પશ્ચિમ ઘાટની લીલીછમ ટેકરીઓ વચ્ચે છુપાયેલું કેરળનું વાયનાડ પ્રકૃતિપ્રેમીઓ, સાહસિકો અને શાંતિની શોધમાં નીકળેલા પ્રવાસીઓ માટે એક આદર્શ સ્થળ છે. દરિયાઈ સપાટીથી ઊંચાઈ પર આવેલું આ સુંદર હિલસ્ટેશન તેનાં ગાઢ જંગલો, રહસ્યમય ગુફાઓ, ધોધ અને ચા-કોફીના બગીચાઓ માટે જાણીતું છે. જો તમે રોજિંદા વ્યસ્ત જીવનમાંથી બ્રેક લેવા માંગતા હોવ, તો વાયનાડ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.
વાયનાડમાં ફરવાલાયક મુખ્ય સ્થળો
બાણાસુર સાગર ડેમ : આ ભારતનો સૌથી મોટો અને એશિયાનો બીજા નંબરનો સૌથી મોટો માટીનો ડેમ (Earth Dam) છે. અહીંની પહાડીઓ અને સરોવરનો નજારો અદ્ભુત છે. પ્રવાસીઓ માટે અહીં સ્પીડ બોટિંગ અને ટ્રેકિંગની ઉત્તમ સુવિધા છે.
ઇડક્કલ ગુફાઓ : ઇતિહાસ અને પુરાતત્ત્વમાં રસ ધરાવતા લોકો માટે આ જગ્યા કોઈ ખજાનાથી કમ નથી. દરિયાઈ સપાટીથી આશરે 4000 ફૂટની ઊંચાઈએ આવેલી આ ગુફાઓમાં અંબુકુથી માલા પર ટ્રેકિંગ કરીને પહોંચી શકાય છે. અહીં પથ્થરો પર કંડારેલા નિયોલિથિક યુગનાં ચિત્રો જોવા મળે છે.
ચેમ્બ્રા પીક : વાયનાડનું આ સૌથી ઊંચું શિખર છે. અહીં ટ્રેકિંગ કરતી વખતે રસ્તામાં આવતું હૃદય આકારનું તળાવ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. પ્રકૃતિની વચ્ચે ટ્રેકિંગ કરવાનો રોમાંચ અહીં અદ્ભુત હોય છે.
સૂચીપારા અને મીનમુત્તી ધોધ : વાયનાડમાં અનેક સુંદર ધોધ આવેલા છે, જેમાં સૂચીપારા તેના થ્રી-ટીયર ફોલ્સ માટે જાણીતો છે. જ્યારે મીનમુત્તી ધોધ ગાઢ જંગલોની વચ્ચેથી વહે છે, જ્યાં પહોંચવા માટે જંગલમાંથી ટ્રેકિંગ કરવું પડે છે.
વાયનાડ વાઇલ્ડલાઇફ સેન્ચુરી : જો તમને વન્યજીવો જોવાનો શોખ હોય તો મુથંગા અને થોલપેટ્ટી ખાતે આવેલી આ સેન્ચુરીની મુલાકાત જરૂર લેવી જોઈએ. અહીં વાઇલ્ડલાઇફ સફારી દરમિયાન હાથી, હરણ, દીપડા અને અદ્ભુત પક્ષીઓ જોવા મળી શકે છે.
વાયનાડનું ફેમસ ફૂડ
વાયનાડનું ભોજન પરંપરાગત મલબારી સ્વાદથી ભરપૂર છે. અહીંની વાનગીઓમાં નાળિયેર, સ્થાનિક મસાલા અને ચોખાનો ભરપૂર ઉપયોગ થાય છે. મલબાર બિરયાની : આખા કેરળની જેમ વાયનાડમાં પણ ખાસ પ્રકારના નાના ચોખામાંથી બનતી મલબાર બિરયાની ખૂબ લોકપ્રિય છે, જેનો સ્વાદ ખૂબ જ સુગંધિત હોય છે.
અપ્પમ અને સ્ટયૂ : ચોખાના આથાવાળા ખીરામાંથી બનતા નરમ અપ્પમ અને નાળિયેરના દૂધમાં બનેલી કોઇ પણ શાકભાજી અહીંની સિગ્નેચર ડિશ છે.
સ્થાનિક ચા અને કોફી : વાયનાડમાં કોફી અને ચાના અસંખ્ય બગીચાઓ છે, તેથી અહીંની તાજી ઓર્ગેનિક બ્લેક કોફી અથવા સ્પેશિયલ મસાલા ચા પીવાનો આનંદ અનોખો છે.
વાયનાડ ક્યારે જવું?
વાયનાડમાં આખું વર્ષ વાતાવરણ ખુશનુમા રહે છે, પરંતુ મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી મે મહિનાનો છે. જો તમને ધોધમાર વરસાદ અને પ્રકૃતિનું રૌદ્ર તેમજ લીલુંછમ સ્વરૂપ જોવું ગમતું હોય, તો ચોમાસામાં જઈ શકો છો. જોકે, ભારે વરસાદને કારણે આ સમયે ટ્રેકિંગની પ્રવૃત્તિઓ બંધ રહે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો