથ્વી ઉપર પહેલાં એક જ મોટો ભૂખંડ હતો. એ વખતે ઘણા એશિયાઈ પ્રદેશો ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલા હશે. પછી અલગ અલગ ભૂખંડો છૂટા પડ્યા, એમાં ઓસ્ટ્રેલિયા અને એશિયા વચ્ચેનું અંતર ખાસ્સું વધી ગયું. વચમાં બાલી અને લોમ્બોક જેવા ટાપુઓ અસ્તિત્વમાં આવ્યા. હવે જ્યારે આ વિભાજન થયું હશે, એ સમયે ઓસ્ટ્રેલિયા વત્તા એશિયાઈ પ્રદેશોના સંયુક્ત ખંડમાં પશ્ચિમ બાજુએ જે સજીવો હતા એ વિભાજન બાદ એશિયામાં ગયા, જ્યારે પૂર્વીય તરફના સજીવો ઓસ્ટ્રેલિયા ખંડથી માંડીને લોમ્બોક ટાપુ સુધીના વિસ્તારમાં રહી ગયા.
ઓકે ફાઈન, પણ પછી એ સજીવો દરિયો ખેડીને સામે પાર કેમ ન ગયા? કારણ છે ટેક્ટોનિક પ્લેટ્સને કારણે દરિયામાં પેદા થતા અત્યંત તેજ પ્રવાહો. આ તેજ પ્રવાહો તેમજ બાલી અને લોમ્બોક વચ્ચેના દરિયાના ઊંડા પેટાળને કારણે
માછલીઓ સહિતની જળસૃષ્ટિ કે પૃથ્વી પર વસતા અન્ય કોઈ સજીવો દરિયો ક્રોસ કરવાથી બચતા રહ્યા!
અને પક્ષીઓ? વેલ, વોલેસે નોંધ્યું કે બાલી અને લોમ્બોક ટાપુઓ પર જે પક્ષીઓ છે, એ બધા આળસુના પીર - નોનમાઈગ્રેટરી બર્ડ્સ છે. એટલે કે લાંબી મુસાફરી કરવામાં માનતાં જ નથી. પેદા થયા હોય એના બે-ત્રણ કિલોમીટર આસપાસના વિસ્તારોમાં જ એમનું જીવન પૂરું થાય. એટલે બંને ટાપુઓનાં પક્ષીઓ પણ ક્યારેય એકબીજાના સંપર્કમાં નથી આવતાં કે એકબીજાના વિસ્તારોમાં નથી જતાં!
ટૂંકમાં, બાલી અને લોમ્બોક ટાપુઓની સજીવસૃષ્ટિ વચ્ચે સજીવો માટે એક અદૃશ્ય લક્ષ્મણરેખા બની ગઈ હોવાનું વોલેસે શોધી કાઢ્યું. પાછળથી આ અદૃશ્ય સરહદ `વોલેસ લાઈન' નામે ઓળખાવા લાગી.
