તેખખડી ગયેલી ડહેલી અને જર્જરિત થઇ ગયેલા ઘર વચાળેના વખુંભર ફળિયામાં કોઈ અજાણ્યા ઓળા માફક ઊભો રહ્યો હતો.

પછી ઠીકાઠીકની સંજવારી કાઢવા સાબદી થયેલી સાવરણીના જેમ ઝીણી નજર ફેરવી ફરતું જોઈ લીધું હતું. કાળની કારમી થપાટે ખમતીધર ખોરડું ઘરડું ને સાવ ખંડેર જેવું થઇ ગયું હતું. પોતાની પાંસળીઓ દેખાડતી છાતીના કંતાઈ ગયેલા પિંજરામાંથી ફળફળતો નિસાસો નીકળી ગયો હતો.અને જાણીતી છતાંય સાવ અજાણી થઇ ગયેલી જગ્યાને ખુદ જગાડે,પડકારે એ પહેલા જ કાનના મૂળમાં એક પડકારો પથ્થર માફક અફળાયો હતો: `કોણ?'

 ઢોલિયામાં સાવ ઢગલો થઇને બેઠેલી કાયાનો બળૂકો ને બડકમદાર અવાજ ઊઠ્યો હતો. એક પળે તો બળી ને સાવ કોલસા થઇ ગયેલા જીવને સોધરી વળી હતી : જ્યાં લગી આ પડકારો જીવે ને જાગે છે ત્યાં લગી તો કોઈના બાપની દેન કે તાકાત નથી કે ખાનદાન ખોરડા સામે નમાલી નજર કરી શકે?

ત્યાં વળતી પળે જ સાંભરી આવ્યું હતું, જો જવાબ નહીં મળે તો કાયાના કાયમી કૌતુક પ્રમાણે બાપુ સીધો જ ભડાકો કરશે, ભલે બંધૂકમાં ગોળી હોય કે ન હોય. બાકી ભડકો કરી નાખશે, એ ભડવીર! કોઈ જોખમ લીધા વગર જવાબ આપી દેવો પડે. પછીનું પરિણામ સારું ન આવે, પણ જવાબ આપવા સામે પહાડ જેવો પ્રશ્ન હતો, શું જવાબ આપવો ? વણસીને સાવ વીલોઈ ગયેલા સંજોગોમાં જવાબ આપ્યા પછી પણ પોતાનું કહ્યું ખરું, ખોટું માનશે કોણ ? અને એમ અધ્ધરોઅધ્ધર માને પણ શું કરવા?

ત્યાં ઓસરીની ઊંચી પડથાર પર એક કાયા, સઘળી માયા સંકેલી મોં આડે મલિર જેવા ઓઢણાનો છેડો તાણી, પારોઠ ફરીને ઊભી હતી. તેનાં માટે તો આ જવાબ જીવન-મરણના મૂલ જેવો સાબિત થાય!

સમય થંભી ગયો હતો. પાતળા પવનની લહેરખી પણ પાણીદાર ઘોડીના જેમ બે કાનસૂરી ઊંચી કરી ઊભી રહી ગઈ હતી. ભયંકર ભૂતાવળ જેવા ભાસતા ઘર-ખોરડાની ચોતરફ સૂનકાર છવાઈ ગયો હતો.

`બાપુ, હું તમારો દીકરો એભલ.' ખુદને હરવર રહી નહોતી, જવાબ કેમ ને ક્યાંથી પ્રગટ્યો હતો!

ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો હતો. વખુંભર ડહેલીની એકેએક જણસ મોં વકાસીને સામે જોવા લાગી હતી. થયું હતું, અવસ્થાના લીધે બાપુએ મારું કહેવું સાંભળ્યું નથી લાગતું. ફરીવાર બોલતા પહેલાં ઓસરીમાં અડીખમ ઊભેલા ઓળાને નજર વડે નોંધી, હૈયાના કોરા કાગળ પર દસ્તખત કરી લીધો હતો.

`બાપુને કાનનું કાચું હશે, પણ તમે તો સાંભળો છોને?' અવાજમાં રોષ હતો, ભારોભાર હેત ભરેલો ઠપકો હતો. ડહેલીમાં પગ મૂકતા પૂર્વે થયું હતું, પદમણી પોતાને ભળશે, ઓળખશે એટલે ગાંડાઘેલી થઇને સીધી જ છાતીએ વળગી પડશે. આંસુ નીતરતાં નયનો ઊંચકીને પૂછશે: `એ તમે ક્યાં હતા?' પછી તો વણકહી વાતો આંસુ વાટે નીતરવા લાગશે. જવાબમાં એટલું કહેવાનું રહેશે: `હું આવી ગયોને.'

પણ ઓસરીમાં થાંભલી લગોલગ ઊભેલાં પદમણીનો પડછાયો થડક્યો નહોતો. આછાપાતળો ઊંહકારો પણ નીકળ્યો નહોતો. કદાચ પોતાના સમાચાર સાંભળવા જ ટકી કે અટકી રહેલો જીવ, પરભવના પંથે નીકળી ગયો હોય ને સામે ઊભું રહ્યું તે માત્ર પ્રાણ વગરનું ખોળિયું જ હોય !

`તમારા વગર તો પદમણી જીવવું ઝેર થઇ પડે.' એભલનો આત્મા આવું કાંઈ બોલે તે પહેલા ફરી પડકાર ફરી વળ્યો હતો: `કોણ એભલ?' આવું સાંભળ્યા પછી જાણે એભલના જીવમાં જીવ આવ્યો હતો.

પણ સામે બાપુની દમિયલ છાતીમાંથી ઉધરસ વછૂટી હતી કે પછી રડવું હતું. તે કળવું અઘરું થઇ પડ્યું હતું. પછીથી બાપુનું કહેવું ભારે વસમું હતું: `મારો એભલ તો ક્યારનોય સરગે સિધાવી ગયો છે.' વાત ખોટી નહોતી. તે વખતે ધાડપાડું પાછળ પોતે ઉઘાડી તલવારે દોટ દીધી હતી, પણ ધાડપાડુંના મોવડીએ ખુદને બંદીવાન બનાવી તેના સાથે લઇ લીધો હતો. તેમાંથી છૂટવું, છટકવું સહેલું નહોતું.

 `બાપુ!' કહી એભલે પગ ઉપાડ્યો હતો. પાસે બેસી સઘળી કથની કહી અંતે ઉમેરવું હતું: `જુઓ બાપુ, હું જીવતોજાગતો તમારા પાસે છું.' પણ ત્યાં વીજળીના ચમકારા જેમ મ્યાનમાંથી સબોસબ તલવાર ખેંચાય એવો તાતો ને તમતમતો સ્વર ચમક્યો હતો: `ત્યાંના ત્યાં જ ઊભા રે'જો, ભલા થઇ ઓસરીનું પગથિયું ચઢશો નહીં.' એભલના ગળામાંથી ચિત્કાર નીકળી ગયો હતો: `પણ આવું કેમ પદમણી?'

 એક સમયે કદળીના સ્તંભ જેવી હતી તે કાયા કરમાઇને કાટમાળ જેવી થઇ ગઈ હતી, પણ અવાજ ઓછર્યો નહોતો: `અમે તમારા નામનું નહાઈ નાખ્યું છે, કાળું ઓઢણું ઓઢી લીધું છે. હવે તો મોં જોવામાંય પાપ લાગે.'

 આ વેળા બાપુની વાચા હણાઇ ગઈ હતી. વહુના કહેવા સામે કાંઈ કહ્યા જેવું રહ્યું નહોતું.

 અને એભલ ફળિયા વચાળે થાંભલો થઇ ઊભો રહ્યો હતો.