ચંદુ ચાવાળાની દુકાને આજે ચહલપહલ હતી. કોઈ ન્યૂઝ ચેનલવાળા આજે ત્યાં શૂટિંગ કરવા આવ્યા હતા. વાત એમ હતી કે ચાર જિગરજાન, લંગોટિયા મિત્રો દિનેશ, મિનેષ, તનસુખ અને વિનોદ ઉર્ફે દીનિયો, મીનિયો, ટીનિયો અને વીનિયો છેલ્લાં 25 વર્ષથી સતત, લાગલગાટ, વિધાઉટ બ્રેક ચંદુની દુકાને દરરોજ રાત્રે 9 વાગ્યે ચા પીવા આવતા.
બે કલાક બેસી બે-બે કપ ચા પી અગિયાર વાગ્યે ઘરે પાછા જતા. એમના આ અતૂટ સિલસિલાની આજે રજત જયંતી, સિલ્વર જ્યુબિલી હતી. ટીવી ન્યૂઝ ચેનલવાળા સુધી આ વાત ફરતી-ફરતી ઊડતી- ઊડતી પહોંચી ગઈ હતી. આમેય ન્યૂઝ ચેનલવાળા કોઈક અવનવા અનોખા ન્યૂઝની ખોજમાં હોય જ છે. એટલે આ `ઇન્ટરેસ્ટિંગ' ન્યૂઝ મળતાં જ એમણે આ ચારેય મિત્રોનો કોન્ટેક્ટ કર્યો અને પછી `ઘટના સ્થળે' એટલે કે ચંદુ ચાવાળાની દુકાને ન્યૂઝ ચેનલવાળા આ મિત્રોનો ઇન્ટરવ્યૂ કરવા માટે કેમેરા લઈને ધસી આવ્યા.
ટીવી ચેનલના રિપોર્ટર સામે દીનિયો, મીનિયો, ટીનિયો અને વીનિયો પ્લાસ્ટિકના સ્ટૂલ પર ગોઠવાયા. ચાની ચૂસકી ભરતાં એમની વાતો અને શૂટિંગ શરૂ થયું. ખૂબ ગર્વથી ચારેય જિગરજાન દોસ્તોએ જણાવ્યું કે છેલ્લાં 25 વર્ષથી ગમે તેવા સંજોગોમાં, કંઈ પણ થતું તો પણ એ લોકો ચંદુની દુકાને આવી ચા પીવાનું એક વાર પણ ચૂક્યા નથી. ચંદુ અને એનો સ્ટાફ દુકાનની પાછળની ઓરડીમાં જ રહેતા હતા એટલે એની દુકાન ક્યારેય બંધ નહોતી રહેતી અને એ કારણે આ દોસ્તોએ પણ અહીં આવવામાં ક્યારેય ખાંચો નહોતો પાડ્યો. ઘણી વાર ખૂબ જ ધમધોકાર વરસાદ પડતો હોય ત્યારે `ઢીંચણ સમા' નીરમાં પણ એ લોકો અહીં આવી ચા પી ગયેલા એવું `ઇતિહાસ'માં નોંધાયેલું છે. એમાંથી કોઈ માંદું પડ્યું હોય તો રિક્ષામાં બેસીને આવીને ચા પીવાનો ક્રમ એમણે જાળવી રાખેલો. પોતપોતાનાં લગ્નના દિવસે પણ એ `સૂટ-બૂટ' પહેરેલી હાલતમાં પણ ચા પીવા આવેલા. મૂળ તો ચા પીવાની સાથે એ ચારેય મિત્રોને એકબીજાને મળવાની પણ આદત પડી ગયેલી. બંધાણ થઈ ગયેલું એટલે એ લોકો બહારગામ જવાનું `અવોઇડ' કરીને પણ અહીં આવી જતા હતા. એક વાર તો દીનિયો પડી ગયેલો અને એને પગે ફ્રેક્ચર થયેલું ત્યારે મીનિયો એના બનેવીની ગાડી લઈ આવેલો, એમાં દીનિયાને નાખી એ ચારેય અહીં ચા પીવા આવેલા એવું ચંદુ ચાવાળાએ પણ કન્ફર્મ કર્યું. ચારેય મિત્રોની આવી અતૂટ અને પ્રગાઢ મૈત્રીની ગાથા ન્યૂઝ ચેનલવાળા શૂટ કરી રહ્યા હતા. ત્યાં ચેનલના રિપોર્ટરે ચારેય જણાને રાજકારણ વિશે ચર્ચા કરવા કહ્યું.
દીનિયાએ ચર્ચાનો આરંભ કરતાં કહ્યું, `જુઓ, આપણા દેશમાં લપક અને ઝપક એમ બે મુખ્ય પક્ષો છે, પણ મારા મતે તો લપક જ બેસ્ટ છે.' મીનિયાએ વિરોધ કરતાં કહ્યું, `ના ભૈ ના, એવું કંઈ નથી. ઝપક પક્ષ જ જોરદાર છે .' ટીનિયો પણ ચર્ચામાં કૂદ્યો, `અલ્યા, લપક પક્ષમાં બધા લબાડ ભરેલા છે' આ સાંભળી વીનિયાએ પણ વાતમાં ઝંપલાવ્યું ને બોલ્યો, `ઝપક પક્ષમાં તો બધા જંગલીઓ છે.' મીનિયાએ વિરોધ નોંધાવ્યો, `અલ્યા, લપકમાં તો બધા લેભાગુ ને લુચ્ચાઓ છે. એને લીધે તો લોકોની પથારી ફરી ગઈ છે, એટલે લપકવાળાને તો લાફા મારવા જોઈએ.' એના રિએક્શનમાં દીનિયો તાડૂક્યો, `ઝપકમાં તો જડભરતો છે. ઝપકવાળાને ઝાપટો મારવી જોઈએ.' આ વાતથી ટીનિયો ગિન્નાયો ને મોટેથી બરાડ્યો, `ઓ ભૈ, લપક પાર્ટીવાળા એક નંબરના જુઠ્ઠા છે. ખોટા ખોટા વાયદાઓ કરી જનતાને વર્ષોથી ઉલ્લુ બનાવે છે.' વીનિયાએ અકળાઈને કહ્યું, `પ્રજા ઝપક પાર્ટીવાળા લૂંટારાઓને બરાબર ઓળખી ગઈ છે એટલે હવે જનતા ઝપકને જાકારો આપશે.' દીનિયાએ વીનિયાની વાતમાં સૂર પુરાવ્યો કે, `જોવા જેવી થવાની, ઝપક પાર્ટી જવાની.' તો એની સામે મીનિયા અને ટીનિયાએ પણ સૂત્ર પોકાર્યું, `પબ્લિક એમને મારશે.
લપક પાર્ટી હારશે.' અને પછી તો દીનિયા-વીનિયા અને મીનિયા-ટીનિયા વચ્ચે રાજકીય ચર્ચા રાડારાડીમાં ફેરવાઈ ગઈ. ચારેય જિગરજાન મિત્રો `તું-તારી' કરી એકબીજાને ગાળો ભાંડવા માંડ્યા. થોડીવાર પછી તો એમણે એકબીજાની ફેંટો પકડી, કોલ2 ખેંચ્યા, ધક્કામુક્કી થઈ. વાત `હાથાપાઈ' સુધી પહોંચી ગઈ. ચંદુ ચાવાળો દોડ્યો અને ચારેય મિત્રોને અલગ પાડ્યા. એકબીજાથી અપમાનિત થયેલા મિત્રો ક્યારેય એકબીજાનું મોઢું ન જોવાના સોગંદ ખાઈ ત્યાંથી જતા રહ્યા. રાજકારણની ચર્ચાના કારણે 25 વર્ષની મિત્રતા 25 મિનિટમાં તૂટી ગઈ. ટીવી ચેનલવાળા મીડિયાવાળાને મોજ પડી ગઈ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો