દુનિયામાં એવા અનેક દેશો આવેલા છે જે પોતાના સમૃદ્ધ ઇતિહાસ અને વાસ્તુકલા માટે વિશ્વભરમાં જાણીતા બન્યાં છે. એમાં જર્મનીનો સમાવેશ પણ કરી શકાય. જર્મનીના થુરિંગિયા રાજ્યમાં આઇસેનાચ શહેર પાસે એક પર્વત ઉપર વાર્ટબર્ગ કિલ્લો આવેલો છે. આ કિલ્લો જર્મનીની સંસ્કૃતિ, ધર્મ અને ઇતિહાસનું હાર્ટ છે, જો એવું કહેવામાં આવે તો જરાય ખોટું નથી. ઇ.સ. 1999માં યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
કિલ્લાની સ્થાપના અને ઇતિહાસ
વાર્ટબર્ગ કિલ્લાની સ્થાપના 1067માં કાઉન્ટ લુડવિગ ડેર સ્પ્રિંગર દ્વારા કરવામાં આવી હતી. તેનો ઉલ્લેખ પહેલી વખત 1080 ના દસ્તાવેજમાં જોવા મળે છે. મધ્યકાળ દરમિયાન વાર્ટબર્ગ કિલ્લો થ્યુરિગિયાના શાસકોનું મુખ્ય નિવાસસ્થાન અને રાજકીય કેન્દ્ર રહ્યો હતો. 19મી સદીમાં આ કિલ્લો દેશપ્રેમ અને જર્મન એક્તાનું પ્રતીક બની ગયો હતો. થુરિંગિયન જંગલની વચ્ચોવચ 410 મીટર ઊંચા પર્વત ઉપર બનાવવામાં આવ્યો છે. અહીંથી આઇસેનાચ શહેરનો અદ્દભૂત નઝારો જોઇ શકાય છે.
સ્થાપના અને વાસ્તુકલા
વાર્ટબર્ગ કિલ્લાનાં બાંધકામમાં રોમનસ્ક, ગોથિક અને બેરોક શૈલીનું મિશ્રણ જોવા મળે છે. તેનો મુખ્ય મહેલ મધ્ય યુરોપના સુંદર રોમનસ્ક ઇમારતોમાં ગણાય છે. કિલ્લાની અંદર આવેલ ગ્રેટ હોલ તેના ભવ્ય ઝુમ્મરો અને લાકડાના નકશીકામ માટે જાણીતો છે. આ કિલ્લાના બીજા માળે સંગીતકાર હોલ આવેલો છે જ્યાં ગાયકોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. હોલની દીવાલો પર 19મી સદીના સુંદર ચિત્રો દોરવામાં આવ્યાં છે. ત્રીજે માળે ફેસ્ટિવલ હોલ છે. અહીં શાસ્ત્રીય સંગીતના કોન્સર્ટ યોજવામાં આવે છે. માર્ટિન જ્યાં રહ્યા હતા એ રૂમમાં એ સમયના લાકડાનું ટેબલ, ખુરશી અને માર્ટિન લ્યુથરનું ચિત્ર રાખવામાં આવ્યું છે. 20મી સદીની શરૂઆતમાં આ રૂમની દીવાલો અને છત પર કાચના રંગબેરંગી મોઝેક વડે સેન્ટ એલિઝાબેથના જીવનની ઘટનાઓ દર્શાવવામાં આવી છે. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. 19મી સદીમાં ફરીથી અહીં કિલ્લાનું ટાવર બનાવવામાં આવ્યું હતું. કિલ્લામાં મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં મધ્યકાલીન યુગના શસ્ત્રો, તલવારોના કવચ, બખ્તર અને એ સમયના કિંમતી ફર્નિચરનો સંગ્રહ રાખવામાં આવ્યો છે.
ઐતિહાસિક ઘટના અને રસપ્રદ તથ્યો
આ કિલ્લા સાથે જોડાયેલી સૌથી મહત્વપૂર્ણ ઘટના ઇ.સ. 1521-1522 દરમિયાન બની હતી. એવું કહેવાય છે કે, ધાર્મિક સુધારક માર્ટિન લ્યુથરને જ્યારે રોમન સામ્રાજ્ય દ્વારા દેશ નિકાલ કરવામાં આવ્યાં, ત્યારે થુરિંગિયાના શાસક ફ્રેડરિક ધ વાઇસે તેમને કિલ્લામાં આશ્રય આપ્યો હતો. માર્ટિન અહીં પોતાની ઓળખ છુપાવીને નાઇટ જોર્જના નામે અહીં રહ્યા હતા. ફક્ત 10 અઠવાડિયામાં તેમણે ગ્રીક ભાષામાંથી બાઇબલના ઉત્તરાર્ધનો જર્મન ભાષામાં અનુવાદ કર્યો હતો. આ અનુવાદે આધુનિક જર્મન ભાષાના ઘડતરમાં પાયાની ભૂમિકા ભજવી હતી, આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આણી હતી.
13મી સદીમાં હંગેરીની રાજકુમારી અને પાછળથી સંત બનેલી સેન્ટ એલિઝાબેથ અહીં રહ્યા હતા. તેમણે ગરીબો અને બીમારોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તેમની સ્મૃતિમાં કિલ્લામાં એક સુંદર મોઝેક રૂમ બનાવવામાં આવ્યો છે. ઇ.સ. 1207ની આસપાસ વાર્ટબર્ગ કિલ્લામાં પ્રસિદ્ધ કવિઓ અને સંગીતકારો વચ્ચે મહાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ગાયકોનો સંગ્રામ કહેવામાં આવે છે. આ ઐતિહાસિક ઘટના પરથી પ્રેરણા લઇને વિશ્વપ્રસિદ્ધ સંગીતકાર રિચાર્ડ વાગ્રરે તેમનું ઓપેરા ટેનહૌઝર રચ્યું હતું.
1817માં જર્મન વિદ્યાર્થીઓ દ્વારા અહીં પ્રથમ વાર્ટબર્ગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વતંત્રતા, લોકશાહી અને એકીકૃત જર્મનીની માંગણી કરવામાં આવી હતી. આમ અનેક રોમાંચક અને રસપ્રદ તથ્યો આ કિલ્લા સાથે જોડાયેલા છે.
વાર્ટબર્ગ કિલ્લો માત્ર પથ્થરોથી બનેલી ઇમારત નથી, પરંતુ તે જર્મન લોકોના સ્થાપત્ય, સાહિત્ય, ધર્મ અને રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રતીક છે. તેની સાથે જોડાયેલી લોકકથાઓ આજે પણ વિશ્વભરના પ્રવાસીઓને આશ્ચર્યચકિત કરે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
