છેલ્લાં બેએક વર્ષથી ફેક લગ્ન યોજવાનું ચાલુ થયું છે. ફેક લગ્નો શરૂ થયાં એના પહેલાં દસેક વર્ષથી એ ટ્રેન્ડ તો ચાલુ થયો જ હતો.
કોઈ પણ `મોટી પાર્ટીનાં' લગ્ન હોય અને એ લગ્નમાં શરીક થવું હોય એટલે કે એ લગ્નમાં હાજર રહેવું હોય તો પૈસા આપીને ભાગ લઈ શકાતો. મોટાં મોટાં લગ્નોનું અથથી ઈતિ સુધીનું આયોજન મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ કરતી હોય છે. એ જ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓએ એક્સ્ટ્રા ઇન્કમ માટે આ રસ્તો પણ અપનાવવાનું ચાલુ કરેલું જે હજુ સુધી ચાલુ હશે. વિદેશીઓને ભારતીય લગ્નવિધિમાં બહુ રસ હોય છે. ઇન્ડિયન વેડિંગ એટેન્ડ કરવા માટે તો જેનાં લગ્ન થતાં હોય એના નજીકના સંબંધી હોય એ પહેલી શરત છે, પણ વિદેશીઓ કોઈ રાજસ્થાનીનાં સગાં હોય એ સંભાવના ઓછી છે. માટે પ્રોફેશનલ વેમાં જિજ્ઞાસુ વિદેશી પાસેથી આખા લગ્નનું પેકેજ બુક કરાવવામાં આવે અને એ વિદેશી દોસ્તો કે વિદેશી ફેમિલીને ભારતીય લગ્નમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવે. મોટાં શહેરોમાં કે મોટા મેરેજીસમાં આ વ્યવસાય ફૂલ્યોફાલ્યો છે. એટલાથી સંતોષ ન થતાં બેએક વર્ષથી નવો જ નુસખો શરૂ થયો છે કે શું કામ કોઈનાં લગ્નની રાહ જોવી.
લગ્નનાં સારાં મુહૂર્ત તો નવેમ્બર-ડિસેમ્બરમાં આવે. પછી કમુરતાં બેસે. નવા વર્ષે બે-ત્રણ મહિના એટલે કે વસંતઋતુમાં પણ ખૂબ લગ્ન આવે ને પછી વરસાદની સીઝનમાં ખાસ લગ્ન હોય નહીં. ધંધો કરવા માટે પંચાંગના સહારે બેસવું પડે એ તો વળી કેવી મજબૂરી ! એના કરતાં સરખું બુકિંગ થાય તો નવાં લગ્નો જ સર્જી કાઢો. કોઈ કાયદેસર દુલ્હો નહીં કે કોઈ દુલ્હન નહીં, બાકી બધું જેમ હોય તેમ જ. લગ્નની બધી જ વિધિઓ. લગ્નમાં વર પક્ષ અને કન્યા પક્ષ પણ હોય. લગ્નનાં ગીતો પણ ગવાય. ફટાણાં પણ ગવાય. સંગીત સંધ્યા પણ થાય. મેંદી પણ બધા મૂકે. ગુજરાતી હોય તો ગરબાનો પ્રોગ્રામ પણ થાય. એકબીજાને પીઠી પણ ચોળે. જમણવાર પણ થાય. બધા પરંપરાગત પોશાકમાં સજ્જ થાય. જાનનું આગમન પણ થાય અને કન્યા પક્ષની વિદાય પણ થાય. બેન્ડવાજાંવાળાને પણ બોલાવવાના. ઢોલના તાલે નાચવાનું પણ ખરું. ફોટોઝ પણ લગ્નની સ્ટાઇલમાં પડે. જેને હાર પહેરવા હોય એ હાર પણ પહેરે. સાફો તો બધા જ બાંધે. ભાંગડા નૃત્ય પણ થાય અને એકબીજાને મીઠું મોઢું પણ કરાવવાનું. લગ્નમાં જે પણ કંઈ થાય એ બધું થાય, પણ લગ્ન કોઈનાં નહીં.
ફેક વેડિંગ અને એ ફેક વેડિંગમાં ભાગ લેવો હોય તો મોટી ફીઝ ચૂકવવાની. ભારતીય લગ્ન સમારંભનો આનંદ મેળવવા માટેનો આ વ્યવસાય પણ અમુક શહેરોમાં ખૂલ્યો છે. વિવાદ પણ થયા છે કે આ આપણી પરંપરાની મજાક ઉડાડી રહ્યા છે. સાથે આવા ફેક ફંક્શનમાં હાજર લોકોને પૂછતાં એમણે ફાયદા પણ ગણાવ્યા છે કે આવા ફેક વેડિંગ ફંક્શનનો ફાયદો એ કે અહીં કોઈ માસી કે ફૂવા મોઢું ચડાવીને ફરતા નથી.
અત્યારે લગ્નની ભરચક સીઝન ચાલુ છે. કમુરતાં પૂરતો બ્રેક લાગીને જાન્યુઆરી અને ફેબ્રુઆરીના વસંતોત્સવમાં પણ ખૂબ બધાં લગ્ન થશે. અત્યારે ઉદયપુરમાં કોઈ બિલિયોનરના વેડિંગમાં જેનિફર લોપેઝથી લઈને ઘણી ભારતીય હસ્તીઓ જોવા મળી. કોઈ બિલિયોનર શબ્દપ્રયોગ એટલા માટે કર્યો કે સામાન્ય જનતા માટે એ અજાણ્યું નામ હતું અને ખાસ્સા સમય સુધી ઇન્સ્ટાગ્રામ પર એમના નામને બદલે બિલિયોનર્સ વેડિંગ એવું જ કેપ્શન મુકાતું હતું. ગયા વર્ષે અંબાણીએ વેડિંગ ઓફ ધ સેન્ચુરી કરીને ભારતના મીડિયા અને સોશિયલ મીડિયાને બે અઠવાડિયાં સુધી એન્ગેજ રાખેલા. એ સિવાય કોઈ પણ ક્રિકેટર કે રાજકારણી કે અભિનેતાનાં લગ્ન થતાં હોય ત્યારે બેથી ત્રણ દિવસ સુધી સમાચારોમાં એનાં લગ્નની જ વાત ચાલતી હોય છે. કયા ડિઝાઇનરે આઉટફિટ ડિઝાઇન કર્યાથી લઈને કોને કોને આમંત્રણ મળ્યું હતું એ રાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બની જાય છે.
બાય ધ વે, ગુજરાતી યુવતીઓ પણ લેહંગા શબ્દ બોલતી થઈ ગઈ છે, પણ એ ગુજરાતી શબ્દ નથી. આપણા ગુજરાતીમાં તો કન્યાનાં કપડાં માટે બહુ સુંદર શબ્દો છે - પાનેતર અને ઘરચોળું. ભારતીય લગ્નવિધિ છેલ્લા દાયકાઓમાં વિશ્વપ્રસિદ્ધ થઈ છે. ભારતનાં લગ્ન સમારંભમાં જે નાટ્યતત્વ છે તે ભાગ્યે જ બીજી સંસ્કૃતિના વિવાહની વિધિમાં હશે. વળી, દરેક રાજ્ય કે દરેક કોમની અલગ અલગ લગ્નવિધિ. માટે ભારતીય પરંપરા મુજબનાં લગ્ન થાય તે પ્રત્યે આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. વળી, કોઈ પણ વિધિ લાઈવ પ્રવૃત્તિ હોય તેનો આનંદ મ્યુઝિયમમાં માણી શકાય નહીં. જે રિવાજના સાક્ષી બનવા માટે લોકો લાખો રૂપિયા આપવા માટે તૈયાર હોય એ બધા રિવાજો અને વિધિઓ વચ્ચે આપણે ઉછર્યા છીએ.