ગામડું અમારું લાખેણાં દૃશ્યોની વણઝાર. બારી બહારની આ વણઝાર હજુ તો આંખોમાં ઊગે તે પહેલાં નજર સામેથી ઓઝલ થઇ જતી હતી, પણ ત્યાં ઉરાઉરથી અવાજ આવ્યો હતો: `ભાઇ, ખીજડિયાનું ટેસન આવે તો કે'જો.' સામે જોયા પછી પળાર્ધની ઓળખ જાણે આંખોમાં ઝાડવું થઇ ઊગી નીકળી હતી.
જ્યારે આગગાડી વિરામ સ્થળ પર ઊભી રહી હતી, ત્યારે આ સ્ત્રી અંદર આવી પડખે બેઠી હતી.
ઝીણી નજરે જોયું તો સ્ત્રીની આંખો, નેણ-નકશો ને સમગ્ર મુખાકૃતિ જોતાં લાગે, કોઈ આલિશાન ઈમારત કાળની કારમી થપાટે જર્જરિત થઇ ગઈ હતી. તેમનાં સામે જોવામાં આંખનું મટકું મારવું પણ ભૂલી જવાયું હતું. પછી પૂછી જ લીધું હતું: `તમે મોતીકાકી છોને?' આવું સાંભળતાં તેમની કાયામાં વીજળીનો કરંટ લાગ્યો હતો. સુકાઈ ગયેલી કેરી જેવા મોં પરની બદલાયેલી ભાવભંગીમા જોઈ કહ્યું હતું: `હું નાથા કરમણનો રણછોડ!' પછી જણાવી દીધું હતું: `તમારા નાગજીનો પાક્કો ભેરુ, ભાઈબંધ.' પણ સામે તો જાણે પથ્થરમાં કોતરેલી મૂર્તિ. આંખોનાં ખાબોચિયાં પણ મોડેથી ઊભરાયાં હતાં. સાડલા વડે આંખો દબાવી તે બોલી: `મારા બાપ, તમે તો...' આગળ બોલવાના બદલે બે-ચાર ડૂસકાં ભર્યાં પછી તેમનું હૈયું હળવું થયું હતું. પછી તગતગતી નજરે ત્રોફ્યો હતો. જવાબમાં કહ્યું હતું: `હું વતનમાં જાઉં છું.' પણ મોતીકાકીને નાગજી વિશે જાણવાની તલપ હોય પણ શું બોલું? શું કહું? હોઠ સિવાઈ ગયા હતા, હૈયું ભારે થઇ ગયું હતું.
નાગજી બાળગોઠિયો. ત્રીજી ચોપડીમાં આવ્યા હોઈશું ત્યારે નાગજીની નવી મા તરીકે મોતીકાકીનું આગમન થયેલું. નવી મા મારે, ધમકાવે, કામ કરાવે ને રાખના રોટલા કરી ખવડાવે, પણ મોતીકાકીએ આવી ધારણા ધરમૂળમાંથી ધરાશાયી કરી નાખી હતી. પેટના જણ્યા કરતાં વિશેષ વહાલથી નાગજીને રાખતાં, સાચવતાં હતાં. નવી મા ને જૂની માના ભેદ ભૂંસી નાખ્યા હતા. કોઈ અજાણ્યું મનેખતો થાપ ખાઈ જાય. નાગજી તો મોતીનો આગમજાયો નહીં સગો છોરું છે, પણ માતાનું સુખ નાગજીના લલાટે નિર્માયું જ નહોતું. સમજણો થયો ત્યારે ક્ષયગ્રસ્ત સગી માતાએ લાંબું ગામતરું કર્યું હતું. પછીથી તેના બાપે લાંબી વાટ પકડી હતી.
નનામી નીકળી, ચુડાકર્મ થયું. ઘર ઉજ્જ્ડાઈ ગયું હતું. વાસનું એવું મનેખ, રૂપરોખી મોતી સામે જુદી નજરે જોતું થયું હતું, પણ મોતીકાકી તો મક્કમ હતાં : `હવે મું આ છોરા હંગાથ આયખું વેંઢારી નાખીશ.' તો પીઠ પાછળ બોલતું હતું : `એ પંડ્યનું લોઇ ચટકા ભરશે એટલે હંધુંય ભૂલી ભાયડા ભેગી ભટકવા જાહે!' પણ મોતીની માટીમાં પાણી મરે એમ નહોતું. ફાટે પણ ફીટે એવી નહોતી. વિધવા થયા પછી માવતરમાં ખૂણો મુકાવવા ગઈ ત્યારે પણ નાગજીને પંડ્યનાં છોરું જેમ સાથે લઇ ગઈ હતી. ત્યાં સુધી તો નાગજીના માતૃસુખને ઊની આંચ કે બાપની ખોટ સાલી નહોતી. નાગજીની આખી દુનિયા હેમખેમ હતી, પણ એક વખતે મોતીકાકીના ભાઈ બે-ચાર મોટીયાર સાથે આવ્યા હતા ને મોતીકાકીની નામરજી છતાંય પિયરમાં તેડી ગયા હતા. તે વેળા નાગજીએ સાથે જવા રઢ લીધી હતી. જવાબમાં મોતીકાકી પાસે ફળફળતાં આંસુ સિવાય કંઈ નહોતું. નાગજી પગ પછાડતો ગામના પાદર સુધી આવ્યો હતો ત્યારે મોતીકાકીએ સધિયારો આપવા સારું છાતી માથે પથ્થર રાખીને કહ્યું હતું : `મારી વાટ જોજ્યે, ટપાલ કે કોઈ સંદેહો મોકલું તો આવતો રે'જે.'
મોતીકાકીના આ બોલ નાગજીના કૂણા કાળજામાં કોતરાઇ ગયા હતા. પછી તો રખડતો ને રડવડતો નાગજી જેવું તેવું ભણી અધવચ્ચે ઊઠી ગયો હતો. ગામના એક મોટા ખેડૂતે દયાભાવ દાખવી પોતાને ત્યાં ઢોર ચારવા રાખી લીધો હતો.
મોતીકાકીએ નજીક આવી પઠાણી ઉઘરાણી કરી હતી : `નાગજી મને યાદ કરતો'તો?'
શું જવાબ આપવો? નાગજી ગામ, સીમ કે ખેતરમાં ગમે ત્યાં હોય પણ સાંજે આવી સીધો ટપાલીના ઘરે જાય અને પૂછે : `મારી માની કોઈ ટપાલ આવી છે?' પણ પછી તો ટપાલી તેને જોઇને જ જવાબ આપી દેતો હતો : `એ નથી ટપાલ જા, ભાગ્ય.' બીજા દિવસની આશાએ નાગજી રાત વેંઢારી નાખતો હતો.
નાગજીની આ ટેવ, આદત ને વલુરતી વેદના હળવે હળવે ગાંડપણમાં પ્રવેશવા લાગી હતી. કોઈ ખીજવવા માટે કહે: `નાગજીડા તારી માની ટપાલ આવી.' ને નાગજી મુઠ્ઠીઓ વાળી દોડે. પછી ઊભી બજારે અપશબ્દો ઓકતો નીકળે. કોઈ સમજાવે તો વળી સથરો પડે, પણ જીવ લગોલગ ચાહતી નબુએ છેલ્લીવાર ફળિયામાં ઊભાં રહી કહ્યું હતું : `મારાં લગ્ન થાવાનાં છે, પણ તું હા પાડ તો હજીય હું તૈયાર છું.'
પણ નાગજીના મોંએ એક જ હતું : `મારાં માની ટપાલ આવે પછી.'
ગાડી ધીમી પડી એટલે મોતીકાકીની ઉત્કંઠા વધી હતી: `હેમખેમ છેને નાગજી?'
એવું કેમ કહેવું કે, નબુનાં સાસરે ગયાં પછી નાગજીનું ગાંડપણ વધ્યું હતું. ગાંડા કાઢતો ક્યાંક નીકળી ગયો હતો ને પછી તેનો કોઈ અતોપતો લાગ્યો નથી.
`ગામ આવી ગયું લાગે છે.' મોતીકાકી બેઠાં થઇ, આંખો ઝીણી કરી પળભર સામે જોઈ વેદનાગ્રસ્ત સ્વરે બોલ્યાં હતાં : `ટેસન આવે ન્યાં ઊતરી જાવું પડે, મારા દીકરા.'
નીચે ઊતરી મોતીકાકી ડગુમગુ થાતાં ચાલવાં લાગ્યાં હતાં.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
