જાણીને નવાઇ લાગશે કે વ્હેલ માછલીઓનું પણ કબ્રસ્તાન હોય છે. થોડા સમય પહેલાં હિંદ મહાસાગરમાં અંદાજિત 1200 કિમી.ના વિસ્તારમાં ફેલાયેલા `ડાયમેન્ટિના જોન'માં આ કબ્રસ્તાન જોવા મળ્યું છે. અહીં વ્હેલ માછલીઓ પોતાનું શરીર ત્યાગી દે છે. વૈજ્ઞાનિકોના એક અંદાજ પ્રમાણે હિંદ મહાસાગરમાં આ ભાગ અંગ્રેજી વી આકારમાં એક મોટી ખાઇ સમાન છે. જ્યાં મૃત્યુ પામેલી કરોડો વ્હેલ માછલીઓના મૃતદેહ ભેગા થાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે અહીં લાખો વર્ષ જૂની વ્હેલ માછલીઓનાં હાડપિંજર જોવા મળી રહ્યાં છે, તેથી તેને દુનિયાનું મોટું `વ્હેલનું કબ્રસ્તાન' તરીકે ઓળખવામાં આવે છે. અહીં કેટલાક જીવાશ્મ પણ મળ્યા છે જે અંદાજિત 50થી 53 લાખ વર્ષ જૂના છે! આ સમગ્ર શોધખોળ ચીનના વૈજ્ઞાનિકોએ `ફેન્ડોજે' નામની એક નાની સબમરીન દ્વારા કરી હતી. નોંધનીય છે કે, વૈજ્ઞાનિકોએ વર્ષ 2023થી અત્યાર સુધી અહીં 32 વાર ડૂબકી મારીને વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને દુનિયા સમક્ષ મૂક્યો છે. આ સમગ્ર વિસ્તાર ઓસ્ટ્રેલિયાના પશ્ચિમમાં હિંદ મહાસાગરના વિસ્તારમાં 1200 કિમી. સુધી ફેલાયેલો છે. અત્યાર સુધીમાં રોબોટિક આર્મની મદદથી મૃત વ્હેલના 500થી પણ વધુ હાડપિંજર એકત્ર કરાયાં છે અને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.  


ઘેટાં-બકરાં ચરાવવાની નોકરી કરવી છે?

હજી થોડા દિવસ પહેલાં જ મહારાષ્ટ્રમાં વાંદરાંઓ પકડવાની નોકરી બહાર પડી હતી. ગત સપ્તાહે ચીનમાં માત્ર ઘેટાં-બકરાં ચરાવવા માટેની નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં માત્ર 48 કલાકમાં જ 1000થી પણ વધુ એપ્લિકેશન આવી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, તેમાં ઘણા લોકો તો યુનિવર્સિટી ગ્રેજ્યુએટ તો કેટલાક અંડર ગ્રેજ્યુએટ હતા. મૂળ આ નોકરી ઉત્તર ચીન પાસેના ઇનર મંગોલિયા ક્ષેત્રના એક ઘેટાં ફાર્મ માટેની હતી. જોકે, ત્યાં માત્ર બે જ વ્યક્તિની જરૂરત હતી, જેમાં નોકરી સાથે રહેવા-ખાવાનું ફ્રી! પ્લસ મોબાઇલ એન્ટરટેઈનમેન્ટ માટે વાઇ-ફાઇની સુવિધા પણ ફ્રીમાં આપવાની હતી. ઘેટાં-બકરાં ચરાવવા માટેનો માસિક પગાર 16 હજાર યુઆન (અંદાજિત 1.9 લાખ રૂપિયા) નક્કી કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ નોકરી સમજીએ છીએ તેવી સરળ નથી. તેમાં 3000 ઘેટાં-બકરાંને ચરાવવાથી માંડીને તેને ખવડાવવાનું અને તેની ગણતરી રાખવાની હોય છે. ઘેટાં-બકરાં ચરાવવાનો વિસ્તાર અંદાજિત 50 ચોરસ માઇલ (129. ચો. કિમી./32000 એકર જમીન) છે. જોકે, ફાર્મ માલિકે એક દંપતીને આ નોકરી સોંપી દીધી છે તેથી હવે તમે અપ્લાય ન કરતા.

પોલીસે મરઘાંઓને પણ જેલમાં પૂરી દીધાં!

ઉત્તર પ્રદેશના બરેલીમાં એક ચોંકાવનારો કેસ થોડા દિવસ પહેલાં જોવા મળ્યો હતો. અહીં પોલીસે આરોપીઓની સાથે સાથે મરઘાંઓને પણ જેલમાં પૂરી દીધાં હતાં. જે લોકોને જુગાર રમવો હોય છે તે કોઇ પણ રીતે જુગાર રમી લેતા હોય છે. તેઓ ઘણીવાર ઘેટાંઓની લડાઇમાં તો ક્યારેક મરઘાંઓની લડાઇમાં પણ જુગાર રમી નાખતા હોય છે. મૂળ આખી ઘટના એમ હતી કે, ભોજીપુરા પોલીસ સ્ટેશનને જાણ થઇ હતી તે તેમના પોલીસ સ્ટેશનની હદમાં કેટલાક લોકો મરઘાંઓની લડાઇ પર જુગાર રમી રહ્યા છે, તેથી તેઓએ તાબડતોબ જુગારવાળી જગ્યા પર પહોંચીને 7 મરઘાં અને તેના માલિક ઉપરાંત અન્ય છ લોકોની ધરપકડ કરી હતી. તેમજ ત્યાંથી રોકડાં 2910 રૂપિયા પણ જપ્ત કર્યા હતા. આ તમામ આરોપીઓ પર જુગાર અને પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ મુજબ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે જે મરઘાંઓને જેલમાં પૂરી રાખ્યાં હતાં તે ત્યાં પણ લડાઇ કરતાં હતાં અને તેમના શોરબકોરે આખું પોલીસ સ્ટેશન ગાંડું કરી નાખ્યું હતું.


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: