આપણો દેશ વિશાળ છે અને જીવન વૈવિધ્ય પણ એટલું જ છે. એ કારણે વાનગીઓનો પણ રસથાળ છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીના વિશાળ દેશમાં પરંપરાગત વાનગીઓ પણ અનેક સ્વાદ અને સુગંધમાં મળે છે, પરંતુ કેટલીક વાનગીઓ એવી વિચિત્ર છે કે આપણે ભારતમાં છીએ કે ચીનમાં એ સવાલ હાથ પર ચીમટો ખણીને પૂછવો પડે!
એમ તો ઉંદર, સાપ કે ગરોળી જેવા જીવોમાંથી બનેલી વાનગીઓ ચીનીઓ જ ખાય એવું ભલે આપણે માનતા હોય, પરંતુ આપણે ત્યાં પણ અનેક વિચિત્ર વાનગીઓ બને છે. એમ છતાં સ્વાદરસિયાઓને એ મનપસંદ વાનગીઓ છે. જોકે, એ વાનગીઓ વિશે જાણીએ તો તમે માંસાહારી હોવ તો પણ ઊબકા આવી જાય એવું બની શકે, પરંતુ રસિયાઓ ટેસથી એ આરોગે છે. એવી વાનગીઓની શરૂઆત ચટણીથી કરીએ. સામાન્ય રીતે ધાણા કે લસણ જેવી ચીજોથી આપણે ત્યાં ચટણી બનતી હોય છે. એ ખરું કે વાનગીમાં જીવતા જંતુઓ પડી જાય તો ઘણા લોકો ભોજન પડતું મૂકી દે છે, પણ છત્તીસગઢમાં તો છપરા તરીકે ઓળખાતી ચટણી કીડીમાંથી જ બનાવાય છે. લાલ કીડીઓ અને તેમના ઈંડાંમાંથી ચટણી બનાવવામાં આવે છે ને વળી એ ચટણી સજાવવા માટે જીવંત લાલ કીડીઓને ઉપરથી ભભરાવવામાં આવે છે.
ચટણીની વાત કરી તો સલાડ પણ જોઈએ જ ને?
મેઘાલયમાં દોહ ખલીહ નામનું સલાડ ખૂબ જ જાણીતું છે. લોકો ટેસથી તે આરોગે છે. આ સલાડ એટલે ડુક્કરના માંસ અને ડુંગળીમાંથી બનાવવામાં આવે છે. જીભના ચટાકા હોય તો તેમાં લીંબુ અને ટામેટાં પણ નાંખવામાં આવે છે ને વળી સુશોભન કરવા માટે ડુક્કરનું મગજ પણ મૂકવામાં આવે છે. મેઘાલયની જ વાત નીકળી છે, તો ત્યાંનું જાડોહ પણ ખૂબ જ લોકપ્રિય વ્યંજન છે. આ વાનગી જયંતિયા જાતિમાં ખૂબ જ લોકપ્રિય છે. એમ તો પુલાવ જેવી જ એ ચોખાની વાનગી છે, પરંતુ તેમાં ઘી કે તેલને બદલે ડુક્કર અથવા ચિકનના લોહીનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત નહખામ પણ મેઘાલયના ગારો સમુદાયની પ્રિય વાનગી છે. તે સૂકી માછલી, શાકભાજી અને રાખમાંથી બનાવવામાં આવે છે. સ્વાદમાં તો નોનવેજિટેરિયનોને ગમી જાય, પણ ગંધ એવી કે માથું ફાડી નાંખે! મહખામમાં કંઈક સડી ગયું હોય તેવી ગંધ આવતી હોય છે.
ઉત્તર પૂર્વના નાગાલેન્ડમાં તો માંસાહારીઓ પણ અનેક પ્રાણીઓના માંસનો ઉપયોગ કરતા હોય છે. નાગાલેન્ડના આદિવાસી સમુદાયોમાં કરોળિયા, ડુક્કર, જંતુઓ અને હાથીના માંસમાંથી બનેલી વાનગીઓ લોકપ્રિય છે. જોકે, મિઝોરમ અને મણિપુરમાં કૂતરાના માંસની વાનગીઓ મળતી હોય છે. વિચિત્ર વાનગીઓમાં એરી પોલુ વાનગીને પણ ગણતરીમાં લેવી પડે. આસામમાં રેશમના કીડાઓની માંગ વધુ છે. રેશમ બનાવવા માટે નહીં, પણ `એરી પ્રજાતિ'ના રેશમના કીડાઓમાંથી એરી પોલુ વાનગી બનાવવામાં આવે છે. તેઓ તેમના કોકુન બનાવ્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે આથો વાંસની ડાળીમાંથી બનેલા ખોરીસા સાથે પીરસવામાં આવે છે.
ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં જ વિચિત્ર વાનગીઓ ખવાય છે એમ ન માનતાં ગોવામાં પણ એવી વાનગીઓ લોકપ્રિય છે. માંસાહારની વાત કરીએ ત્યારે લેગ પિસ શબ્દ ખૂબ જ ચલણમાં જોવા મળે છે. ચિકનના લેગ પિસ એટલે કે પગની ખાસ ડિમાન્ડ હોય છે, પરંતુ સિક્કિમનો લેપ્ચા સમુદાય તળેલા દેડકાના પગ ખાય છે. અહીં તેનું ઔષધીય મૂલ્ય પણ છે. તેને ખાવાથી મરડા અને પેટ સંબંધિત બીમારીઓમાં રાહત મળી શકે છે. ગોવામાં પણ દેડકાના લેગ પિસની માંગ છે. ગોવા તેના બિચ અને બિયર માટે ખાસ જાણીતો છે. એ ઉપરાંત તેની વિચિત્ર વાનગીઓ પણ જાણીતી છે. સરપોટેલ શબ્દ તો જાણે કોઈ પોર્ટલનું નામ હોય એમ લાગે. વાસ્તવમાં એ એક વાનગી છે. સરપોટેલ ડુક્કરના આંતરિક અવયવોમાંથી બનાવવામાં આવે છે. વિદેશીઓ ટેસથી આરોગતા જોવા મળે છે. એ જ રીતે એક ખાસ કરી ગોવામાં ખૂબ લોકપ્રિય છે. આ કરી દરેક રેસ્ટોરાંની સ્ટાર વાનગીઓમાં ચોક્કસ મળશે. ભલે તે ખૂબ મોંઘી હોય, પણ સ્થાનિક લોકોમાં તે પ્રિય છે. બેબી શાર્ક માછલીમાંથી આ કરી બનાવવામાં આવે છે.
એમ લાગે કે માંસાહારમાં જ વિચિત્ર વાનગી મળતી હોય એમ તમને લાગે તો ઉત્તર પૂર્વમાં એક વિચિત્ર શાકાહારી વાનગી પણ ખૂબ જ લોકપ્રિય છે. ફાન પુટ્યુટ તરીકે જાણીતી આ વાનગી સડેલા બટાકામાંથી બનાવવામાં આવે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો