`એલા જે હોળી હળગાવે ઈને ખણખણતા સિક્કા ને માથે બે પાલી બાજરો લટકામાં.' હાંઉ સાવ છેવાડે રહેતા ગરીબ હરિયાએ દીવાસળી ચાંપીને હોળી ભડભડ સળગવા લાગી હતી. તે સાથે જ દે.. દેકારા હારે પડકારાને રીડિયારમણ થાવા લાગ્યા હતા. ઢોલની ઘાય બદલાણી હતી ને થોડીવારમાં આખું પાદર ગાજવા લાગ્યું હતું. હોળીમાં હાથ શેકવા ધક્કામુક્કી સાથે ઢોરને આફરો ચઢ્યો હોય તો હોળીમાં શેકેલું મૂઠી મીઠું ખવરાવે તો ઊતરી જાય એવી માન્યતાએ મીઠું બાંધેલા ફાળિયા, ગોફણની જેમ ચારે કોર્ય ફરતા હતા. કોઈના મૂંડા નો રંગાય એની ખેવના રાખવાની હતી, નહિતર કજિયાનું મોં કાળું, બીજી હોળી સળગી ઊઠે.
પહેલા ખોળાનું છોકરું, નવેલી વહુ ને એવા ઊજળા પ્રસંગના નાળિયેર હોળીમાં હોમાવા લાગ્યાં હતાં. હવે ખરાખરીનો ખેલ ઇ ખેલાવાનો હતો કે, ભડભડતી હોળીમાંથી નાળિયેર કાઢે કોણ? કેટલાય લોહી ઊછળતા જુવાનિયા મનગમતી કે મનમાનેલીને રાજી કરવા કે મનાવવા મથામણ કરી રહ્યા હતા. લાકડી મારીને નાળિયેર થોડુંક બહાર કાઢે ત્યાં બીજો અંદર હડસેલી દે, પણ આવી અળવીતરાઇ વધી જાય તો પછી જીભાજોડીના બદલે સીધી લાકડીઓ ઊડે. કોઈએ કહ્યું'તું: `ભાઈ હોળીમાની જ્વાળા ગામ કોર્ય લપકારા લ્યે છે, તે ગામ માથે ભાર છે.' પણ જ્યાં દે દેકારો, બાપામારી ને ઢોલનો બહરો બોલતો હોય ન્યાં પિપૂડીનો સાદ કોણ સાંભળે?
જુવાને સળગતું નાળિયેર લાકડીએથી બહાર કાઢ્યું હતું ત્યાં એક અકોણા જણે લાગ જોઇ સોય ઝાટકીને લાકડી વળગાડી હતી. વળી, વચાળે કોઈએ બળૂકો ઠોંસો માર્યો હતો ને અંગારા ઓકતું નાળિયેર આઘે વડલા પાસે જઈને પડ્યું. બે-પાંચ જણનું ટોળું હડડહૂડ કરતું ધોડ્યું હતું ને ન્યાં નાળિયેરના બદલે બીજું કાંક ઝપટાઇ ગયું'તું. કાના મુખીની કંકુડી ને વના ભગાનો વશીયો હારે ઊભાં'તાં. હાંઉ આ વાતે હોહા થઇ પડી'તી.
મોડી રાતે આખું ધાગડિયું ગામધણીની ડેલી ખખડાવીને ઊભું રહ્યું'તું. મોટાભાગનાં ગામોમાં ખરા ટાણે પૂછવા અને ઊભા રહેવાનાં ઠેકાણાં એની ખમીર ને ખાનદાની સાથે અડગ ઊભાં હતાં. ત્યારે નવેલી આઝાદીનો ઉજાસ ચોતરફ પથરાઈ રહ્યો હતો.
એક જણે કહ્યું'તું: `આવું હાલતું હશે, બેન દીકરીયુની આબરૂ માથે કોઈ હાથ મેલે ઈ.' ત્યાં વળી બીજા જણે સળગતાંમાં ઊંબાડિયું મૂક્યું'તું: `ભાઈ, આપની હયાતીમાં આવું બને, ઈ તો ગજબ થયો કે'વાય.'
મોટા ભાઈ ઊંઘરેટી આંખ્યુંને પટપટાવી ઊંચા સાદે બોલ્યા હતા: `ગાંડિયાવ વાતનો ફોડ પાડશો કે ડિંગેડિંગ હાંકે રાખશ્યો.' ત્યાં એક અદકપાંસળીએ મીઠું-મરચું ભભરાવી આખી વાત કહી હતી. પછી ટોળાનો સાગમટે અવાજ ઊઠ્યો'તો: `આવું નો હલાવી લેવાય, કે'તા હો તો ઈનું ઘર હળગાવી દેઈ.'
આ સાંભળી ભાંગતી રાતને હીબકું આવી ગયું'તું. શેરીમાં સૂતેલા કૂતરાએ રંભાડ્ય કરી'તી. સીમમાંથી શિયાળવાની લાળી સંભળાણી હતી. ગામમાં પુછાતા મોટા ભાઈ પળના પા ભાગમાં આખીય વાતને, માહોલને પામી ગયા હતા. આ આઝાદી પછીનો અવાજ નહીં, પણ દેકારો હતો. એક પળે તો થઇ આવ્યું'તું થાવા દ્યો જે થાય તે, ભલે હાળા કુટાઈ મરે, પણ આતમ કકળી ઊઠ્યો. ના, એવું તો મારા જીવતાંજીવ નો બને.
મોટા ભાઈ ગળું ખંખેરીને બોલ્યા'તા: `આવું તો અનાદિકાળથી બનતું આવ્યું છે. કોઈના ઘેર્ય નવાઇ નથી.' આવું સાંભળી રીતસર સોંપો પડી ગયો'તો.
`એની મરજીથી ઊભાં હશેને? `આ સવાલ સામે ગલ્લાતલ્લા કરવા સિવાય કાંઈ નહોતું. `પણ આપની હયાતીમાં.' પાનો ચઢાવવાની વાત ઝેરના ઘૂંટડા જેમ ગળી જઇ મોટા ભાઈએ શાંતિથી સમજાવ્યું'તું: `આઝાદી આવી અટાણે તો મુખી હોય કે ગામના છેવાડાનો મનેખ સૌ સરખા ગણાય.'
`પણ ઇ નગપગ વગર્યનો મવાલી છોકરો, મુખીની આબરૂ માથે હાથ મેલી જાય.' એક જણે બળતામાં ઘી હોમ્યું'તું,
પણ સામે જવાબ હતો: `પેલા ઘરનું ફળિયું ચોખ્ખું રાખતા શીખો.' પછી ઠાવકાઇથી કહ્યું'તું: `શાનમુના ઘેર્ય વયા જાવ ને છોકરીના વેળાસર પીળા હાથ કરી દ્યો. આમાં તો ઘોડી ને અસવાર બેયની ઘટે.'
ખાટસ્વાદિયા હાથ મસળતા રહી ગયા'તા. પછી પારોઠ ફરતા ટોળાને ટપાર્યું હતું: `એલા, હોળીની રાખ ઠરી નો હોય તો, પાણી નાખીને ઠારતા જાજ્યો.' ઉપર ઉમેર્યું હતું: `પુણ્ય થાહે હોં.'
આવી સલૂણી વાતે ને રાતે પાછલી રાતનો ચંદ્ર પણ બમણા તેજે પ્રકાશવા લાગ્યો હતો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો