કોઈ પ્રદર્શન કે ફોટો સેશન યોજાયું હોય એવો અનુભવ થયો હતો. કારણ કે હાથમાં સાવરણો લઈ, સહેજ વાંકા વળ્યા ત્યાં સુધીમાં અનેક તસવીરો ખેંચાઈ ગઈ હતી. તેમાં વળી સંચાલક મોં ભરીને બોલ્યા હતા : ‘આપણું કામ આદર્શ પૂરો પડવાનું હોય, બાકી આવું કામ તો જે કરતા હોય તે કર્યા કરે!’

સંસ્થાને સ્વચ્છતા અંગેનો એવોર્ડ એનાયત થયો તે બદલ સ્થાનિકકક્ષાએ સત્કાર સમારોહ યોજ વામાં આવ્યો હતો.સમારોહના મુખ્ય અતિથિ આ સાંભળી ખેદ અનુભવવા લાગ્યા હતા.તેમને ઓછી ક્ષણોમાં સઘળું સમજાય ગયું હતું : હાથીના જેમ ચાવવાના અને દેખાડવાના દાંત અલગ અલગ છે. 

સ્ટેજ સામે વિદ્યાર્થીઓ અને વાલીઓ શ્રોતાઓ તરીકે ગોઠવાઈ ગયા હતા. સ્વાગત, પરિચય...ને એવી ઔપચારિકામાં ઘણો સમય ચવાઈ થઇ ગયો હતો. અતિથિને થતું હતું કે,આ પીવાનું પાણી હાથ ધોવામાં વેડફાઈ રહ્યું છે. તેમાં પાછો ઉદઘોષક સર્વજ્ઞાતા માફક ખાસ્સો સમય લઇ રહ્યો હતો. બફાટ વચ્ચે સમયનો આવો બગાડ અસહ્ય હતો. અને અતિથિને બોલવાનો વારો આવ્યો ત્યારે ઘડિયાળમાં બાર વાગી ગયા હતા. વળી સંચાલકની પણ અમુક પ્રકારની અપેક્ષા હતી.પણ બધું એક બાજુ મૂકી વાલી-વિદ્યાર્થીઓને ઉપદેશ નહીં પણ આદર્શ પૂરું પડે એવું દ્રષ્ટાંત આપવું...તેમાં મહાત્મા ગાંધીથી વિશેષ બીજું કોઈ વ્યક્તિત્વ હોય ન શકે...તેવું સમજી, સ્વીકારી ને મનુબહેન ગાંધીની કલમે લખાયેલો પ્રસંગ પ્રસ્તુત કરતા કહ્યું હતું : ગાંધી બાપુ હમેશાં સ્વચ્છતા ઉપર ખૂબ ધ્યાન આપતા હતા. વસ્તુ અસ્વચ્છ થઈ હોય તો સામા માણસને વારંવાર ટોકવાને બદલે પોતે કાર્ય વડે જ બીજાને સ્વચ્છતાનો પાઠ ભણાવતા હતા.

એક પ્રસંગે મનુબહેન લખે છે : નોઆખાલીમાં રસ્તા પગદંડીના નાનકડા હતા. કોઈ કોઈ રસ્તો તો એટલો સાંકડો હોય કે મને પાછળ રાખીને બાપુ એકલા જ પગદંડી પર ચાલી શકે. એથી મારો ટેકો ન મળે એટલે બીજી તરફ ટેકા માટે એમને લાકડી રાખવી પડે. ગમે ત્યાં ગંદકી હોય તે બાપુને બહુ ખૂંચતું. ખુલ્લા પગે એમને એવા ગંદા રસ્તા પર ચાલવું પડતું. મળ, થૂંક, કચરો, ઇત્યાદિ પડેલાં હતાં તે બધું આજુબાજુથી પાંદડાં લઈ પોતે સાફ કરવા લાગ્યા. હું થોડી વાર આભી જ બની ગઈ.

મનુબહેને બાપુને ગુસ્સામાં કહ્યું : બાપુજી, આપ મને શા માટે શરમાવો છો? હું અહીં પાછળ હતી, છતાં મને કહેવાને બદલે આપે સાફ કેમ કર્યું? એના જવાબમાં બાપુજી હસ્યા ને બોલ્યા : તને ક્યાં ખબર છે કે મને આવાં કામો કરવામાં કેટલો બધો આનંદ આવે છે? હું કહું એના કરતાં કરી નાખું તેમાં મને કેટલી ઓછી તકલીફ પડે? મનુબહેનનું કહેવું હતું : પણ આ ગામના લોકો જોઈ રહ્યા છે!

બાપુનો જવાબ હતો : તું જોજે, આવતી કાલથી આવા ગંદા રસ્તા મારે સાફ નહીં કરવા પડે, કારણ આ ઉપરથી બધાને પાઠ મળશે કે આવું કામ કરવું એ હલકું કામ નથી.

‘માનો કે ફક્ત કાલ પૂરતું સાફ કરે અને પછી જેમ હતું તેમ જ ગંદું રહેશે તો આપ શું કરશો?’ એટલે ઊલટાનાં બાપુએ મનુબહેનને પકડ્યાં હતા : હું તને જોવા મોકલીશ અને ફરી આવો ગંદો રસ્તો હશે તો હું સાફ કરવા આવીશ. સાચે જ એવું બન્યું. બીજે દહાડે હું જોવા ગઈ તો રસ્તો ગંદો હતો.પણ બાપુને કહેવા ન જતાં હું જ સાફ કરીને પાછી ફરી. બાપુને કહ્યું : હું રસ્તો સાફ કરીને આવી મારી સાથે ગામના લોકો પણ ભળ્યા હતા અને આજે તો વચન આપ્યું છે કે આવતીકાલથી તમે ન આવશો, અમે પોતે જ સાફ કરીશું. બાપુ કહે : તેં મારું પુણ્ય લઈ લીધું, એ રસ્તો મારે જ સાફ કરવો હતો, પણ થયું. હવે બે કામ થયાં :એક તો સ્વચ્છતા જળવાશે અને બીજું લોકો આપેલું વચન પાળશે તો સત્યતા શીખશે. અને એ રસ્તો હંમેશને માટે સાફ રહ્યો. આટલું કહ્યા પછી અતિથિવિશેષ એકાદ બે પળ માટે બોલતા અટકી, શ્રોતાઓ અને સ્ટેજ પર બિરાજમાન સર્વ મહાનુભાવો પર આછડતી નજરનો સાવરણો ફેરવી લીધો. 

પછી આગળ બોલ્યા: ‘સ્વચ્છતા અંગે આપની સંસ્થાને એવોર્ડ પ્રાપ્ત થયો.અભિનંદન પાઠવું છું. પણ હવે આપ સૌની સાચી જવાબદારી શરુ થાય છે. સ્વચ્છતા એક દિવસ પૂરતી મર્યાદિત ન હોય. આજે જે સમગ્ર ગામ, રસ્તા અને આ સંસ્થા સ્વચ્છ છે.. તે હવે કાયમી જળવાઈ રહેવા જોઈએ. આવા એવોર્ડ કે પારિતોષિક એ પ્રોત્સાહક હોય છે, અને તેનું ગૌરવ ને ગરિમા જાળવવાનું આપ સૌના હાથમાં છે.’

સંચાલકથી સહેવાયું નહીં. તેમને બરાબર લાગી આવ્યું હતું. વળતા દિવસે, સૂરજનું પહેલું કિરણ ફૂટે તે સાથે જ હાથમાં સાવરણો લઇ, જાતે સફાઈ કરવા લાગ્યા હતા.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો