કોઈ પુરુષ રાજકીય વિચારધારાઓના કે આધ્યાત્મિકતાના ઊંચા ખયાલોમાં ડૂબેલો રહે અને પછી જો એવી ફરિયાદ કરે કે હું નવા ક્રાંતિકારી વિચારોને મનમાં જન્મ આપવાની પ્રસૂતિ-પીડા વેઠું છું. પરંતુ મારી પત્નીને તેની કશી પરવા જ નથી, ત્યારે સ્વાભાવિક છે કે પત્ની ભડકવાની જ.

રશિયન લેખક ટોલ્સ્ટોયની પત્ની સોફિયા તેના પતિની આ પ્રકારની ફરિયાદથી ભડકેલી. એનું કહેવું હતું કે તમે હવાઈ પ્રસૂતિ-પીડાનાં ગાણાં ગાવાનું રહેવા દો. તમે મનોમન પ્રસૂતિ કરો છો, જ્યારે હું તો વાસ્તવિક પ્રસૂતિની પીડા વેઠીને તેર-તેર સંતાનોને જન્મ આપી ચૂકી છું. આખો દિવસ હું ઘરગૃહસ્થીનો જે ઢસરડો કરું છું, બાળકોને ઉછેરું છું, કામમાંથી જરાય નવરી નથી પડતી, એનું કંઈ નહીં?

પતિ જીનિયસ હતો અને પત્ની જીનિયસની સેવા-શુશ્રૂષા અને આળપંપાળથી થાકી રહી હતી. લગ્નનાં ચાલીસેક વર્ષ બાદ 1902ના માર્ચ મહિનામાં સોફિયાએ ડાયરીમાં લખ્યું: `પ્રત્યેક જીનિયસ એના પરિવારના જીવતા-ધબકતા સભ્યો કરતાં ક્યારનાય મરી ચૂકેલા ફિલોસોફરો સાથે વધુ ગાઢ નાતો ધરાવતો હોય છે. (પણ એ તો સમજો કે) જીનિયસને જમાડવો પડે, નવડાવવો પડે, એને કપડાં પહેરાવવાં પડે. (અમારા ઘરના) જીનિયસનાં લખાણોને અસંખ્ય વાર (મારે) ફરી ફરી લખવાં પડે. જીનિયસની માનસિક શાંતિ કોઈ પણ પ્રકારની ઇર્ષ્યાથી (મારી પત્ની મારા કરતાં ફલાણાં-ઢીકણાં કામ કે વ્યક્તિને વધુ મહત્ત્વ આપે છે એવી અકળામણથી) ડહોળાઈ ન જાય એનું સતત ધ્યાન રાખવું પડે અને પછી આ જીનિયસના બીજથી પેદા થયેલાં ઢગલાબંધ બાલબચ્ચાંઓને જમાડવાનાં, ભણાવવાનાં એ બધું તો ખરું જ. એ બધાં કામોમાં જીનિયસને ન જોતરી શકાય. જીનિયસ પોતે બાલબચ્ચાંઓની સારસંભાળમાં જોડાઈ ન શકે, કારણ કે એ તો જોડાયેલો હોય (સદીઓ જૂના વિચારક મહારથી) એપિક્ટેટસ સાથે, સૉક્રેટિસ સાથે, બુદ્ધ સાથે. જીનિયસ તો એ બધા જેટલો મહાન બનવામાં ડૂબેલો હોય.'

આ લખાણમાં જબરી ચાબૂકો મારી છે સોફિયાએ ટોલ્સ્ટોયને.

સોફિયાની આ વેદના ઓછી હોય તેમ લગ્નના બે-ત્રણ દાયકા બાદ સોફિયાને પતિ સામે એવી પણ એક ફરિયાદ જાગવા લાગી કે પતિ પાછળ ઘસાઈ છૂટવાને કારણે એની પોતાની પ્રતિભા પૂરતી ન નિખરી શકી.

અઢારની ઉંમરે સોફિયા મહાન લેખક ટોલ્સ્ટોયને પરણીને એક મુગ્ધ નવોઢા તરીકે આવી ત્યારે તો એ પોતે જ માનતી હતી કે એનામાં કશી ટેલેન્ટ નહોતી અને પતિ ટેલેન્ટનો ભંડાર હતા, પરંતુ લગ્નના બે-ત્રણ દાયકા બાદ સોફિયાને લાગ્યું કે ટેલેન્ટ તો એના પોતાનામાં પણ પડી હતી, પરંતુ પતિને લીધે એ ટેલેન્ટ ક્યારેય બહાર જ ન આવી શકી.

આ મુદ્દો સોફિયાએ પોતાની ડાયરીમાં આ રીતે નોંધ્યો છેઃ `હું લગભગ ચાલીસેક વર્ષથી જીનિયસની (પતિ ટોલ્સ્ટોયની) સેવા કરતી રહી છું. આ સમયગાળા દરમિયાન મેં મારી અંદર બૌદ્ધિક સર્જકતાને સળવળતી અનુભવી છે. અનેક પ્રકારનાં અરમાનો જેવા કે, મારું ભણતર આગળ વધારવું, સંગીત અને કળાના પ્રેમને પોષવો એ બધું મારી અંદર સળવળતું રહ્યું અને હું એને કચડતી રહી. હવે જિંદગી ઝાઝી બચી નથી ત્યારે લાગે છે કે છેવટ સુધી મારે તો જીનિયસની સેવામાં જ પરોવાયેલા રહેવાનું છે. (જોકે) લોકો મને પૂછ્યા કરે છે કે મારા જેવી પ્રતિભાવિહોણી સ્ત્રીએ બૌદ્ધિક અને કળાત્મક જીવનના ધખારા શા માટે રાખવા જોઈએ? આ સવાલના જવાબમાં હું આટલું જ કહી શકું: મારાં અરમાનો શાંત કેમ નથી થઈ રહ્યાં એની તો મને ખબર નથી, પણ એટલું હું જાણું છું કે જીનિયસની સેવામાં પોતાનાં અરમાનો કચડવાં પડે એ બહુ દુઃખદ સ્થિતિ હોય છે. એ એક જુલમ હોય છે.'

વિચાર કરો, લગ્નના શરૂઆતના ગાળામાં પતિ જ્યારે વૉર એન્ડ પીસ જેવી ઑલટાઈમ ગ્રેટ નવલકથા લખી રહ્યા હતા ત્યારે પતિને પૂરા ઉત્સાહ-ઉમંગથી માનસિક, શારીરિક અને બૌદ્ધિક સાથ આપી ચૂકેલી આ પત્ની સોફિયાને પછી આગળ જતાં પતિ સાથેની બૌદ્ધિક પાર્ટનરશિપ તો જાણે આગલા ભવની કોઈ ઘટના હોય એટલી જૂની અને દૂરની લાગે છે. અત્યંત દૂર જતા રહેલા પતિ સાથે હવે કોઈ નવી બૌદ્ધિક સહયાત્રા ખેડી શકાય એવી કોઈ શક્યતા પણ પછી સોફિયાને નજરે નહોતી ચડી રહી.

ટોલ્સ્ટોય-સોફિયાના સંબંધના અત્યાર સુધીમાં નોંધેલા કોમ્પ્લિકેશન્સ ઓછાં હોય તેમ એમના સંબંધનું એક વધુ પેચીદું પાસું હતું, તેમનો જાતીય સંબંધ. પતિ બીજી બધી રીતે ભલે દૂર જતો રહેલો, પરંતુ એની જાતીય ઇચ્છાઓ મોટી ઉંમર સુધી પ્રબળ રહેલી અને એના કારણે આમ બધી રીતે વિખૂટાં પડી ચૂકેલાં પતિ-પત્ની વખતોવખતે ગાઢ રીતે સંકળાતાં પણ હતાં. પતિ-પત્ની વચ્ચે બીજી કોઈ સક્રિય પાર્ટરનશિપ ન બચે અને કેવળ ફિઝિકલ પાર્ટનરશિપ જ રહી જાય એ મુદ્દે લગ્નનાં 29 વર્ષ પછી સોફિયાએ એક દિવસ ડાયરીમાં નોંધ્યું: `હું મારી જાતથી અત્યંત નારાજ છું. લ્યોવોચ્કાએ (ટોલ્સ્ટોયએ) આજે સવારે ઉત્કટ ચુંબનોનો વરસાદ વરસાવીને મને જગાડી. એક સૌથી અક્ષમ્ય ગણી શકાય એવા વ્યભિચારમાં હું તણાઈ અને એ પણ આ ઉંમરે. મને મારી જાત પર ભારે શરમ ઊપજી રહી છે. મને પાપ કર્યાની લાગણી થઈ રહી છે. બહુ ખરાબ લાગી રહ્યું છે મને. છતાં આ મામલે હું કશું જ નથી કરી શકતી. એવું નથી કે હું કોશિશ નથી કરતી. (શારીરિક નિકટતા ટાળવાની) કોશિશ તો હું કરું છું. કેવો વિચિત્ર માણસ છે મારો પતિ. રાતે અત્યંત મોટો ઝઘડો કર્યા બાદ સવારે ઊઠીને એ મને કહે છે કે એ મને ખૂબ ચાહે છે. એણે સંપૂર્ણપણે મારી શરણાગતિ સ્વીકારી લીધી હતી અને એનું કહેવું હતું કે આવી લાગણી (આવો પ્રેમ) શક્ય હોય છે એની તો એને અગાઉ ખબર જ નહોતી, પણ આ આખી વાતના કેન્દ્રમાં શારીરિકતા જ હતી. એની વાસનામાં હું પણ તણાઈ જાઉં છું, પણ નથી તણાવું મારે. મારી અંદરની સમગ્ર નૈતિકતા આની (પ્રેમની સ્થૂળતા) સામે ચિત્કાર કરે છે. આ બધું નહોતું જોઈતું મને ક્યારેય. મેં તો આખી જિંદગી જોયાં હતાં રૉમેન્ટિક સપનાં. હું ઝંખતી હતી એક પરફેક્ટ જોડાણ, આધ્યાત્મિક એકત્વ. આ (શરીરકેન્દ્રી પ્રેમ) નહોતો જોઈતો મને. હવે તો જિંદગીનું સંધ્યા ટાણું આવી ગયું છે અને મારામાં જે કંઈ સારું હતું એમાંનું મોટાભાગનું મરી પરવાર્યું છે. મારા આદર્શો મરી ચૂક્યા છે.'

આ સ્ત્રી સોફિયા છે અને એનો પતિ જગતનો મહાન લેખક ટોલ્સ્ટોય છે, એ બધી વાતો ભૂલીને કેવળ એ વાત પર ફૉકસ કરવા જેવું છે કે પ્રૌઢાવસ્થાએ પહોંચેલી એક સ્ત્રીની આદર્શ પ્રેમની તલાશનો અંત કેવો

જાલિમ હતો! (ક્રમશઃ)