આજના સ્માર્ટ ફોનના જમાનામાં પ્લસ ડિજિટલમાં કંઇ એવા અવનવા કેમેરા જોવા મળે છે, જેને જોઇને તમે ચોંકી જાઓ છો, પરંતુ આજે પણ રાજસ્થાનની એક ગલીમાં 18મી સદીનો કેમેરા કાર્યરત જોવા મળે છે અને તેમાંથી સુંદર ફોટા પણ કંડારી શકાય છે.
રાજસ્થાનના જયપુરના હવામહેલની પાસે આજે પણ એક `ઓલ્ડ ફોટોગ્રાફર' નામે ઓળખાતી વ્યક્તિ પાસે 166 વર્ષ જૂનો લાકડાના બોક્સ સાથેનો કેમેરો જોવા મળે છે. આ ફોટોગ્રાફરનું નામ ટિકમચંદ છે અને તેઓ કેમેરાની સાથે યાદો પણ કેપ્ચર કરે છે. તેમની પાસે જે કેમેરા છે તે 1860ના જમાનાનો છે અને તેનો Carl Zeiss Jena લેન્સ આજે પણ પરફેક્ટ છબી કંડારે છે. ટિકમચંદના જણાવ્યા પ્રમાણે તેઓ જે પણ ટૂરિસ્ટની શ્વેત-શ્યામ એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો ખેંચે છે તેનાથી તેમના ચહેરા પર એક અલગ જ ચમક આવી જાય છે અને તેઓ ખૂબ જ ખુશી અનુભવે છે. નોંધનીય છે કે, આ કેમેરા પોતે જ ચાલતો ફરતો ડાર્કરૂમ છે અને તેમા ડેવલોપર, ફિક્સર અને ફિલ્મ બોક્સ મળીને અંદાજિત 20 કિલોનો કેમેરા સૌ કોઇનું ધ્યાન ખેંચે છે. ટીકમચંદને આ કેમેરો તેમના દાદાને જયપુરના રાજાએ ભેટમાં આપ્યો હતો.
એવો કરચલો જે મેલ નથી ને ફિમેલ પણ નથી
કુદરતનું નિર્માણ ખરેખર લાજવાબ જોવા મળતું હોય છે. કેરલનાં શાંત જંગલોમાં એક એવા કરચલાની શોધ કરવામાં આવી છે, જે પોતે મેલ પણ છે અને ફિમેલ પણ છે! આ કરચલો `વેલા કર્લી' નામની પ્રજાતિનો કરચલો છે અને તે મીઠા પાણીમાં રહેવાનું પસંદ કરે છે. આ કરચલાની પૂરતી તપાસ કરવામાં આવી ત્યારે જાણ થઇ હતી કે, તે બાઇલેટરલ જાઇનેન્ડ્રોમોર્ફીનો શિકાર (bilateral gynandromorphy) છે. અલબત્ત, વેલા કર્લી પ્રજાતિનો આ કરચલો ડાબે-જમણે અલગ અલગ જેન્ડર ધરાવે છે. દુનિયાભરમાં આવા કરચલા દુર્લભ તરીકે ગણવામાં આવે છે. પશ્ચિમ ઘાટનાં ઝરણાંઓ અને વૃક્ષોની બખોલમાં રહેતા આ કરચલાઓ સ્થાનીય માછીમારોના ધ્યાનમાં આવ્યા હતા. વધુમાં જ્યારે રિસર્ચરના અહીં કુલ 120 કરચલાની ઝીણવટભરી તપાસ કરી તો તેમાંથી કુલ ત્રણ કરચલાઓ બંને જેન્ડર ધરાવતા હતા. મૂળ કરચલાના ઈંડાના વિકાસ દરમિયાન એક ડેવલપમેન્ટલ ગ્લિચ(genetic error)ના કારણે આવા બે જેન્ડર ધરાવવાની શક્યતાઓ વધી જતી હોય છે. રિસર્ચરના જણાવ્યા પ્રમાણે જિનેટિક્સની દુનિયાને સમજવા માટે આ એક અમૂલ્ય તક છે. ડબલ જેન્ડર ધરવતા આ કરચલાઓના ન્યૂઝ દુનિયાભરમાં ફેલાતા તેને લોકો `ડિવા ક્રેબ' અને `ટુ ઇન વન ક્રેબ' જેવા હુલામણા નામથી બોલાવવા લાગ્યા.
અણિયાળાં નેણમાં પાંપણના વેલા!
તમે અત્યાર સુધી લાંબા વાળ ધરાવતી યુવતીની વાતો સાંભળી હશે અથવા તો તેને કોઇ માધ્યમ દ્વારા જોઇ પણ હશે. અલબત્ત, લાંબી જીભ ધરાવતી યુવતી વિશે પણ તમે સાંભળ્યું જ હશે, પરંતુ તમે ક્યારેય એવી યુવતીની વાત સાંભળી છે જેની પાંપણ અધધ લાંબી હોય? ચીનમાં એક યુવતીએ સૌથી લાંબી પાંપણ ધરાવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. આમ, તો સામાન્ય રીતે લાંબી પાંપણો ધરાવતી કન્યા વધુ આકર્ષક લાગતી હોય છે, પરંતુ ચીનની યૂ જિયાનશિયા નામની યુવતીની પાંપણો 20.5 સેન્ટિમીટર લાંબી છે, જેને જોવા સૌ કોઇ ઉત્સુક જણાય છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2016માંસૌથી લાંબી પાંપણ ધરાવવાનો રેકોર્ડ પણ યૂ જિયાનશિયા નામનો જ છે. તે સમયે તેની પાંપણ 12.4 સેન્ટિમીટર હતી. યૂ જિયાનશિયાના જણાવ્યા પ્રમાણે તેની પાંપણો સમયાંતરે વધતી રહે છે અને મજબૂત પણ રહે છે. વર્ષ 2021માં જ તેને જાણ થઇ કે તેની પાંપણ 20.5 સેન્ટિમીટરસુધી પહોંચી ગઇ છે અને ફરીથી તે રેકોર્ડ બ્રેક કરવા ઉત્સાહી પણ જણાતી હતી. નોંધનીય છે કે, તેના કુટુંબમાં માત્ર તેની પાંપણો જ આટલી લાંબી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો