દિવાળી હોય કે દશેરા, મોહરમ હોય કે ચેટીચાંદ, ક્રિસમસ હોય કે ઉત્તરાયણ, ઈવેન્ટ્સ હોય કે સેલિબ્રેશન, રાજકીય જુલુસ હોય કે ધાર્મિક મેળાવડા, સામાજિક સંમેલન હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ - આનંદના આ સઘળા અવસરોને આપણે ઘોંઘાટિયા બનાવી દીધા છે. જેટલો વધુ ઘોંઘાટ એટલો અવસર ભવ્ય. અવાજ કે ધ્વનિનું પ્રદૂષણ નહીં, શોરબકોર કે કોલાહલ નહીં, કાન ફાડી નાંખે અને મગજની નસો ઢીલી કરી નાંખે એવો ઘોંઘાટ, ઘોંઘાટ અને નકરો ઘોંઘાટ હોય તો જ વધુ આનંદ આવે, વધુ મજા આવે, વધુ મનોરંજન મળે એવું ગણિત આપણા મગજમાં ઠસાવી દેવામાં આવ્યું છે.   

બંધારણના અનુચ્છેદ 21, જીવન જીવવાના અધિકારમાં શાંતિપૂર્ણ અને કોઈ પણ ખલેલ વગર જીવન જીવવાના અધિકારનો સમાવેશ કર્યો છે. ભારતીય નાગરિકને ગેરકાયદે ઘોંઘાટથી રક્ષણ મેળવવાનો હક આપવામાં આવ્યો છે. વધારે પડતો અવાજ કે જે માનવીની શ્રવણશક્તિ પર જ નહીં, સમગ્ર શરીર પર વિપરીત અસર કરે છે તેને અવાજ કે ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. આ એક ગંભીર સમસ્યા છે, ન્યૂસન્સ છે. તે જીવન જીવવાના મૂળભૂત અધિકારનું હનન છે, પરંતુ તે સામે પૂરતી જાગૃતિ જોવા મળતી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ 53 ડેસિબલ અવાજને માનવ શરીર માટે યોગ્ય માન્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નિવાસી વિસ્તારોમાં દિવસે 45 અને રાત્રે 55 ડેસિબલ અવાજની માત્રા કરતાં વધુ માત્રાને પ્રદૂષણ ગણી છે, પરંતુ તેના કરતાં ક્યાંય વધારે અવાજ આપણે રોજેરોજ સહન કરી રહ્યા છીએ. હવે લાઉડસ્પીકર નહીં ડી.જે.નો અવાજ આપણે સાંભળવો પડે છે. ક્યારેક કામચલાઉ તો ક્યારેક કાયમી.   

ઔદ્યોગિક વિસ્તારોમાં યંત્રોનો અવાજ આવે તે સમજાય છે, પરંતુ વિના કારણે માનવ વસ્તીમાં ઘોંઘાટ જ ઘોંઘાટ હોય અને તેના પર કોઈનું નિયંત્રણ ન હોય તે અસહ્ય છે. અવાજના પ્રદૂષણની માનવ શરીર પર ખરાબ અસરો જોવા મળે છે. સતત ઘોંઘાટભર્યા વાતાવરણમાં જીવતા લોકોમાં ચીડિયાપણું, માનસિક ચિંતા, તણાવ, અનિદ્રા, થાક, શ્રવણશક્તિમાં ઘટાડો, લોહીનું દબાણ અને હૃદયને લગતા રોગોની સંભાવના વધે છે. માત્ર માનવ પ્રાણી જ નહીં, પશુ-પંખીઓ પણ તેની ખરાબ અસરો અનુભવે છે. ઘોંઘાટને લીધે તણાવ સર્જતા હોર્મોનનું પ્રમાણ વધે છે. બીમાર વ્યક્તિઓ, વૃદ્ધો અને બાળકો પર અવાજના પ્રદૂષણની સૌથી વધુ અસર થાય છે. બાળકોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની અને શીખવાની ક્ષમતા તેમજ સ્મરણશક્તિ પર ઘોંઘાટની અસર થાય છે. આ શક્તિ અને ક્ષમતા ઘટવાનું કારણ ધ્વનિ પ્રદૂષણ છે.   

અમદાવાદમાં દિવસે 79.88 ડેસિબલ અવાજ હોય છે, જ્યારે ચેન્નઈમાં 89, કોલકાતામાં 87, મુંબઈમાં 85 અને દિલ્હીમાં 80 ડેસિબલ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ની માર્ગદર્શિકા ભલે દિવસે 53 અને રાત્રે 45 ડેસિબલની અવાજની માત્રાને સામાન્ય ગણે અને તેથી વધુ માત્રામાં અવાજ થતો હોય તો તે હાનિકારક માને, પણ ભારતનાં મહાનગરોમાં `હુ'ની માત્રા કરતાં ઘણો વધારે અવાજ રોજ થાય છે. એક અભ્યાસનું તારણ છે કે અમદાવાદના 77 ટકા વિસ્તારોમાં એટલે લગભગ પોણા ભાગના શહેરમાં દિવસે 70 ડેસિબલ અને સમગ્ર શહેરમાં લગભગ 80 ડેસિબલ અવાજ જોવા મળ્યો છે.   

અવાજના પ્રદૂષણને ડામવા માટેની પૂરતી કાયદાકીય જોગવાઈઓ છે અને નિયમો ઘડાયા છે. ખાટલે મોટી ખોડ તેના અમલની છે. અવાજના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાની જેની મુખ્ય જવાબદારી છે તે પોલીસતંત્ર પાસે અવાજનું પ્રદૂષણ માપવાનું યંત્ર (સ્ટાન્ડર્ડ ડેસિબલ મીટર) જ હોતું નથી. એટલે તે રામભરોસે જ લાઉડસ્પીકરની કે ડી.જે.ની મંજૂરી આપે છે. પોલીસ ત્યારે જ સક્રિય થાય છે જ્યારે નાગરિકો વધારે પડતા અવાજની ફરિયાદ કરે છે.   

એક અહેવાલ પ્રમાણે એકલા અમદાવાદમાં ઈમરજન્સી હેલ્પલાઈન સર્વિસ પર રોજના 55 કોલ અવાજના પ્રદૂષણની ફરિયાદના આવે છે. નવેમ્બર 2025થી ઓગસ્ટ 2026ના દસ મહિનામાં અવાજના પ્રદૂષણની 17, 050 ફરિયાદો થઈ હતી. પોલીસ જાતે ભાગ્યે જ ઘોંઘાટ અંગે કશું કરે છે, પરંતુ નાગરિકોની ફરિયાદો પછી તે જાગે છે અને કાર્યવાહી કરે છે. અવાજના પ્રદૂષણના નિયમન અને નિયંત્રણ માટેના નિયમો 2000માં જોગવાઈ છે કે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર કે ડી.જે. પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, પરંતુ આ પ્રતિબંધનો ભાગ્યે જ અમલ થાય છે.  

અદાલતોએ અવાજના પ્રદૂષણના નિયંત્રણની દિશામાં નોંધપાત્ર કાર્ય કર્યું છે. પટણા હાઈકોર્ટે ધ્વનિ પ્રદૂષણ વિરુદ્ધની ફરિયાદો આવે તેની રાહ જોવાને બદલે તેના નિયમિત અમલ માટે તંત્ર જાગે તે બાબત પર ભાર મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે દર વર્ષે દિવાળીના દિવસોમાં ફટાકડા પરના પ્રતિબંધ અંગે કોઈ ઉતાવળો નિર્ણય લેવાનો થાય છે તેને બદલે અત્યારથી જ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફટાકડાની મર્યાદા નક્કી કરવા અને જરૂર જણાય તો કેટલાક ફટાકડાને પ્રતિબંધમાંથી આંશિક છૂટ આપવા વિચારવા જણાવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે સર્વોચ્ચ અદાલતે દેશની રાજધાની દિલ્હીમાં ફટાકડા ફોડવા પર છેલ્લા કેટલાંક વર્ષોથી પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ તેની પરવા કર્યા વિના દર દિવાળીએ ધૂમ ફટાકડા ફૂટે છે અને અદાલતો કશું જ કરી શકતી નથી.   

વાહનોના ભોંપુઓ કહેતાં હોર્નનો અવાજ પણ પ્રદૂષણ ફેલાવે છે. એક અભ્યાસમાં નોંધાયું છે કે અમદાવાદ શહેરમાં આશરે 20 ટકા વાહનચાલકો 10ની ગતિએ વાહન ચલાવતા હોય ત્યારે પણ હોર્ન વગાડે છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની બસોના ડ્રાઈવરો તો સૌથી વધુ હોર્ન વગાડે છે. જાણીને નવાઈ લાગશે પણ એએમટીએસ બસનો ડ્રાઈવર રોજ 700 વખત હોર્નનો ઉપયોગ(?) કરે છે. સતત રસ્તા પર ઊભા રહીને ટ્રાફિક નિયંત્રણ કરતાં 98 ટકા ટ્રાફિક પોલીસોની સાંભળવાની શક્તિ હોર્નના અવાજથી નબળી પડી ગઈ છે.   

આમ તો અમદાવાદીઓ ઘોંઘાટમુક્ત શહેરના હકદાર છે, પરંતુ તે તો તેમના નસીબે નથી. હવે જ્યારે શહેરના આંગણે કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે ત્યારે શહેરને ટૂરિઝમ યોગ્ય બનાવવા મહાનગરપાલિકાનાં 300 વાહનોમાં વાયહોન્ક ટેક્નોલોજી આધારિત ડિવાઈસ લગાવીને ડ્રાઈવરોના હોર્ન વગાડવાને ચકાસવામાં આવશે અને નિયંત્રિત કરવામાં આવશે. અગાઉ પોલીસનાં વાહનો પર આ ડિવાઈસથી 40 ટકા વાહનોના હોર્ન પર ઘટાડો થયો છે. શહેરનાં લાખો વાહનોમાં 300 સરકારી વાહનો બહુ નાની સંખ્યા છે છતાં આ એક સ્તુત્ય પગલું છે.  

ઘણા જ્ઞાતિ સમાજોએ લગ્નોના વરઘોડામાં ડી.જે. વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે તે એક સારી શરૂઆત છે. અવાજનું પ્રદૂષણ આપણા સમાજમાં દંભ, દેખાડા કે ખોટા ભપકા દર્શાવવાના માનવ સ્વભાવનું પણ પરિણામ છે. કાયદાકીય જોગવાઈઓ સાથે જો સમાજ પોતે આ દિશામાં વિચારતો અને અમલ કરતો થાય તો સમસ્યાનો ઉકેલ શક્ય છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો