ભાતીગળ ભીડને ચીરતી તે સ્ત્રી લગોલગ આવીને ઊભી રહી હતી.પછી ઊંડી ઊતરી ગયેલી આંખો વડે તદ્દન હળવાશથી ઓળખનો ઓળીપો કરી લીધો હતો.

એકાદ પળ અટકી તેના પાકી કેરી જેવા મોં પર મરકલું પાથરીને અદકા ઉમળકાથી પૂછ્યું હતું: `મોટા માણસને અમારી ઓળખાણ તો આજ લગી શેની રહી હોય?' ડીજેના કાન ફાડી નાખે એવા ઘોંઘાટ વચ્ચે નાનજીએ સાંભળ્યું નહીં, પણ કોઈ સામે આવી ઇરાદાપૂર્વક ઊભું રહ્યું છે ને એ પણ એક સ્ત્રી છે, તેથી તે એકદમ સભાન થઈ ગયો.

એક જ નજરમાં સ્ત્રીને પગથી માથા લગી સડસડાટ કરતી નીરખી લીધી. મુખાકૃતિ સાથે તેનાં રંગ-રૂપ જોતાં થયું હતું, ભલે જર્જરિત ઈમારત જેવી લાગે, પણ ભૂતકાળ ભવ્ય ને ભભકાદાર હશે!

તે સામે ઊભી મરક મરક હસતી હતી ને નાનજી પોતે દયામણો થઇ ભોંઠપ અનુભવતો હતો.

પાછોતરો પોષ માસ કડકડતી ટાઢ લઈને આવ્યો હતો. જનજીવન લગ્નના માહોલથી લથબથ હતું.

`ઓળખાણ નથી પડીને?' કહ્યા પછી કહેનારીનું મોં બગડી ગયું હતું. ગોળમટોળ ગાલ સંકોચાયા હતા અને કપાળ પર કરચલીઓ ઊપસી આવી હતી. તે જોઈ નાનજી અવઢવમાં ઝૂલવા લાગ્યો હતો. એક તો કાન પડ્યું કાંઈ સંભળાતું નહોતું. સાજનમાજનની ગમતી-અણગમતી ભીડ હતી. વરઘોડો નાચણપીંજણના લીધે તસુભાર પણ આગળ વધતો ન હતો. જેના લીધે અકળામણ કરતાં ગભરામણ વધારે થતી હતી. નાનજીને આ રંગીલા ને ઉત્સાહી માહોલમાંથી બહાર નીકળી ખુલ્લી જગ્યામાં ઊભા રહેવું હતું. એકાદવાર પ્રયાસ કર્યો ત્યાં કોઈએ બાવડું ઝાલી અંદર ખેંચી કહ્યું હતું: `એલા, ફૂલેકામાં કાં'ક રૂપિયા ઉડાડ્ય, આઘો ભાગ્ય છો તે.' નાનજીને આ રૂપિયા ઉડાડનાર લોકો પર દયા ઊપજી અને સાથે હસવું પણ આવ્યું હતું. તે મનોમન બોલી ગયો હતો: `આમ નોટોનો વરસાદ વરસાવવો તે હરખ છે કે નર્યો દેખાડો છે.'

પણ બદલાતા સમયની રૂખ પારખી તેની સામે નહીં, પણ સાથે ચાલ્યા વગર છૂટકો નહોતો.

ભીડના લીધે સ્ત્રી પાછળ હટવાના બદલે આગળ હડસેલાઇ ને બેઉ રીતસરનાં અથડાઇ ઊઠ્યાં. સ્ત્રીએ તક ઝડપી નાનજીનું બાવડું પકડી બહાર નીકળવાનું કહ્યું. તેને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યા જેવું થયું હતું.

થોડી ખુલ્લી ને મોકળાશવાળી જગ્યાએ આવીને બેઉ ઊભાં રહ્યાં હતાં. પછી `તમે કોણ?' એવું પૂછવા નાનજીની જીભ સળવળે તે પહેલા જ સ્ત્રી માંહ્યલી પીડાને પંપાળતાં બોલી ગઈ હતી: `હા, પણ ઓળખાણ ક્યાંથી પડે?' પછી લાગતું જ બોલી ગઈ હતી: `ને એવા કારણ વગર ઓળખાણ શું કરવા પડે?'

નાનજીને સમજાઈ ગયું હતું, આ કોઈ છીછરા જળની માછલી નથી લાગતી ને તેનો ઘાવ પણ ઊંડો ને એટલો જ ભૂંડો લાગે છે. તે ખિસ્સામાં કોઈ જણસ શોધતો હોય એમ મનને ફંફોસવા લાગ્યો હતો, પણ સ્ત્રીએ જ કહી દીધું હતું: `બે દાયકા પહેલાં આપશ્રી મને કન્યા જોવા નિમિત્તે મારા ઘેર પધાર્યા હતા.'

નાનજીના દિમાગમાં ધડાકો થયો હતો. તન-મન ધણધણી ઊઠ્યું હતું. તેણે એટલી જ ઉતાવળ અને કટૂતાથી સંભળાવી દીધું હતું: `ને આપશ્રીએ મને નોકરી મળે પછી આવજો એવું કહી કાઢી મૂક્યો હતો, બરાબરને? નાનજીને પગથી માથા લગી ઝાળ લાગી ગઈ હતી. તે વેળાનું અપમાન યાદ આવતાં શરીર પરનાં રૂંવાડાં અવળાં થઇ ગયાં હતાં. મોં બગડી ગયું હતું અને હોઠે આવી ગયું હતું: `હવે તેનું શું છે તે આમ સામે આવી યાદ કરાવે છે.' પણ નાનજીનું કહેવું સાંભળી સ્ત્રી આખી ધ્રૂજીને હલબલી ગઈ હતી. તે દુઃખ ને આક્રોશ સાથે બોલી ઊઠી હતી: `ત્યાં જ તમારી ભૂલ થાય છે, મિસ્ટર એન.ડી. સાબોલિયા.'

નાનજીના વાંસામાં સટ્ટાક કરતો ચાબૂક વીંઝાયો હોય એવું થઇ આવ્યું હતું. ક્યાંક કશુંક છૂટી-તૂટી ગયું હોય અથવા ગેરસમજ થયાનું પળના પા ભાગમાં લાગી આવ્યું હતું. બેઉ સપડક થઇ ગયાં હતાં.

ઠંડીએ ઉચાળા ભરી લીધા પછી ત્યાં તડકો પોતાનાં પાથરણાં પાથરવા લાગ્યો હતો. તેમાં ડીજેના છાતી બેસી જાય એવા પડછંદા, ફૂટતા ફટાકડાની ધણધણાટી ને ઊડતી ધૂળના લીધે રંગીલો માહોલ ખરડાવા લાગ્યો હતો.

`મેં કાઢી મૂક્યા નો'તા ખાલી ટકોર કરી'તી.' સ્ત્રી થોડી કડવાસ અને વિષાદથી બોલી ગઈ હતી.

ત્યારે નાનજી ગ્રેજ્યુએટ થઇ ગયો હતો, પણ નોકરી મળી નહોતી, પણ ઘરમાં બહેન-ભાઈનો લગ્નપ્રસંગ એકસાથે ઉકેલવાનો હોવાથી નાનજીની નોકરી પહેલાં છોકરી લાવવાની મા-બાપની ગણતરી હતી.

`ટકોર પણ શું કરવા?' આવું બોલી ગયો હતો પણ ખાસ સ્પષ્ટ થયું નહોતું, તેથી નાનજીના બગડી ગયેલા મોં પરથી હોઠે ઊગી આવ્યું હતું: `પણ હવે તેનું શું છે? ગઇ તિથિ તો ગોર પણ ગણતા નથી.'

`મેં માની લીધું.' સ્ત્રી થોડીવારે બોલી ગઇ હતી, `હતું કે નોકરી મળ્યા પછી તમે પાછા આવશો.'

પણ પછી કંઈ બોલ્યા વગર બેઉ પાછાં વરઘોડોમાં સામેલ થઇ ગયાં હતાં.